ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાએ ‘અતરાપી ‘ નવલકથામાં સારમેય ગલુડિયાંનાં પાત્ર દ્વારા લોકોની જીવાતી જિંદગી અંગેનાં સરસ વ્યંગાંત્મક સંવાદો મૂક્યાં છે. બધાં કરતાં જુદું અને ઊંધું વિચારવાનો તેમનો નોખો દ્રષ્ટિબિંદું દરેક સંવાદમાંથી આપણને નવો બોધ આપે છે. સારમેય પરમનો અનુભવ કરવા અને છોડવાં પણ બોલે છે ,તે જાણવા ધ્યાનસ્થ બની પરમનો અવાજ સાંભળવા કોશિશ કરે છે.
પરમનો અવાજ કવિઓને તેમની કલ્પના પ્રમાણે ક્યાં ક્યાંથી સંભળાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપતાં મને યુવા કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા યાદ આવી જાય છે ,જેને પરમનો અવાજ સાંભળવાની કોશિશ જ કરવી હોય તે ક્યાં ક્યાંથી તેને સાંભળી શકે છે તે પણ જાણીએ.
અલી મોજડીએ ચોંટેલી ધૂળ ,તારા સમ
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’ ‘સોહમ્’
મોજડી પ્હેરનાર મોભી મૂંગા
મોજડીએ ટાંકેલા મોતી મૂંગા
મોતીના જાણતલ જોષી મૂંગા
જોષીનાં ભાઈબંધ જોગી મૂંગા
પેલો મોતીડો મલકાતો મોધમ્
મને મોજડીમાં સંભળાતું ‘સોહમ્’
‘ સોહમ્’
મોજડી પહેરીને ચાલતાં આપણને સૌને તો ચીચુડ,ચીચુડ થતું સંભળાય પરતું તેમાં ‘સોહમ્’ પારુલબહેન જેવા અદના કવયિત્રીને સંભળાય છે.
ધ્રુવદાદાની આ ‘અતરાપી’ નવલકથાનાં સંવાદો પણ સાવ નોખા છે.સારમેય તોફાની છે .તેને ભણવું નથી ગમતું,શિક્ષકો તેનો ભાઈ કહ્યાગરો છે ,તો તેના તરફ વધુ ધ્યાન આપે છે.અને સારમેય તરફ ધ્યાન નથી આપતા. એટલે ત્યાં ધ્રુવદાદા વ્યંગમાં કહે છે કે ‘શિક્ષકો પણ ડાહ્યા છોકરાને ભણાવે છે અને તોફાની પ્રત્યે દુર્લક્ષ સેવે છે.’ડાહ્યા કૌલેયકને માલિક ગાડીમાં મંદિરે અને બહાર બધે તેમની સાથે લઈ જાય છે.ગાડીમાંથી ભાઈને ઉતારતો જોઈ ,સારમેય તેને પૂછે છે,
“તને આ ગાડીની પોચી ગાદીમાં નખ મારવાનું મન નથી થતું?
ત્યારે કૌલેયક કહે છે,
“મને મન થાય છે પણ મનને ગમે એ નહીં કરવાનું એટલે નિગ્રહ કરવાનો.”
આમ જે ગમે તે નહીં કરવાની વાત પર સુંદર રીતે ધ્રુવદાદાએ વ્યંગ કર્યો છે ,ઘણાં ધર્મોમાં આ મનોનિગ્રહ દ્વારા ધર્મ કરવાની વાત છે.માનવતાપૂર્ણ સહજ જીવન જીવી ,નાનામાં નાના માણસને પ્રેમ કરી જીવીએ તો કદાચ સાચી રીતે જીવી શકાય તેવો દાદાનો ભાવ છે.માત્ર મનોનિગ્રહ જ ધર્મ છે,તેવું નથી, તેમ દાદાનું માનવું છે.
સારમેયને તેના વિશાળ બંગલાની બહારની દુનિયા જોવાની ઈચ્છા થાય છે અને તે એક દિવસ તેની માની ઈચ્છા વિરુધ્ધ ઘરમાંથી બહાર નીકળી જાય છે. ચાલતાં ચાલતાં તેને મોટો દરવાજો દેખાય છે.તેમાં ડોકિયું કરે છે ,તો એક ભયાનક અવાજે ભસતો કાબરચીતરો પૂંછકટ્ટો કૂતરો તેને કહે છે,
“આ મારો ઇલાકો છે,અહીં કેમ આવ્યો? ભાગ અહીંથી.”
સારમેય પૂછે છે,
“ઇલાકો એટલે શું?
“જેને છોડીને બહાર ન જઈ શકાય તેને તમે ઇલાકો કહો છો,ખરું ને?”
સારમેયને થાય છે કોઈને પોતાનો ઇલાકો શા માટે હોવો જોઈએ?
આમ કહી દાદાએ નાતજાતનાં ,જ્ઞાતિનાં,ધર્મોનાં,ગરીબ-અમીરના,દેશ-દેશનાં,પ્રાંતોનાં વાડા શા માટે હોવા જોઈએ ? તેમાંથી સૌએ બહાર નીકળવાની જરુર છે તેમ સમજાવ્યું છે.આમ સારમેયનાં પાત્ર દ્વારા પોતાનાં વિચારો ધ્રુવદાદાએ સહજતાથી રજૂ કર્યા છે.
સારમેય ચાલતાં ચાલતાં આગળ જાય છે.આગળ જતાં નદી આવે છે, એણે નદી ક્યારેય જોઈ નથી અને થાકીને તે કિનારે બેસે છે . મંદ મંદ વાતા ઠંડા પવન સાથે તેને ફરી પેલો અજાણ્યો સ્વર સંભળાય છે.
આમ જ્યારે તમે બધું છોડી,એકલા મુક્ત મને પ્રકૃતિની ગોદમાં ધ્યાનસ્થ થઈ તમારી જાત સાથે સમય ગાળો તો તમને પણ પેલો અજાણ્યો સ્વર સંભળાશે ,તેમ દાદા સૂચવે છે.
સારમેયને ત્યાં ‘કાળો’નામે કૂતરો મળે છે .જે સારમેયને પૂછે છે,
“તું ભૂલો પડી ગયો છે?”
ત્યારે સારમેય હા ,કહી ,કહે છે,
“મને હવે પાછા જવાનો મારાં ઘરનો રસ્તો ખબર નથી.”
કાળો તેને પોતાની સાથે લઈ જાય છે અને નદી પાર કરવા તેની સાથે નાવમાં બેસાડે છે.
સારમેય નાવનાં નાવિક સાથે વાત કરે છે ,આ સંવાદ ખૂબ સરસ છે.
નાવિક કહે છે “ આ નદી જન્મગિરિ પહાડમાંથી નીકળી છે. અનાદિકાળથી વહી રહી છે,પણ કેટલો સમય વહેવાની છે તે હું જાણતો નથી.એટલે સારમેયે કહ્યું,
“ જાણ્યાં પછી પણ કંઈ જાણવાનું બાકી રહી જાય છે?”
આ કેટલી મોટી અને સાચી વાત છે કે જીવનભર તમે દરેક વસ્તુ જાણવાની કોશિશ કરતાં જશો છતાં કંઈક જાણવાનું તો રહી જ જાય છે. કોઈ દુનિયામાં સંપૂર્ણ જાણકાર નથી.
ભરેલી નાવમાં બેઠેલો સારમેય બધાંની સાથે હોવાછતાં પોતાનાં વિચારવિશ્વમાં તલ્લીન હતો. તેવું દાદા લખે છે ત્યારે સમજાવે છે કે,
“બધાંની વચ્ચે રહીને પણ તમે તમારી આગવી મોજમાં રહો.કોઈ તમને ખલેલ ન પહોંચાડી શકવું જોઈએ.”
સારમેય નદીમાંથી પસાર થાય છે પણ જેમાંથી તે પસાર થયો,તેનું નામ નદી છે તેવી તે નાનકડાં ગલૂડિયાંને ખબર નથી અને તે નાવિકને પૂછે છે,
“નદી ક્યાં છે?”
બધાં તેની પર હસે છે પણ નાવિક સરસ જવાબ આપે છે,
“મેં તને નાવમાં બેસાડ્યો ત્યારે તે હતી. જેને પાર કરીને આપણે આવ્યા તે, આ પળે આપણે જેની વાત કરીએ છીએ તે નદી અત્યારે અહીં નથી.”
આમ કહી અને જીવન એ સતત ચાલતી પરિવર્તન સાથેની પ્રક્રિયા છે. ગયેલો સમય પાછો આવતો નથી.આગળનાં ભવિષ્યથી આપણે સાવ અણજાણ છીએ ,તે વાત ગર્ભિત રીતે કહી દીધી છે.અને ધ્રુવદાદાએ આ આખી વાતને તેમના સુંદર ધ્રુવગીતમાં પણ ગાઈ છે.
મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું ,કોઈ જાણે તું છે
આ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછે
ચીરી નાંખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છે
અમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લીસોટાને લૂછે
જૂઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ ‘છે’’હશે’ છે કે ‘છું ‘ છે
સંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછે
જીવનનો મર્મ સમજાવતી કેટલી સુંદર વાત! દાદાની ‘અતરાપી’માં અને આ ધ્રુવગીતમાં ધ્રુવદાદાએ દર્શાવી છે.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
