પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક હતું જંગલ. બધા જંગલની જેમ આ જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહેતાં હતાં. એમાં સહુથી વધારે સસલાં. સફેદ, ભૂખરા, સસલાંના ઝુંડ ને ઝુંડ જંગલમાં ફર્યા કરે.
જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું. એને આ કુણા કુણા સસલાં બહુ ભાવે. આમ તો એ સસલાને દોડવામાં પહોંચી ન વળે, પણ લાગ મળે ત્યારે સસલાને પકડીને ઓહિયા કરી જાય.
એનાથી બચવા માટે સસલાં જમીનની નીચે ઘર બનાવીને રહે. પણ એ લોકો ભૂખ્યા થાય ત્યારે ઘાસ ખાવા બહાર નીકળે. પેલું શિયાળ ત્યાં ટાંપીને બેઠેલું જ હોય. એ તરત જ તરાપ મારીને સસલાને પકડી લે. સસલાના રામ રમી જાય.
બધાં સસલાં આ શિયાળથી ત્રાસી ગયા હતા. પણ કરવું શું?
સસલાઓએ ખાવા પીવા માટે તો એમના ઘરની બહાર નીકળવું જ પડે ને? શિયાળ એટલું લુચ્યું હતું કે એ ક્યારે ક્યાં આવીને બેઠું હશે એની કોઈને ખબર ન પડતી.
દિવસે દિવસે સસલાંની સંખ્યા ઘટવા માંડી. એ જોઇને એક વૃદ્ધ સસલાને ઘણી ચિંતા થઇ. એને થયું કે આમ ને આમ ચાલશે તો અમે તો ખલાસ જ થઇ જઈશું.
એક વખત પેલું શિયાળ જંગલમાં દેખાતું ન હતું. એ કદાચ પોતાના ભાઈબંધને મળવા નજીકના બીજા જંગલમાં ગયું હતું ત્યારે વૃદ્ધ સસલાએ બધા સસલાંને એક મેદાનમાં ભેગા થવાનો આદેશ આપ્યો. દાદા સસલાના આદેશને માન આપીને જંગલમાં હતાં એ બધા સસલાં ડરતે ડરતે એ મેદાનમાં ભેગા થયા. શિયાળના ત્રાસને કેવી રીતે અટકાવવો એની ઘણી ચર્ચા થઇ. પણ કોઈને કોઈ ઉપાય સૂઝતો ન હતો.
છેલ્લે બધાં સસલાં જયારે ખૂબ નિરાશ થઈને બેસી ગયાં. ત્યાં એક નાનું સસલું ધીમેથી બોલ્યું, હું તો બહુ નાનું છું. પણ તમે બધા જો મને સાથ આપો તો હું એ શિયાળથી કાયમ માટે છૂટકારો અપાવી શકું.”
“તું?” “તું?” “અલ્યા ટેણીયા તું?” બધા સસલાં બોલવા માંડયા. ઘણાને તો હસવું પણ આવી ગયું. જયારે કોઈ કંઈ નથી કરી શકતું ત્યારે આ છોટીયું શું કરવાનું હતું હે?
દાદા સસલાએ બધાને શાંત રહેવાનું કહ્યું. એમણે કહ્યું, તલવાર જે કામ ના કરી શકે એ સોય કરી જતી હોય. આપણે છોટીયાને સાંભળીએ તો ખરા.’
છોટીયાએ સભાની વચ્ચે આવીને પોતે વિચારેલો ઉપાય બધાને જણાવ્યો. એ સાંભળીને સસલાં તો ખુશખુશાલ! એમને સમજાયું કે આમાં તો અક્કલથી આપણી આવડતનો ઉપયોગ કરવાનો છે. બીજું કંઈ
નહીં.
છોટીયાએ બતાવેલા ઉપાય પ્રમાણે બધા સસલાંએ ભેગા થઈને એક જગ્યાએ જમીનમાં ઊંડો ખાડો ખોદ્યો. પછી એમાં આરપાર નીકળી જવાય એવી સુરંગ બનાવી. હવે પેલું શિયાળ જંગલમાં પાછું આવી
ગયું છે એવું એમણે જાણ્યું ત્યારે એમણે એમની યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું.
યોજના પ્રમાણે પેલું બહાદુર છોટીયું શિયાળ જ્યાં બેઠું હતું ત્યાંથી પસાર થયું. શિયાળને તો એને જોઇને મોંમાં પાણી આવી ગયું. આમે ય ઘણા દિવસથી એને સસલું ખાવા મળ્યું ન હતું. આ તો પાછું નાનું નાનું
કોમળ સસલું!
“વાહ! યમ્મી! આજે તો મજ્જા જ મજ્જા’ એમ બોલતું શિયાળ છોટીયાની પાછળ દોડ્યું.
છોટીયું તો દોડતું દોડતું એને પેલી સુરંગ પાસે લઇ આવ્યું અને ગાવા માંડ્યું, “ શિયાળ ભાઈ, આવો આવો હવે મને ખાઓ ખાઓ’. ગાતું ગાતું સસલું સુરંગમાં પેસી ગયું.
દોડીદોડીને વધારે ભૂખ્યું અને વધારે ગુસ્સે થયેલું શિયાળ હવે તો આ સસલાને ખાવા ખૂબ ઉતાવળું થયું હતું. એ પણ એની પાછળ સુરંગમાં ઘૂસ્યું. પણ સુરંગ તો હતી સાંકડી. સસલું તો એમાં અંદર જઈને
આરામથી બીજી બાજુથી બહાર નીકળી ગયું. પણ શિયાળ અંદર ફસાઈ ગયું.
હવે આજુબાજુ સંતાઈને રહેલા બધાં સસલાં ત્યાં દોડી આવ્યા અને સુરંગના મોં પાસે ભેગી કરીને રાખેલી માટી અંદર નાખવા માંડયા. થોડી જ મીનીટોમાં સુરંગમાંથી બહાર નીકળવાના બંને રસ્તા બંધ!
શિયાળ તો અંદર એવું ફસાયું હતું કે જ્યાં હતું ત્યાંથી હાલી પણ શકતું ન હતું. એણે અંદરથી ઘણી બૂમો પાડી પણ એનું સાંભળે કોણ?
એ દિવસ પછી જંગલમાં શિયાળ દેખાયું નથી. કદાચ એ પેલી સુરંગમાંથી બહાર નીકળી શક્યું જ નહીં હોય. હવે બધાં સસલાં ત્યાં શાંતિથી રહે છે, ફરે છે, ઘાસ ખાય છે, લ્હેર કરે છે અને હા, છોટીયાની
ચતુરાઈ અને બહાદુરીના વખાણ પણ કર્યા કરે છે.
ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯
