વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

હારુને ઘડિયાળમાં સમય જોવાની વ્યર્થ કોશિશ કરી પછી બહાર ચંદ્રના આછા અજવાળા પરથી રાતના ત્રણ વાગ્યા હશે એવો અંદાજ કાઢ્યો. મન પરના ભારના લીધે ઊંઘી શકતો નહોતો. આંખ બંધ કરવા મથતો તો નજર સામે ચિત્રવિચિત્ર ચહેરા તરી આવતા. માથે ઘુમતા પંખાનો અવાજ અને મનમાં ઘુમરાતા વિચારો કનડતા હતા. વિચારોના હુમલાનો મન પર ભાર વધ્યો. કપાળેથી પસીનો નીતરવા માંડ્યો. એ ગભરાઈને બેઠો થઈ ગયો અને રૂમની બહાર આવ્યો.

સામે પલંગ પર મા અને નાની બહેન સૂતાં હતાં. માના ચહેરા પર એની ઉંમર કરતાંય વધુ વ્યથા, પીડાનાં નિશાન હતાં અને અઝરાના ચહેરા પર ઉંમર કરતાંય વધુ માસુમિયત. મન ભરાઈ આવ્યું. પાછો રૂમમાં આવી ગયો.

“હે ભગવાન, શું કરું? નાજાન માટે થઈને મા, બહેન, ઘર છોડી દઉં કે, મા અને બહેન માટે થઈને જેને જીવનભર સાથ આપવાનો નિર્ણય કર્યો છે નાજાનને છોડું?”

માનો પ્રેમ શીતળ છાંયા જેવો હતો તો નાજાન એના જીવનમાં વસંત બનીને આવી હતી. કોઈ એકની પસંદગી એટલે જીવન-મૃત્યુ વચ્ચેની પસંદગી.

જે દિવસે નાજાનની માએ હારુનને બોલાવીને એના મનની વાત કરી ત્યારે હારુન ત્રિશંકુની દશાએ આવીને ઊભો.

“હારુન, ખરેખર તો આ વાત છોકરા-છોકરીના પરિવારજનો કરે, પણ સંજોગો એવા છે કે નિર્ણય તારે લેવાનો છે એટલે તારી સાથે વાત કરવી જરૂરી છે.” નાજાનની માએ હારુનને બોલાવીને કહ્યું હતું.

વાત જાણે એમ હતી કે, નાજાન પાંચ વર્ષની હતી ત્યારે એના પિતાનું અવસાન થયું. માએ કપડાં સીવીને, અનેક તકલીફો સહીને નાજાનનો ઉછેર કર્યો હતો. દરેક માની જેમ દીકરીનું જીવન થાળે પડે એવું નાજાનની મા ઈચ્છતી હતી. નાજાન નાની હતી ત્યારે મા એનો સહારો હતી, હવે નાજાન માનો સહારો બની ગઈ હતી. માને ડર હતો કે દીકરી મા માટે થઈને એની ખુશી કુરબાન કરી દેશે. માને એકલી છોડીને એ સાસરે નહીં જ જાય.

“તું મને સ્વાર્થી સમજીશ એ હું જાણું છું હારુન, પણ મારી એટલી અપેક્ષા છે કે નાજાન લગ્ન પછી અહીં મારી સાથે જ રહે. આ સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.”

વાત સાંભળીને હારુન સ્તબ્ધ થઈ ગયો. નાજાનની માની વાત એ સમજતો હતો, પણ એના સંજોગો, એની જવાબદારીનું શું?

“માસી, મને વિચારવા માટે થોડો સમય આપો.” હારુન માંડ આટલું કહી શક્યો.

હારુનની નજર નાજાન પર પડી. એના ચહેરા પર ઉચાટ, અવઢવ અને આંખમાં આંસુનાં પૂર હતાં. હારુન અને મા વચ્ચે એનોય પ્રેમ અટવાયો હતો. હારુનને મન થયું કે, એ નાજાન પાસે જઈને એને આશ્વાસન આપે. પણ, એ પત્થરની જેમ જડાઈ ગયો. એક ક્ષણ તો એને થયું કે સાચે જ એ પત્થર હોત તો! એને આટલી પીડા ન થાત.

નાજાનની જેમ એ પણ લાચાર હતો. મા પ્રત્યેના પ્રેમ, બહેનની જવાબદારીથી એના પગ બંધાયેલા હતા.

******

પ્રભાતનો આછો અજવાસ રેલાયો ત્યાં સુધી એ જાગતો રહ્યો. મા ઊઠશે ત્યારે એને જાગતો જોઈને ઉચાટ કરશે એ વિચારથી એનો ઉચાટ વધ્યો. મા માટે એને અસીમ પ્રેમ હતો. નાનો હતો ત્યારથી માની નાની અમસ્તી તકલીફથી એ પરેશાન થઈ જતો. મા બીમાર પડે ત્યારે એને એટલી ચિંતા થઈ જતી કે ના પૂછોને વાત. મા પરાણે એને રમવા મોકલતી અને એ થોડી વારમાં તો રમત પડતી મૂકીને માને જોવા દોડી આવતો.

માને કંઈ થઈ જશે તો એની દુનિયા અંધકારમય બની જશે એવા વિચારો એને ઘેરી વળતા. એ સમજણો થયો ત્યારથી માને તકલીફો વેઠતી જ જોઈ હતી. જીવનમાં ક્યારેક ઝબક વીજળી જેવી ખુશી આવતી, બાકી ઘોર અંધકારમાં જ એનું જીવન પસાર થતાં જોયું છે. પતિની લાચારીનો ભાર પૃથ્વીની જેમ એ ખમતી રહી. ધૈર્યના અગાધ સાગર જેવી મા ધીરેધીરે મુરઝાતી ચાલી, એનું શરીર ખોખલું થતું ચાલ્યું. હારુન જાણતો હતો કે, એ માનું જીવનબળ હતો. એનું અસ્તિત્વ મા માટે પ્રાણવાયુ સમાન હતું.

માએ અનેક સંઘર્ષનો સામનો કરીનેય હારુનની તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી. હારુનની પ્રગતિ, સફળતા કે આજે ઘરની જે જવાબદારી સંભાળી શકવા સમર્થ બન્યો હતો એની પાછળ માનું પીઠબળ હતું.

‘આજે જ્યારે એ માની ઈચ્છાઓ પૂરી કરી શકે, સુખ આપી શકે, ખુશ રાખી શકે એ ક્ષમતાએ પહોંચ્યોં હતો ત્યારે પોતાની ખુશી માટે માને જ છોડવાનો નિર્ણય લેવાની ઘડી આવી? જે માની નાનીનાની પરેશાની જોઈને વ્યથિત થતો એ માને છોડીને અન્ય રહેવા જશે ત્યારે એ કેટલી વ્યથિત થશે?’  હારુન જાતને સવાલ કરતો રહ્યો.

પડખું ફેરવતાની સાથે વિચાર બદલાયા.

“શું કરું? અન્ય માટે થઈને મારી ખુશી જતી કરું? મારું ભવિષ્ય, મારી જિંદગીનો નિર્ણય લેવાનો મને પૂરેપૂરો હક છે. મારી ખુશી, મારી જિંદગી નાજાન છે. સઘળું છોડીનેય એને સાથ આપીશ એવું વચન આપ્યું છે. કોઈ પણ ભોગે એ વચન હું નિભાવીશ.”

*****

“હારુન…” મા એને બોલાવવા આવી ત્યારે વિચારોમાં ડૂબેલા હારુનના ચહેરા પર ઉચાટ જોઈને માને ચિંતા થઈ.

“હારુન, ઑફિસ જવાનો સમય થયો. હજુ તૈયાર નથી થયો? પહેલી વાર માના સવાલો પર એને ખીજ ચઢી.

“નથી જવું ઑફિસ. આખી રાત જાગ્યો છું. માથું દુઃખે છે.” એણે અકળાઈને જવાબ આપ્યો. મા સામે જોયું. એને વ્યથિત જોઈને પોતાની રૂક્ષતા પર પર શરમ આવી.

“મા, ચિંતા ના કર. થોડીવારમાં ઠીક થઈ જશે.” થોડા નરમ થઈને જવાબ આપ્યો.

મા બહાર ચાલી ગઈ. તૈયાર થઈને બહાર આવ્યો. અઝરા ચા લઈને આવી.

“ભાઈ, માએ કહ્યું કે તમને ઠીક નથી.”

મા-બહેનને ચિંતા કરતા જોઈને સ્વસ્થ થવા મથ્યો. હિંમત એકઠી કરીને માને હાથ પકડીને પાસે બેસાડી.

“મા, કાલે નાજાનની માએ બોલાવ્યો હતો. એ ઈચ્છે છે કે લગ્ન પછી હું એમની સાથે જઈને રહું.” અચકાતા અચકાતા એ બોલ્યો.

માના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું, પણ એ સ્મિતની પાછળ વેદના છલકાતી દેખાઈ.

“બસ, આટલી જ વાત માટે તું આટલો પરેશાન થાય છે? તને એમ કે હું મંજૂરી નહીં આપું? અરે, તારી ખુશીમાં અમારી ખુશી છે. આજે જ જઈને નાજોની માને હા કહી આવજે. મેં તને મોટો કર્યો, એનો અર્થ એ નહીં કે અમારા માટે તારી ખુશી જતી કરવાની.” પોતાની વ્યથા મનમાં ભંડારી દઈને માએ કહ્યું.

શું બોલે હારુન? એના ગળામાં ડૂમો અટવાયો.

“ભાઈ, તમે અમને છોડીને જતા રહેશો?”

જાણે કોઈ ધડાકો થયો હોય એમ અઝરાનો અવાજ સાંભળીને એ અંદર સુધી હલી ગયો. શું કરવા જઈ રહ્યો હતો એ?

“અઝરા….” ઊંડાણમાંથી બહાર આવતો હોય એમ બોલ્યો. અઝરાએ એના અસ્તિત્વને તૂટતું, વેરવિખેર થતું બચાવી લીધું.


શૌકત હુસેન શોરો લિખીત (ડૉ સંધ્યા કુંદનાની અનુવાદિત) વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.