મારો અફસોસ..
નીલમ હરીશ દોશી
જયાં બરફ પડતો હોય, ત્યાં હું તાપણું થાઉ
એ મારી અંગત તરસ છે.
સુ.દ.
પ્રિય દોસ્ત,
તું ઘણીવાર બધાને કહેતો ફરે છે કે હમણાં મારો સમય સારો ચાલતો નથી. હમણાં પનોતી ચાલે છે. મારા કોઇ કામ હમણાં સીધા ઉતરતા જ નથી. શું ધાર્યું હોય અને શું થઇ જાય છે કંઇ સમજાતું નથી.વગેરે વગેરે..વાતો કરી નિષ્ક્રિય બનીને સારા સમયની પ્રતીક્ષામાં બેસી રહે છે.કે પછી કોઇ કહેવાતા જયોતિષી પાસે દોડતો રહે છે.
અને દોસ્ત, ત્યારે એ જોઇને હું બહું વ્યથા અનુભવું છું. તું આવા કોઇ ચક્કર, આવી કોઇ માન્યતામાં ફસાઇને બેસી રહે એ મને કેમ ગમે ? દોસ્ત, સમય કદી ખરાબ કે સારો નથી હોતો.સારા કે ખરાબ આપણે પોતે કે આપણા કર્મો હોય છે. જે ભોગવવાના હોય છે. બાકી કોઇ સમય કદી એકધારો રહેતો નથી. સુખ, શાંતિના દિવસો હોય કે પીડા, મુશ્કેલીના દિવસો હોય, બેમાંથી કોઇ દિવસો કોઇના રોકયા રોકાતા નથી કે કોઇના કહેવાથી ચાલ્યા નથી જતા. જે સમય સામે છે એનો સ્વીકાર એ જ સાચો રસ્તો છે. હસીને સ્વીકાર કે રોદણાં રોઇને. જે અનિવાર્ય છે એનો ખેલદિથી સ્વીકાર થવો ઘટે. એમાં જ તારી શોભા અને તારું ગૌરવ છે. તારાથી અનેકગણા દુખી લોકો વિશ્વમાં છે. એના કરતા તો તારી પરિસ્થિતી અનેકગણી સારી છે જ ને ? તો પછી દુખી થવાને બદલે નિષ્ઠાપૂર્વક સંજોગોને બદલવાનો બદલવાનો પ્રયાસ કરવો રહ્યો અને સંજોગો ન બદલી શકાય તો સ્વીકારીને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરવાની.
દોસ્ત, મને કદીક અફસોસ પણ થાય છે કે માહિતીના યુગમાં તમે ક્રાન્તિ કરી છે એની ના નહીં. પણ વિચાર, સંવેદના, માનવસંબંધો આ ઝડપની આંધીમાં કયાં અને કયારે ખોવાઇ જાય છે એ સમજાતું નથી. પોતાની જાતની દોસ્તી તૂટી છે, સ્વના ઉંડાણમાં જવાનું બનતું નથી. એકી સાથે અનેક ઘોડે ચડવું છે. જિંદગી પર ભાર વધતો જાય છે, ખાલીપણુ માથુ ઉંચકતું જાય છે, એની તરફ આંખ આડા કાન કરવાના પ્રયત્નો તરીકે શોપીંગનો ક્રેઝ વધતો રહે છે. જરૂર હોય કે ન હોય ગાંડાની જેમ ખરીદી કરીને ક્ષુલ્લ્ક આનંદ મેળવવાનો પ્રયાસ તું કરે છે. અને ખુશ થયાના ભ્રમમાં રહીએ છીએ. આ દુષ્ચક્ર આખરે કયાં સુધી ?
દોસ્ત, તું પારકાને ઓળખતા હોવાનો દાવો ચીપિયો પછાડીને કરતો રહે છે પણ તારી જાતને તું ઓળખે છે ખરો ? કે એવો પ્રયાસ પણ કદી કર્યો છે ખરો ? કદીક્સ શાંતિથી બેસીને તારી જાત વિશે વિચાર કરે છે ખરો ? પ્રામાણિક જવાબ આપીશ ?
લિ. તારો જ ઇશ્વર
પ્રાર્થના એટલે છલોછલ જીવન શક્તિ, તર્કની પેલે પારનો પ્રદેશ.
જીવનનો હકાર
દુ:ખના પર્વત પરથી ઇશ્વરને ઉત્તમ માનવ મળે છે.
