વિમલાતાઈ

જીવનનો મહાયજ્ઞથી આગળ

અમદાવાદમાં અમે ઠરીઠામ થવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં તેવામાં  મારી નાની બહેન દમુની દીકરી શાન્તાનાં લગ્ન નીકળ્યાં. લગ્નમાં હાજરી આપવા અમે ભાવનગર જિલ્લાના એક ગામે ગયાં. લગ્નસમારંભ પતી ગયા પછી દમુનાં સાસરિયાંમાંના એક સગાએ મને કહ્યું, “તમે સૌરાષ્ટ્રમાં મકાન ખરીદો. પાંચ હજારમાં તો મોટો બંગલો મળી જશે.”

તેમની વાત સાંભળી હું ભાવનગર મકાન જોવા ગઈ. મને તેમણે ઘણાં મકાન બતાવ્યાં. તેમાંનો એક બંગલો મને ઘણો ગમી ગયો. બંગલો મોટો હતો, અને તેમાં સાત આંબા અને કેટલાંક અન્ય ફળનાં વૃક્ષ હતાં. તેમાં રહીને પણ હું પેટાભાડૂત રાખી શકું તેમ હતું, અને ભાડાના સો રૂપિયા આવે તેમ હતું. મેં આ મકાન લેવાનું નક્કી કર્યું. પૈસાની વ્યવસ્થા કરવા અને પરિવારના બધા લોકોનો આ બાબતમાં વિચાર લેવા

હું અમદાવાદ ગઈ. મારી પાસે “એમની” ગ્રેચ્યુઈટીના ફક્ત ત્રણ હજાર રૂપિયા હતા, જ્યારે મકાનની કિંમત હતી પાંચ હજાર. મારી પાસે હવે મારાં ઘરેણાં વેચવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. મેં “એમના” એક ખાસ મિત્ર હતા, તેમની સલાહ લીધી. તેમણે કહ્યું, “હાલ સોનાનો ભાવ સારો ચાલે છે. હું પોતે પણ અમારી પાસેનું સોનું વેચવાનો છું.” મેં ઘરના બધા લોકોની સંમતિથી મારાં બધાં ઘરેણાં અને ચાંદીનાં વાસણ વેચ્યાં. સોનું ૬૨ રૂપિયે તોલાના ભાવે વેચ્યું ત્યારે ૩૦ તોલાના મને રૂ. ૧૬૬૨, અને ચાંદીના વાસણના રૂ. ૪૦૦ મળ્યા, એમ પાંચ હજાર રૂપિયા પૂરા થયા. હવે મારી પાસે એક રતીભાર સોનું રહ્યું નહિ.

ખેર. એવામાં ભાવનગરથી પત્ર આવ્યો કે મકાનનો સોદો પતાવવા તરત આવી જાવ. બધાની સંમતિ લઈને મેં ભાવનગર જવાનું નક્કી કર્યું. ભાવનગરમાં ઘણી સસ્તાઈ હતી અને ઘર પણ ઓછાં ભાડાં
પર મળી જતાં હતાં. આથી મકાન વેચાતું લેવાય ત્યાં સુધી ભાડાની ઓરડીમાં રહેવાનું નક્કી કર્યું.
ભારતના આઝાદી દિન – ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે મેં ભાવનગર જવા પ્રયાણ કર્યું.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com