તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

અલબત્ત, જોગાનુજોગ, પણ બે વાત લગભગ એક સાથે બની: પહેલગામની આતંકી ઘટનાના હેવાલો હવામાં હશે અને કુરિયર વાટે ‘લોર્ડ ભીખુ પારેખ: પરિચય અને પરીક્ષણ’ એ પુસ્તક આવી મળ્યું. નેવું નાબાદ ભીખુ પારેખ બ્રિટનના જાહેર જીવનનું એક જાણવાજોગ જણ છે, અને રાજ્યશાસ્ત્ર તેમ રાજકીય ફિલસૂફી સહિતનાં ક્ષેત્રોમાં અમલસાડનું આ સોની સંતાન પોતાના નિકષ સાથે સક્રિય છે.

નાગરિક નિસબત સાથેની એમની સ્વાધ્યાય સક્રિયતાનું એક વિલક્ષણ ઉદાહરણ મને હંમેશ એમણે નાઈન/ઈલેવન ખ્યાત બિન લાદેન અને મહાત્મા ગાંધી વચ્ચે યોજેલ કાલ્પનિક સંવાદરૂપે વરતાતું રહ્યું છે. એટલે આતંકી ઘટનાના દિવસોમાં ભીખુભાઈ વિષયક પુસ્તક આવી મળે ત્યારે સ્વાભાવિક જ પહેલું સ્મરણ બે’ક દાયકા પરના એમના આ કાલ્પનિક સંવાદનું થાય. ઈતિહાસકાર મકરંદ મહેતા આ પુસ્તક પર એમના અંતિમ પર્વમાં કામ કરી રહ્યા હતા. એમના નિધન પછી શીરીન મહેતા ને સિતાંશુ યશશ્ચંદ્રની વિદ્યાવત્સલ માવજત પામીને આ પુસ્તક આપણી પાસે આવ્યું છે અને એમાં ઉક્ત સંવાદનીયે ઝાંખી છે. જોકે આ સંવાદ તો પાછળથી ‘ડિબેટિંગ ઈન્ડિયા’ (૨૦૧૫)માં ગ્રંથસ્થ થયો એનાયે દસ-અગિયાર વરસ પહેલાં ‘પ્રોસ્પેક્ટ’ સામયિકમાંથી વિપુલ કલ્યાણી વાટે ‘ઓપિનિયન’ ને ‘નિરીક્ષક’માં ગુજરાતી અનુવાદમાં સુલભ થયો હતો.

એક રીતે જુઓ તો મામલો બેઉ પક્ષે નાઈન/ઈલેવનનો છે. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ ધરાશાયી થઈ ગયા એ ઘટના જો ૨૦૦૧ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઉદભવ થયો એ ઘટના ૧૯૦૬ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી. એપ્રિલ ૨૦૦૪ના ‘પ્રોસ્પેક્ટ’માં ‘ગાંધી અને લાદેન વચ્ચે એક કાલ્પનિક સંવાદ’ પ્રગટ કરતી વેળાએ ભીખુભાઈએ જે મુખડો બાંધ્યો હતો તે અહીં સાંભરે છે. એમણે લખ્યું હતું કે જગતભરના કરોડો લોકોની જેમ નાઈન-ઈલેવનની ઘટનાથી આતંકવાદનો જે ભય પેદા થયો છે તેનો હું પણ ટીકાકાર છું. આવા હિંસાચારના વિષચક્રનો કોઈ વિકલ્પ જ નહીં હોય? અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીથી ‌વિશેષ બીજી કોઈ વ્યક્તિ પાસેથી આના જવાબો મળી શકે જ નહીં. એમની અને બિન લાદેન વચ્ચે કાલ્પનિક વાદ-વિવાદ જગવવા પાછળ મારા બે હેતુઓ છે. એક, જગતભરમાં ફરી વળેલ વિકૃત વિચારને સમજવાનો આશય છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.

‘પ્રોસ્પેક્ટ’માં ૨૦૦૨૪માં છપાયેલો લેખ ૨૦૧૫માં ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ગ્રંથસ્થ થયો તેના વચગાળાનાં વર્ષો સંભારીને ભીખુ પારેખે કહ્યું છે કે ભલે આ સંવાદ કાલ્પનિક છે, પણ તે કોઈ રાજકીય શૂન્યાવકશામાં થઈ રહ્યો છે એમ કૃપા કરીને માનશો નહીં. લાદેન રૂપે કે ગાંધી રૂપે કરેલી રજૂઆત માત્ર બે વ્યક્તિની જ વાત નથી. લાદેનની હિલચાલ સાથે આરબો સહિત મુસ્લિમ સમાજને સંકળાયેલ ગણીએ તો તાજા ઘટનાક્રમમાં યાદ રાખવાજોગ વિગત ૨૦૦૯-૨૦૧૨ની ‘આરબ સ્પ્રિંગ’ની પણ છે. જુઓ કે ગાંધીના આચારવિચારથી પ્રભાવિત થઈ પશ્ચિમ એશિયાના હજારો મુસ્લિમોએ ટ્યુનિસિયા, ઈજિપ્ત અને યમનના સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યાં હતાં. ઉલટ પક્ષે, ૧૯૦૬થી દક્ષિણ આફ્રિકામાં મંડાયેલ સવિનય કાનૂનભંગની ચળવળ સંભારો. (અને, એમ તો, ભારતમાં દાંડીકૂચ પ્રકારના વામન પણ વિરાટ અભિક્રમો ક્યાં નથી?)

ગાંધી ને લાદેન વચ્ચે કેટલુંક સામ્ય છે. પોતપોતાને સમજાયેલ નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર છે. બંને પશ્ચિમની ભોગવાદી, ભૌતિકવાદી, લશ્કરવાદી સંસ્કૃતિના આકરા ટીકાકાર છે. પણ માનવ ઈતિહાસ અને માનવ સમસ્યાઓને જોવાનો બંનેનો અભિગમ ભિન્ન છે. ધર્મની બાબતમાં ગાંધી સમાવેશી (ઈન્ક્લુઝિવ) છે, લાદેન મુસ્લિમ કોમ પૂરતો એકાંગી (એક્સ્ક્લુસિવ) છે. નેલ્સન મંડેલા, ડેસમન્ટ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગની ચળવળો એક બાજુ અલ કાયદા, લશ્કરે તૈયબા, જેશે મહમદ બીજી બાજુ- આ બેઉ અભિગમો વચ્ચેનો ભેદ સ્ફુટ કરે છે. લાદેન ગાંધી પાસે ધારો કે સહકાર માગે તો શું કહે? ઈસ્લામે તેરમા સૈકામાં દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું. પશ્ચિમે ઔદ્યોગિક ક્રાંતિ કરી અમારા સામ્રાજ્યનો નાશ કર્યો, પેલેસ્ટાઈનનું વિભાજન કર્યું. યુરોપ-અમેરિકાને ફક્ત હિંસાની ભાષા આવડતી હોવાથી અમે પણ તેમ કરીશું. મારે મુસ્લિમ દેશોને અમેરિકાની પકડમાંથી છોડાવવા છે. ભૌતિકવાદ સામેના જંગમાં તમારો સાથ માંગું છું.

અને ગાંધી શું કહે? હું પણ છેક ૧૯૦૮થી સાવરકર, ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા જેવા હિંસામાં માનતા ક્રાંતિકારીઓના પરિચયમાં હતો. મને તે જચતું નહોતું અને દક્ષિણ આફ્રિકાથી શરૂ કરી મેં અહિંસાના અસરકારક પ્રયોગો કર્યા. બહાદુરી અને બલિદાની તૈયારીનો હું પ્રશંસક છું, પણ હિંસા કરતાં અહિંસાથી સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ અને નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. તમે સામ્રાજ્યવાદનો વિરોધ કરો છો, પણ તમે પણ સામ્રાજ્યવાદી જ છો, કેમ કે તમારે ઈસ્લામી સામ્રાજ્ય સ્થાપવું છે. જેમ મેં મારા ધર્મની મર્યાદાઓ જોઈ તેની ઊણપો દૂર કરવાના પ્રયાસ કર્યા, પણ ઈસ્લામના સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઈ યોજના નથી. સમજો કે આત્મભોગ અને નૈતિક દબાણ દ્વારા જે શક્ય છે તે દમનનીતિ દ્વારા નથી.

ખરું જોતાં આખી જ ચર્ચા વાંચવી જોઈએ, પણ અહીં તો એક આછી ઝલક કે ઝાંખી જ, નેવું નાબાદ ભીખુ પારેખની સાખે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૧ – ૦૫– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.