દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
હિંદુ ધર્મ જીવનને ચાર ખંડોમાં વહેંચે છે. એ ખંડોનું હિંદુઓની આરણ્યક સંસ્કૃતિની અસર હેઠળ ‘આશ્રમ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ આશ્રમો અનુક્રમે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ છે. મનુષ્યના જીવનનો તે સમયના લોકશિક્ષકો એવા ૠષિઓએ દોરેલો આ એક આલેખ છે. માનવી જો આ ક્રમાનુસાર જીવનને પસાર કરે તો એની જીવનયાત્રા સહજ રીતે વિકસિત થતી રહે એવો એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ આની પાછળ કામ કરતો જણાય છે.
આ ક્રમમાંથી પસાર થતા માનવને માટે જીવનનો કોઈ અનુભવ કરવાનો રહી જતો નથી. આથી એ અંતે પરિપકવ સિદ્ધ થઈને બહાર પડે છે. આ ચાર આશ્રમોમાંથી જ હિંદુ ધર્મના ચાર પુરૂષાર્થો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સિદ્ધ થાય છે. આ ચારેય પુરુષાર્થોમાંથી પસાર થવાની અનિવાર્યતા ડાહ્યા માણસોએ જોઈ છે. આથી જ તો ‘ભાગવત’માં નોંધાયું છે તે મુજબ મહર્ષિ વ્યાસ શુકદેવને પ્રમાણિત કરવા માટે વિદેહી એવા જનક રાજા પાસે મોકલે છે. રાજા જનક પણ શુકદેવના સંન્યાસને, જો એ શુકદેવનો સંન્યાસ ન હોત તો, આત્યંતિક ગણે છે કેમકે એ બીજા ત્રણ આશ્રમોના પુરુષાર્થોમાંથી પસાર થયા વિનાનો છે !
ભારતમાં યુગની માંગ પ્રમાણે, દરેક સમયે જે મહાત્માઓ અવતર્યા, બલકે તેમનો આશ્રય લઈને સત્ય અવતર્યું તેમાં વૈવિધ્ય છે. રઘુવંશના રાજાઓ, શિબિ, જનક જેવા મહર્ષિ સમાન રાજર્ષિઓ ૠષિઓએ આંકેલી જીવનરેખાને રસ્તે ચાલીને ક્રમશ: વિકસ્યા, પરંતુ યુગ બદલાતાં આપણને બુદ્ધ અને મહાવીર જેવા યુગપુરુષો સાંપડ્યા, જેમના જીવનમાં અચાનક વળાંકબિંદુ આવ્યું. આ મહાપુરુષોએ આશ્રમવ્યવસ્થાને કાપી નાખીને, તેનું અતિક્રમણ કર્યુ. જીવનને એક છલાંગે નાથીને સત્યનો મહિમા કરવામાં તેઓ આગળના મહાપુરુષોથી જુદા પડ્યા.
બુદ્ધ અને મહાવીરના સમયથી આગળ આવતાં, આધુનિક યુગમાં સત્યનું સંસ્થાપન નવી રીતે થયેલું જોવા મળ્યું. સત્ય કેટલીકવાર સામાન્ય દેખાતા મનુષ્યમાં પણ આશ્રય લઈને વિસ્ફોટક રીતે અવતરી શકે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત આ સદીમાં મહાત્મા ગાંધીએ પૂરું પાડયું. કાઠિયાવાડી કુટુંબમાં, સામાન્ય દેખાવ, સામાન્ય સમજ ધરાવતા મોહનદાસ કરમચંદ ગાંધીમાં કોઈ અકસ્માતે સત્યનો ગર્ભ રહ્યો જે શાંત ભાવે જન્મ્યો, ઊછર્યો, વિકસ્યો ને પરાકાષ્ઠાએ પહોંચ્યો. દુનિયાભરના મહાપુરુષો, ચિંતકો, વિચારકો, પ્રજાસમગ્ર સત્યનું આ પ્રકારનું પ્રાકટ્ય એક પ્રકારના વિસ્મયથી નિહાળી રહ્યાં.
ગાંધીજીમાં ઊછરતું સત્ય ક્રમશ: વ્યાપક પણ બન્યું. તેમના સત્યના ચેપથી અનેક લોકો તેમના ભણી ભારે આકર્ષાયા ને ગાંધીજીનો વિસ્તાર વધતો ગયો. એમના આરંભકાળના જીવનમાં, કૌટુંબિક દૃષ્ટિએ ગાંધીજી કદાચ એકલા હતા. માતા-પિતા તો અભ્યાસ દરમિયાન જ મૃત્યુ પામેલાં. મોટા ભાઈ ને ભાભી સાથે સ્નેહનો સંબંધ રહ્યો પણ ગાંધીજીના આફ્રિકાવાસને કારણે આ સંબંધોમાં નિકટતા ઓછી થતી ગઈ. વળી ગાંધીજીની સત્યનિષ્ઠા ને સિદ્ધાંતનિષ્ઠા પણ તેમના સંબંધોનું પોત પાતળું રાખવાનાં કારણો બન્યાં. આ સંજોગોમાં માત્ર પત્ની કસ્તૂર જ તેમની બાજુમાં હતાં. ગાંધીજીની બાજુમાં રહેવાનો શો અર્થ હતો એનો અંદાજ તો ‘આત્મકથા’માં ગાંધીજીએ આપ્યો જ છે. આ ઉપરાંત ગાંધીજીના મિત્રોએ તેમના પર કરેલા નર્મ-મર્મો પરથી પણ આ વાત સમજાય તેમ છે.
ગાંધીજીનું જીવન એક પ્રકારની તપસ્યા બની રહ્યું તો કસ્તૂરબાનું જીવન બીજા પ્રકારની. ગાંધીજીનું તપ મૂલ્યોને ખાતર હતું, બાનું પતિને ખાતર. પહેલા તપનું તો એક પરિણામ પણ મળવાનું હતું જ્યારે બીજા તપની ફલશ્રુતિ માત્ર પ્રેમ ને આત્મસંતોષમાં જ સમાયેલી હતી. આથી સ્વાભાવિક રીતે જ બીજું તપ વધારે ચડિયાતું સિદ્ધ થતું હતું.
કસ્તૂરબાના જીવનને તપાસતાં તેમને કયા પ્રકારની સ્ત્રીમાં મૂકવાં એવો પ્રશ્ન સહેજે થાય. ગાંધીજી પહેલાંના આપણા દેશના મહાપુરુષોની પત્નીઓએ ક્યાંક તો પતિથી પણ આગળનું સ્થાન ભોગવ્યું છે તેમની વિદ્યાપ્રીતિને લઈને, ગુણવાન હોવાને કારણે કે રૂપની અસાધારણતાને લીધે. કસ્તૂરબા માટે આમાંનું કોઈ ધોરણ કદાચ કામ ન લાગે. તેનું એક કારણ એ છે કે જીવનના પ્રારંભે જો ગાંધીજી સામાન્ય વ્યક્તિ હતા તો બા પણ સામાન્ય જ હતાં. ગાંધીજી માનવીમાંથી મહાત્મા બન્યા એ આખીય યાત્રામાં બાનો અસાધારણ સાથ હોવા છતાં એમણે પતિનું અનુકરણ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. તેમના વ્યક્તિત્વનાં જે પાસાંઓ આકર્ષે તેવાં છે તે તેમનાં પોતીકાં છે, ગાંધીચીંધ્યાં નથી. વ્યક્તિત્વની આ મૌલિકતાને લઈને કસ્તૂરબા સૌથી વધુ ધ્યાન ખેંચનારું મહિલા પાત્ર બની રહે છે. તેમનાં ચરિત્રને તપાસીને તેમને પ્રણમવાનું કે તેમના પગલે ચાલવાનું મન થવાને બદલે એક પ્રકારનો મૈત્રીમિશ્રિત આદરનો ભાવ જાગે છે, સાથોસાથ સુખદ આશ્ચર્ય પણ જન્મે છે.
સને ૧૮૬૯ના એપ્રિલમાં, પોરબંદરમાં, ગાંધીજીથી છ માસ પહેલાં જન્મેલાં કસ્તૂરબા તેર વર્ષની ઉંમરે જ સાદા-સીધા મોહન સાથે દામ્પત્યની ગાંઠે ગંઠાયાં ત્યારે મહાન નારી થવાનાં ઝાંખાં-પાંખાં ચિહ્નો પણ તેમનામાં વરતાયાં નહોતાં. સંસારની માંડણીનાં આરંભકાલીન વર્ષોમાં મોહને તેમના પર “ધણીપણું” અજમાવવા યત્ન કર્યો છે તો સામે પક્ષે કસ્તૂરબા પણ “ધણિયાણી” થઈને પતિના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં સફળ થયાં છે. પોતાની રજા વિના પત્ની ક્યાંય બહાર ન જાય એવું ઇચ્છતા ગાંધીજીને કસ્તૂરબાએ ધાર્યું કરવા નથી જ દીધું. ગાંધીજી જેમ તેમના પર દાબ મૂકે તેમ કસ્તૂરબા વધારે છૂટ લેવાની હિંમત બતાવે.
પાછળથી પોતાનાં આ ‘ધણીપણા’ વિશે જાગ્રત થયેલા ગાંધીજીએ કસ્તૂરબા પાસે તેનો એકરાર કરતા એક પત્રમાં લખ્યું છે : ‘આત્મબળ વગરનું બીજું બળ જ નકામું છે. એવું આત્મબળ મોટેભાગે બહેનોમાં જોવામાં આવે છે. તારા અને મારા જીવનનો તો એ સચોટ પુરાવો છે જ, …જો ને, મેં તારા પર કેટલી વાર ધણીપણું અજમાવ્યું છે ? આજે એનો વિચાર કરું છું ત્યારે એ ધણીપણાનો તેં આત્મબળથી મારી સામે જે જવાબ આપ્યો છે તે
જ મારે મન ઈશ્વરી બક્ષિસ છે, અને એ પરથી જ હું માનું છું કે હિંદની સ્ત્રીઓનો જો વિકાસ સાધવામાં આવે અને સ્ત્રીઓમાં પડેલું સુસ્ત આત્મબળ જાગ્રત થાય તો તેઓ દેશનો વાનપલટો કરી શકે.’
કસ્તૂરબાએ જે કર્યું છે તે આ. પોતામાં સુષુપ્ત રીતે પડેલાં આત્મબળને સમય- સંજોગ આવતાં તેમણે સંકોર્યું છે, મક્કમ નિર્ણયાત્મકતાથી. ગાંધીજીની ને બાની બાલ્યાવસ્થાથી જ બાનાં આ આત્મબળે કોર કાઢી છે. હાઈસ્કૂલમાં ભણતા ગાંધીજીએ જ્યારે એક વ્યસની મિત્રની સોબતને લઈને દારૂને માંસાહારનું સેવન કરેલું ત્યારે તેમને વારવામાં માતાપિતાની સાથે કસ્તૂરબાએ પણ પતિ સામે વાંધો નોંધાવેલો. બાના સ્વતંત્ર મિજાજની આ પહેલી ઓળખ હતી.
બાની યુવાનીનો ઘણો સમય પતિથી જુદા રહેવાનો ગયો છે. એ સમયગાળામાં તેમની લાગણીઓ શી હશે તે વિશે બહુ જાણવા મળ્યું નથી. છેક ૧૮૯૩માં ગાંધીજી બીજી વાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાને સાથે લેતા ગયા છે. આટલા સમય સુધી, એટલે કે ૧૮૮૨થી ‘૯૩ સુધીમાં આ દંપતીને પરસપર ઓળખવાનો, પારખવાનો સમય જ મળ્યો નથી. પહેલાં ભણવા ને પછી નોકરી અર્થે વિદેશ ગયેલા ગાંધીજીનું અંગત કહેવાય એવું જીવન ૧૮૯૩ સુધી બહુ ઓછું ઊપસી શક્યું છે. આ સમયગાળા દરમિયાન કસ્તૂરબાનું અસ્તિત્વ જ જાણે કે વિસરાઈ ગયું છે. ગાંધીજીનો તેમના સાથેનો કોઈ પત્રવ્યવહાર પણ થયો જણાતો નથી. કદાચ એમાં જુનવાણી સમાજવ્યવસ્થા ને કુટુંબવ્યવસ્થા પણ જવાબદાર હોય.
દેશમાં રહેતા તે દરમિયાન ગાંધીજીએ પત્નીને એક સ્ત્રી તરીકે જ જોઈ છે એવી કબૂલાત ‘આત્મકથા’માં અનેક જગાએ તેમણે કરી જ છે. દક્ષિણ આફ્રિકામાં આ દંપતીનું શરૂ થયેલું દામ્પત્યજીવન આરંભથી જ બા માટે કસોટીભર્યું બની રહે છે. સુધરેલા ગણાવાની હોંશમાં બાપુએ કુટુંબમાં યુરોપિયન પોશાક દાખલ કર્યો, જેમાં બૂટ-મોજાં જેવી વસ્તુઓ હતી, જે બાને પસંદ ન પડી. તેવું જ ખાવામાં વપરાતા છરી-કાંટા અંગે થયું.
પછીથી બાપુનો મોહ ઊતરતાં વળી એ બધું છોડવાનું થયું. આથી ફરી મુશ્કેલી સર્જાઈ. આ બધી કસ્તૂરબાની નાની-નાની કસોટીઓ હતી.
૧૯૦૬માં, લગભગ ૩૬-૩૭ વર્ષની ઉંમરે ગાંધીજીએ પોતાના જીવનમાં બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કર્યો એને બાની મોટી કસોટી કહી શકાય. આ બાબતમાં પતિને સમ્મતિ આપવી એ કંઈ જેવી તેવી વાત નહોતી. પરંતુ બાનો બાપુને આ બાબતમાં સંપૂર્ણ સહયોગ મળ્યો. આ ક્ષણથી જ કસ્તૂરબાએ એક સ્ત્રી મટીને સાધ્વી બનવાની શરૂઆત કરી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કદાચ આ જ ક્ષણથી તેઓ ‘બા’ પણ બન્યાં. સ્ત્રી જ્યાં સુધી કોઈની પત્ની હોય છે ત્યાં સુધી એ ‘સ્ત્રી’ રહે છે. પુરુષના ઉપભોગનું સાધન મટતાંવેત એના માતૃત્વનો ઉદય થતો હોય છે. કસ્તૂરબાના માતૃત્વનાં મૂળ આ ક્ષણમાં પડેલાં હશે. પાછળથી જેઓ રાષ્ટ્રપિતાનાં પત્નીને નાતે રાષ્ટ્રમાતા બનવાનાં હતાં તેનો આ ક્ષણે પ્રાદુર્ભાવ થયો ગણાય.
બ્રહ્મચર્યનું પાલન કસ્તૂરબા માટે તો બાપુ કરતાંયે મોટી સિદ્ધિ ગણાય કેમ કે ગાંધીજી માટે તો એ સંકલ્પ હતો, જ્યારે બા માટે હતો માત્ર સ્વીકાર, પોતાની ઇચ્છાથી કરેલું વ્રત. ગાંધીજીને આ વ્રતનું પાલન કરવા માટે ખૂબ મથવું પડયું છે પણ કસ્તૂરબાને એવી કોઈ મથામણ થઈ હોવાનું જણાતું નથી. ક્યારેક તો એવું પણ કહેવાનું મન થાય છે કે બ્રહ્મચારી થયા પછીના ગાંધીજીને બાએ વધુ ચાહ્યા છે. બાને કદાચ ‘પતિ’ મોહનદાસ સાથે મતભેદ છે, પણ પછીથી ‘મહાત્મા’ મોહનદાસ સાથે ઓગળવું તેમને ખૂબ જચ્યું છે. કારણ કે પછીથી તેમનું પુરુષપણું તેમના વ્યક્તિત્વમાંથી બાદ થયું છે. કોઈ પણ સ્ત્રીની એક તબક્કે આ માંગ હોય છે જેનો
લાભ કસ્તૂરબાને જ સાંપડયો છે. આ લાભ સાંપડતાંવેત બા, ગાંધીજીનાં પત્ની મટીને શિષ્યા થઈ ગયાં છે. અવિકારી બનેલા મહાત્મા ગાંધી સાથે તાલમેલ મેળવવો તેમને સહજ જણાયો છે.
કસ્તૂરબા પરિવર્તન પામતાં જીવનમાં, એટલે કે ગાંધીજીના દરેક સિદ્ધાંત સાથે એકરૂપ બની શક્યાં એના મૂળમાં ગાંધીજીના હીરને પારખવાની તેમનામાં રહેલી શક્તિ દેખાય છે. તેમનું વ્યક્તિત્વ ગાંધીજીની હામાં હા ભેળવે તેવું તો નહોતું જ. વળી ગાંધીજી સાથે ચાલવાથી તેમની પત્ની તરીકે તેમનું ગૌરવ કે પ્રતિષ્ઠા વધે એની પણ એમને દરકાર જણાતી નથી. તટસ્થ રહીને એમણે પતિને પારખ્યા છે ને એમની સાથે ચાલવાની હામ ભીડી છે. આ હામ તેમણે છેક સુધી ટકાવી રાખી છે – એવી રીતે કે એ ટકાવવાની ગંધ પણ ન આવે. ખુદ ગાંધીજી પણ પત્નીના આ ગુણથી ચકિત થયા છે. કસ્તૂરબામાં ટકેલી હામનાં બીજ દક્ષિણ આફ્રિકાના એક પ્રસંગમાં પડેલાં જોવા મળે છે. ગાંધીજીના એક કુટુંબીજન શ્રી કાળીદાસભાઈએ એક વાર ગાંધીજીને કહેલું, ભાઈ, તમે તો જીવનમાં બહુ ફેરફાર કર્યો… આ કસ્તૂરબાઈએ પણ કંઈ વૈભવ ન માણી જાણ્યો.’ જવાબમાં
ગાંધીજીએ જણાવ્યું તે મુજબ તેમના તરફથી બાને બધી જ છૂટ હતી. બાપુએ બાને રેશમી સાડી પહેરતાં કે સોનાની બંગડી પહેરતાં પણ રોક્યા નહોતાં. બાપુએ કરેલાં આ પ્રકારના સંવાદનો માર્મિક ઉત્તર આપતાં બાએ જણાવ્યું, ‘તમે તો બધુંય લાવી આપ્યું પણ મેં ક્યારે તે વાપર્યું છે ? જોઈ લીધું કે તમારો રસ્તો જુદો છે. તમારે તો સાધુ સંન્યાસી થવું છે. તો પછી મારે મોજશોખ માણીને શું કરવું હતું ? તમારી વાત જાણી લીધા પછી તો આપણે મન વાળી લીધું.’
મન વાળી લેવાની આ વાત પરાણે સ્વીકારેલી નથી પણ આંતરિક સમજમાંથી નિષ્પન્ન થયેલી છે. જો એ પરાણે સ્વીકારાઈ હોત તો કસ્તુરબાને ‘બા’ બનવામાં અડચણ પડત. ગાંધીજીએ પણ તેમનો સ્વીકાર
ન કર્યો હોત. બાની સ્વેચ્છાપૂર્વકની સમજનો ગાંધીજીએ આપેલા આ અભિપ્રાયમાં કૃતજ્ઞતાપૂર્વકનો ટેકો છે : ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ મારી ખેંચથી નહોતું બન્યું, પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યુ કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં- સેવામાં ભેદ ન રહ્યો.’
ગાંધીજીએ કરેલો ‘પુખ્ત વિચાર’ પ્રયોગ સાર્થ છે. કસ્તૂરબામાં વિચારની પ્રૌઢિ છે જે પાછી સ્વયંસ્કુરિત છે. આ પ્રૌઢિ ગાંધીજીનું અનુકરણ કરવામાંથી નહિ પણ જીવનની સમજમાંથી જન્મી છે ને વિકસી છે. બામાં ખીલી ઉઠેલી મક્કમતા, નિર્ણયાત્મકતાનાં કેવાં કેવાં રૂપ જોવા મળે છે ! દક્ષિણ આફ્રિકામાં તેમને રક્તસાવની તકલીફ થયેલી ત્યારે ડૉક્ટરે ક્લોરોફોર્મ વિના જ શસ્ત્રક્રિયા કરેલી ! આ પછી તેમનું શરીર વળ્યું નહીં ત્યારે ડૉક્ટરે તેમને માંસ આપવાની અનિવાર્યતા જોઈ. ગાંધીજીને આ અંગે ડૉક્ટરે ફોન કર્યો. સ્વાભાવિક રીતે જ ગાંધીજી આ બાબતમાં સંમત નહોતા પણ બાની જો ઇચ્છા હોય તો પોતાની ના નથી એવું તેમણે ડૉક્ટરને જણાવ્યું. પછીથી ગાંધીજીને ખબર પડી કે ડૉક્ટરે ફોન કરતાં પહેલાં જ બાને સેરવો પાઈ દીધેલો ! નારાજ થયેલા બાપુએ બાને આ અંગે પૂછ્યું ત્યારે બાએ સેરવો લેવાની ચોખ્ખી ના પાડી. મનુષ્યદેહ વારંવાર આવતો નથી તેથી એને ન વટલાવવાનું ઇચ્છતાં બાએ બાપુના ખોળામાં દેહ પાડવાની તૈયારી બતાવી. છેવટે કસ્તૂરબાને તેમની નાજુક હાલતમાં જ બાપુ ડરબનથી ફિનિક્સ ને ફિનિક્સથી અઢી માઈલ પગરસ્તે લઈ ગયા ને કેવળ પાણીના ઉપચારથી તેમનું દર્દ મટાડયું.
આ ઘટના પછી ગાંધીજીને ઘેર આવેલા એક સ્વામીએ બા-બાપુ પાસે મનુસ્મૃતિને ટાંકીને માંસાહારની નિર્દોષતા સિદ્ધ કરવા ઘણી દલીલો કરી ત્યારે બાનો જવાબ આટલો જ હતો : ‘મારે માંસનો સેરવો ખાઈને સાજા નથી થવું. હવે તમે મારું માથું ન દુઃખવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’
કસ્તૂરબાએ જ્યાં જ્યાં ગાંધીજીની વાત કે મતને સ્વીકાર્યા છે તે પોતાની માન્યતા તેમને મળતી હોવાને કારણે. જરૂર જણાઈ છે ત્યાં તીવ્ર વિરોધ કરીને પણ તેમણે પોતાની વિચારધારાનું સન્માન જાળવ્યું છે. ‘આત્મકથા’માં નોંધાયેલો એક જાણીતો પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. ડરબનમાં વકીલાત કરતા ગાંધીજીને ઘેર એક ખ્રિસ્તી મહેતાજી રહ્યા. ગાંધીજીના ઘરમાં પેશાબને સારુ ખાસ વાસણ રાખવામાં આવતું, જેને ગાંધીજી કે બા જ ઉપાડતાં. ક્યારેક આવાં વાસણ મહેતાજીઓ પણ ઉપાડતા. પણ આ મહેતાજી નવા હતા. આ વખતે કસ્તૂરબાને હદ આવી ગયેલી લાગી. આ વાસણ બાપુ ઉપાડે એ પણ તેમને ગમતું ન હતું અને પોતાને ઉપાડવું ભારે લાગતું હતું. આથી તેમણે ઠપકાભરી, રડતી આંખે વાસણ ઉપાડયું. બા આ પ્રકારનું કામ હસતાં હસતાં કરે એવો આગ્રહ સેવતા બાપુએ નારાજગીથી બાને ઠપકાના બે બોલ કહ્યા, જવાબમાં ‘રાખો તમારું ઘર, હું ચાલી.’ કહેતાં બાનો બાપુએ હાથ પકડયો ને દરવાજા સુધી તેમને ખેંચી ગયા. દરવાજે પહોંચીને આ શાણી સ્ત્રીએ જણાવ્યું, ‘તમને તો લાજ નથી, મને છે. જરા શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી ? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ઘુંબા જ ખાવા રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’ આ પ્રસંગે ગાંધીજી શરમાયા પણ છે ને પછીથી સસંકોચ એકરાર કરતાં નોંધ્યું છે, અમારી વચ્ચે ઝઘડાઓ તો પુષ્કળ થયા છે પણ પરિણામ હંમેશાં કુશળ આવ્યું છે.’ પત્નીએ પોતાની અદ્ભૂત સહનશક્તિથી જીત મેળવી છે.
વિદ્યા, વિચારસરણી, જીવન પ્રત્યેની દૃષ્ટિ જેવી અનેક બાબતોમાં સ્વાભાવિક રીતે જ ગાંધીજી ને બા વચ્ચે ઘણું અંતર છે. આથી કરીને ગાંધીજીના કેટલાક વિચારોનો અમલ કરવા માટે બાએ મનને કેળવવું પડયું છે ને પછી એની આદત એમને પડી છે. અપરિગ્રહ ને ખાદી વિચાર આનાં ઉદાહરણો છે. અપરિગ્રહ ગાંધીજીનું તો વ્રત જ હતું. બાએ પણ તેમાં સાથ આપેલો. પણ બા આખરે એક ગૃહસ્થ સ્ત્રી હતાં. તેમને કુટુંબ, સંતાનો વળગેલાં હતાં. આથી ક્યારેક બાને તંગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો. એક વાર આશ્રમમાંથી બે ટૂંક ભરીને બાનાં કપડાં ચોરાયાં. ગાંધીજીને આશ્ચર્ય થયું કે બા પાસે આટલાં કપડાં ક્યાંથી ? તપાસ કરતાં જણાયું તે મુજબ બાને ભેટ આવેલી સાડીઓ તેમણે પુત્ર હરિલાલની દીકરીઓ માટે રાખી મૂકેલી. ગાંધીજીએ આ બનાવ પછી તેમને સંગ્રહ કરવાની સખત મનાઈ કરેલી – ત્યાં સુધી કે દીકરાઓ કે પૌત્ર-પૌત્રીઓ આવતાં ત્યારે તેમની પાસેથી પણ ખાધાખોરાકીનું બીલ લઈને એ પૈસા આશ્રમમાં જમા કરાવવામાં આવતા ! અપરિગ્રહની વૃત્તિ પછી તો બાએ એવી કેળવી કે મુસાફરી વખતે ગાંધીજીને કહેવું પડતું : ‘બા આપણને બધાંને હરાવે છે. આટલો જૂજ સામાન અને આટલી જૂજ જરૂરિયાતો બીજા કોઈને છે ? સાદાઈ માટેનો મારો આટલો બધો આગ્રહ છતાં મારી સામગ્રી તેના કરતાં બમણી છે.”
અપરિગ્રહ જેવું જ ખાદી ધારણ કરવા અંગેનું બાનું વલણ રહેલું. પહેલાં તેમને ખાદી પહેરાવવા માટે બાપુને ખુશામત કરવી પડેલી. પણ પછી જ્યારથી તેમણે ખાદી અંગીકારી કે થયું. આંગળીમાંથી નીકળેલા લોહી પર પાટો પણ ખાદીનો જ બાંધે. એ ખરબચડી હોય તોય બાને ન ખૂંચે. ગાંધીજી માટેનું દૂધ જો મિલના કાપડથી ગળાતું બા જુએ તોપણ તરત જ ખાદીનું કાપડ મંગાવે. પતિની સિદ્ધાંતનિષ્ઠા પૂરેપૂરી સચવાય એ માટે બા મરી પડે.
બાની આ અટલતા અનન્ય હતી. તેમને એક જ ટેવ રહી ગયેલી અને તે કૉફીની. આશ્રમમાં એક વાર નવા આવેલા ભાઈએ બાપુ પાસેથી ચા-કૉફી વિરુદ્ધની દલીલો સાંભળીને પૂછેલું, ‘બા કેમ કૉફી પીએ છે ?’ ત્યારે ગાંધીજીએ કહેલું, ‘તમને ખબર નથી કે બાએ બીજું શું છોડયું છે. હવે જો કૉફી પણ છોડવાનું તેને કહું તો મારા જેવું જુલમી બીજું કોઈ ન હોય.’ જોકે છેવટે બાએ કૉફી પણ છોડી દીધેલી.
બાનો ગાંધીજી પ્રત્યેનો આ પરિપક્વ પ્રેમ તેમનાં દામ્પત્યને ઈર્ષ્યા આવે એ રીતે ખીલવી શક્યો છે. સૌને સમાન ગણતા ગાંધીજીના હૃદયનો એક ખૂણો માત્ર બા માટે જ અનામત હતો એવી ક્ષણો પણ અનેક વાર ગાંધીજીના જીવનમાં ઝબકી ગયેલી દેખાય છે. બાપુની સેવા આમ તો સૌ આશ્રમવાસીઓ સરખા હિસ્સામાં કરતા પણ બાપુના પગે ઘી ઘસવાનું કામ તો બાનું જે. બાનાં મૃત્યુ પછી બાપુએ આ કામ અન્ય કોઈ પાસે કરાવવાનો ઇન્કાર કર્યો. એક વાર આશ્રમની બાળાઓએ તે માટે આગ્રહ કર્યો ત્યારે કંઈક ગમગીન થઈને બાપુએ કહેલું, ‘મારે જો ઘી જ ઘસાવવાનું હોત તો બા ચાલી શા માટે જાત ?’
બાના અંત સમયે બાપુએ તેમની ખડે પગે ચાકરી કરેલી ને એ તક આપવા માટે ઈશ્વરનો અત્યંત આભાર માનેલો. આ સમય દરમિયાન કોઈ બાપુને વિરામ લેવા જણાવતું ત્યારે બાસઠ વર્ષના આ સાથીદારને અંત સમયે છોડવાની બાપુ ચોખ્ખી ના પાડી દેતા. બાનાં મૃત્યુની રાત્રે પોતાના સાથીઓ સમક્ષ અનાસક્ત મહાત્માએ નિખાલસભાવે એકરાર કરતાં કહેલું, ‘બા-વિહોણા જીવનની હું કલ્પના જ કરી શકતો નથી. મારા જીવનનું એ અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે તે કદી ભરાઈ શકવાનું નથી.’
બાનાં અવસાન પછી વાઈસરોય લોર્ડ વેવેલના શોકસંદેશના ઉત્તરમાં બાપુએ બાને જે અંજલિ આપી છે તે તેમના ક્રમશ: વિકસેલા દામ્પત્યનું એકદમ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે : ‘… જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી એ છૂટી, એટલે એને ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે, તો પણ મને લાગે એમ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાંની સંમતિ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો… તે બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી.’
બાપુએ એક વિદેશી વ્યક્તિ પાસે ખોલેલી અંગત ક્ષણોમાંથી સ્પષ્ટ દેખાય છે કે બ્રહ્મચર્ય બાને વિશેષ ભાવ્યું છે. આ વ્રતે એમનાં સ્વમાન ને આત્મગૌરવને જાળવવામાં મદદ કરી છે. આ ઘટના પછી પતિ એમના પરમેશ્વર બન્યા છે. આ ઘટનામાં પણ જોવા હોય તો એમના વૈષ્ણવધર્મના દૃઢ સંસ્કાર જોઈ શકાય.
બાના જીવનની અનેક ઘટનાઓને જોઈ રહેલાં બીજાં લોકોને બા પ્રત્યે સમભાવ થયો છે ને બાપુ પ્રત્યે કંઈક નારાજગી જન્મી છે. ઘણાંને બાપુ જુલમી પતિ લાગ્યા છે. લીલાવતી મુનશીએ બાને આ અંગે પત્ર લખ્યો છે તેના ઉત્તરમાં ઘવાઈને બાએ જણાવ્યું છે : ‘તમે કેમ જાણ્યું કે ગાંધીજી મને બહુ દુખ આપે છે ?… મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય… મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે…’ બા પાસે જીવનનું સમાધાન છે. એ તેમણે શોધ્યું નથી, તેમને મળ્યું છે.
કસ્તૂરબાએ ગાંધીજીને હક્ક-દાવા વિનાનો નિરપેક્ષ પ્રેમ કર્યો. ગાંધીજીના જીવનમાં કેન્દ્રસ્થાને રહેવાનો કદી પ્રયત્ન ન કર્યો. હંમેશાં બીજાઓને બાપુની નજીક જવા દેવામાં મદદ કરી. આ કારણે તેઓ જિંદગી ને એના કરતાંયે ખતરનાક એવા પોતાના મહાત્મા પતિને જીતી શક્યાં.
મીરાંબહેને ચકિત થઈને બા વિશે વિસ્મયમુગ્ધ થઈને નોંધ્યું છે : ‘તેઓ વધારે પડતી વાતો કરીને બાપુનો સમય કદી બગાડતાં નહિ. બાપુની આસપાસનાં બધાં માણસોમાં બાપુને તે ઓછામાં ઓછી તકલીફ આપતાં અને વધારેમાં વધારે સેવા કરતાં.’ કદાચ આ જ કારણે બાપુને અને બાને એ ખબર હતી કે બા જ બાપુના જીવનમાં હંમેશાં મોખરે રહ્યાં. બાએ ક્યારેક કોઈને વાગે નહીં એવી નાજુક રીતે પોતાનો ‘વિશેષ પ્રેમ’ વ્યક્ત પણ કર્યો છે. ૧૯૩૨માં ગાંધીજીએ કરેલા ઉપવાસ સમયે બા સાબરમતી જેલમાં ને બાપુ યરવડા જેલમાં હતાં. આ સમયે બાપુની ચિંતા કરતાં બા કહેતાં, ‘ઘણી પુરાણની વાતો સાંભળી પણ આવું તપ ક્યાંય ન જોયું… જોકે કાંઈ વાંધો નથી. એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિની દેવી છે; પણ આપણે હોઈએ તો ફેર પડે ને ?’ આ એક જ વાક્ય બંનેની એકબીજાં માટેની અનિવાર્યતા પ્રગટ કરવા માટે પૂરતું છે.
ગાંધીજીને આટલો પ્રેમ કરવાને કારણે જ બાપુને વિશે કાંઈ પણ કહેવાનો તેમનો હક્ક છે.
પતિની નાડને બરાબર પારખતી આ સ્રી ગાંધીજીના ઉપવાસ સમયે તેમના વિશે ફરિયાદ કરતા દાક્તરને સાધિકાર કહે છે, “Yes, I know he is my husband. He always plays mischief.” પોતાના તોફાની પતિને નાથતાં તેમને બરાબર આવડ્યું છે. આથી જ તો ગાંધીજીએ તેમને જન્મોજન્મ પત્ની તરીકે ઇચ્છયાં છે. આવી પત્નીને કૃતજ્ઞતાપૂર્વક અભિવંદતાં બાપુએ નોંધ્યું છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને લાગણી વર્ણવી શકું.’ બાને હિંદુ ધર્મનો પર્યાય માનતા બાપુને માટે બા શું નહીં હોય ?
મહાત્મા ગાંધી જેવા પતિ પાસેથી કોમળ લાગણીઓ મેળવતાં બાને સીતા, દ્રૌપદી કે શારદામણિદેવી જેવાં નારીરત્નો કરતાં વધુ નસીબદાર ઠેરવવાં પડે. બાને આવી અંજલિ મળી તેમાં આ યુગની આધુનિક વિચારધારાનો પ્રભાવ છે. ગાંધીજીનું સત્ય રામ, રામકૃષ્ણ પરમહંસ કે બાપુના આરાધ્ય એવા હરિશ્ચંદ્ર કરતાંયે વધુ સૂક્ષ્મતલને પામવા મથતું સત્ય છે. એમનું દર્શન યુગનાં સંદર્ભે કરીને વધુ સાફ સાબિત થયું છે, જેનો લાભ તેઓ પત્નીને આપી શક્યા છે. યુગનાં મૂલ્યોને અતિક્રમી ન શકતા રામ ને સંન્યાસીની મર્યાદા જાળવતા રામકૃષ્ણ પરમહંસ જે કરવા ધારવા છતાં ન કરી શક્યા એ વિચાર ગાંધીજી અમલમાં મૂકી શક્યા છે. આ અર્થમાં બાનાં તપને એક ફલશ્રુતિ સાંપડી છે એટલું તો ચોક્કસ.
બાના જીવનને જોતાં અનાયાસે આ યુગનાં બીજાં શ્રેષ્ઠ નારીરત્ન શારદામણિદેવીનું સતત સ્મરણ થાય છે. આ બંનેની સરખામણી કરવાનો તો કોઈ સવાલ જ ઊઠતો નથી. બા ગૃહસ્થ સ્ત્રી છે, શારદાદેવી સંન્યાસિની છે, સંન્યાસીનાં પત્ની છે ને સંન્્યાસીઓનાં ગુરુ છે. તેમની હેસિયત જુદા પ્રકારની ને ઘણી ભારે છે. પણ અહીં તેમનું સ્મરણ થવાનું એક કારણ એ છે કે આ બંને સ્ત્રીઓએ પતિ પ્રત્યેનો માલિકીભાવ બિલકુલ જતાવ્યા વિના સૌના પિતા એવા પુરુષોને પરણીને સૌની માતા થવામાં આનંદપૂર્વકનું ગૌરવ અનુભવ્યું છે. પોતાનાં માતૃત્વને વ્યાપક બનાવતાં બનાવતાં આ બંને સ્રીઓ પતિની પણ મા બની ગઈ છે જે તેમનાં માતૃત્વનાં અંતિમ ચરણને સૂચવે છે.
એક સામાન્ય સ્ત્રી હોવાના નાતે બા સતત ઘડાતાં રહ્યાં છે. તેમના જીવનમાં અનેક ગાંઠો આવી છે. આથી જ તેઓ વધારે પોતીકાં લાગે છે, ને અનુકરણીય પણ. તેમની વિકાસયાત્રાને સફળ બનાવવામાં ગાંધીજીનો ક્યાંય હાથ નથી એ તેમણે મેળવેલી મોટી સિદ્ધિ ગણાવી જોઈએ. આ અર્થમાં તેમણે સ્વનામને ધન્ય કર્યું છે.
૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪માં મૃત્યુ પામેલાં બાને સરોજિની નાયડુએ આપેલી અંજલિ બાનું અંતિમ, ઉપયુક્ત મૂલ્યાંકન કરતી બની રહે છે ઃ ‘હિન્દી સ્ત્રીત્વના જીવન્ત પ્રતીક સમાં, એ નાજુક છતાં બહાદુર નારીના આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાવ. જે મહાપુરુષને તેઓ ચાહતાં, જેની સેવા ઉઠાવતાં અને અજોડ શ્રદ્ધા, ધૈર્ય અને ભક્તિપૂર્વક જેને અનુસરતાં, એને ખાતર કાયમ ભોગ આપ્યા કરવાનો જે કપરો માર્ગ તેઓએ સ્વીકાર્યો હતો. તે માર્ગે ચાલતાં ક્ષણ પણ તેમના પગ ડગ્યા નથી અથવા તેમનું દિલ પાછું પડયું નથી. તેઓ મૃતત્વમાંથી અમરત્વમાં ગયાં અને આપણી ગાથાઓમાંની, આપણાં ગીતોમાંની અને આપણી તવારીખમાંની વીરાંગનાઓની મંડળીમાં પોતાનું હક્કનું સ્થાન પામ્યાં, તેનો આપણે આનંદ માણીએ.’
એક વીરાંગનાએ બીજી વીરાંગનાને આપેલી આ અંજલિમાં બાની સ્વચ્છ પ્રતિભાનો થયેલો સાદર સ્વીકાર સૌને સ્વીકાર્ય ઠરે એવો સાચો છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
