વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
ચોમાસું આપણું આગવું
પરેશ ૨. વૈદ્ય
ચોમાસું એ શબ્દશઃ આપણી જીવનદોરી છે. આપણી જિંદગી જોડે એ ચૂપચાપ વણાયેલું છે. તમે શહેરમાં રહેતા હો કે ગામડામાં, ખેતી કરતા હો કે ઉદ્યોગમાં રોકાયેલા હો કે પછી સમાજસેવક હો, ચોમાસાં જોડે તમને સંબંધ છે જ. કદાચ તમને જ તેની જાણ ન હોય તો પણ. સારાં અને ખરાબ ચોમાસાંનો તફાવત તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં, રોજેરોજ મળતાં પાણીના ક્વોટામાં અને છેવટે બજાર ભાવોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
આપણાં અસ્તિત્વના એક ભાગ જેવું આ ચોમાસું એક આશ્ચર્યકારક ઘટના છે તે વાત તરફ આપણું ધ્યાન નથી ગયું. એની મહત્ત્વની વિશેષતા એ છે કે તે માત્ર ભારતીય ઉપખંડની પ્રજા માટે કુદરતે સર્જેલી એક આગવી પ્રક્રિયા છે. વરસાદની એક જુદી ઋતુ બીજે નથી હોતી. યુરોપ કે અમેરિકામાં ‘ચોમાસું’ નામે કોઈ ઋતુ નથી. અંગ્રેજી શબ્દ ‘મોન્સૂન’ ખરું જોતાં અરબી શબ્દ “મૌસીમ“નો અપભ્રશં છે અને ચાર માસ જોડે તેને સંબંધ છે. આપણા દેશમાં પણ હવામાનશાસ્ત્રીઓ માટે ‘મોન્સૂન’ શબ્દનો એક ખાસ અર્થ છે જે નૈઋત્યમાંથી આવતા પવનોની ઓળખાણમાં વપરાય છે.
દુનિયામાં બીજા પણ બે પ્રદેશ છે જ્યાં આપણા જેમ વરસાદની જુદી ઋતુ હોય. પ્રશાંત મહાસાગરને પશ્ચિમ કિનારે ઈન્ડોનેશિયા-મલેશિયા વગેરે ટાપુઓનો સમૂહ અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં અમુક ભાગ એ એક પ્રદેશ. બીજો થોડો વિસ્તાર પશ્ચિમ આફ્રિકામાં છે જ્યાં નિયત સમયે વરસાદ થાય છે. સાથેનાં ચિત્રમાં વિશ્વના નકશામાં એ બતાવ્યા છે. આ બધા વિસ્તાર વિષુવવૃત્તની આસપાસ જ છે. આ મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વિશ્વમાં બીજે બધે વરસાદ તો છે પણ તેની જુદી ઋતુ નથી. કેટલાકને બારે માસ પાણી વરસે છે તો કેટલાકને નહીં જેટલું. વર્ષાને ચોક્કસ ટાઈમટેબલ કે દિશા પણ નથી.

આ કારણે આ ‘ખાસ’ ચોમાસાંનો આપણી જિંદગી જોડેનો તાલમેલ પણ એવો છે જે વિશ્વમાં બીજે નથી. એક રીતે એણે જાણે આપણી સંસ્કૃતિ જ ઊભી કરી આપી છે, જે આપણી આગવી છે. જેઠ મહિનાથી જ, કુટુંબમાં આવનારાં બાળકની જેમ આવનારાં ચોમાસાંના આકાર-પ્રકારની વાતો માત્ર ખેડૂતો જ નહીં પણ બધા કરવા લાગે છે. મકાનને રંગ કરવો હોય તો ચોમાસું પૂરું થવાની રાહ જોવાય છે અને અગાસીમાં ડામર તેનાથી પહેલાં લગડાવી દેવાની ઉતાવળ હોય છે. છાપામાં છત્રીની જાહેરખબરો મે મહિનાથી શરૃ થાય છે અને સપ્ટેમ્બર પછી દેખાતી નથી.
ગળતી છતને ઢાંકવા માટેનાં પ્લાસ્ટિકના તાકા અને વરસાદી બૂટ મુંબઈના ફૂટપાથ પર દેખાવા લાગે કે તરત દરેક જણ પોતાનાં માળિયાં પર આ ચીજોનો સ્ટોક છે કે નહીં તે વિચારી લે છે. શાણી સુધરાઈઓ ગટરો સાફ કરાવવાનું શરૃ કરે છે તો ગામડામાં સહકારી મંડળીઓ બિયારણની વહેંચણીનાં ટાઈમટેબલ ઘડવા લાગી જાય છે. આપણી એસ.ટી. બસોનું એક જુદું ચોમાસું સમયપત્રક છે ! એ ભલે આપણા રસ્તાઓની હાલતની ચાડી ખાતું હોય પણ બતાવે છે કે ચોમાસું આપણી વ્યવસ્થાનું એક અંગ છે. જૈન મુનિઓની જેમ ચાતુર્માસ ન પાળનારા પણ આ ચાર માસની લયમાં ચાલે છે. આ બધું કરતી વખતે એ ખ્યાલ આપણને નથી હોતો કે આ પળોજણ અને તેનો આનંદ કે ત્રાસ એ બધાં આપણાં આગવાં છે – લાખેણાં છે.
એટલે જ અષાઢને પ્રથમ દિવસે વાદળાંને પોતાના પ્રેમિકા માટે સંદેશો લઈ જવાની આજીજી કરતા યક્ષની કલ્પના વર્ડઝવર્થ કે કીટ્સ ને નહીં આવી, પણ આપણા કાલિદાસને આવી. એણે તો પોતાના ગામ રામટેક (મધ્યપ્રદેશ)થી છેક માનસરોવર સુધીનો મેઘનો યાત્રામાર્ગ પોતાનાં કાવ્ય ‘મેઘદૂત’માં દોરી કાઢયો છે ! આપણા એક બીજા કવિને થોડી જુદી અનુભૂતિ થઈ — તેણે ગાયું કે “મન મોર બની થનગાટ કરે.” હેમૂ ગઢવી અને કોરસે આ એવું તો ગાયું છે કે ઉનાળામાં સાંભળો તોય અષાઢ આવ્યો હોય તેવો થનગનાટ અનુભવાય છે.
|
હવામાન અને સંસ્કૃતિ યુરોપનાં નિરભ્ર આકાશને જોઈને ત્યાંના કવિઓએ બાળકો માટે લખ્યું: ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટર સ્ટાર, હાઉ આઈ વન્ડર વૉટ યુ આર.’ તો ચોમાસાંથી લથબથ આપણા શિક્ષણશાસ્ત્રીઓને આ ગીત વધુ યોગ્ય લાગ્યું: ‘આવરે વરસાદ, ગેબરિયો પરસાદ |
સમગ્રપણે જુઓ તો ચોમાસાંની ઘટનાએ આપણને એક અલાયદી સંસ્કૃતિ ઘડી આપી છે. આધુનિક સમયમાં રોજિંદુ પાણી ભલે નદીને બદલે નળમાંથી આવતું હોય પરંતુ કાવ્યથી માંડીને અર્થતંત્ર સુધી ચોમાસાંની છાપ છે તે નકારી શકાય તેમ નથી. એવું આ ચોમાસું કેમ ઉદ્ભવે છે અને એ આપણું આગવું કેમ છે તે જાણવાની ઉત્કંઠા થવી સ્વાભાવિક છે. આપણા દેશની ભૂગોળ – હિંદ મહાસાગર સામેનું તેનું સ્થાન – અને વિજ્ઞાનના સાદા સિદ્ધાંતોનાં સુભગ મિલનના કારણે આ થાય છે. આવતાં પ્રકરણોમાં એની રસપ્રદ વાતો કરીએ.

ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
