ચેતન પગી

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

પીળું હોય એ બધું ભલે સોનુ ન હોય પણ માર્ચથી મે-જૂન સુધીના દિવસોમાં બજારમાં જેટલું પીળું દેખાય એ બધું જ કેરી હોવાની પૂરેપુરી સંભાવના છે. જેમનો જન્મ સિત્તેર, એંસી કે નેવુંના દસકામાં થયો છે એ એવી છેલ્લી પેઢી છે જેમણે કેરી આંબેથી તોડીને પણ ખાધી છે અને બજારમાંથી તોડીને સોરી, ખરીદીને ખાધી છે. એમણે પારકા આંબેથી કેરી તોડવા બદલ માર પણ ખાધો છે અને મોંઘા ભાવની કેસર ખરીદીને ખિસ્સાં પર માર પણ સહન કર્યો છે.

આપણે ત્યાં ઋતુઓ ભલે છ હોય પણ સિઝન અગણિત છે. જેમાં વરસની શરૂઆતમાં આવતી પતંગની સિઝનથી લઈને પિચકારીની સિઝન, સ્કૂલના ચોપડા-યુનિફોર્મની સિઝન, અથાણાં કરવાની સિઝન, મરચું-હળદર ભરવાની સિઝન ફરવા જવા સુધીની સિઝનો સામેલ છે (હવે ચૂંટણીઓ બારેમાસ આવતી હોવાથી એની સિઝન લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે). બધી જ સિઝનોનો લાભ લઈ શકાય એ માટે બજારમાં સિઝનેબલ વેપારીઓનો અલગ ચોકો જોવા મળે છે. તેઓ ચાલતી કોઈ પણ ગાડી (સિઝન)માં ચઢીને વકરો કરી જાણે છે.

જોકે, આ બધી સિઝનોમાં શિરમોર છે કેરીની સિઝન. આ સિઝનમાં ભાજપને સમર્થન આપતા હોય એવા આદમીઓ પણ આમ પાર્ટીમાં જોડાયા વિના રહી શકતા નથી. આ સિઝનમાં તમે ફ્લેટના પાંચમા માળે જવા માટે સીડીઓ ચઢવાનું પસંદ કરશો તો દરેક ફ્લેટની બહાર ડસ્ટબિન પર કેરીની ખાલી પેટીઓ જોવા મળશે. ના, કેરીના ગોટલા જોવા નહીં મળે, કારણ કે ગુજરાતીઓ માત્ર કેરીમાંથી જ નહીં પણ ગોટલામાંથી પણ ગમતો ‘રસ’ કાઢવાના ઉપાયો જાણે છે. કેરી એ કદાચ એકમાત્ર એવું ફળ છે જેને સિઝન દરમિયાન કાપીને, ચૂસીને કે રસ કાઢીને ખાઈ શકાય છે અને અથાણાં બનાવીને આખું વરસ ખાઈ શકાય છે. આપણને કેરી ખાવાની ઉતાવળ હોય છે એમ વેપારીઓને કેરીમાંથી કમાઈ લેવાની ઉતાવળ હોય છે. ગરમી વકરી હોય ત્યારે એમને કેરીમાંથી વકરો કરવાની તક મળે છે.

સ્કૂલમાં ભણાવવામાં આવતું મેથ્સ અને બજારનું મેથ્સ અલગ હોય છે. બજારમાં તમને બે કિલો કેરીમાંથી કાઢવામાં આવેલો ચાર કિલો રસ પણ મળી જશે. આ દાખલો તમને ગણિતના સર પણ સમજાવી નહીં શકે. માત્ર મેથ્સ જ નહીં અહીં બજારના બાયોલોજીના સિદ્ધાંતો પણ જુદા હોય છે. જે કેરીને પાકતા વનસ્પતિશાસ્ત્રના નિયમ પ્રમાણ આઠ દિવસ લાગે એ કેરી વેપારશાસ્ત્રના નિષ્ણાતો બે દિવસમાં પકવી શકે છે. આ વેપારીઓ જુદા પ્રકારની કાર્બન ક્રેડિટને હકદાર છે.

તમને ભલે કેરીમાં રસ હોય, વેપારીઓને નફામાં રસ છે. આંબે લાગતા મોર સાથે આરંભ થયેલું કેરીનું અસ્તિત્વ સ્વાદ રસિયાઓના વન્સ મોર વન્સ મોરની ડિમાન્ડ સાથે પેટમાં ઓગળી જાય છે. કેરીનો માત્ર સ્વાદ નહીં પણ સુગંધ પણ વૈવિધ્યસભર છે. કાચી કેરી, આછી-પાતળી પાકેલી કેરીથી લઈને અથાણાં માટેની કેરી સુધીની સુગંધની લાંબી રેન્જ માણી શકાય છે.

કોઈ મસમોટા મલ્ટિપ્લેક્સમાં પાંચ-સાત સ્ક્રીન પર અલગ-અલગ ટેસ્ટની ફિલ્મો ચાલતી હોય એમ કેરી પણ સ્વાદનું અનોખું મલ્ટિપ્લેક્સ છે. જેમાં તમે અનેક પ્રકારની કેરી મનેફાવે એ રીતે માણી શકો છો એ પણ ઇન્ટરવલ પાડ્યા વિના.

આજકાલ નાની અમથી વાતોમાં લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે. વડોદરાથી સુરત જતી એસ. ટી. બસમાં ચઢેલા મુસાફરે જાણે કોઈ ટ્રોફી જીતી લાવ્યો હોય એવા ગર્વ સાથે કેરીની પેટીઓ બસના માળિયે ચઢાવીને સીટ ગ્રહણ કરતાં એણે કહ્યું, ફળોના રાજાની સિઝન છે. કેરી ખાવી તો પડે જને?’ બાજુમાં બેઠેલો મુસાફર દક્ષિણ ગુજરાત ભણીનો હતો. એણે કહ્યું, ‘ઠીક છે. પણ કેરીને ફળોનો રાજા કહેવાની જરૂર ખરી?’ જવાબમાં પેલા ભાઈએ માત્ર એટલું પૂછ્યું, ‘તમે ક્યારેય ચીકુનું અથાણું ખાધું છે?’ એ પછી બંને વચ્ચે કોઈ સંવાદ થયો હોય એવું બસ કન્ડક્ટરને યાદ નથી.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ