કેવલ ઉમરેટિયા

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, ટિકિટ બુક કરતા સમયે કે પછી કોઇ વેબસાઇટ પર લોગઇન કરતી વખતે i am not a robot લખેલા બોક્સ પર ક્લિક કર્યુ છે? ૮ – ૧૦ ફોટોમાંથી ટ્રાફિક લાઇટ સિલેક્ટ કરી છે? કે પછી 9+8 કેટલા થાય તેનો જવાબ લખ્યો છે? લખ્યો જ હશે અને એ સિવાય પણ આવું ઘણુંબધું કર્યુ હશે. આ બધું જ કેપ્ચા માં આવે. ઘણી વખત તેમાં મજા આવે તો વળી ક્યારેક કેપ્ચા માથાનો દુખાવો લાગે. કોઇ ઓનલાઇન પ્રોસેસ કરતી વખતે જો ચારથી પાંચ વખત કેપ્ચા ભરવાના આવે તો કમ્પ્યુટરની સ્ક્રીન તોડી નાંખવાનું મન થાય.

જો કે સવાલ એ છે કે આ કેપ્ચા એટલે શું? તેની શું જરુર છે? કેપ્ચા એટલે શું? આપણે જેને ‘કેપ્ચા’ કહીએ છીએ તે ટૂંકું નામ છે. તેનું આખું નામ છે, Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. એટલે કે એક એવો ટેસ્ટ જે નક્કી કરે છે કે સામે માણસ છે કે મશીન (બોટ-કમ્પ્યુટર). કેપ્ચા સુરક્ષા પદ્ધતિ છે. તે ખરાઇ કરે છે કે વેબસાઇટ પર અસલી માણસ જ કામ કરી રહ્યો છે, ઓટોમેટેડ સોફ્ટવેર નહીં. તેનો હેતુ વેબસાઇટ્સને હેકર્સ, સ્પૈમર્સ અને ઓટોમેટેડ બોટ્સથી સુરક્ષિત રાખવાનો છે.

કેપ્ચા શા માટે જરૂરી છે? અત્યારે ડિજિટલ યુગમાં આપણે બધું જ ઓનલાઈન કરીએ છીએ – શોપિંગ, બેંકિંગ, ટિકિટ બુકિંગ, સોશિયલ મીડિયા અને ઘણું બધું. ડિજિટલ દુનિયામાં ખાલી માણસો નથી પણ બોટ્સ પણ છે, એવા ઓટોમેટિક પ્રોગ્રામ જે અનેક રીતે નુકસાનકારક અને જોખમી છે. આ બોટ્સને રોકવા માટે કેપ્ચા સરળ અને અસરકારક રીત છે. કેપ્ચા ભલે તમને સાવ સામાન્ય લાગે, પરંતુ તે સાઇબર સુરક્ષાની પહેલી દીવાલ છે. સ્પૈમ – બોટ્સ ઘણીવાર વેબસાઇટ્સ પર નકામી કોમેન્ટ્સ, લિંક્સ અથવા જાહેરાતો પોસ્ટ કરે છે. કેપ્ચા તેને અટકાવે છે અને વેબસાઇટને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે. ફેક એકાઉન્ટ બોટ્સ સોશિયલ મીડિયા અથવા ઇ-મેલ જેવી વેબસાઇટ્સ પર હજારો નકલી એકાઉન્ટ બનાવી શકે છે. કેપ્ચા તેમને આમ કરતા અટકાવે છે. ઓટોમેટિક ટિકિટ બુકિંગ બોટ્સ ઘણીવાર એકસાથે અનેક ટ્રેન, મૂવી અથવા ઇવેન્ટ ટિકિટો બુક કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે. કેપ્ચા આવું થતું રોકવામાં મદદ કરે છે. વેબસાઇટ હેકિંગ બોટ્સ પાસવર્ડ અનુમાન લગાવવા માટે લાખો વખત પ્રયત્નો કરી શકે છે. આમ કરતા પહેલા કેપ્ચા ટેસ્ટ લે છે, જેમાં બોટ્સ નિષ્ફળ જાય છે. ડેટા ચોરી બોટ્સ વારંવાર ઓનલાઈન ફોર્મ જેમ કે કોન્ટેક્ટ ફોર્મ, ઈમેલ સબ્સ્ક્રિપ્શન વગેરે ભરીને વેબસાઇટ સર્વર પર લોડ લાવે છે. કેપ્ચા આ દુરુપયોગને અટકાવે છે.

બોટ્સ એટલે શું? બોટ્સ કે જેને રોબોટ પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓટોમેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે ઇન્ટરનેટ પર માણસોની જેમ જ કામ કરી શકે છે, અને તે પણ અનેક ગણી ઝડપે. આ બોટ્સ થાક્યા વિના કે અટક્યા વિના, દર સેકન્ડે લાખો કામ કરી શકે છે. કેટલાક બોટ્સ સારું કામ કરે છે, પરંતુ કેટલાક બોટ્સનો ઉપયોગ ખરાબ કામ માટે થાય છે. એ કહેવાની જરૂર નથી કે ઇન્ટરનેટ પર સારાં કરતાં ખરાબ બોટ્સની સંખ્યા વધારે હોય છે.

કેપ્ચા કઇ રીતે કામ કરે છે? કેપ્ચાનું કામ એ સાબિત કરવાનું છે કે તમે માણસ છો. તે સામાન્ય રીતે એક નાની ટાસ્ક આપે છે, જે માણસો માટે સરળ હોય છે પણ મશીનો માટે મુશ્કેલ હોય છે. જેમ કે વાંકાચૂકા અક્ષરો વાંચવા અને લખવા, કેટલાક ફોટોમાંથી ટ્રાફિક લાઇટ કે બસને ઓળખો, i am not a robot ચેકબોક્સ પર ક્લિક કરો. માણસો આ પ્રકારનાં કામ એકદમ સરળતાથી પૂરાં કરી શકે છે કારણ કે આપણું મગજ અને આંખો વસ્તુઓને બુદ્ધિપૂર્વક ઓળખે છે. જો કે બોટ્સ (કમ્પ્યુટર પ્રોગ્રામ્સ) આ કાર્યોમાં નિષ્ફળ જાય છે કારણ કે તેમની પાસે સ્માર્ટ સેન્સ નથી હોતી અથવા તો ખૂબ જ ઓછી હોય છે. કેટલાક કેપ્ચા તમારા માઉસની હિલચાલ, ટાઇપિંગની સ્ટાઇલ અને વેબસાઇટ પર તમે કેટલો સમય વિતાવો છો તે પણ ટ્રેક કરે છે. તેનો ઉપયોગ કરીને તમે માણસ છો કે નહીં તે નક્કી કરે છે.

કેપ્ચાની શરૂઆત કઇ રીતે થઇ? કેપ્ચાનો વિચાર સૌપ્રથમ સાલ ૨૦૦૦ માં અમેરિકાની ‘કાર્નેગી મેલન યુનવર્સિટી ના વૈજ્ઞાનિકો લુઈસ વોન આહ્ન (Luis von Ahn) અને તેના સાથીદાર મેન્યુઅલ બ્લમ (Manuel Blum) તેમજ નિકોલસ હોપર (Nicholas Hopper)ને આવ્યો હતો. તેમનો ઉદ્દેશ નકલી એકાઉન્ટ બનાવનારા અથવા સ્પેમ ફેલાવતા ઓટોમેટેડ બોટ્સથી વેબસાઇટ્સને સુરક્ષિત રાખવાનો ઉપાય શોધવાનો હતો. તે સમયે ‘યાહૂ’ જેવી કંપનીઓ ઓનલાઈન ફોર્મ્સ અને એકાઉન્ટ્સ સાથે સંઘર્ષ કરી રહી હતી કારણ કે બોટ્સ હજારો નકલી એકાઉન્ટ્સ બનાવતાં હતાં. લુઈસ વોન આહ્ન અને તેમની ટીમે એક ઓટોમેટેડ ટેસ્ટ બનાવ્યો જે ફક્ત માણસો જ પાસ કરી શકે, બોટ્સ નહીં. આ ટેસ્ટનું નામ હતું કેપ્ચા – Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. રસપ્રદ વાત એ છે કે કેપ્ચાનો વિચાર એલન ટ્યુરિંગના ‘ટ્યુરિંગ ટેસ્ટ’ થી પ્રેરિત હતો, એક એવો ટેસ્ટ જે કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે છે કે કેમ તે નક્કી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. કેપ્ચા પણ એ જ વિચાર સાથે બનાવવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ તેનાથી વિપરિત કામ માટે કરવામાં આવ્યો – માણસ અને કમ્પ્યુટરને અલગ પાડવા માટે. ત્યારબાદ કેપ્ચાનું વધુ આધુનિક સ્વરૂપ સામે આવ્યું, જે reકેપ્ચા તરીકે ઓળખાયું. તેને ૨૦૦૯ માં ‘ગૂગલ’એ ખરીદી લીધું. શરૂઆતમાં તે માત્ર સુરક્ષા પૂરતું સીમિત નહોતું પણ દુર્લભ પુસ્તકો અને જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાનો પણ હતો. આજનું reકેપ્ચા I am not a robot ચેકબોક્સથી લઈને માઉસની એક્ટિવિટી, ટાઇપિંગ અને બ્રાઉઝિંગ હેબિટના આધારે સામેની વ્યક્તિ માનવ છે કે બોટ છે તે નક્કી કરે છે.

શું કેપ્ચાને મૂર્ખ બનાવી શકાય? હા, ક્યારેક કેપ્ચાને પણ મૂર્ખ બનાવી શકાય છે. આજકાલ AI અને મશીન લર્નિંગ એટલા ઝડપી બની ગયા છે કે બોટ્સ પણ કેટલાંક કેપ્ચા, ખાસ કરીને જૂનાં ટેક્સ્ટ કેપ્ચા ઉકેલી શકે છે. કેટલાક બોટ્સે ટેક્સ્ટ ઓળખવાનું શીખી લીધું છે, ઇમેજ રિકગ્નિશન ટેકનોલોજી ફોટો ઓળખી શકે છે. કેટલાક હેકર્સ ‘કેપ્ચા ફાર્મ્સ’ નો ઉપયોગ કરે છે, જ્યાં માણસો પૈસાના બદલામાં કેપ્ચા ઉકેલે છે. જો કે આનો અર્થ એ નથી કે કેપ્ચા નકામા છે. અત્યારે AI ના સમયમાં પણ કેપ્ચા સુરક્ષા માટે મજબૂત ટૂલ છે, કંપનીઓ પણ તેને વધુ મજબૂત બનાવવા કામ કરે છે. કેપ્ચા એ નાનકડું પણ અત્યંત મહત્ત્વનુ સિકયૂરિટી ટૂલ છે. તે આપણને બોટ્સ, સ્પેમ અને સાઇબર હુમલાઓથી બચાવવા માટે ચુપચાપ કામ કરે છે. ભવિષ્યમાં, જ્યારે કેપ્ચા વધુ સ્માર્ટ બનશે, ત્યારે તમારે કંઈપણ ક્લિક કરવાની જરૂર પણ નહીં પડે – અને સુરક્ષા પહેલાં કરતાં વધુ સારી થશે.

કેપ્ચાના પ્રકાર સમયની સાથે કેપ્ચાનો પણ વિકાસ થતો ગયો. સાવ સાદા ટેક્સ્ટ તરીકે શરૂ થયેલા કેપ્ચાના આજે ઘણાબધા પ્રકાર છે.

૧ ટેક્સ્ટ કેપ્ચા: આડાઅવળા તેમજ નાના મોટા અક્ષરો અને નંબર દેખાય છે. જેને ઓળખીને તમારે બોક્સની અંદર લખવાના હોય છે. આ સૌથી જૂનો અને સૌથી વધારે ઉપયોગી કેપ્ચાનો પ્રકાર છે.

૨ ઇમેજ કેપ્ચા: ફોટોની એક ગ્રિડ એટલે કે ૮-૯ નાના ફોટો આવે છે, જેનીઅ ઉપર લખેલું હોય છે કે ‘ટ્રાફિક સિગ્નલવાળા ફોટો સિલેક્ટ કરો’ અથવા તો ‘બસ દેખાતી હોય તે ફોટો સિલેક્ટ કરો’ વગેરે. આ સિવાય ફોટોમાં કોઇ વસ્તુની દિશા નક્કી કરવાનું પણ પૂછવામાં આવે છે.

૩ ઓડિયો કેપ્ચા: આ રીત ખાસ કરીને દૃષ્ટિહીન લોકો માટે ઉપયોગી છે. જેમાં ઓડિયો સ્વરૂપે નંબર અથવા શબ્દ બોલવામાં આવે છે, જેને ટાઇપ કરવાનો હોય છે.

૪ મેથ કેપ્ચા: આમાં ગણિતનો કોઇ સવાલ પૂછેલો હોય છે, જેમ કે 9+8=? એવા સવાલ હોય છે કે જેમાં તર્ક લગાવવાની જરૂર પડે છે.

૫ બીહેવિયરલ કેપ્ચા: કોઈ સવાલ નથી પુછાતો, વેબસાઇટ તમારી એક્ટિવિટી જોઈને નક્કી કરે છે કે તમે માણસ છો કે બોટ્સ. તમારી એક્ટિવિટીના આધારે નિર્ણયો લે છે. i am not a robot કેપ્ચાનો સમાવેશ બીહેવિયરલ કેપ્ચામાં થાય છે. તમે જે રીતે ચેકબોક્સની અંદર ક્લિક કરો ત્યારે તમારા કર્સરની એક્ટિવિટી ટ્રેક કરવામાં આવે છે.


દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિની ‘અપડેટ’ કોલમમાંથી સાભાર