નલિની નાવરેકર
“જે દેશ પોતાના વસ્ત્રનું ઉત્પાદન નથી કરી શકતો, તે પહેર્યા છતાં નિર્વસ્ત્ર છે. અને જે દેશ પોતાની જરૂરિયાતનું અન્ન જાતે નથી પેદા કરી શકતો તે ભલે ખાય છે છતાં ભૂખ્યો જ છે.” – પશ્ર્ચિમના એક દાર્શનિકનું આ વાક્ય છે.
મનુષ્યે જીવતા રહેવું હોય તો તેણે ખેતી કરવી પડશે. અને દેશે જો આઝાદ રહેવું હશે તો જરૂરી છે ખેતીમાં સ્વાવલંબન ! તે માટે જમીનને હંમેશાં ફળદ્રુપ રાખવી જરૂરી છે. અને તેને માટે તમામ સજીવ કચરો ફરીથી જમીનમાં જવો જોઈએ. ઝાડનાં પાંદડાં હોય કે પ્રાણી-પક્ષીઓનાં મળમૂત્ર હોય – એ બધું જમીનને ફળદ્રુપ બનાવે છે – આ સૃષ્ટિનું કુદરતી ચક્ર છે તે આપણે સમજવું જોઈએ.
બધાં જ પ્રાણીઓનો પેશાબ ખાતરનો એક મહત્ત્વનો સ્રોત છે. તેમાં ગંદું કે સૂગ લાવવા જેવું કશું નથી. ઊલટું તેનો ઉપયોગ ન કરવો તે ખોટું પગલું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતરરૂપે તેનો ઉપયોગ થવો જોઈએ. પાલતુ પશુઓ (ગાય-બળદ વગેરે) તથા માનવ પેશાબનો ઉપયોગ પ્રમાણમાં સરળ છે. અગાઉ પણ આનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતો હતો. અને આજે પણ નવા નવા પ્રયોગો થયા કરે છે.
વિદેશોમાં થયેલ પ્રયોગો
નેધરલેન્ડની રાજધાની એમસ્ટેરડમમાં લોકો પોતાની અગાશી પર જે ખેતી કરે છે તેમાં ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરના મુખ્ય ચોકમાં અદ્યતન સુવિધાવાળી મૂતરડીએા બનાવી છે. લોકો તેનો ઉપયોગ કરે છે. અને તેમાંથી બનેલા ખાતર વડે આખા શહેર માટે શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. ‘સફાઈ અને પાણી’ અંગે કામ કરનારી એક પેઢીએ આ પ્રકલ્પ વિકસાવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલા પ્રયોગોથી તેમને જાણવા મળ્યું કે ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરવાથી ખેતીમાં ઘણો લાભ થાય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે.
પશ્ર્ચિમ આફ્રિકાના નાયજર દેશમાં પ્રયોગ થયા. એક-એક કુટુંબના સ્તર પર પણ આ વ્યવસાય બની શકે તેમ છે. માનવપેશાબનું ખાતર બનાવીને તેને વેચી શકાય છે.
સ્વીડન, દક્ષિણ યુરોપ, દક્ષિણ આફ્રિકા, મેક્સીકો વગેરે દેશોમાં માનવપેશાબના ખાતર વડે વિવિધ ઉત્પાદનો કરવામાં આવી રહ્યાં છે.
ભારતમાં થયેલા પ્રયોગો
આપણા દેશની કૃષિ પરંપરામાં માનવમળની જેમ જ મનુષ્યના પેશાબનો ઉપયોગ પણ ખાતર તરીકે વર્ષોથી કરાતો આવ્યો છે. ગોવા તેમજ બીજા પ્રદેશોમાં જ્યાં નારિયેળનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, ત્યાં મોટાં મોટાં માટલાઓમાં મનુષ્યનો પેશાબ એકત્ર કરવામાં આવતો હતો. જેનો યોગ્ય સમયે નારિયેળની ખેતી માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે તામિલનાડુમાં કેળાની ખેતીમાં માનવ પેશાબનો ઉપયોગ કરીને ઉત્પાદન સારું આવે તેના માટે પ્રયત્નો થતા હતા.
કેટલાંક વર્ષો પહેલાં કરવામાં આવેલા પ્રયોગોના થોડા દાખલા જોઈએ :
- મહારાષ્ટ્રમાં કાકા ચવ્હાણ નામના જંગલ અધિકારી હતા. વૃક્ષ ઉછેરના સારા પ્રયોગો તેમણે કર્યા હતા. તેઓ શિવામ્બુના ઉપાસક હતા. તેમના સંગઠનના સભ્યોને તેઓ અચૂક કહેતા કે આવતી વખતે પેશાબ ભેગો કરીને લાવજો. આ ભેગો થયેલો પેશાબ તેમણે ખેડૂતોને આપ્યો. મહારાષ્ટ્રના કોપરગાંવ તેમજ પૂનાની પાસે તેમણે કામ કર્યું હતું. આ રીતે સાત હજાર લીટરથી વધુ પેશાબ તેમણે વહેંચ્યો. ખેડૂતોને તેનો ફાયદો દેખાયો. ખેતરોમાં પાક સારો આવ્યો.
નાસિકના નિર્મલગ્રામ નિર્માણ કેન્દ્રમાં પણ કેટલાક પ્રયોગો અમે કર્યા, જે નીચે પ્રમાણે છે :
- માનવપેશાબ ખાતર તરીકે કેટલું અને કેવી રીતે ઉપયોગી છે તેનો અભ્યાસ.
- વાસી પેશાબની દુર્ગંધ કઈ રીતે રોકી શકાય તેના પ્રયોગ.
- પેશાબ ભેગો કરવો તેમજ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો. તેના પર કામ થયું.
આ પ્રકલ્પનો ઉપયોગ શાળાાઓ, મહાવિદ્યાલયો, બસ સ્ટેન્ડ, બજાર વગેરે સ્થળોએ કરી શકાય તેમ છે. તે એક વ્યવસાય તરીકે પણ વિકસી શકે.
- ઘેર-ઘેર એકદમ સરળ પદ્ધતિથી હીરાખત (પેશાબમાંથી બનાવવામાં આવતું ખાતર) કઈ રીતે તૈયાર કરી શકાય તેના પણ પ્રયોગો કરવામાં આવ્યા.
- તાજો પેશાબ બગીચામાં વારાફરતી ફૂલ છોડ તેમજ શાકભાજીને યોગ્ય પ્રમાણમાં આપવાનો સાદો પ્રયોગ કરવામાં આવ્યો અને સારાં પરિણામો જોવા મળ્યાં.
મંત્રીઓ પણ વિચાર કરે છે
આપણા એક કેન્દ્રીય મંત્રીએ પણ દિલ્હી સ્થિત પોતાના બંગલાના બગીચામાં આ પ્રયોગ કરીને પોતાના બગીચાને સમૃદ્ધ બનાવ્યો. પોતે પ્રયોગ કરીને તેમણે કહ્યું, “ખેડૂતોએ આ રીતે પેશાબનો ઉપયોગ ખેતીમાં કરવો જોઈએ. તેનાથી તેમના ઉત્પાદનમાં વધારો થશે.” બીજા એક કેન્દ્રીય મંત્રીએ મુંબઈ જેવાં શહેરોનો માનવપેશાબ ભેગો કરીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના સામે મૂકી.
આમ એક પ્રમાણમાં ઉપેક્ષિત પરંતુ મૂળભૂત મુદ્દા અંગે આપણા મંત્રીઓ વિચાર કરે તે બહુ મહત્ત્વનું છે. પરંતુ આ મુદ્દો સમજ્યા વગર તેની ટીકા થઈ. સોશિયલ મીડિયા પર તેની હાંસી ઉડાવવામાં આવી. પેશાબનો ઉપયોગ કરવો અથવા તેના પર ચર્ચા કરવી ઘૃણાસ્પદ, શરમ-જનક બાબત લાગે છે. ભૌતિકવાદને કારણે ઉપર-ઉપરનું વિચારવાની આપણને ટેવ પડી હોવાને લીધે તેમજ સભ્યતાની ખોટી કલ્પનાઓને લીધે આવી માનસિકતા થઈ જાય છે. પરંતુ આ યોગ્ય નથી. સ્વચ્છતા, આરોગ્ય તેમજ ખેતીની દૃષ્ટિએ હીરાખત ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. અને તેનો ઉપયોગ કરવાથી એકસાથે ઘણી સમસ્યાઓ હલ થઈ શકે તેમ છે.
શોષણ નહીં, પોષણ
હજારો વર્ષોથી ચાલી આવેલી આપણી ખેતીની પરંપરાને ભૂલીને આપણે રાસાયણિક ખેતીને અપનાવી. આજે આ રસાયણોને લીધે આપણી જમીનોને ખૂબ મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં, જે અનાજ, શાકભાજી, ફળનાં ઉત્પાદન થાય છે તેમાં પણ આ ઝેરી રસાયણોના અંશ આવી ગયા છે. અને તે આપણે આરોગીએ છીએ. પરિણામ ગંભીર છે. માનવ- આરોગ્ય અને પૃથ્વીના આરોગ્ય પર તેની માઠી અસરો આપણે જોઈ રહ્યા છીએ. સાર્વજનિક તેમજ અન્ય જગ્યાઓએ વ્યવસ્થા વિના પેશાબ કરવાથી અસહ્ય ગંદકી પેદા થાય છે. તે સાફ કરવા વળી વધારે પાણીનો ઉપયોગ કરવો પડે છે. તેને બદલે યોગ્ય પદ્ધતિથી ખેતીમાં તેનો ઉપયોગ થાય એ જ સાચો અને સરળ ઉપાય છે ને વળી ફાયદાકારક પણ.
નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ફોસ્ફેટ વગેરે પોષકતત્ત્વો ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આ બધાં તત્ત્વો માનવપેશાબમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આપણી વિડંબના તો જુઓ, આપણે પેશાબનો ઉપયોગ નથી કરતા, નાક ચઢાવીએ છીએ અને લાખો ડોલરનો ખર્ચ કરીને આ પોષક તત્ત્વોની આયાત કરીએ છીએ ! જેને માટે બીજા દેશો પર આધાર રાખીએ છીએ !
પેશાબના ખાતરને હીરાખત કહે છે. સોનખત કરતાં પણ વધુ પોષકતત્ત્વો હીરાખતમાં રહેલા છે. આટલું કિંમતી ખાતર આજે આપણે નકામું જવા દઈએ છીએ, જે ભારે અફસોસની વાત છે.
નલિની નાવરેકર | (નાસિક) મો.: ૭૫૮૮૩૧૬૧૩૭
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ નવેમ્બર, ૨૦૨૪
