પરિચયઃ
મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે.૧૯૬૦માં, ભાવનગરમાંથી મુનિભાઈ સર્વપ્રથમ વિદ્યાર્થી I.I.T. Bombayમાં પ્રવેશ મેળવીને, B.S in Chemical Engineering and Doctorate મેળવીને જ્વલ્લંત કામગીરી સાથે પદ્મશ્રી નેશનલ એવોર્ડથી સન્માનિત છે. એક વૈજ્ઞાનિક, મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત, સમાજસેવક, સંશોધક, એક સંવેદનશીલ કવિ, એ બધાનો સુંદર સમન્વય એટલે મુનિભાઈ મહેતા.
વડોદરામાં ‘સાયન્સ સેન્ટર’ સ્થાપના અને ‘વહો વિશ્વામિત્રી’ અભિયાન પર, વિશિષ્ટ કામ કરી રહ્યા છે.
આજે પણ, સતત રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તર પર સેવા આપી રહ્યા છે, તેમજ કાષ્ટતરંગ વાદ્યસંગીતમાં પારંગત છે. અને મારે માટે… એક સ્નેહાળ મોટાભાઈ છે…
સરયૂ મહેતા-પરીખ.
શેત્રુંજીના પાણી
નીલ સ્વચ્છ નીર વહે અનઘ જ્યાં,
આ શેત્રુંજીનાં પાણી, આ શેત્રુંજીના પાણી.
નથી શાંત આ ચંચલ છે એક અરબીની પટરાણી,
ભરાય ક્રોધે ત્યારે લડીને ગામો જાય છે તાણી. આ શેત્રુંજીના.
ચોમાસે સરવરિયા જેવી, ઉનાળે કરમાણી,
કાઠિયાવાડની ધરતી પર એ, પટ મોટે પથરાણી. આ શેત્રુંજી.
કાગળની હોડી
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો
ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક
બારી એમાંથી થાય સંવાદો ….
સમય તો , બાંધ્યો બંધાય નહીં
ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં
ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં
મેદાને ઊભેલાં ઘાંસમાં….
મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને
અંતર કોરૂં – નથી પાણી
હું યે ચાહું ફરી વહેતી થઈ જાય
મારે રૂદયેથી જૂની સરવાણી….
ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું
ધરતી આકાશ – સૂરજ ચાંદો
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો…
વહો વિશ્વામિત્રી
પાવાગઢથી નીકળી વ્યાસેશ્વર આગળ વધતી.
જમણે રામેશ્વર ભીમેશ્વર જૂનું નામ કૌશીકી.
પુરાણકાળથી પાવન કરતી ગુજરાતની ધરતી,
વહો વિશ્વામિત્રી.
ચોમાસામાં દરિયો બનતી બાકી રહેતી સૂકી.
વૃક્ષો-ખેતર-સ્વચ્છ કિનારા જોવા આંખો ભૂખી.
આવો કરીએ હળીમળીને ફરીથી એને વહેતી,
વહો વિશ્વામિત્રી.
તપ કરતાતા ઋષિ મુનિઓ એને કાંઠે કાંઠે.
ગાયત્રીના મંત્ર રચાયા અહીં કુદરત સંગાથે.
વહો, પાવાગઢથી દરિયે ફરી નાચતી કૂદતી,
વહો વિશ્વામિત્રી
કૃષિગોષ્ઠી…એક લઘુ કથા.
લેખકઃ મુનિભાઈ મહેતા
કૃષિ વિદ્યાપીઠ (GAU) તરફથી સેટેલાઈટ કૃષિગોષ્ઠીનું એક નવું સેટેલાઈટ સ્ટેશન નાનકડા ભુઆ ગામ પાસે મુકાયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ભુઆ ગામ જ કેમ? સેટેલાઈટ કૃષિગોષ્ઠી એટલે વૈજ્ઞાનીકો અને તજજ્ઞો ગાંધીનગરના સ્ટૂડીઓથી ખેડૂતો – વિજ્ઞાનીઓ વચ્ચે સીધો સંવાદ થાય – ખેતીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં મોટું પગલું હતું. ગુજરાત રાજ્યની કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પોતે ઉદ્ઘાટન કરવા આવ્યા અને પછી ભુઆ ગામના વૃધ્ધ નાનજીઆતાનું ઘર શોધતા એમની ડેલીએ પંહોચી ગયા. સાથેના અધિકારીઓને કુલપતિએ કહ્યું, “મારી માતાનો જન્મ આ ગામમાં થયો હતો. નાનજીઆતાને કહો કે વૈદ ભાણજીબાપાનો પૌત્ર-ભુઆ ગામનો ભાણો, મળવા આવ્યો છે.”
હાથમાં લાકડી લઈ ડગુમગુ કરતા નાનજીઆતા ડેલીએ આવ્યા. સાહેબને જોઈ બે હાથ ફેલાવી દોડ્યા…”મારો ભાણો આવ્યો, મારો વાલો આવ્યો!” અને પગે લાગવા વાંકા વળેલા કુલપતિને ઉભા કરી – હરખે છાતીએ ચાંપી રડતા જાય અને બોલતા જાય. સૌની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ઊભરાયા.
પછી વાતચીતનો દોર ચાલુ થતાં આતાએ હળવેથી કહ્યું,”દીકરા, તેં આ કૃષિગોષ્ઠી અને અવકાશમાં થી ખેડૂતોની હારે વાત કરવાનું તો શરૂ કર્યું, ઈ તો બહુ સારૂ…પણ અમારા બેય પોતરા અહીં ચાલીશ વીઘા જમીન રેઢી મૂકીને સૂરત હીરા ઘસવા ભાગી ગ્યા છે. એક ઓરડીમાં રે’ છે. ઈ પાછા આવે એવું પેલા કરને!”
રંગભર ધરતી આકાશ રંગીન, રંગ દીય ઉસકે રંગમેં રહેના.
મીરાને ઢૂંઢા, કબીરને ઢૂંઢા, મસ્ત મગન ઉસે ઢૂંઢતે રહેના.
કોઈ ભલા મીલે કોઈ હો છલિયા, અપને આપકો તુમ મત છલના.
બાત કિસીકી માનો ન માનો, અંતરકી મુનિ સુનતે રહેના.
મૌજમેં રહેના…
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

પદ્મ પારિતોષિક થી સન્માનિત બહુમુખી પ્રતિૃભા ધરાવતા શ્રી મુનિભાઈનો અને તેમની રચનાઓનો પરિચય બહુ રસપ્રદ રહ્યો. તેઓ ઘણી સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે, સાથે શાસ્ત્રીય સંગીત નાં અચ્છા કલાકાર પણ છે.
LikeLiked by 1 person