સરયૂ પરીખ
“અનેક વર્ષ પછી પણ મને ખટકે છે કે એ બાળકીને હું મારી પાસે રાખી ન શકી. એ આજે કેવી હશે!” મીનુના અવાજમાં કરૂણ સંવેદના ભરી હતી.
અમારી ઓળખાણ અંગ્રેજી ભાષાના અભ્યાસના બહાને થઈ, જે તરત જ મિત્રતામાં પરિણમી. ભારતમાં શ્રીમંત પિતાની પુત્રી મીનુના સોળ વર્ષની ઉંમરે, ૨૬ વર્ષના ડોક્ટર સાથે લગ્ન થયા હતા. દરેક કામમાં કુશળ અને આજ્ઞાંકિત મીનુનું જીવન સુખી હતું. પતિના અવસાન પછી, છાસઠ વર્ષની મીનુ છએક વર્ષ પહેલાં અમેરિકા આવી, તેની બે દીકરીઓની નજીક પોતાનું ઘર લઈ અમારા ટેક્સાસના ગામમાં સ્થાયી થઈ હતી.
“કઈ બાળકીની વાત?” મારી પ્રશ્નાર્થ નજરના જવાબમાં મીનુએ વાત કરીઃ
“આ ચાલીસેક વર્ષ પહેલાની વાત છે. મારા પતિ ભારતમાં ડોક્ટર હતા. મધ્યપ્રદેશમાં અમારા વિસ્તારમાં તેઓ એક જ anesthesiologist હોવાથી આજુબાજુના ગામોની હોસ્પિટલમાં એમને વારંવાર જવું પડતું.”
એક દિવસ બાજુના ગામથી આવીને મારા પતિ કહે કે, “આજે એક કરૂણ ઘટના બની. એક સારા ઘરની સ્ત્રીએ ચોથી દીકરીને જન્મ આપ્યો. આ બાળકીના જન્મ પછી, એક ગરીબ બાઈએ છોકરાને જન્મ આપ્યો. શ્રીમંત દંપતીએ ધમાલ કરી કે બાળકો બદલ્યા છે અને છોકરો અમારો છે. પણ, તેમની કારી ફાવી નહીં તો…બાળકીને હોસ્પિટલમાં છોડી જતાં રહ્યાં.” મને જાણે કોઈએ હથોડો માર્યો હોય તેવી હું વિહ્વળ થઈ ગઈ.
મેં કહ્યું, “અરે! હવે એ બાળકીનું શું થશે?” તો મારા પતિએ કહ્યું કે, “અનાથ આશ્રમમાં મૂકી દેશે.”
મેં વિનતિ કરી, “તમે જાણો છો કે એવી સંસ્થાઓમાં બાળકોની દશા કેવી થાય છે? આપણે બાળકીને લઈ આવીએ અને હું આપણી બે મહિનાની દીકરી સાથે તે અનાથને ઉછેરીશ.”
“ના.” હંમેશની જેમ…મારા પતિનો નિર્ણય અંતિમ હતો અને મારા ઘણા આગ્રહ છતાં, હું એ બાળકીને અમારા ઘરે લાવી શકી નહીં. પુરુષપ્રધાન સમાજમાં મીનુનો અવાજ દબાઈ ગયો.
મીનુને દુઃખી જોઈ હું બોલી, “ચાલ હું તને એક સરસ વાત કહું. એ સમયે હું ભારત ગઈ હતી અને ભાઈના ઘરની મહેમાન હતી. એક દિવસ રસોડામાં, તેમનાં ઘરકામ કરનાર ઊર્મિલાની પૌત્રી સાથે છ વર્ષનો છોકરો રમી રહ્યો હતો.
મેં બહાર જઈ ભાભીને પૂછ્યું, ‘આ ઉર્મિલાની પૌત્રી સાથે મજાનો છોકરો રમે છે…તે કોણ છે?”

“એ ઊર્મિલાના ભાઈનો છોરો, મોહન, ગામડેથી આવ્યો છે.” ભાભી આગળ બોલ્યા, “અરે! તેની પાછળ રસપ્રદ વાત છે. તેના ભાઈના લગ્ન પછી તેમને બાળકો નહોતા થતાં. એક દિવસ ઊર્મિલાની બા વગેરે ગામડાની હોસ્પિટલમાં દીકરીની પ્રસુતિ અંગે રાહ જોતા બેઠાં હતાં. ત્યાં હોસ્પિટલમાં વાત ચાલી કે કોઈ બાઈ નવા જન્મેલા છોકરાને મૂકી નાસી ગઈ. નાના ગામડામાં સમાજ-સંસ્થા નહોતી કે વ્યવસ્થા કરી શકે. ઊર્મિલાના બા અને ભાઈએ ડોક્ટર પાસે બાળકને સંભાળવાની માંગણી કરી. ડોક્ટરે કાગળીયા કરી આ છોકરાને સોંપી દીધો. જુઓને…ઊર્મિલાના ભાઈ-ભાભી અને પરિવાર મોહનને મેળવી બહુ ખુશ છે”
મીનુ બોલી, “આ તો સરસ વાત. દીદી, આગળ જતા એ ત્યજ્ય બાળકી વિશે વધુ વિગતો જાણવા મળી.”
મીનુએ આગળ વાત કરી. “વર્ષો વીત્યા…મારી દીકરી કોલેજમાં ભણતી હતી. રજાઓમાં તેની ખાસ બેનપણી નેહાને લઈને અમારે ઘેર આવી. મને કહે “મમ્મી! નેહાની મમ્મી, આશાઆન્ટી તમારાં જ ગામના છે.”
મીનુ કહે, “હાં, અમે એક શાળામાં ભણતા હતા.”
નેહાએ પોતાના લગ્નમાં મીનુ અને પરિવારને આમંત્રિત કર્યા. નેહાના લગ્નમાં ખુશી ખુશી તેના માતા-પિતાને મીનુ અને તેના ડોક્ટર પતિ મળ્યા. તો બીજી જ ક્ષણે, તે યજમાન પતિ-પત્નીના ચહેરા પર શરમ ફરી વળી અને મીનુના પતિ ગુસ્સે થઈ એક તરફ જતા રહ્યા, મીનુ તેમની પાછળ દોડી.
ડોક્ટર કહે, “મીનુ! તને પેલી ત્યજાયેલી બાળકીની વાત યાદ છે ને? તે આ જ જોડી, તારી મિત્ર આશા અને તેના પતિએ છોકરાની માંગણી કરી હતી.”
ઘરે જતા પહેલાં, મીનુ આશા પાસે ગઈ અને બોલી, “તું તારી જાત સાથે કેમની જીવી શકે છે?”
“રોજ મરી મરીને.” દર્દીલા અવાજ સાથે આશા બોલી. “ચોથા બાળકના જન્મ પહેલાં, અમારા સાધુબાવાએ ખાતરી આપી હતી કે છોકરો જ થશે. અમારી અંધશ્રદ્ધા અને મારા પતિની સખ્તાઈ સામે હું એ નબળી ઘડીમાં ન લડી શકી,”
મીનુ દયાથી જોઈ રહી. આશા બોલી, “મેં ખાનગીમાં તપાસ કરી તો જાણ્યું કે ત્રીજે દિવસે એક પરદેશી દંપતી મારી બાળકીને દત્તક લઈ ગયા હતા.”
માનવતા અને પ્રમાણિકતા વ્યક્તિની શ્રીમંતાઈ કે ગરીબી પર આધારિત નથી. અંધશ્રદ્ધા અને રૂઢિવાદના નેજા હેઠળ માનવ ક્રૂર કર્મ કરે છે…
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
