પંખીઓના દેશમાં

ગિરિમા ઘારેખાન

એક નાનકડો બગીચો હતો. બગીચામાં ઘણા બધા વૃક્ષો હતાં. એના ઉપર જાતજાતના પક્ષીઓ રહે-કાગડા અને ચકલીઓ, હોલા, કાબર અને પોપટ. ઝાડના થડની બખોલમાં ખિસકોલીઓ પણ રહે. એક ઝાડની બે ડાળીઓની વચ્ચે એક મધપુડો પણ હતો. વહેલી સવારે આખો બગીચો પક્ષીઓના કલરવથી ગાજી ઊઠે. સૂરજ ઊગતાની સાથે પક્ષીઓ ચણની શોધમાં ઊડી જાય. વચ્ચે વચ્ચે આવીને પોતાના બચ્ચાંને ચણ પણ ખવડાવી જાય. ખિસકોલીઓ બગીચામાં નીચે દોડાદોડી કરીને બાળકોએ વેરેલી શીંગ વગેરેની શોધમાં લાગી જાય. મધમાખીઓ બગીચામાં ખીલેલા ફૂલો પાસે જઈને મધ લઇ આવે.
એક દિવસની વાત છે. હોલાનું એક નાનકડું બચ્ચું ઝાડ ઉપર બેઠું હતું. નામ હતું એનું ચુનમુન.
ચુનમુનને તરસ લાગી હતી. એ પાણીની શોધમાં ઝાડ ઉપરથી નીચે આવ્યું. આજુબાજુ નજર નાખતાં એણે એક મોટા ઝાડ નીચે પાણીની એક કુંડી જોઈ. ચુનમુન ખુશ થયું અને ઝડપથી એ કુંડી તરફ ચાલવા માંડ્યું. એને તરસ એટલી બધી લાગી હતી કે એણે રસ્તામાં પડેલા એક નાના પથ્થરને જોયો જ નહીં. એટલે ચાલતા ચાલતા એના પગનો પંજો એ પથ્થર સાથે અથડાયો. ચુનમુન તો ઘણું નાજુક નાજુક હતું. એના કોમલ પગ સાથે પથ્થર અથડાયો એટલે એને તો બહુ દુ:ખવા માંડ્યું. પહેલીવાર એને આવી રીતે કંઇક વાગ્યું હતું.
પછી તો ચુનમુને જોરજોરથી રડવાનું ચાલુ કરી દીધું. એ તો એની તરસ-બરસ બધું ભૂલી ગયું અને ભેંકડો તાણીને રોવા જ માંડ્યું. બાજુમાં જ એક ફૂલનો છોડ હતો. એના ઉપર મુમુ મધમાખી બેઠી હતી. મધમાખીએ ચુનમુનને રડતું જોયું. એ તરત એની પાસે આવી અને ગણગણ કરતાં પૂછ્યું, ‘ચુનમુન, ચુનમુન, તને શું થયું? કેમ આટલું બધું રડે છે?”
ચુનમુને રડતાં રડતાં જ પોતાના પગનો પંજો બતાવ્યો. એણે પેલો પાસે પડેલો પથ્થર પણ બતાવ્યો. મધમાખી ચતુર હતી. એ સમજી ગઈ કે ચુનમુન ગભરાઈ ગયું છે. એણે કહ્યું, “હા, તને થોડું વાગ્યું તો છે. હું તને તારા પંજા ઉપર થોડું મધ લગાવી આપું. એનાથી તને મટી જશે.’

ચુનમુને પંજો આગળ કર્યો. મધમાખીએ એના ઉપર થોડું મધ લગાવ્યું અને ઊડી ગઈ. ચુનમુન હવે ચૂપ થઈને ફરીથી પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું? એનો તો પગ જલદી ઉપડતો જ ન હતો. ચીકણો થઇ ગયો હતો. એ જ્યાં જ્યાં પંજો મુકે ત્યાં પંજો ચોંટી જ જાય.

ચુનમુનને તો ફરીથી દુ:ખવા માંડયું. એ તો હતું ત્યાં ઊભું રહી ગયું અને પાછો તાણ્યો મોટો ભેંકડો.

એ વખતે ખુશી ખિસકોલી ત્યાંથી પસાર થતી હતી. ચુનમુનને રડતું સાંભળીને એ એની નજીક આવી. એણે વહાલથી ચુનમુનને પૂછ્યું, “શું થયું બેટા? કેમ રડે છે? તારી મમ્મી હમણાં આવશે.’

મમ્મીનું નામ સાંભળતાં જ ચુનમુન તો વધારે જોરથી રડવા માંડ્યું. ખુશીએ એના માથા ઉપર પોતાનો પંજો ફેરવીને એને ચુપ રાખ્યું અને ફરીથી પૂછ્યું, “મને કહે તો ખરું તને શું થયું છે?’ ચુનમુને પોતાનો પંજો બતાવીને જે થયું હતું એ જણાવ્યું.

ખુશી ખિસકોલી આખી વાત સમજી ગઈ. એણે કહ્યું, “અરે અરે, તને તો બહુ વાગ્યું છે. લોહી પણ નીકળ્યું છે એટલે તારો પગ ચોંટી જાય છે. પણ કંઈ વાંધો નહીં. મારી પાસે એક પાતળું કપડું છે. તને એનો પાટો બાંધી આપું એટલે મટી જશે.’

એ પોતાની બખોલમાં જઈને પાતળા કપડાનો લીરો લઇ આવી અને ચુનમુનના પગ ઉપર બાંધીને પોતાના કામે નીકળી ગઈ.

પોતાના પંજા તરફ જોતું જોતું ચુનમુન પાછું પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું?

એનો તો પગ ભારે ભારે થઇ ગયો હતો. ભારને લીધે પગ તો ઉપડે જ નહીં! આટલો મોટો પાટો જોઇને એને તો વધારે દુ:ખવા માંડ્યું. પાછું એણે તો એનું રડવાનું ચાલુ કરી દીધું.

ઝાડ ઉપર બેઠેલો એક કાગડો આ બધું જોતો હતો. એ તો ઊડતો ઊડતો ગયો ચુનમુનની મમ્મીને શોધવા. એ ચુનમુન માટે દાણા વીણતી હતી. કાગડાએ એને બધી વાત કરી.

ચુનમુનની મમ્મી તરત જ બગીચામાં આવી ગઈ. આવીને એ સીધી ચુનમુન પાસે આવી અને પ્રેમથી ‘શું થયું બેટા?’ એમ પૂછ્યું. ચુનમુન તો મમ્મીને જોઇને પહેલેથી પણ વધારે જોરથી રડવા માંડ્યું અને એણે રડતે રડતે જ પોતાનો પંજો મમ્મીને બતાવ્યો. એની મમ્મીએ પહેલાં તો એનો પાટો છોડી નાખ્યો અને પંજા ઉપર જોરજોરથી ફૂંક મારવા માંડી. એ ચુનમુનને એમ પણ કહેતી હતી કે, “આ તો કશું નથી થયું. હમણાં મટી જશે.”

મમ્મીની ફૂંકથી તો ચુનમુનના પંજા ઉપર જાણે જાદુ થયું. દર્દ, પીડા, બધું ગાયબ! એ તો ખુશ થઈને પોતાની પાંખો ફફડાવવા માંડ્યું. મમ્મી એને પાણીની કુંડી પાસે લઇ ગઈ અને પાણી પીવડાવ્યું. એણે એના પગનો પંજો પણ સાફ કર્યો. ચુનમુન તો ખુશ થઈને પાછું મમ્મી સાથે પહોંચી ગયું એના ઝાડ ઉપર.


[ભાવિક પરિષદ]


ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯