દક્ષા વ્યાસ
(પગલાં જળનાં)
એમણે
ખાખી વર્દીવાળાઓએ
પકડી લીધો હતો
બંધ કર્યો’તો કોઇ કમરામાં.
કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી
લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.
વિચાર્યું’તું
લઈ જઈશ સાડી સરસ મઝાની
માને માટે.
સમજાતું નથી
કામ કરવામાં ખોટું શું છે ?
સૌ કામ તો કરે છે !
બાપા લારી ખેંચે છે
મા વાસણ ચમકાવે છે
ભોલો ચાની લારી પર.
કામ કરશું નહીં તો ખાશું શું ?
માએ કહ્યું’તું
’મહેનતની રોટી ખાજે બેટા !’
મહેનત તો કરતો’તો
એમાં ખોટું શું કર્યું ?
માની વાત
કદી ખોટી હોઈ શકે ખરી ?
