દેવિકા રાહુલ ધ્રુવ
એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી જવાય એવી વાત. સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની. સાવ ખાલી ખુલ્લી જગા અને છતાં ભરીભરી. એક એક કણ પાસે મણમણની વાત.
ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની. થોડા વર્ષો પહેલાં જ એનું હૃદયંગમ વર્ણન સાંભળ્યું હતું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખૂબ શાતા વળી.
સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવાળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગીય સ્થળની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય, દરેકનાં પ્રિય ગીત/ભજન/કવિતા વાગતાં જાય. આહા..હા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતાંજોતાં ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનું મન થઈ આવ્યુ!
હા, તો થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યું. જળ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, પાર્વતી, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિશ્વના સર્જક બ્રહ્મા, સાથમાં લક્ષ્મીદેવી, પાલનહાર વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન સરસ્વતી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર, રાસરમૈયા નટખટ કૃષ્ણ, વંદનીય મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતાં ગયાં. મન શોકારહિત થતું જતું આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતાની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત, સુશોભિત દીવાલો.
આટલું જોતાંજોતાં અને ખરેખર તો સાચા અર્થમાં માણતાં જતાં જોયું કે,વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક શાયરે કહ્યું છે ને કે, “કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે!
વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારની મૂર્તિઓ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ‘ડીવાઈન’ દ્રશ્ય ઉભું કરે છે. સંગીતના સુમધુર ધીમા સૂરો તો સતત ચાલુ જ.
છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…
માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં સુધી, કેવીકેવી રીતે લઇ જાય છે ! માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે વળગેલો માણસ અંતે લાકડે ચઢી ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં ભીંત પર ટીંગાઈ જાય છે!
“રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”મૃત્યુ વિશે ઘણું લખાયું છે, ખૂબ સુંદર લખાયું છે પણ આવા જીવને લઈ જતાં મુક્તિધામો વિશે ઝાઝુ લખાયાનું જાણમાં નથી.
આ મુક્તિધામ એટલે કશાકમાંથી છૂટી જવાની જગા નથી. કોઈ બંધનથી પર થવાનું સ્થાન નથી. પણ સ્વમાંથી સર્વસ્વ કે સમષ્ટિને પણ પેલે પાર કશુંક હશે તેના તરફ આનંદપૂર્વક જીવને પ્રયાણ કરાવતી એક રમણીય જગા જેના હિંડોળે પ્રસન્નતાથી ઝુલવાનું મન થાય. પરમ શાંતિની કાલ્પનિક અનુભૂતિ કેવી આલ્હાદક! આમ તો ખાલી ખાલી છતાં ભરી ભરી લાગે!
પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ જગાની વાતો સાંભળીને, વિડીયો જોઈને મનને ખૂબ જ સારું લાગ્યું. આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, તેઓ તો નિયતિને કારણે થતા દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા વંદન.
એમ લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતાં સ્વજનો અને મિત્રોના હૃદયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતાંજતાં સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ. જો કે, વિશ્વનાં ઘણાં શહેરોમાં આવા મુક્તિધામો બંધાયા હોવાનું જાણવા પણ મળ્યું છે. ખાલી છતાં ભર્યુંભર્યું, શાંત મૌન સંકેતોના કોલાહલથી ગાજતું અને પડઘાતું આ સ્થાન, મુક્તિધામ.
ક્યાંક વાંચેલાં સરસ વાક્યો યાદ આવ્યાં.
“A Place Where Smiles Meet Tears. The long new journey begins here!” \
અને
“emptiness is not a state of nothingness, but a starting point for growth and fulfillment. ”
ખરેખર આ અજબ ખેલ માટે, મુક્તિના મુકામ માટે તો, એટલે જ કહેવાનું મન થાયઃ
અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી, તો ઘડી વહાલી લાગે.
ભરીભરી લાગે..
અસ્તુ…
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

આવું જ સ્મશાનગૃહ જામનગરમાં પણ ઘણા વર્ષો પહેલા બનાવેલું જે હજી અસ્તિત્વમાં છે.
LikeLike
હવે પછીની મુલાકાતમાં જવું જ પડશે – ચાલતાં – શબવાહિનીમાં નહીં !
LikeLiked by 1 person
https://www.youtube.com/watch?app=desktop&v=I2LmtyMcYLs
LikeLike