લતા હિરાણી
ફળિયામાં ઘટાદાર લીમડો. ઘુંટણવા ઉંચી, થાંભલીઓના ટેકે ઉભેલી દેશી નળિયાવાળી ઉબડખાબડ ઓસરી. એમાં એક મોટો ગોખલો. ગોખલામાં માતાજીનો નાનકડો મઢ. શુરાપુરાયે પૂજાય. મઢ આડે, ફાટવાને વાંકે લટકતો એક પડદો. ઓસરીમાં જમણી બાજુ મોટા પાણિયારા પર માટલાં ને ચકચકાટ બેડાં. બે-ચાર ઘોબાવાળા લોટા પ્યાલા ખરાં. ઘરમાં નજરને ગમે એવું કાંઈ દેખાતું હોય તો આ પાણિયારું ને લીમડાની ઘટા.
મનહર ક્યારેક પૂછતો માને, “કેટલું માંજ્યા કરે છે આ બેડાંને ?” આવો ચળકાટ એણે માના ચહેરા પર ક્યારેય નહોતો જોયો.
ઓસરીમાં બે બારણાં પડે. એક રાંધણિયાનુ. નળિયામાંથી પડતા ચાંદરણા સિવાય ત્યાં બીજો કોઈ પ્રકાશ નહીં. ચુલા ઉપરનું એક નળિયું ખસેડી ધુમાડાને જવા માટે જગ્યા કરેલી દેખાય એટલું જ, બાકી ચુલો ફૂંક્યા કરતી મા રાંધણિયામાં ભરાઈ રહેતો ધુમાડો ખાઈ ખાઈ ઠોં ઠોં કર્યા કરતી. રાંધણિયાની બાજુમાં એક ઓરડો. એમાં જુનો પટારો ને ઘંટી હતા. નવાં કપડાં પેટીમાં ને જુના લુગડાંનું પોટલું વાળેલું દેખાય. જો કે આ સમૃદ્ધિમાંયે વાલજીએ દીકરા મનહરને કૉલેજ કરાવેલી એ ખરું. કૉલેજ પૂરી થઈ અને વેકેશનમાં આમતેમ રખડતા મનહરને હવે ઝટ નોકરી મળી જાય એની વાલજીને વાટ હતી.
મનહર કૂદકા મારતાં ઓસરીમાં ચડ્યો.
’બા, ખાવાનું દે, બહુ ભુખ લાગી છે’
‘બેટા, જરા ધાણ રાખ. ખાવાનું ભાગી નહીં જાય.’ મોટીબાએ ટપાર્યો.
‘મોટીબા, ફળિયામાંથી ટાંટિયા ધોઈને જ ચડ્યો છું.’
‘માતાજીને માથું નમાયું?’
‘આ તમારા ગોખલા ને દેવલા…..’
‘એમ નો બોલાય દીકરા, ઈ ભગવાન કે’વાય.’ મોટીબા ઝીણું બબડ્યા,
‘તારો બાપેય આવો જ હતો…. અથરો. હવે કંઈક ટાઢો પડ્યો’.
મનહર ક્યાં મોટીબાની વાત સાંભળવા ઉભો રહે એમ હતો ! અંદર જઈ બાની સામે પલાંઠી વાળીને બેસી ગયો.
’બાપુજીએ પૈસા દીધા છે ને? મારે બે નવા બુશકોટ સીવડાવવાના છે. એક દિવાળીનો ને બીજો બેસતા વરસનો.’
બા કાંઈ ન બોલી. થાળી પીરસીને દીકરા પાસે મુકી દીધી. મનહરે કોળિયો ન લીધો.
’પૈસા દે ને બા!’
‘તારા બાપુજીને આવવા દે. ખાધા કેડે ઈ જ આલશે.’
‘વળી પાછી ઈ જ વાત. બાપુજી કે’શે, તારી બાને દઈ દઈશ ને તું કે’છ તારા બાપુજી દેશે. આમ ને આમ તમે દિવાળી કાઢી નાખશો.’
ફળિયામાં બાપુજીએ ખોંખારો ખાધો. બાએ ઝટ ઝટ પાણીનો લોટો ભરી દીધો ને રોટલા ઘડવા માંડી.
‘તેં હજી ખાવાનું શરુ નથી કર્યું?”
મનહર કાંઈ બોલ્યો નહીં. એણે હાથ એઠો કરીને મુકી દીધો હતો.
’આજે ચમનશેઠ પાસે ફરીને જઈને આયો.’ જરા ધીમે સાદે બાપુજી બોલ્યા.
મનહર કે બા કોઈ કાંઈ ન બોલ્યું. બાએ પીરસેલી થાળી બાપુજી પાસે મુકી.. એમણે હાથમાં પાણી લઈ થાળી ફરતે ગોળ ધાર કરી ને બે ઘડી આંખ બંધ કરી કંઈક મંતર ગણગણ્યા.
’એલા મનિયા, શું બેઠો બેઠો જોયા કર છ! ખાવા માંડ ને !’
’મારા બુશકોટના કાપડનું શું કર્યું?’
’નહીં થાય, આ ફેરા નહીં થાય.’
’શું કામ? દિવાળી આવે છે. મારા ભાઈબંધે નવા બુશકોટ સીવડાવવા નાખીયે દીધા.”
”તે તું કાંઈ ઉઘાડો ફરે છે? જોયો મોટો દિવાળીવાળો!”
“તમે મને હા કહી ‘તી. હું એસ.એસ.સીમાં એંશી ટકા લાવ્યો’તો ત્યારેય તમે એકવાર હા કઇને પછી નામકર ગ્યા ’તા.”
“તે તારા બાપને ગામનો ગરાસ નથી! ઇ તો કહું છું, ચમનશેઠ પાસે આજ ફરીને ગ્યો’તો પણ દીકરીના લગન લીધા છે તી ઇનેય ખરચ હોય ને !”
“તે એની દીકરી પૈણે એમાં આપણે દિવાળી બગાડવાની?”
“ને નવા લુગડાં પેરીએ તંયે જ દિવાળી થાય ?”
થાળી હડસેલતો હડફ દઈને મનહર ઉભો થઈ ગયો.
”ઉભો રે, ઉભો રે બેટા…” બા કહેતી રહી ને મનહર રાંધણિયાની બહાર નીકળી ગયો. ડેલીની બહાર નીકળી એણે હાથમાં પથરો લીધો ને કર્યો ઘા. વાઉં વાઉં કરાંજતુ કુતરું ભાગ્યું.
આખો દિવસ ભુખ્યો ને ભુખ્યો એ સીમમાં રખડતો રહ્યો. તળાવની પાળે બેઠો. ગળું સુકાતું હતું પણ પાણી ન પીધું તે ન જ પીધું. ક્યાંક વાડ તોડી નાખી ને ક્યાંક કોઈકની સાથે નાની વાતમાં ઝઘડી પડ્યો.
મોડી રાતે એ ફળિયામાં હળવેકથી દાખલ થયો.
‘આવી ગયો ભાઈ?’
મોટીબા ખાટલામાંથી બેઠા થયા. બાજુમાં એનો ખાટલો ઢાળીને ગોદડું પાથરેલું હતું. મનહરે પગ પર બે લોટા પાણી રેડી ખાટલામાં પડતું મુક્યું.
”જરા સબુરી રાખ બેટા, આમ ઉંબાડિયા મેલ્યે તો આપણાં કાળજા બળે.” મોટીબાને મનહરની બહુ ચિંતા હતી.
”આ તે કેવાં લોક માડી? આ શેઠિયાઓની મજુરી કરી કરીને બાપાની કાયા કંતાઈ ગઈ તોય બાર મહિને આપણા હકના પૈસા માટેય કરગરવાનું ? બાપુજી કાંઈ ન કહી શકે?”
”ભાઈ એ લોક આપણું ધણી છે. તારી બોનને પૈણાવી તંયે એણે જ રુપિયા ધીર્યા’તા ને !”
”તે એ તો ઢગલો વ્યાજ લઈને….. સાલાવ ખોટી દાનતવાળા !”
“હાલ ઉઠ, પે’લા થોડું ખાઈ લે”
મોટીબા રાંધણિયામાં ગયા. રાતનો રાખેલો રોટલો ને તાંસળી ભરીને દૂધ લાવ્યા. મનહર કોળિયા ભરતો હતો પણ એનું મન ક્યાંક બીજે હતું.
મોટીબાએ એની વિચારમાળા તોડી.
‘તું તો ભણ્યો છો ને બાપલા! મોટો સાહેબ થાજે ને દોથા ભરીને પગાર લાવજે.’
મનહર ઉઠીને મોટીબાના ખાટલામાં ભરાણો,
‘બા, મારે પરદેશ જાવું છે.’
‘શું કરવા?’
‘અહીંના જેવા લોક એવું ભણતર! પરદેશ જઈને મોટી ડિગ્રી લઈશ ને ખૂબ રુપિયા કમાઈશ.’
મોટીબા મુંગામંતર થઈ ગયા.
સવારે વાત કરશું – કહેતાં મોટીબા પડખું ફરીને સુઈ ગયાં.
વહેલી સવારે આ બાજુ આખો લીમડો કલબલ્યો ને અંદર બાનું વલોણું. મનહરની આંખ ખુલી ગઈ. મોટીબા ઓસરીની કોર પર બેસીને માળા કરતા હતા. હાથમાં દાતણ અને એ જ વાત લઈ મનહર મોટીબા પાસે આવ્યો. મોટીબા ઘડીક એની સામું જોઈ રહ્યાં. એને ખબર હતી કે મનહર જેવો મિજાજનો તેજ હતો, ભણવામાંયે એવો જ તેજ હતો. કૉલેજના છેલ્લા વરસનુ એનું પરિણામ બહુ ઉંચુ આવ્યું હતું. મોટીબાને આ એકનો એક પોતરો બહુ વહાલો હતો. પરદેશ ભણવા માટે બહુ રુપિયા જોઈએ એય ખબર હતી.
આખા દિવસમાં આટલી મોટી વાત, એકાદ અંધારે ખૂણે બની ગઈ. એની જિંદગી બનતી હોય તો હવે આ જાતી જિંદગીએ મારે દાગીનાને શું કરવા છે, એમ વિચારીને મોટીબાએ પોતાના બધા દાગીના આપી દીધા. મનહરે મનમાં નક્કી કરી લીધું કે ભણીગણીને કમાણી થવા માંડશે એટલે મોટીબાને દાગીના નવા કરાવી દઈશ. કોઈને ખબર પડશે તો હોબાળો થઇ જશે એટલે આખી યોજના ખાનગી રાખવી એવું મોટીબાએ ખાસ સમજાવી દીધું.
ત્રણ મહિના પછી ઘરમાં કોઈને કહ્યા વગર એણે લંડનની ફ્લાઇટ પકડી લીધી.
લંડન એરપોર્ટ પર એ ચૂપચાપ ઊભો હતો. એના કાન ચમક્યા,
’હાય, હેન્ડસમ…’
મને કોઈ થોડું બોલાવે! – તો યે મનહરે પાછું વાળીને જોયું. એક પ્રૌઢ અંગ્રેજલેડીનું હુંફાળું સ્મિત એને પોતાના માટે જ વરતાયું. ખચકાતાં ખચકાતાં એ હસ્યો. લેડી ખુશ થઈ.
‘હું ક્યારની તને જોઉં છું.’ અંગ્રેજી છાંટવાળું ગુજરાતી સાંભળીને મનહર બાઘાની જેમ એની સામે જોઈ રહ્યો. એ જવાબ ન આપી શક્યો.
‘નવાઈ લાગે છે ને દીકરા! પણ હું ગુજરાતમાં ઘણું રહી છું ને મને તારા જેવા બહુ લોકોએ મદદ કરી હતી.’
મનહર ઘડીક એની સામે ને ઘડીક વિશાળ કાચની વોલ સામે જોતો રહ્યો.
“મારી સામે જો, સ્વીટ બોય ! અહીં બેસ.’ એ બેઠી અને મનહરને હાથ પકડી પોતાની પાસે બેન્ચ પર બેસાડયો.
‘બહુ મુંઝાયેલો લાગે છે માય સન !’
મનહરને આંચકા ઉપર આંચકા મળી રહ્યા હતા.
રાંધણિયામાં બાની પીરસેલી થાળી હડસેલી ત્યારના ઉચાટભર્યા મનહરને આ અંગ્રેજલેડી મારિયાની વાતથી ઘણી રાહત લાગી. મોટીબાએ દાગીના આપ્યા ત્યારેય એણે જબરો અપરાધભાવ અનુભવ્યો હતો અને પછી તો ભાગદોડમાં દિવસો ક્યાં નીકળી ગયા ખબર ન રહી.
મારિયાના બે ચાર વાક્યો ને હેતાળ સ્પર્શ… એણે એકધારી આપવીતી સંભળાવી દીધી.
“ડોન્ટ વરી સન, મારા હાઉસમાં એક રુમ ખાલી છે. તું એમાં રહેજે”.
“ઓ આન્ટી…… સર્ચીંગ યુ…. ” કહેતી એક ચુલબુલી ગોરી છોકરીએ આવીને મારિયાનો હાથ ખેંચ્યો.
‘શી ઇઝ લીઝા અને લીઝ, આ મનહર… માય હેન્ડસમ બોય, લંડનમાં લીઝ તને કંપની આપશે.’ કહીને મારિયા હસી.
લીઝાએ કોઇ પ્રતિભાવ ન આપ્યો.
મનહરનો વિષાદ ઓગળતો ચાલ્યો. પછીના દિવસો બહુ ઝડપથી પસાર થઈ ગયા. મારિયાની જેમ એય એને લીઝ જ કહેતો. મનહર રોજ લીઝની સાથે યુનિવર્સિટીઓમાં ફરતો. ધક્કા ખવડાવવા બાબતે અને તુમારશાહીમાં એને આ દેશ ઇન્ડિયા કરતાં ચડિયાતો લાગ્યો.
“મન, ચાલને મારી સાથે જર્મની આવી જા. મારી યુનિવર્સિટીમાં તને એડમિશન મળી જશે.”
આ સંબોધનથી મનહર આખેઆખો ઓગળી જતો. બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી. પોતાના નામનું ટુંકુ રુપ ‘મનિયા’ એણે બાપુજીના ગુસ્સામાં સાંભળ્યું હતું. બા અને મોટીબા એને મનુ કહેતા. એને યાદ આવ્યું લીઝે એકવાર એના નામનો અર્થ પૂછ્યો હતો ! ને એને સમજાવતા પોતે શરમાયો હતો.
જર્મનીમાં લીઝે મનહરને જુદી રૂમ પણ ન રાખવા દીધી. ભણવાની સાથે બંનેએ પહેલાં પાર્ટટાઇમ ને પછી ફુલટાઇમ જોબ કરતાં કરતાં જીવનને ભણી લીધું.
એ લંડન હતો ત્યારે એને એવા સમાચાર મળ્યા હતા કે મોટીબા ગયા. એ પછી મનહરની સ્મૃતિમાં ગામ સાવ ધુંધળું કહો કે અદૃશ્ય થતું જતું હતું. હવે સમયની ગંધ પણ છેક જ ઓગળી ગઈ હતી. ક્યારેક ઇંડિયા વિશે કંઇ સમાચાર એના કાને પડતા તો એ સાંભળ્યું ન સાંભળ્યુ કરતો. એને દેશ યાદ જ નહોતો કરવો. અહીં લીઝના સાથમાં જીવન સુંદર, સમૃદ્ધ અને રળિયામણું બની ગયું હતું. ગામમાં જીવેલા ઉબડખાબડ વરસોનો લીઝે ખંગ વાળી દીધો હતો, એ સુખનો પર્યાય બની ગઈ હતી.
ક્યારેક એના મનમાં પેલો ઘટાદાર લીમડો ઉભરાતો ને એ આંખ બંધ કરી બાળકની જેમ લીઝની ભરાવદાર છાતીમાં ચહેરો સંતાડી દેતો. પ્રવાહની જેમ વહ્યે જતું જીવન જરા ખળભળ્યું, જ્યારે મનહરે કાયદેસર પરણવાની જીદ પકડી.
“મેરેજ કર્યે શું ફેર પડશે ? આપણે સાથે જ રહેવાના છીએ. તને કાંઈ શંકા છે ?”
“ના, હું તારું રુંવાડે રુંવાડું ઓળખું છું. પણ આ આપણા બાળકને મારે બાપનું નામ આપવું છે.”
“એ તો મળશે જ.”
“એમ નહીં, કાયદેસર! જેમ મારા દેશમાં થાય છે એમ.”
મનહરનું વર્તન ઘણીવાર સાવ બે જુદા જુદા છેડાનું અનુભવાતું.
‘આમ તો તારા દેશને તું હેટ કરે છે.’ લીઝથી કહેવાઈ ગયું.
મનહર ચુપ થઈ ગયો પણ પરણવાની વાતમાં એણે બાંધછોડ ન કરી.
નામ રાખતી વખતેય એ એવો જ મક્કમ રહ્યો હતો.. ‘મારી દીકરીનું નામ પૂર્વા જ.’
હસીને લીઝ બોલી, ‘તારો દેશ પશ્ચિમમાં છે!’
દસ વર્ષ પરણ્યાના અને એ પહેલાંના ત્રણ વર્ષ સાથે જીવ્યાના. એક જ વ્યક્તિ સાથે આટલાં વર્ષો જીવી શકવાનું રહસ્ય લોકો એને પૂછતા !
લીઝા કહેતી, ‘મન મૂળ ઇન્ડિયાનો.. આ પૂર્વના દેશનું કલ્ચર !’
મનહર બોલી ઉઠતો, ‘તારુંયે ખોળિયું જ પશ્ચિમનું છે !’
લીઝા એને ‘ખોળિયું’ શબ્દનો અર્થ પુછતી ને મનહર ક્યાંક ખોવાઈ જતો.
પરી જેવી દીકરી હતી મનહરની.. લીઝા જેવી ગોરી ચામડી, ભુરી આંખો ને મનહર જેવા વાંકડિયા વાળ.
હાઇસ્કૂલે જતી થઈ ને મનહરને ફડકો પેસી ગયો. રોજ સાંજ પડે પૂર્વાને પાસે બેસાડી એના ફ્રેંડ્ઝની બાબતમાં પૂછ્યા કરતો. લીઝા બધું જોતી અને ચુપ રહેતી.
એક વાર પૂર્વાએ પૂછ્યું હતું., ‘મોમ, મારી ફ્રેંડ્ઝ હવે પીલ્સ લે છે. મારે લેવાની ?
એ દિવસની જેમ જ મનહર હડફ દઇને પ્લેટ હડસેલતો ઉભો થઇ ગયો. એનો ચહેરો લાલઘુમ ને ભમરની પણછ ખેંચાઈ. જો કે એ કંઈ બોલી ન શક્યો. આ દેશના વેશ એ જાણતો હતો. લીઝા પણ ગંભીર થઈ ગઈ હતી. મનહરની નસેનસમાં વહેતા પ્રવાહથી એ વાકેફ હતી.
થોડા દિવસો પછી….
ડાઇનિંગ ટેબલ તૈયાર હતું. લીઝે મનહરને કેટલી વાર બોલાવ્યો. ખાવાનું ઠંડુ થતું હતું.
‘પૂર્વાને આવવા દે.’’
’શી વીલ કમ લેટ’
’વ્હોટ?’ મનહરનો અવાજ ફાટ્યો.
‘કૂલ ડાઉન ડિયર, આવું તો હવે થતું રહેવાનું.’
‘પણ તેં મને કહ્યું કેમ નહીં?’
’ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે એમાં શું કહેવાનું?
’ભાડમાં જાય એની પાર્ટી’ મનહર બોલતાં તો બોલી ગયો પણ એને નવાઈ લાગી, આ શબ્દ એની જીભ પર આટલા વરસેય એટલી જ તાકાતથી આવ્યો! એ ખમચાઈ ગયો.. લીઝાને એમાં સમજ પડે એમ નહોતું પણ એના ધુંધવાટ પરથી પામી ગઈ.
‘કમ ઓન મન રીલેક્સ’…… લીઝે મનહરનો બરડો પંપાળ્યો.
મનહરે માંડ બે કોળિયા ખાવાનું ગળે ઉતાર્યું. મન ડુબકા ખાતું હોય અને એકે શબ્દ ન ટપકતો હોય એવો આ પહેલો પ્રસંગ હતો.
પૂર્વાની વાટ જોવાનો અર્થ નહોતો. એ કપડાં બદલીને પથારીમાં પડ્યો.
આટલા વરસો પછી મનહરની આંખમાં બા ઉગી, આંખમાં ઝળઝળિયાં ભરેલી.
મોટીબાએય જાણે પ્રગટ થઇને કહ્યું, ‘કાંઈ વાંધો નહીં. સુખી રે’જે બેટા. અંતે બધુંય તારા માટે જ હતું ને !’
એ બેઠો થઈ ગયો, લાઉન્જમાં જઈ ચુપચાપ ટહેલતો રહ્યો. ટપ ટપ…. ટપ ટપ….મનહરના પગલાં સંભળાતા રહ્યાં. લીઝા બહાર ન આવી. જેમ બને તેમ ઝડપથી મનહર જાતે જ પરિસ્થિતિ સ્વીકારી લે, એમાં સૌની ભલાઈ હતી.
મોટી ગ્લાસવિન્ડોમાંથી મનહરની નજર બહાર આથડ્યા કરી. ગાર્ડનમાં રાખેલા લેમ્પપોસ્ટની ઝાંખી લાઇટ આસપાસના અંધારાને વધારે ઘેરું બનાવતી હતી ને અજવાળું કોઇ પગલાં નહોતું ઉઘાડતું. એની મુટ્ઠીઓ ઉઘાડબંધ થતી હતી. આખરે બેડરુમમાં જઇને એણે ફોન ઉપાડ્યો.
’ઇટ ઇઝ ટુ લેટ.’ લીઝે આડો હાથ ધર્યો.
રીસીવર ક્રેડલ પર ને મનહરની કાયા બેડ પર પછડાયા. બહાર પવન ફુંકાયો. થોડું ઘણું અજવાળું યે વરસાદની ધારે વહી ચાલ્યું…
મનહરની આંખ સામે એ દૃશ્ય ખડું થયું જ્યારે પહેલી વાર એ પગ પછાડતો ઘરેથી નીકળી આખો દિવસ સીમમાં રખડ્યો હતો. સાંજ પડે હાથમાં ફાનસ લઇને શોધવા નીકળેલા બા-બાપુજીની આંખો પોતાને જોઈને કેવી વરસી હતી ! એ આખેઆખો વહેરાઈ ગયો.
માનવીના હૈયા ગમે એવા નંદવાયા હોય, દિવસ-રાતને આ કોઈ બાબત સાથે કોઈ નિસબત નથી હોતી અને અહીંની સવારને તો ઉગતાંય ક્યાં આવડતું હતું ? સમરના થોડાક મહિના બાદ કરતાં ઘડિયાળ જોઇને જ સમજવાનું કે હવે સવાર થઈ !
લીઝા જાગી. મનહરનો બેડ ખાલી હતો. પૂર્વા ગેટ ખોલી અંદર પ્રવેશતી હતી.
લીઝા હૉલમાં આવી.
મનહર ફોન પર હતો… ‘યસ, અરજન્ટ… ઇંડિયાની ત્રણ ટિકિટ…
……………….
નવચેતન * ૬– ૨૦૦૮
કુમાર * ૧- ૨૦૨૦
