મંજૂષા

 વીનેશ અંતાણી

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી ક્રિકેટજગતમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે. એમણે અચાનક અને કેટલાકના મતે થોડી વહેલી નિવૃત્તિ શા માટે લીધી એની ચર્ચા ચાલતી રહેવાની છે. અન્ય ક્ષેત્રોના પ્રતિભાશાળી લોકો પણ ક્ષેત્રસંન્યાસ લે ત્યારે આ જ પ્રકારનું આશ્ચર્ય થાય છે.

પોતાના કામમાં આનંદ આવતો હોય, જાત અને અન્ય લોકો માટે નવા માપદંડ ઊભા કર્યા હોય, તેઓ પોતે પણ એ માપદંડથી આગળ જવા કટિબદ્ધ હોય, છતાં એક સમયે એમને લાગે છે કે અટકવું પડશે. ધ્યેયપ્રાપ્તિ માટે દિવસ-રાત જોયા વિના વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરતા લોકો પોતાને કે પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકતા નથી. એક તબક્કે એમને સમજાય છે કે જીવનમાં આનંદ માણવા માટે અન્ય માર્ગો પણ છે અને એ વિકલ્પોને એમણે અવગણ્યા છે. એ બધું સંચિત થતું થતું માનસિક દ્વંદ્વની પરાકાષ્ઠાએ પહોંચે છે, શરીર અને મન હિસાબ માગવા લાગે છે ત્યારે એમણે ખુદને ‘રુક જાઓ’ જેવો આદેશ આપવો અનિવાર્ય બની જાય છે.

અમેરિકાના મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વિમિંગની સ્પર્ધામાં અઠાવીસ સુવર્ણચંદ્રકો સહિત સૌથી વધારે ચંદ્રકો જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એની આ સિદ્ધિ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ છે. એ વર્ષોમાં એ પોતાના શરીર અને મન, પરિવાર કે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપી શક્યા નહોતા. માણસ માત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા જ જન્મતો નથી. ક્યારેક સફળતાનો આનંદ પણ કોરવા લાગે છે. એના કામમાં એકનિષ્ઠ માઇકલે એક દિવસ પોતાનું મન ખોલ્યું હતું: ‘મારી સમગ્ર કારકિર્દીમાં મારા શરીરની સંભાળ લેનાર ઘણા લોકોની ટીમ હતી, પરંતુ મારા મનની સંભાળ લેનાર કોઈ નહોતું.’ એ ઘણીવાર હતાશા અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. કલ્પના પણ ન આવે કે એને આપઘાત કરવા સુધીના નકારાત્મક વિચારો પણ આવ્યા હતા. આ સ્થિતિ વધારે કપરી થવા લાગી ત્યારે એણે શરીરની સાથે માનસિક સ્વસ્થતાની સંભાળ લેવાનું શરૂ કર્યું. માઇકલે કહ્યું છે: ‘તમે ઉચ્ચતમ શિખરો સર કરી લીધાં હોય ત્યારે સવાલ થાય કે હું આ શું કરી રહ્યો છું? કોના ભોગે આ બધું હાંસલ કર માગું છું? હું કોણ છું?’ હું કોણ છું અને શા માટે છું એવા સવાલ જાગવા માંડે એ ઘડી કોઈ પણ વ્યક્તિના જીવનમાં નિર્ણાયક બને છે. માઇકલને પણ સમજાયું કે એ પોતાને અને એની સાથે જોડાયેલા લોકોને અન્યાય કરી રહ્યો છે. ‘એથી મને થયું, મારે આ બધું છોડી દેવાનો સમય આવી ગયો છે અને મેં મારા જીવનમાં બીજા માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો. એ નિર્ણય લીધા પછી મને લાગ્યું કે હું મને અને મારી આસપાસના લોકોને પ્રેમ કરી શકું છું. અત્યાર સુધી હું મને કોઈ માનવની જેમ નહીં, એક તરવૈયા તરીકે જ જોતો હોતો.’ માઇકલની સારવાર કરનાર સાઇકોથેરપિસ્ટ એરિકા વિકેટે કહ્યું હતું: ‘બ્રેકિંગ પોઇન્ટ પર પહોંચેલા લોકોને ક્યારેક લાગે છે કે તેઓ અત્યાર સુધી કરતા હતા એનો હવે કોઈ અર્થ રહ્યો નથી, એમને જીવનમાં ફરીથી નવો અર્થ અને આનંદ મેળવવાની ઇચ્છા તીવ્ર બનવા લાગે છે.’

ધ્યેયસિદ્ધિ ઘણું માગી લે છે. પોતાના ક્ષેત્રમાં ચોક્કસ ધ્યેય સાથે નિષ્ઠાપૂર્વક આગળ વધતી વ્યક્તિને એના ભાગે આવેલું કાર્ય કરવામાં અપૂર્વ આનંદ મળે છે. બધા લોકોમાં એવી નિષ્ઠા નથી હોતી કે એવા સંજોગો પણ નથી હોતા. મોટા ભાગના લોકો ચોક્કસ હેતુ વિના ફક્ત આર્થિક ઉપાર્જન માટે કામ કરે છે. એ ખોટું પણ નથી. દરેક લોકોના જીવનમાં ઉચ્ચ સફળતા મેળવવાના યોગ હોતા નથી, છતાં તેઓ આનંદથી જીવે છે. પોતાનું કામ કરવામાં આનંદ તો આવવો જ જોઈએ. ઘણા તો એમને કરવાં પડતાં કામને ધિક્કારે છે. એ સ્થિતિ રગશિયા ગાડાની જેમ જીવન ઘસડવા જેવી છે. કામમાં આનંદ આવતો ન હોય તો પરાણે ખેંચાતી સ્થિતિથી અસંતોષ જન્મે છે. એમાં આગળ વધવાની કોઈ દિશા હોતી નથી.

સામાન્ય માણસને લાગુ પડતી આ બાબત ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારી વ્યક્તિને પણ લાગુ પડે છે. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે શક્ય હોય તો માણસ એના જીવનનો રાહ બદલી આનંદ મળે તેવી બીજા પ્રકારની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવા પ્રેરાય છે. એક સાઇકોલોજિસ્ટ કહે છે, ‘તમને લાગે કે તમને તમારા કામમાં આનંદ મળતો બંધ થયો છે કે એમાં કોઈ ચોક્કસ હેતુ રહ્યો નથી ત્યારે તમે જીવનનો માર્ગ બદલી શકો. આનંદ અને સંતોષનાં સ્મિતથી જીવન વધારે શોભે છે.’ જીવનમાં આનંદ માણવાનો અધિકાર કેવળ સફળતાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓનો જ નથી, એના પરિવારનો પણ છે. પત્ની ચોવીસે કલાક ઘરમાં બેસીને રાહ જોયા કરતી હોય, પતિ-સાથીદારની જરૂર હોય ત્યારે એ એની પાસે ન હોય, સંતાનો મોટાં થવા લાગ્યાં હોય, પરિવારનાં બીજા સભ્યોને પણ તમારી હૂંફની જરૂર હોય અને તમે ગેરહાજર હો એવી સ્થિતિનું વજન વધવા લાગે તો એ સમય પાછા ફરવાનો છે.

સફળતાની પણ એક સીમા હોય છે અને એની સામે પાર એક ઘર આવેલું હોય છે, જ્યાં એક દીવો ટમટમતો હોય છે. એ દીવાનું અજવાળું આંખો આંજી નાખતા પ્રસિદ્ધિના પ્રકાશથી વધારે શાતા આપે છે. ઘરનો રસ્તો ભૂલી જવાય તે પહેલાં પાછા ફરવું એ નિવૃત્તિ નથી, ઉચ્ચતમ આનંદ, હૂંફ અને સંતોષનો આરંભ છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.