રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન

અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા આજે આપણે ગીતબિતાન પુસ્તક અને રબીન્દ્રસંગીતની સર્જન યાત્રા પર એક ઝલક નાખીશું

રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો પ્રસાર  લગભગ છ દાયકા સુધીનો છે. અગિયાર વર્ષના રવિ ઠાકુરે  1875ની આસપાસ માતૃભૂમિ અને દેશભક્તિને લગતા પ્રથમ ગીતની રચના કરી અને આ સર્જનયાત્રા ૧૯૪૧ સુધી અવિરત પણે ચાલુ રહી અને એટલું જ નહિ એ વિવિધ પરિમાણો થકી વિકસતી ગઈ.

રબીન્દ્રસંગીતની સર્જનયાત્રા ત્રણ તબક્કામાં વહેંચી શકાય જે ગુરુદેવના અંગતજીવન સાથે વણાયેલ છે  . પહેલો તબક્કો કે જે ૧૮૭૫-૧૯૦૦ સુધીનો ગણી શકાય. આ ૨૫ વર્ષ દરમિયાન ગુરુદેવે   શબ્દને સ્વરના શણગાર પહેરાવી  તેને ગીતનું સ્વરૂપ આપવાની પોતાની પ્રતિભા સાથે તાદામ્ય સાધ્યું. ગુરુદેવ માટે સંગીત એ એક કળા જ નહતી પણ તેમના અસ્તિત્વનું અવિભાજ્ય અંગ હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતના શિષ્ય એવા ગુરુદેવે આ વર્ષો દરમિયાન પોતાના સંગીતના જ્ઞાનને વિસ્તાર્યુ અને તેમાં પાશ્ચાત્ય અને લોકગીતનો ઉમેરો કર્યો. રબીન્દ્રસંગીતના ઘણા પ્રચલિત ગીતો પાશ્ચાત્ય સંગીતની અસર અનુભવાય છે. લોકસંગીતમાં તેઓ બંગાળમાં પ્રચલિત એવા બાઉલ સંગીતથી પ્રભાવિત થયા. આજ કાળ દરમિયાન તેમણે “વાલ્મિકી પ્રતિભા” અને “માયાર ખેલ” નામની નૃત્યનાટિકાની રચના કરી.

વીસ વર્ષના ગાળાના બીજા  તબક્કાના  પગરણ મંડાયા શાંતિનિકેતનમાં ૧૯૦૧માં. આ તબક્કામાં ગુરુદેવના સંગીતને એક નવી ઉર્જા અને પ્રેરણા સાંપડી. તેમણે શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોનો સુમેળ કરી પોતાના ગીતોનું સ્વરાંકન કરવાનું ચાલુ કર્યું. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે તેમણે ભજન અને ઠુમરી જેવી સંગીત શૈલીમાં પોતાના ગીતોને ઢાળ્યા. પણ દરેકની જિંદગીમાં આવતા ઉતારચઢાવની  જેમ ગુરુદેવના અંગત જીવનમાં આ તબક્કો ઘણોજ કપરો સાબિત થયો. ૧૯૦૧ થી ૧૯૭ના ટૂંકા ગાળામાં ગુરુદેવના પત્ની, એક પુત્રી, પિતા અને એક પુત્રનું અવસાન થયું. આટલા ટૂંકા ગાળામાં ચાર અંગત સ્વજનો ગુમાવ્યા બાદ ગુરુદેવની સંવેદનાઓ શરુ શરૂમાં તો જડવત થઇ ગઈ પણ શબ્દો અને સંગીતનો સહારો લઈને ગુરુદેવ પોતાના આઘાતમાંથી બહાર આવ્યા. આ સમયમાં રચાયેલા તેમના ગીતોમાં મૃત્યુ અને તેના અર્થ અને તેની સાથેનો  સંવાદ  કેન્દ્ર સ્થાને જોવા મળે છે. તેમને તેમની પત્નીના મૃત્યુ સમયે લખ્યું કે “There is sorrow, there is death, there burns the fire of separation, yet there is peace and yet there is bliss and yet there is the sense of the eternal”. ધીમે ધીમે ગુરુદેવ તેમની સંવેદનાઓને એક એવા મુકામ પર લઇ ગયા કે જ્યાં તેઓ તેમની સંવેદનાઓ થકી  સર્વ સાથે ભાવાત્મક રીતે ગુંથાયેલ રહીને પણ અલિપ્ત રાખી શક્યાં. મન અને આત્માની સાચી ગતિ આ માનવીય સંબંધોની પેલે પાર પરમાત્મા સાથેના સંબંધમાં છે તે સત્યની પ્રતીતિ અને અનુભૂતિ તેમણે કરી.

રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો છેલ્લો તબક્કો આવ્યો ૧૯૨૧ થી ૧૯૪૧. આ ગાળા દરમિયાન ગુરુદેવે 850 ગીતોની રચના કરી. ગુરુદેવ રચિત બધાજ ગીતોના શબ્દો સંવેદનાથી છલકતા હતા અને એક અલગ જ ઢાળમાં તેમનું સ્વરાંકન થયેલ હતું આ બધા ગીતો આ ગાળામાં  રબીન્દ્રસંગીત તરીકે જાણીતા થયા  અને આમ રબીન્દ્રસંગીત શૈલીનો જન્મ થયો. આજ ગાળામાં  તેમના ગીતોના સ્વરાંકનમાં  કીર્તન શૈલી અને કર્ણાટકી સંગીત શૈલીનો સમાવેશ કર્યો. ભારતના ખ્યાતનામ સંગીતકારો સાથે ગુરુદેવ આ ગાળા દરમિયાન સતત સંપર્કમાં રહ્યા.  આ ગાળા દરમિયાન દેશભક્તિના જુવાળને વેગ આપતા ગીતોની પણ ગુરુદેવે રચના કરી.

જીવનની સંધ્યાએ ગુરુદેવે પોતેજ સ્વરચિત ગીતોનો સંગ્રહ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને તેને “ગીતબિતાન” એવું નામ આપ્યું. ગીતબિતાનની પ્રથમ આવૃત્તિ ૧૯૩૧-૧૯૩૨માં પ્રકાશિત થઇ. ૧૯૩૮માં ગુરુદેવે પોતાના ગીતોનું વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું અને ૧૯૪૧માં ગીતબિતાન સંગ્રહની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ સંગ્રહમાં ગુરુદેવે પોતાના ગીતોનું 6 ભિન્ન વિભાગોમાં એટલે કે પારજોય(পরজায়)

માં વર્ગીકરણ કરેલ છે. માનવમનની સંવેદનાઓનું આગળ વર્ગીકરણ કરતા, દરેક વિભાગનું પાછું અનેક ઉપવિભાગમાં વર્ગીકરણ કરેલ છે. પ્રથમ વિભાગ એટલે  “પૂજા” પારજોય. આ વિભાગ મારો સૌથી વધુ પ્રિય વિભાગ છે.  જેના દરેક ગીતોમાં ગુરુદેવનું પરમાત્મા સાથેનું  અતૂટ અને અદમ્ય જોડાણ અનુભવાય છે. બીજો વિભાગ એટલે “પ્રેમ” પારજોય જેમાં પ્રેમની સર્વોપરિતાની ગાથા ગાતા ગીતોનો સમાવેશ થયેલ છે. ગુરુદેવ પરમાત્મા સાથે પણ પ્રિયજનનો નાતો ધરાવતા હતા. He felt spiritual romanticism with the Divine. એટલે પ્રેમ પારજોયના બધાજ ગીતો ભલે લખાયા હોય પરમાત્માને કેન્દ્રમાં રાખીને પણ  પ્રિયજનને પણ એટલાજ લાગુ પડે છે.

ત્રીજા વિભાગમાં “પ્રકૃતિ” ને લગતા ગીતોનો સમાવેશ કર્યો છે. ગુરુદેવ માટે પરમાત્મા અને પ્રકૃતિ તેમનું ચાલક બળ હતા. ચોથો વિભાગ “આનુષંગિક” એટલે કે પ્રાસંગિક ગીતોનો છે જેમાં લગ્ન, જન્મદિવસ જેવા પ્રસંગોને લગતા ગીતો છે. પાંચમો વિભાગ “સ્વદેશ” કે જેમાં દેશ ભક્તિને લગતા ગીતોનો સમાવેશ થાય છે અને છઠ્ઠા વિભાગ કે જેને “બિચિત્રો” નામ આપવામાં આવ્યું છે જેમાં પ્રકીર્ણ ગીતોનો સમાવેશ કરેલ છે. ૧૯૪૧માં ગીતબિતાનનું પ્રકાશનનું કામ પૂર્ણ થયુ જેમાં તેમણે “ઉદબોધન” નામની પ્રસંગોપાત કવિતા પણ રચી. અને આમ આ ભવ્ય કાવ્ય/ગીત સંગ્રહની રચના થઇ.

આ ગીતબિતાન ગીત સંગ્રહમાંથી તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોના  ભાવાનુવાદ દ્વારા તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત આપણે આવતા લેખથી કરીશું. આશા રાખું છું કે તમે પણ મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો.