નિસબત

ચંદુ મહેરિયા

વિશ્વનાથન આનંદથી ડી.ગુકેશ સુધીની ચેસમાં વલ્ડ ચેમ્પિયનોની બિનસાંપ્રદાયિક ભારતમાં ઉજળી પરંપરા છે. હજુ હમણાં જ તેર વરસની મુસ્લિમ કિશોરી ફાતિમા તુજ જહેરાએ મુસ્લિમ બહુલ જમ્મુ-કશ્મીરમાં રાજ્યકક્ષાની ચેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો છે. આ જ દિવસોમાં અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે ચેસ કે શતરંજની રમતને ઈસ્લામવિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લાદયો છે!

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

૨૦૨૧થી અફઘાનિસ્તાનમાં સત્તાનશીન તાલિબાનોનો ઈસ્લામી કાયદા પ્રત્યેનો કઠોર દ્રષ્ટિકોણ જાણીતો છે. તેમણે મહિલાઓને તો કોઈપણ રમતોમાં ભાગ લેવાની બંધી ફરમાવી જ છે હવે શતરંજ પર પ્રતિબંધ મૂક્યો છે અને અફઘાનિસ્તાનના  શતરંજ મહાસંઘને વિખેરી નાંખ્યો છે. ધાર્મિક ફરજ કે કર્તવ્યથી ધ્યાન ભટકાવે તે પ્રવૃતિ પ્રતિબંધિત હોવી જોઈએ, એવી શરિયા કાનૂનની જોગવાઈનો હવાલો આપીને અફઘાન સરકારે શતરંજની રમત પર રોક લગાવી છે. જોકે વિશ્વના માનવ અધિકાર સંગઠનો અને રમત સંસ્થાઓને  જરા સારુ લગાડવા એવી સ્પષ્ટતા કરી છે ખરી કે શતરંજની રમત ઈસ્લામી કાયદાને અનુકૂળ છે કે કેમ તેની સ્પષ્ટતા અને ચકાસણી થાય ત્યાં સુધી તે પ્રતિબંધિત રહેશે. પરંતુ અગાઉ માર્શલ આર્ટ કે મહિલાઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવા પર ફરમાવેલા પ્રતિબંધ જેવો આ પણ કાયમી પ્રતિબંધ જ છે. તાલિબાનોની દલીલ છે કે શતરંજ એક પ્રકારનો જુગાર છે કે જુગારનો સ્ત્રોત છે. શતરંજ રમતાં લોકો તેમાં એટલા રમમાણ થઈ જાય છે કે તેમને જવાબદારીઓનું કોઈ ભાન રહેતું નથી. તે એટલે સુધી કે નમાજ પઢવાની ધાર્મિક ફરજ અદા કરવાનું પણ ચૂકી જાય છે. એટલે આ રમત નુકસાનકારક અને પ્રતિબંધને લાયક છે.

એક ચેસ બોર્ડ, બે ખેલાડી અને બત્રીસ પ્યાદાં (પ્રત્યેકના સોળ-સોળ) ની  શતરંજની રમત બુધ્ધિજીવીઓની રમત કહેવાય છે. રમતવીરની બુધ્ધિ, ધૈર્ય અને પૂર્વાનુમાનની કસોટી કરતી આ રમતના એક ખેલાડીના ભાગે આવતા સોળ પ્યાદાં (સોળ સફેદ અને સોળ કાળા) માં એક રાજા, એક રાણી, બે હાથી, બે ઊંટ, બે ઘોડા અને આઠ સિપાહી હોય છે. સફેદ પ્યાંદાથી રમતનો આરંભ થાય છે . શહ અને માતની શતરંજની ચાલમાં રાજા કે બાદશાહને જીતવાનો અને બંદી બનાવવાનો હોય  છે. એટલે આ રમત રણનીતિક રમત છે અને તેમાં યુધ્ધના મેદાનનું અલ્પ અનુકરણ છે. ચેસની રમતને હ્યુમન સાઈકોલોજી,  મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સ સાથે સંબંધ છે. બૌધ્ધિક મનોરંજન માટેનો આ ખેલ માનસિક વ્યાયામ  માટેનું યુવા દિલોનું લોકપ્રિય સાધન છે. આલોચનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરનાર અને દિમાગને તેજ કરનાર આ રમત ગણાય છે.

શતરંજની રમતનું ઉદભવસ્થાન ભારત હોવાનું મનાય છે. ભારતની ચતુરંગ નામક રમતમાં તેનાં મૂળ રહેલાં છે. પંદરમી સદીમાં યુરોપમાં આધુનિક શતરંજનું સ્વરૂપ વિકસિત થયું છે. હેરોલ્ડ જેમ્સ રુથવેન મુરે લિખિત અને ઈ.સ. ૧૯૧૩માં ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કરેલ ‘ હિસ્ટ્રી ઓફ ચેસ’  કિતાબમાં શતરંજનો વ્યાપક અને અધિકૃત ઈતિહાસ આલેખાયો છે. આ પુસ્તકમાં તેના પરના પ્રતિબંધની પણ ઘણી માહિતી છે.

ધર્મ, રંગ, લિંગ, દેશ જેવા ઘણાં કારણોથી શતરંજની રમત પ્રતિબંધિત થઈ હોવાનો દીર્ઘ ઈતિહાસ છે. ઈસ્લામ  અને ક્રિશ્ચિયન ધર્મે જ નહીં બૌધ્ધ અને યહુદી ધર્મે પણ તેના પર રોક લગાવી છે. શતરંજના પ્યાદાંની નકકાશીદાર આકૃતિ તસવીર જેવી છે અને ઈસ્લામમાં તસ્વીર વર્જ્ય છે એટલે ઈસ. ૬૫૫માં ઈસ્લામના એક ફાંટામાં તેને અસ્વીકૃત કરવામાં આવી હતી. બૌધ્ધોએ તેને વ્યભિચારના રૂપમાં જોઈને બંધી ફરમાવી હતી. ફ્રાન્સના રાજા લુઈ નવમાએ ઈ.સ. ૧૨૫૪માં ધર્મયુધ્ધથી પરત આવી દંડના દર્દરૂપે શતરંજ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતા. તેમને આ રમત બેકાર અને ઉબાઉ લાગી હતી. ચીન અને રશિયા પણ અગાઉ તેના પર બંધી ફરમાવી  ચૂક્યા છે. અશ્વેતોને આ રમત રમવા પર રોક લાગેલી હતી. તો રંગભેદ આચરતા દક્ષિણ આફ્રિકા સામે વિરોધ રૂપે રંગભેદ વિરોધી દેશોએ તેની સાથે ચેસ રમવાનો ઈન્કાર કરેલો છે. હિજાબ પહેરવાના અને લો કટ બ્લાઉઝના કારણે મહિલા ચેસ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિશ્વ શતરંજ સંગઠન (FIDE- FEDRATION OF INTERNATIONAL DES ECHECS) નું બાકી લેણું નહીં ચુકવવાની સજા તરીકે યુગાન્ડા, ઈથિયોપિયા અને નાઈજીરિયા પર શતરંજ રમવા પર રોક લગાવી હતી.

આંતરરાશ્ટ્રીય શતરંજ મહાસંઘે ટ્રાન્સ જેન્ડરોને શતરંજની રમતની બહાર રાખ્યા છે. આ વળી કંઈ જુદા જ પ્રકારનો પ્રતિબંધ છે. ચેસ રમત સંગઠનનું કહેવું છે કે લિંગ પરિવર્તનની રમતવીરની સ્થિતિ પર મહત્વની અસર પડે છે એટલે  ટ્રાન્સ જેન્ડરને ઓપનમાં પ્રવેશની છૂટ છે પરંતુ માત્ર મહિલાઓ કે પુરુષો માટે પ્રતિબંધ છે.

શતરંજની રમત પર ધાર્મિક કે બીજા કારણોસરનો પ્રતિબંધ ઘણી અસરો જન્માવે છે. તાલિબાનોના પ્રતિબંધથી અફઘાનિસ્તાનના ઘણા ચેસ પ્લેયર્સ દેશ છોડી ગયા છે. અફઘાનિસ્તાનમાં પાંચસો જેટલા શતરંજ ખેલાડીઓના ઉજ્જવળ અને બહેતર જીવનનો માર્ગ બંધ થઈ ગયો છે. પ્રતિગામી અને સંકીર્ણતાથી લેવાયેલા ચેસ બંધીના પગલાં પછી અફઘાનિસ્તાનના ઘણાં કાફે બંધ થઈ ગયા છે અને સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આ રોકને લીધે માનસિક આરોગ્ય અને વ્યવસાય બંને પર ખરાબ અસર પડી છે. જ્યારે ઘણા ઈસ્લામિક દેશોમાં ચેસ સ્વીકાર્ય છે અને સેક્યુલર દેશોમાં મુસ્લિમો બેરોકટોક શતરંજ રમે છે ત્યારે ધર્મના નામે આ બંધી માનવીની સરળ સ્વતંત્રતા છીનવી લે છે.

અફાઘાનિસ્તાને માર્શલ આર્ટને સ્વરક્ષણની રમતને બદલે બહુ જ હિંસક ગણી અગાઉ પ્રતિબંધિત કરી છે. હવે ચેસને બંધી ફરમાવી છે. મનોરંજન અને રમતના કેટલાક અન્ય રૂપો પર અફઘાનિસ્તાનમાં અગાઉથી જ પ્રતિબંધ લાગુ છે. તેમાં ચેસનો ઉમેરો થયો છે. સમયની બરબાદી કે જુગારને ઉત્તેજનની નજરે જોવાને બદલે જો તેને સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો શતરંજ ઘણી કામની રમત લાગે છે. તેમાં સ્પર્ધક વચ્ચે દુશ્મની કે નફરત ઉભી થાય છે તેવો તર્ક પણ વાહિયાત છે. ઓનલાઈન કે ડિજિટલ ચેસમાં પણ ભયસ્થાનો રહેલાં છે. તેમ માની તેનાથી દૂર રહેવાનું વલણ ખોટુ છે. શતરંજનો ખેલ માત્ર સપાટી પર મનોરંજક લાગે છે અને વાસ્તવમાં તો તે એક પ્રકારનો જુગાર છે તેમ ગણી તેના પરના પ્રતિબંધનો બચાવ કરવો વાજબી નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.