ડો. માર્ગી દોશી
ઈશ્વર ,ખુદા, અલ્લાહ, પરમાત્મા.. બધાં સાક્ષાત છે,
જ્યારે વિષય, કિરદારમાં “પપ્પા”ની માંડી વાત છે.
જ્યારે વિષય, કિરદારમાં “પપ્પા”ની માંડી વાત છે.
લખવા કહ્યું ભગવાન વિશે કોઈએ જ્યારે મને,
ટાંક્યું જે મેં કાગળ ઉપર, ‘પપ્પા’નું એ દૃષ્ટાંત છે.
ખિસ્સે ખુમારીનાં ભરી સિક્કા સતત ખર્ચે વજૂદ,
પપ્પાનાં જીવનથી જ સમજ્યા લાગણી, જઝબાત છે.
એ દૂરથી પણ દીકરીની કેટલી પરવા કરે!
પપ્પાનું આંગણ આજ પણ લાગે સુરક્ષિત પ્રાંત છે.
છંદો અને બંધારણો ટૂંકા પડે અહીંયા જુઓ,
પપ્પા ગઝલમાં હોય જો, હર એક ગઝલ વેદાંત છે!
(૨) ડેડી તમે..
સ્વ. હિમાંશુ ભટ્ટ
ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો.
બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો.
આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો.
જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીનાં
કાંટા અને આજે મને પુષ્પો બતાવો.
માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો
લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો.
ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ-કણ માં સમાવો.
મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
…
