નલિની રાવલ
“મેસેજ આયા મેસેજ આયા મેસેજ આયા…” ની કોલર ટ્યુન સુમિત્રાબેનના મોબાઇલ પર ગાજી. સાંજના સાતેક વાગ્યે સુમિત્રાબેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા અને મોબાઇલ હંમેશની જેમ તેમનાથી ઘણે દૂર ડ્રોઈંગરૂમમાં પડ્યો હતો. ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર રેડિયો મિર્ચી સાંભળતા કામ કરી રહેલા સુમિત્રાબેનને ફોન ન સંભળાયો. તેમના પતિ કાંતિભાઈએ ડોરબેલ વગાડી ત્યારે તે દરવાજો ખોલવા ગયા, અને મોબાઈલ ચેક કર્યો, તો 2 મિસકોલ ને મેસેજ હતો.
“હશે… નવરી પડીશ,ત્યારે જોઈશ…” વિચારી સુમિત્રાબેને કાંતિભાઈ માટે હાથ મોઢું ધોવા ગેસ પર પાણી મૂક્યું. “સાંભળો છો? આ વખતે ઠંડી પણ ખૂબ આકરી પડી… ઠંડા પાણીમાં તો હાથ નથી નખાતો. તમારા માટે ગરમ પાણી મૂક્યું છે, ઠંડા પાણીએ પાછા હાથ પગ મોઢું ન ધોઈ લેતા…” કહેતા સાડલાના છેડે હાથ લૂછીને તેમણે ભાખરી કરવી શરૂ કરી. કાંતિભાઈ હાથ મોઢું ગરમ પાણીએ ધોઈને ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. સુમિત્રાબેને ગરમ ગરમ ભાખરી પીરસી. નિયમ મુજબ જમતી વખતે કાંતિભાઈએ વાતનો દોર ચાલુ રાખ્યો.
“આજે તો મનસુખભાઈ પરીખ રજા પર હતા…. એમની દીકરીને સાસરે ખૂબ દુઃખ હતું. સાસરિયાના દબાણમાં એ પાછી ઘેર ન આવી, તો જીવતી બાળી નાખી. એનો નાનકડો દીકરો ન’માયો થઈ ગયો. સાંજે ઓફિસ છૂટ્યા પછી આખો સ્ટાફ તેમને ત્યાં ગયો હતો. બંને પતિ-પત્નીની તો હાલત બહુજ ખરાબ હતી એના મિસિસ તો બેભાન થઈ ગયા હતા.”
“અરેરેરે…! માણસો આવું કેમ કરતા હશે? વાજતે ગાજતે લગ્ન કરીને વહુ લઈ આવતા લોકો, કેમ વહુના દુશ્મન થઈ જતા હશે ?અને… મનસુખભાઈ પણ કેવા..! દુઃખી દીકરીને સાસરે રહેવા જ કેમ દીધી? દીકરી પરણાવી દીધી એટલે સંબંધ થોડા જ પૂરા થઇ જાય છે? ”
“પણ, મનસુખભાઈને તો આવી કશી જાણ જ નહોતી ને ! દીકરીએ પાંચ વર્ષના લગ્ન જીવનમાં અણસાર સુદ્ધાં માબાપને આવવા દીધો નહોતો. એટલે તો મનસુખભાઈને વધારે દુઃખ થતું હતું કે દીકરી કંઈ બોલી કેમ નહીં… ”
કાંતિભાઈએ દુઃખી અવાજમાં કહ્યું. બંનું મન ઉદાસ થઈ ગયું. રોજની જેમ જમીને ટીવી પર સમાચાર જોવાનો નિયમ પણ કાંતિભાઈ ભૂલી ગયા, અને બેઠા બેઠા મેગેઝીનના પાનાં ફેરવવા લાગ્યા. રસોડું આટોપીને સુમિત્રાબેન ડ્રોઈંગરૂમમાં સાડીના પાલવે હાથ લુછતાં લુછતાં આવ્યા અને અચાનક તેમને મોબાઇલ યાદ આવ્યો. “કોનો એસએમએસ હશે? કોનો મિસ કોલ હશે?” વિચારતા તેમણે ફોન ઉપાડ્યો, ને આમતેમ ચશ્માની શોધખોળ શરૂ કરી.
“શું કરે છે? ” કાંતિભાઈ એ પૂછ્યું.
“આ જુઓને, ચશ્મા મૂકીને ભૂલી જવાય છે અને જોઈએ ત્યારે જડતા નથી.”
કાંતિભાઈએ કહ્યું, ” એક જગ્યા નક્કી કરી રાખો તો આવું ન થાય. પણ અત્યારે ચશ્મા શું કરવા છે? ”
“મૂકોને..! નથી જોઈતા ચશ્મા આ મોબાઇલમાં મિસકોલ છે, અને એસએમએસ આવ્યા છે તે તમે જોઈ આપો, લ્યો…!”કહી સુમિત્રાબહેને મોબાઈલ કાંતિભાઈના હાથમાં મુક્યો. કાંતિભાઈએ મોબાઇલ લીધો અને બોલ્યા. “એક મિસ કોલ તો વિદ્યાનગરથી આપણા યતીનનો છે બીજો મિસકોલ તારી બેન પ્રવીણાનો છે. પ્રવીણા પણ ખરી છે હો… આપણા કરતાં તો એ પૈસાવાળી છે.. તો પણ એક કોલ નથી કરી શકતી”.
“એ તો એક નંબરની લોભણી છે. એનું કામ હોય અને પાછો ફોન પણ આપણે જ કરવાનો. હું તો કરતી જ નથી ને… કામ હોય તો કરે ફોન” સુમિત્રાબેન બોલ્યા.એ દરમ્યાનમાં કાંતિભાઈએ એસએમએસ ઓપન કરી લીધો હતો. આ એસએમએસ એમની દીકરી સુનિધિનો હતો…..”
મમ્મી.. પપ્પા… મને માફ કરજો, હું તમારા આપેલા જીવનને સાચવી ન શકી, હું મારું જીવન ટૂંકાવું છું, મારા મોત માટે કોઈ જ જવાબદાર નથી. મારી દીકરીનું સુનિધિ માનીને પાલનપોષણ કરજો… ”
એસએમએસ વાંચતા વાંચતા તો કાંતિભાઈના પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ.
“ના… ના.. આવું ન બને… હજુ સાંજે તો ફોન પર તેની સાથે વાત થઈ છે…ના… ના.. આવું ન બને. કેટલી ખુશ હતી, એના પતિ સુકેતુ અને દીકરી અંશુ સાથે દરિયે ફરવા જવાનું કહેતી હતી…. ”
‘શું છે? શું બબડો છો? કોનો એસએમએસ છે? ” સુમિત્રાબેન ને ફાળ પડી. એસએમએસની વિગત જાણવા તે અધીરા થઈ ગયા. કાંતિભાઈએ કંઈ પણ બોલ્યા વગર મોબાઈલ સુમિત્રાબેનના હાથમાં પકડાવી દીધો, અને પોતાના ચશ્મા ધ્રુજતા હાથે તેમના હાથમાં પકડાવ્યા. સુમિત્રાબેનને કાંતિભાઈનો ચહેરો જોઈને કંઈક અજુગતું થયાનો અણસાર આવી ગયો, પણ મન મક્કમ કરી એસએમએસ વાંચ્યો અને ત્યાં જ સોફા પર ફસડાઈ પડ્યા.
“તું આમ હિમ્મત ન હાર…આ કોઈકની મજાક છે, આપણી સુનિધિ…!ના…ના..!” જે વાત એમના મનને ઢંઢોળતી હતી અને માનવા ન માનવાની અવઢવમાં અટવાતી હતી તે વાત ન માનવા કાંતિભાઈ સુમિત્રાબેનને સમજાવી રહ્યા હતા. તેમણે તરત સુનિધિના સાસરે ફોન જોડ્યો. ફોન સુનીધિની સાસુએ ઉપાડ્યો.
” જય શ્રીકૃષ્ણ બેન! હું કાંતિભાઈ.. કેમ છો? ”
” જય શ્રીકૃષ્ણ કાંતિભાઈ મજામાં ને? શું કરે છે સુમિત્રાબેન? ”
“એ મજામાં છે સુમંતભાઈની તબિયત કેમ છે? સુકેતુકુમાર, સુનિધિ,બાળકો બધા મજામાં ને?”
મનના ફફડાટ પર કાબુ રાખતા કાંતિભાઈ બોલ્યા. પણ, સામે છેડેથી વેવાણના અવાજ પરથી એવું ન લાગ્યું કે, કંઈ અજુગતું બન્યું છે.
“અરે..! બધા મજામાં.. અત્યારે વેકેશન છે એટલે શુચિને લઈને બંને ફરવા ગયા છે. બીજું ફરમાવો…..!” કાંતિભાઈના મનમાં હાશકારો થયો. તેમણે કહ્યું બસ બેન, ફરમાવાનું શું?આ તો અમસ્તો જ ફોન કર્યો. તમારા બધાની યાદ આવીને એટલે…. લ્યો સુમિત્રાને આપુ.”
સુમિત્રાબેન કાંતિભાઈનો વાર્તાલાપ સાંભળી સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે પણ વેવાણ સાથે સુખાકારીની આડીઅવળી વાતો કરી ફોન મૂકી દીધો, અને સુવાની તૈયારી કરવા લાગ્યા. કાંતિભાઈએ ન્યુઝ ચેનલ ચાલુ કરી, અને દસેક મિનિટ ટીવી જોઈ હળવાશ અનુભવીને બેડરૂમમાં સુવા ગયા. રાતના લગભગ પોણા બાર થયા હશે.કાંતિભાઈનો મોબાઇલ રણક્યો. પહેલી બે ત્રણ રિંગ તો સાંભળી ન સાંભળી થઈ, ઘડિયાળમાં જોયું તો પોણા બાર થયા હતા. “અત્યારે કોણ હશે…?”તે બબડયા. નંબર જોયો તો સુકેતુકુમારનો નંબર હતો. મનમાં શંકાઓનો સમુદ્ર ફરી વળ્યો. તેમણે તરત ફોન ઉપાડ્યો.
“હેલો… બોલો સુકેતુ કેમ છો?”
“પપ્પા… પપ્પા…” સુકેતુ ધ્રુસ્કે ચડ્યો હતો.
” શું થયું?..કંઈ કહો તો ખરા? ”
” પપ્પા… સુનિધિ.. ” તે આગળ ન બોલી શક્યો.
“શું થયું સુનિધીને?”….. કાંતિભાઈ લગભગ બરાડી પડ્યા. સુમિત્રાબેન સફાળા બેઠા થઈ ગયા.
‘પપ્પા….” સુકેતુએ રડતા રડતા કહ્યું, “પપ્પા… સુનિધિએ દરિયામાં ઝંપલાવી દીધું…” અને તેનું ડૂસકું કાંતિભાઈને સંભળાયુ. કાંતિભાઈને તરત પેલો એસએમએસ યાદ આવી ગયો. તો શું તે મેસેજ સાચો હતો? અને તેમના હાથમાંથી ફોન પડી ગયો. સુમિત્રાબેને તેમને ઢંઢોળ્યા. હં.. હં… કરતા કાંતિભાઈ વર્તમાનમાં આવ્યા અને સુમિત્રાબેનનો હાથ પકડી બોલ્યા, “આપણે સુનિધિના ઘેર જવાનું છે….”
“પણ શું કામ?.. અડધી રાત્રે….? શું થયું? હાફળાંફાંફળાં થયેલા સુમિત્રાબેને પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.
“તું ઊઠ તો ખરી… ચાલ જલ્દી…!”
“પેલો એસએમએસ…!” સુમિત્રાબેનનો પ્રશ્ન અધૂરો રહ્યો. બંને સુનિધિનાં ઘરે પહોંચ્યા. ચાર પાડોશી ને ઘરના સિવાય કોઈ નહોતું. વેવાણ સુમતિબહેન રડતાં હતાં અને વેવાઈ સુમંતભાઈ.. નાની શુચિને ખોળામાં પંપાળતા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા.
સુમિત્રાબેને સુનિધીને ન જોઈ, માનું કાળજુ કંપી ગયું. મગજમાં મેસેજ આયા, મેસેજ આયા… ની રિંગટોન ઘુમરાવા લાગી.તેમણે લગભગ દોટ જ મૂકી. સુમતિબહેન પાસે જઈ પૂછ્યું, “શું થયું સુમતિબેન…? સુકેતુકુમાર સુનિધિ ક્યાં..?” સુમતિબેન ધ્રુસકે ચડ્યા. સુનિધિ તો તેમની લાડકી દીકરી હતી. વહુની જેમ તેમણે ક્યારેય કોઈ દિવસ તેને રાખી ન હતી.તેમના પાડોશી શીલાબેને વાત પકડી લીધી.
“બેન… શાંતિથી સાંભળો..! જે થવાનું હતું, તે થઈ ગયું. થવા કાળને કોણ રોકી શકે? કાળ માથે ચડી બેઠો, ને દીકરી હતી ન હતી થઈ ગઈ…. ”
“શું છે? આવી ગોળ ગોળ વાત કેમ કરો છો? કોની દીકરી હતી ન હતી થઈ ગઈ?”
સુમિત્રાબેન તાડુક્યાં. ત્યાં જ સુનિધિની નાની નણંદ આવી, અને સુમિત્રાબહેનના ખોળામાં માથું નાખી રડવા લાગી,
“માસી… ભાભીએ આવું કેમ કર્યું? ભાભીને આપઘાત કરવાની શું જરૂર હતી?”
આ સાંભળી સુમિત્રાબેને કાંતિભાઈની સામે જોયું, કાંતિભાઈએ હા માં માથું ધુણાવ્યું… અને પછી તો સુમિત્રાબહેનના બધા જ બંધ છૂટી પડ્યા. તે સુમતિબહેનને વળગીને પોકે પોકે રડી પડ્યાં. સુમતિબહેનનું પણ રુદન હૈયાફાટ બની ગયું હતું. નાની શુચી પણ રડતી હતી. પડોશીઓએ બધાને પાણી આપ્યું પણ પાણી પીવાની ઈચ્છા જ ક્યાં કોઈનામાં હતી ! કલાક દોઢ કલાક બાદ રડવાનું બંધ થયું, પણ ડૂસકાં તો ચાલુ જ હતા. કાંતિભાઈએ શુચિના માથે હાથ ફેરવતા ફેરવતા સુમંતભાઈ તરફ પ્રશ્નાર્થની નજરે જોયું.
“આજે સાંજે તો હસતા આનંદ કરતા સુકેતુ સુનિધિ શુચીને લઈને દરિયે ફરવા ગયાં હતાં. તેઓ બહાર જ જમવાના હતા. આજે રવિવાર હતો, એટલે સુનિધિએ શીરો પણ બનાવ્યો હતો. એના વર્તન પરથી કોઈ રીતે નહોતું લાગતું કે તે આવું પગલું ભરશે! તમને તો ખબર છે, સુનિધિ તો અમારી તો લાડકી હતી…..”
સુમંતભાઈ બોલ્યા. સુકેતુએ પણ ટાપસી પુરી.
“હા પપ્પા… આજે તો હું સ્કૂટર પણ નહોતો લઈ ગયો. સુનિધિની ઈચ્છા હતી, ટેક્સીમાં જવું છે. કેમ શુચિ….!” શુચિ કઈ ન બોલી, તેની સામે તાકી રહી અને દાદાના ખોળામાં વધુ લપાઈ ગઈ. સુમંતભાઈએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. મળસ્કે પોલીસ આવી પહોંચી.
“રાત ભર લાશ કી તલાશ કી, પર અબ તક લાશ નહીં મિલી ખોજ અભિ જારી હૈ. સુકેતુ કૌન હૈ ભાઈ, આપ લોગો મેં…?” ઇન્સ્પેક્ટરના પ્રશ્ન પર સુકેતુ આગળ આવ્યો. “તેરી બીવી થી?” ” જી હા…” પગથી માથા સુધી નજરમાં જ માપતા ઇન્સ્પેક્ટર એ કહ્યું, “૧૦ બજે આ જાના થાને પર પૂછતાછ કરની હૈ. ” અને ડંડા ફટકારતી પોલીસ જતી રહી.
બધા એમને એમ પથ્થર બની બેસી રહ્યા. કાંતિભાઈ અને સુમંતભાઈ બધા સગા સંબંધીઓને ફોન કરવા નામ અને ફોન નંબર લખતા ગયા. પડોશી મયંકભાઈ કે જે ઘરના સદસ્ય જેવા હતા તેમણે ફોન કરવા શરૂ કર્યા. મયંકભાઈના મિસિસ શીલાબેન ઘરે બધા માટે ચા બનાવવા ગયા. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સગા સંબંધી મિત્રો આવવા લાગ્યા.
સુકેતુ પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશને જવા નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશને પૂછતાછમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા સુકેતુએ ઘટનાનું વિવરણ આપ્યું અને કહ્યું,
“સાહેબ… હજુ તો હું કંઈ સમજુ ત્યાં તો તેણે દરિયામાં ઝંપલાવી જ દીધું.” વારંવાર એકની એક વાત પૂછાતા તે અકળાયો અને ગુસ્સે થઈને બોલી ઉઠ્યો,
“જનાર જતી રહી.. હવે શું છે મારો જીવ લેશો કે શું…?” સુકેતુના આ વાક્યથી દૂર બેઠેલા ઇન્સ્પેક્ટરના કાન ચમક્યા. ટાચણીથી દાંત ખોતરતા ટેબલ પર લાંબા પગ કરી બેઠેલા ઇન્સ્પેક્ટરે ટાંચણી ફેંકી દીધી. હાથમાં તેનો દંડુકો લઈને સાથળ પર પછાડતો પછાડતો તે સુકેતુ નજીક આવ્યો. દાઢીએથી પકડીને એનું મોઢું પોતાના તરફ ફેરવી, નેણ ઉલાળી તેની સામે તીખી આંખોથી જોયું. આ દૃષ્ટિ સુકેતુના હૈયા સોસરવી નીકળી ગઈ.
“ક્યોં..બે..! બહોત ચરબી ચડ ગઈ છે ક્યા? બીવી કો સમંદર મેં ધક્કા દે કે, ઉસીકે ફોન સે ઉસકે હી બાપ કો જુઠા એસએમએસ કર દિયા હૈ, ઔર અબ જૂઠ બોલતા હૈ સા….લા..! પોલીસ કો ઘુમાતા હૈ..?”
” શું કહો છો સાહેબ..? હું. હું.. હું…એવું કરું? ” સુકેતુની જીભે તેનો સાથ છોડી દીધો અને તે તતબબ કરવા લાગ્યો. “ક્યા બોલા બે….!તેરી તો….!” કહી ઇન્સ્પેક્ટરે જેવો હાથ ઉપાડ્યો કે તેણે ચહેરા આડા બે હાથ ધરી દીધા.
“કહું છું… .. કહું છું…. સાહેબ… તમને કેવી રીતે ખબર પડી કે મેં……?”
“તેરે જેસે સૌ શાતિર રોજ યહાં આતે હૈ…. સમજા ક્યા…? ક્યોં મારા બીવી કો? કોઈ દૂસરા લફડા થા…? ”
અને….. સુકેતુ પોપટની જેમ સાચું બોલવા લાગ્યો સુકેતુ અને શ્યામલી બંને સાથે નોકરી કરતા હતા. બંનેને પરણવું હતું અને આ લગ્ન વચ્ચે અવરોધ હતી સુનિધિ.. બંનેના ઝઘડા વધતા ચાલ્યા. શ્યામલી પણ ઝઘડે સુનિધિ પણ ઝઘડે. અંતે કંટાળીને સુનિધિનું કાટલું કાઢી નાખ્યું. સુનિધીનાજ મોબાઈલથી આત્મહત્યાનો મેસેજ કરી દીધો, જેથી આ હત્યા આત્મહત્યામાં ખપી જાય. પોલીસે હત્યાનો મામલો ચોપડે નોંધી લીધો અને સુકેતુને હવાલાત ભેગો કરી તેના ઘરે ખબર આપ્યા.
સુકેતુના માતા પિતા સુમંતભાઈ અને સુમતિબહેને તો તરત જ દીકરાના નામનું નાહી નાખ્યું કારણ કે, તે પણ સુનિધીને દીકરીની જેમ રાખતા હતા. એમને તો સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે દીકરો આવો નપાવટ નીકળશે. સુમંતભાઈ ભગવાનને પ્રાર્થી રહ્યા,
“ભગવાન સુકેતુને ફાંસીની સજા કરજો, અને સાત જન્મે આવો કપાતર ન આપજો.”
સુમિત્રાબહેન અને કાંતિભાઈના તો પગ જ ભાંગી ગયા છે. કાંતિભાઈ પુરુષ છે હૈયું કાઠું કરીને બેઠાનો ડોળ કરે છે…. પણ સુમિત્રાબહેનતો સૂનમૂન થઈ ગયા છે. બારણે પથરાયેલી આંખોને છે, દીકરીના અંતિમ દર્શનની પ્રતીક્ષા….
******સમાપ્ત******
નલિની રાવલ
સરનામું : 28 હરિ કૃપા સોસાયટી,
જી બી ટ્રેનિંગ સેન્ટર પાસે
ઇસ્કોન હાઇટ્સની સામે
ગોત્રી રોડ વડોદરા 390021
મોબાઈલ : 962472 1529
