અવલોકન

સુરેશ જાની

–  ૧ –

સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત? હા! એમ જ છે. લો જોઈ જ લો ને  –

તમે કહેશો- “અહો! આમ વાત છે. આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને?  અમદાવાદીને? આમાં એક જ સંદેશ

ત્રેવડ … કરકસર…

આજે સાબુની બચેલી પતરી બચાવો. એમ બને કે,  કાલે નહાવા સાબુ જ ન હોય.

  • ખોરાકની અછત
  • પાણીની અછત
  • ઉર્જાની અછત

કારણ?

  • વધતી જતી વસ્તી
  • કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
  • અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
  • જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
  • દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

માનવજાતના માથા પર
તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો,અચૂક અણસાર.

પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો ( કે, બીજા ગમે તે રંગના માથાનો), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડિયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે. પણ, આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો – પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.

–  ૨ –

સાબુની નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે. હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે.

સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

– 

 નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.   જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે; તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય – એમ પણ બને!

આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ/ ડી.એન.એ. જન્મતાંની સાથે આપણને આપી દે છે. જેમ જેમ મો ટાં થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઊમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે – આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ  આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા  સંસ્કારો થકી હોય છે.

એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો!

– 

       સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં તો ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી કાઢીને આ ફોટો પાડ્યો –

ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે. અથવા એમ દેખાય છે! જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય! આપણી નજર સામે માણસ દેખાય છે.એ માણસ હોય કે ન પણ હોય!  મોટા ભાગે આપણે રેપર – મહોરાં જ જોતાં હોઈએ છીએ. અને આપણે ખુદ પણ રેપર જ – અનેક મહોરાં જ.

બીજી રીતે કહીએ તો,  આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

– 

 બાથરૂમમાં જતાં સાબુ પર નજર ગઈ. ગયા શુક્રવારે જ નવો કાઢ્યો હતો. જૂનો કોણ જાણે ક્યાં હતો! પણ ગઈકાલે એ જૂનો સાબુ હાજર થઈ ગયેલો દેખાયો- નવા પર સવારી કરીને જ તો!   બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.    ચપટિક કે ચમચિક  પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

પાણીના કેટકેટલા ગુણ? જીવનને પ્રગટાવે, પોષે, વર્ધન કરે; અને નિર્જીવને પણ જોડે. એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે.  સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાબનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

भवतु सब्ब मंगलं


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.