તવારીખની તેજછાયા

સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ચગ્યો, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધીને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી.

પ્રકાશ ન. શાહ

વાત અલબત્ત ૨૬મી જૂન ૧૯૭૫થી ૨૦૨૫ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં ૧૯૬૩ની ૨૬મી જૂન યાદ કરી: તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (૧૯૬૧ અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે ૧૫૫ કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પ. બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે. વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ ૧૯૬૩માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

૧૯૯૦માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું ૧૯૮૫માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પ. જર્મનીનાં ટીવી પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ એક બુઝુર્ગ જર્મને જોકે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટીવી કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ… બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે… યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. ૨૦૦૧માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી.

એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી ૨૦૦૯-૨૦૧૭નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’ (સેમ્યુઅલ હંટિંગ્ટન, ૧૯૯૬)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઈતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે. ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.