વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

વિવેચન અને આસ્વાદ

ન કર

અદમ ટંકારવી


નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

એ જ સંબંધની ચરમસીમા,
એમનાથી કોઈ સવાલ ન કર.

કોક બીજુંય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે, તું નથી તારી મિલકત,
દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત, તું એટલી કમાલ ન કર.


 

:આસ્વાદઃ
સંજુ વાળા

કવિ કોની સાથે સંવાદ કરે કે કોને સલાહ દે ? આમ તો કવિનું કામ સમાજ સુધારાનું નથી તેમ છતાં કોઈપણ પ્રકારની અરાજકતા એનું સંવિત્ત સહન ન કરી શકે. આવું થાય ત્યારે સર્જક કાંઈ ઝંડો લઈને રસ્તા પર ન ઊતરે. એ તો સમાજ સુધારકોનું કામ. કવિ આવી અરાજકતાને શબદની ચિનગારી ચાપે. પછી એમાં આપોઆપ હલચલ થાય. ક્યારેક કવિને એમ લાગે કે અહીં સંડોવાયા વિના કોઈ ઉપાય નથી ત્યારે એ બોલે પણ ખરો પરંતુ સાચો કવિ કવિતાની શરતે બોલે. સર્જકની પોતાની આ વણ લખી સ્વયંશિસ્ત હોય છે. અહીં જગતે, કોઈ સાધક-સંત-કફીર સાથે કોઈ અણગમતો વ્યવહાર ન કરવો જોઇએ છતાં કરે છે અને કવિ એ જોઈ જાય છે. આ વખતે એ ન બોલે તો તો એ સંવેદનશીલ શેનો ? સમ્યક રીતે જગતને જોતાં સર્જકની આંખે અણછાજતું દેખાય ત્યારે એ પોતાના શબ્દને તેની સામે ઉતારે છે. આવા શબ્દ પાછળ એ સર્જક પણ પોતાનું આત્મવિત્ત લઈને ઊભો હોય છે. પ્રસ્તુત કૃતિમાં આવી થોડી સ્થિતિઓથી અળગાં રહેવાં કે તેનાં તથ્યાતથ્ય વિશે કવિ અદમ ટંકારવીએ પોતાનું નમણું હથિયાર ગઝલ લઈને જગત સાથે આદરેલી વાત વિશે થોડીક વાતો કરવી છે.

કવિનું પૂરું નામ આદમ મુસાભાઈ પટેલ(ઘોડીવાળા)(૨૭મી સપ્ટેમ્બર ૧૯૪૦) ઉપનામ : ‘અદમ ટંકારવી’ વતન : ટંકારિયા (ભરુચ) પ્રાથમિક અભ્યાસ વતનમાં પછીથી ઉચ્ચ અભ્યાસ વલ્લભવિદ્યાનગર ખાતે. પ્રથમ ટંકારિયા, કરનાડ અને જીવન ભારતી સુરતમાં શિક્ષક તરીકે અને બાદમાં મિયાંગામ-કરજણ અને વિદ્યાનગરમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી. કવિ ૧૯૯૧થી બ્રિટનમાં સ્થાયી થયા. ત્યાં પણ પહેલાં શિક્ષક અને બાદમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. હાલ ૨૦૦૧થી નિવૃતિ માણી રહ્યા છે. ‘સંબંધ’ નામે પ્રથમ ગઝલ સંગ્રહ હવે તો અદમ ટંકારવીની સમગ્ર ગઝલ રચનાઓ પણ પ્રાપ્ય છે. ગુજલિશ ગઝલોમાં કવિનું આગવું કવિતાકર્મ અવતર્યું છે.

નાનકડાં સંવેદન કે વિચારને લાઘવથી અને કાવ્યાત્મકતાથી બે પંક્તિઓમાં વ્યક્ત કરવાની કળાને ‘શેર કહેવો’ કહેવાય છે. અહીં આવું એક ભાવબિંબ કવિએ ખપમાં લઈ તેની સ્થાપના કરી છે. કોની સાથે કેવો વ્યવહાર કરાય એ કવિએ તો કથ્યું પણ ભાવકને તો સમજના દાયરામાં પહોંચાડી દીધો. ફકીર તો એ જ, જે બધું ફૂંકીને બેઠો હોય. એને વળી વ્યવહારજગતના પાઠ શું ભણાવવા? એટલે કવિ વારંવાર કહે છે કે ન કર. આ ન કર આખી ગઝલમાં પાઠ ગોખાવાતો હોય એમ પડઘાય છે.

સંબંધમાં સઘળું ન્યોચ્છાવર કરવાનું હોય. પૂછી પૂછીને પાણીય પિવાય ત્યાં વ્યવહાર ટકે, સંબંધ નહીં. એકલપેટાં માણસો જેમ સર્વત્ર પોતાને જ ભાળે અને પોતાનું જ સાબિત કરે અથવા તો પોતાની સ્થાપના માટે મરણિયા પ્રયાસ કરતા લોકો બીજાની દરકાર જ નથી કરતા એવાઓને સહેજ આંખ-કાન ખુલ્લાં રાખવા કથક કહે છે. ‘ધમાલ’ જેવા શબ્દથી તો કેવી વ્યાપ્તિ નિર્દેશી. સાદાસીધા કથન અને કાફિયાની કમાલથી, ભાવકને કાવ્યત્વ સુધી લઈ જવાનો કવિનો પ્રયત્ન છે.

સરળ રીતે કોઈક સ્થાપના થાય એ આવકાર્ય જ છે પણ એ કવિતા છે એવું ભૂલવાનું પણ નથી. જોકે લોકો તો તસ્દી લેવા માગતા જ નથી. અભિધાના સ્તરે વ્યક્ત થયેલ ધાયલસાહેબનો શેર :


બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

જેવામાં હજારો તાળીઓ પડતી જોઈ છે. ત્યાં કવિતાઈ કરામત નહીં લોકોને સીધા ‘સત્યના દરશન’ થતાં હશે. આપણા કવિએ ‘કો’ક બીજુંય’ કહીને આ શેરના વ્યાપ-વિસ્તાર વધારી દીધા, તેની ટુંકી બહરમાં લાઘવીય મઝા અહીં માણી શકાય છે.

પછીના બન્ને શેર સામે રહેલા ‘તું’-ને સંબોધાય છે. આમ તો અહીં એમ પણ કહી શકાય કે કથકે આ ‘તું’-ને તેની હેસિયત દેખાડી છે. પોતેય પોતાની મિલકત ન હોય ત્યાં બહારના જગતની તો વાત જ ક્યાંથી થાય ? સામાન્ય અને સરળ રીતે કવિએ હોવાના સત્યને ઉજાગર કરી દીધું અહીં. ગઝલકથનની એક ખૂબી જે બહુ ઓછા જાણે છે તે એ કે બન્ને પંક્તિની ભાવરમણામાં કયારેક પ્રથમ માથાભારે કે હળવીફૂલ હોય કયારેક બીજી. આ પ્રકારનું નિયોજિત સાયુજ્ય શેરને અનોખું સૌંદર્ય આપે છે. અહીં પણ કવિએ બીજી પંક્તિમાં ‘ગોલમાલ’ જેવો વૈપારિક શબ્દ પ્રયોજી ખરી ગોલમાલ કરી છે. મમળાવો તો સ્વાદ આવશે. તે પછીના શેરની પ્રથમ પંક્તિ આવું જ કામ કરે છે. માત્ર તેજ ચાલ કરવાથી જ જો પહોંચી શકાતું હોય તો તો ઘણા ઉડે છે એ પહોંચી ગયા હોત. પણ ક્યાં પહોંચવાનું છે એની જેને ખબર જ નથી એની દોડાદોડી પર અહીં નમણો વ્યંગ થાય છે. સહજ ભાષાના આવા ચમત્કાર ગઝલની શોભા બનતા હોય છે.

ગઝલનો છેલ્લો શેર તેના ઘાટા ભાવ અને કથનપ્રયુક્તિને કારણે વધુ ચમકદાર બની રહે છે. અહીં પ્રયોજાયેલ કાફિયા ‘કમાલ’ને કેવા ભાવવિભાવ કે અર્થવિસ્તારથી જાણીએ, તેના પર તેની અસર આરોપિત થઈ છે. લોક ‘માલિક'(આ માલિક પણ બહુ મઝાનો શબ્દ છે. બહુ જ સમજપૂર્વક કવિએ વાપર્યો હોવાનું જાણી શકાય છે.)ને ભૂલી બેસે તેવી કરામતો કરતા ભગવાધારીઓ અને માલિકની જગા સાચવે તેવા સાચા સંત-સતગુરુને તારવવા, જો થોડું વિચારીએ તો અઘરું નથી. જાદુગરી કરનારાઓ અને સમસ્તને સાચો રસ્તો ચીંધનારને ઓળખવા જ પડે. એટલે એકનો ઉપહાસ થાય અને બીજા માટે અહોભાવ. બસ ‘કમાલ’ એવી હોવી જોઇએ કે જેમાં ભીતરથી જ અહોભાવ પ્રગટે. એમને નમવાની ઈચ્છા કે મન નહીં એમને જોઈને આપોઆપ નમી જવાય. કમાલ તો એ છે કે માલિકને ભૂલાવી દે એવી કરામત જેને હસ્તગત છે તેને આ ગઝલપુરુષ સલાહ આપે છે. બસ હવે વિશેષ શું કહેવાનું બાકી રહ્યું ?

નહીં કરવાની સમ્યક સલાહનો ભાવવિસ્તાર સાધતી અને રદીફને બરાબર નિભાવતી આ ગઝલ કવિની યશદાયી રચના છે. ટૂંકી બહર અને સરળ-સહજ ભાષા દ્વારા કાવ્યચમત્કાર સર્જવાનો કાવ્યકસબ અદમસાહેબને હસ્તગત તો છે પણ અવનવી ભાષાભિવ્યક્તિઓ તેમના માટે વારંવાર સફળતાના દ્વાર ખોલી આપે છે. અને એજ તેઓને આગવા અવાજના ગઝલસર્જક પણ ઠેરવે છે.

 

Leave a comment