૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’ પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.
જુલાઈ મહિનાથી દર બીજા, ત્રીજા અને ચોથા બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.
વેબ ગુર્જરી પર આ પુસ્તકને ક્રમશઃ પ્રકાશિત કરવા માટે સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રેખાબહેન સિંધલનો આભાર માને છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
રેખા સિંધલ
અમેરિકાની સંસ્કૃતિ વિશે કે અહીં વસેલા ગુજરાતીઓ વિષે મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે કાંઈ વાંચ્યું છે તેમાં વિગતો અપૂરતી લાગે. ગુજરાતમાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સમજાવવાનું મુશ્કેલ કે તેઓની માન્યતાઓ અનુભવના સત્યથી દૂર છે. હા એ હા કરવી ગમે નહીં અને વેકેશનમાં આનંદ કરવા જઈએ ત્યારે અહીંના સંઘર્ષોની વાતો કરવાનું મન પણ ન થાય. થોડા સમય પછી એવી સ્થિતિ થઈ કે અમેરિકામાં કોઈ ભારતની ટીકા કરે તે ન ગમે અને ગુજરાતમાં રહી કોઈ અમેરિકાની ટીકા કરે તે પણ આકરી લાગે. આ કારણે મારા અનુભવો લખવાનો વિચાર ઘણા વખતથી હતો. અહીં વસેલા અન્ય ગુજરાતીઓના અનુભવોની વાતો સાંભળીને એમના પ્રત્યે આદર વધે અને એમની વાત પણ બીજાને કહેવાનું મન થાય. અમેરિકામાં પ્રવેશ વખતની ઉંમર, પાર્શ્વભૂમિકા, ધ્યેય અને વ્યક્તિત્વની વિવિધતા ધરાવતો ગુજરાતીઓનો એક વિશાળ વર્ગ અહીં છે. એમના જીવન વિશે જાણવામાં અને જણાવવામાં મને હંમેશા રસ રહ્યો છે. અન્ય સાથીદારો સાથે મળીને અનુભવો લખવાનો રસ વધતો ગયો અને ગણગણ્યા કરું કે, “તારી જો હાક સુણીને કોઈ ન આવે તો એકલી જાને રે.’

Bruece Fieler લિખિત Life In the Transitionની ઓડિયો બુક સાંભળી આ રસ વધુ પોષાયો. ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર આ પુસ્તકમાં સાચાં ઉદાહરણો આપી લેખકે સમજાવ્યું કે જીવનમાં અણધાર્યા ફેરફારો થકી ઊભી થતી વિષમ પરિસ્થિતિને કારણે નહીં પણ એનો સામનો કરવાની અલગ રીતને કારણે જીવન ઉન્નત કે અવનત થાય છે. અમેરિકાની અજાણી ભૂમિ પર જીવનયાત્રા શરૂ કરનારા ગુજરાતીઓના અનુભવોની વાતોમાં પણ આ સત્ય ઉજાગર થાય છે. મારા અને બીજાના જીવનની વાતો ગ્રંથસ્થ કરવાનો વિચાર Bruece Fielerના પુસ્તકમાં લખાયેલા કિસ્સાઓ સાંભળી દઢ થયો. આ વિચાર મેં ડો. જયંતભાઈ મહેતાને જણાવ્યો. એમણે એમાં રસ લીધો એટલે મારો ઉત્સાહ વધ્યો. થોડા દિવસો પછી શ્રી તરૂણભાઈ સૂરતીએ. સ્વ. પ્રમોદાબહેન જોશીના પ્રેરણાદાયક જીવન વિશે લખવા મને અનુરોધ કર્યો. અમેરિકામાં વસેલા ગુજરાતીઓની અનુભવકથાઓ ગ્રંથસ્થ કરવાનો વિચાર તો મનમાં હતો જ. એ પછી પન્તાબહેન નાયક સાથે વાત થઈ અને શ્રી નટવરભાઈ ગાંધીએ એમના અનુભવો મોકલ્યા ત્યાં સુધીમાં લગભગ દસથી વધારે લેખકો પોતાના અનુભવો લખવા તેયાર થયા. મિત્ર સરયૂ પરીખે બહુ ઉત્સાહ અને ચોકસાઈથી બધી નોંધો કરવા માંડી. દર મહિને ઝૂમ પર મિટિંગનું નક્કી કર્યું. વિશ્વપ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાએ આ વિચારને બિરદાવ્યો અને સક્રિય રસ સાથે જોડાયા. એમનો સહકાર મળ્યા પછી સારું કામ થરો એવો વિશ્વાસ વધ્યો.
એક વિશેષ નોંધ એ છે કે અપવાદરૂપે ડૉ. કમલેશ લુલ્લાની કથા દેવિકા ધ્રુવ દ્વારા શાબ્દદેહે પ્રગટ થઈ છે. જે વિશે તેઓ લખે છે કે, “ભારત મારી માતૃભૂમિ છે, અમેરિકા મારી કર્મભૂમિ છે અને ગુજરાત મારા રોમરોમમાં વસે છે એમ કહેનાર કવિ હૃદયના ડૉ. કમલેશ લુલ્લાની અવકારા વિજ્ઞાની તરીકેની પ્રસિદ્ધિ તેમને વિશ્વમાનવની હરોળમાં મૂકે છે. વડોદરાની સંસ્કારભૂમિમાં જન્મેલ આવી વિરલ વિભૂતિની જીવનકથાના મહત્ત્વના અંશો તેમના જ શબ્દોમાં સાંભળવા માટે હું સ્વયંને સદ્દભાગી ગણું છું અને ધન્યતા અનુભવું છું.” ‘તેમની જીવનકથાની ઝાંખી કરીએ તે પહેલાં એક વાતનો રાજીપો વ્યક્ત કરવો છે કે, આ લેખનકાર્ય માટે ડૉ. કમલેશ લુલ્લાએ તેમનો અમૂલ્ય સમય આપી, અનુકૂળ સમયે, નિયમિત રીતે ફોન પર, આનંદપૂર્વક અને અત્યંત સાહજિક રીતે વિગતો પૂરી પાડી છે જેને કારણે આ કામ સરળ બની શક્યું છે.’ – દેવિકા ધ્રુવ
પરદેશની ધરતી પર પાંગરતા વસાહતીઓની પહેલી પેઢીનો સંઘર્ષ ગ્રંથસ્થ કરી અલગ દષ્ટિકોણથી વિચારતા કરવાનો નમ્ર પ્રયાસ છે. ભારતથી આવેલા મુલાકાતીઓ અહીંના વસાહતીઓના જીવનને જે રીતે જુએ છે અને લખે છે તથા વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓના અનુભવો અને વસાહતીઓએ જાતે લખેલા સ્વાનુભવોમાં ઘણો ફર્ક હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના અંશોથી લખાયેલી આ જીવનકથાઓ હવે પછી આવનારી પેઢી માટે પ્રેરણાત્મક બની રહે એવી આશા છે.
આ પ્રકારનાં પુસ્તકો માટે ગુજરાતી સાહિત્ય સાથે વપરાતા ‘ડાયાસ્પોરા’ શબ્દ અંગે ઘણા મતભેદો છે. ‘ડાયાસ્પોરા’ શબ્દની ઉત્પતિ, અર્થ અને ઉપયોગ વિશે વિચારતાં તેની વ્યાખ્યા અઘરી થઈ જાય. સાહિત્યના પ્રકાર તરીકે ‘ડાયાસ્યોરા’ શબ્દથી દ્વિધા ઊભી થાય છે. બીજા કોઈ દેશો આ શબ્દનો આ રીતે ઉપયોગ કરે છે કે કેમ? તેનો જવાબ ગૂગલ સર્ચથી સ્પષ્ટ થતો નથી. માતૃભાષામાં લખાયેલી જે કૃતિમાં વિદેશની મહેક હોય તે કૃતિ માટે ‘દ્વિદેશી’ શબ્દ વધુ યોગ્ય જણાય છે. લેખકના ભાવવિશ્વમાં બંને દેશો છવાયેલા હોય ત્યારે જ દિદેશી કૃતિ પ્રગટે એવું મારું માનવું છે. ડાયાસ્પોરા વિશે વધુ વાત ન કરતાં એટલું કહીશ કે ડાયાસ્પોરા સાહિત્યને બદલે સાહિત્યના દરેક પ્રકારમાં વિશેષણ તરીકે “દ્રેદેશી’ શબ્દ ઉમેરી શકાય. દ્વિદેશી સાહિત્યને અલગ પ્રકાર ગણીએ. તો પણ એની સાથે અન્ય પ્રકારો નવલકથા, નવલિકા, કાવ્યો વગેરે જોડવાં જ પડે. ડાયાસ્પોરા કહેવાતા આ દ્વિદેશી સાહિત્યનો પ્રસાર વધે તે પહેલાં એની વિભાવના વધુ સ્પષ્ટ થાય અને એક આગવી ઓળખ વિદેશી ગુજરાતી લેખકોની કૃતિઓને. મળે તેવી શુભકામના છે.
રેખા સિંધલ
મરફ્રીશાબરો, ટેનેસી, (USA)
મો. 615-260-8794 | E-mail: rekhasindhal@gmail.com
