સીમિત જીવનદોર પરંતુ જીવસૃષ્ટિને જાણવાની અસીમિત જિજ્ઞાસા : જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ

લેખન-સંકલન : યાત્રી બક્ષી

આપણે જાણ્યું કે એલેકઝાન્ડર હમ્બોલ્ટ દીર્ઘાયુ જીવનમાં દુનિયાને અખૂટ દસ્તાવેજો આપી ગયા. એ સાથે અનેક વ્યક્તિઓમાં પ્રકૃતિને પામવાની ચિનગારી પેટાવતા ગયા. તેઓ અનેક ઊગતા સાધકોના પથદર્શક રહ્યા. તેમાંના એક હતા જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ.

જોહાન સ્પિક્સ વિશે ઇન્ટરનેટ ઉપર સરળતાથી ખાસ વિગતો મળતી નથી, હમ્બોલ્ટમાં ક્યાં અટકવું એ સમસ્યા હતી તો એક વિશેષ માહિતીએ મારું કુતૂહલ વધારી દીધું. આજે પણ અજીબો ગરીબ લાગતા આ અત્યંત અજાયબ પ્રાણીજગતમાં ડૂબકી લગાવનારા વિશે સારી એવી ઇન્ટરનેટ સફર પછી મને સીમિત છતાં અધિકૃત અત્યંત રસપ્રદ માહિતીઓ મળી.

આ એ સમય છે જ્યારે યુરોપમાં ફ્રેન્ચ ક્રાંતિનું વાતાવરણ જનતાના માનસ પર છવાયેલું હતું ત્યારે, જ્યારે નેપોલિયન શ્રેષ્ઠ સેનાની તરીકે પ્રખ્યાતિની ચરમ પર હતા ત્યારે કેટલાક એવા પ્રવાસીઓ હતા જે પ્રકૃતિને પામવાની હોડ લગાવી રહ્યા હતા. તેમાંના એક જોહાન સ્પિક્સ. નેપોલિયનનાં યુદ્ધો ૧૭૯૬થી ૧૮૧૫ સુધી ચાલ્યાં. ૧૭૮૧માં જન્મેલા જોહાન બરાબર જ્યારે નેપોલિયન ફ્રાન્સના સમ્રાટ બને છે તે ગાળામાં પ્રકૃતિ ખેડવા નીકળી પડે છે.

જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સનો જન્મ નાના બવેરિયન (જર્મની) શહેરમાં એક ગરીબ ડૉક્ટરને ત્યાં થયો હતો. એક અસાધારણ પ્રતિભાવાન વિદ્યાર્થી, જોહાને બેમ્બર્ગ વુર્ઝવર્ગની યુનિવર્સિટીઓમાં ફિલસૂફી અને તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ઓગણીસ વર્ષની નાની ઉંમરે પીએચડીની ડિગ્રી હાંસલ કરી. એ સમયે વિચારક ફિલસૂફ ફ્રેડરિક વિલ્હેમ જોસેફ શેલિંગ સાથે ઓળખાણ થયા બાદ સ્પિક્સને જીવન અને પ્રાણી સામ્રાજ્યના અભ્યાસમાં પોતાની સાચી રુચિની સમજ કેળવાઈ.

૧૮૦૮માં, તબીબી ડૉક્ટર તરીકે બે વર્ષ સુધી કામ કર્યા પછી – ઓગણીસમી સદીની શરૂઆતમાં બવેરિયાના રાજા મેક્સિમિલિયન – પ્રથમને સ્પિક્સની પ્રાણીશાસ્ત્રના ક્ષેત્રમાં રુચિની જાણ થઈ. વિપરીત સંજોગોમાં રાજાની ઉદારતાને કારણે સ્પિક્સને શિષ્યવૃત્તિ મળી અને કુદરતની કેડીઓ ખૂલી ગઈ. આ સહાયના પરિણામે જોહાન પેરિસની મુસાફરી કરી શક્યા, જ્યાં તે મહાન ફ્રેન્ચ પ્રકૃતિવાદી જ્યોર્જ ક્યુવિયરને મળ્યા. પ્રાણીશાસ્ત્રના અભ્યાસની વિશ્ર્વની રાજધાની પેરિસમાં તેમણે મેળવેલું આ જ્ઞાન અમૂલ્ય હતું. ૧૮૧૧માં તેમને પ્રાણીના નમૂનાઓના સંગ્રહના ક્યુરેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હવે ‘ઝૂઓલોજિશે સ્ટેટ્સમમલુંગ મ્યુન્યેન’ -બવેરિયન સ્ટેટ કલેક્શન ઓફ ઝુઓલોજી, તરીકે ઓળખાય છે.

૧૮૧૧માં, મ્યુનિકમાં બવેરિયન એકેડેમી ઓફ સાયન્સમાં પ્રાણી-શાસ્ત્રના પ્રથમ ક્યુરેટર બન્યા. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ સાથેના પત્ર-વ્યવહારથી દક્ષિણ અમેરિકન અભિયાનની યોજનાઓ શરૂ થઈ. ૧૮૧૧ અને ૧૮૧૫ની વચ્ચે, સ્પિક્સે પ્રાણીશાસ્ત્રીય વર્ગીકરણનો ઇતિહાસ, કપિમાનવ (પ્રાઈમેટ્સ) પર કામ અને અલગ અલગ માનવ કબીલાની માનવ ખોપડીઓની તુલનાત્મક રચના સહિત અને પથદર્શક અભ્યાસો પ્રકાશિત કર્યા. મ્યુનિકમાં તેમના કાર્યખંડમાં સખત મહેનત કરતી વખતે, તેમને તેમની સંભાળ હેઠળના સંગ્રહને વિસ્તૃત કરવા માટે જીવનમાં એક વાર તક આપવામાં આવી હતી. અહીં વનસ્પતિઓનો વિષય સંભાળનારા માર્ટિસની સરખામણીએ મેં સ્પિક્સ વિશે વધુ વિગતો મેળવવા એટલે પસંદ કર્યું છે કે તેઓએ પ્રાણીજગતમાં મૌન અને રહસ્યમયી લાગતા જીવોને જગત સમક્ષ રજૂ કર્યા છે.

૧૮૧૫માં સ્પિક્સ, વનસ્પતિશાસ્ત્રી કાલ ફ્રેડરિક વોન માર્ટિઅસ (૧૭૯૪-૧૮૬૮), અને અન્ય કેટલાક પ્રકૃતિવાદીઓને બ્રાઝિલ દ્વારા સત્તાવાર રીતે નિમાયેલ ઑસ્ટ્રિયન અભિયાનમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ૧૮૧૭થી ૧૮૨૦ સુધી, અલગ-અલગ અથવા સળંગ, અનેક તબક્કાઓમાં મુસાફરી કરીને, દેશના આંતરિક ભાગમાં સ્પિક્સ અને માર્ટિઅસની શોધખોળ ઓગણીસમી સદીનાં સૌથી મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભિયાનોમાંની એક બની.

કિંગ મેક્સિમિલિયન, એક ઉત્સાહી પક્ષી સંગ્રાહક અને વિજ્ઞાનના આશ્રયદાતા હતા. તેઓએ સ્પિક્સ અને કાર્લ ફ્રેડરિક ફિલિપ માર્ટિઅસ નામના બાવીસ વર્ષના વનસ્પતિશાસ્ત્રીને શાહી મંડળમાં જોડાવા માટે વ્યવસ્થા કરી, જે આર્ક-ડયેસની સાથે દક્ષિણ અમેરિકા જવાના હતા. તેમના આગમન પર વૈજ્ઞાનિકોએ બ્રાઝિલના પ્રાકૃતિક ઇતિહાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવાનો હતો, સ્પિક્સ પ્રાણીજીવન અને અવશેષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, માર્ટિઅસ વનસ્પતિઓ ઉપર.

૧૩મી જુલાઈ ૧૮૧૭ના રોજ, બ્રાઝિલનાં ભાવિ મહારાણી અને બે યુવાન બવેરિયન વૈજ્ઞાનિકોને લઈને જહાજ તેમના મુકામ પર પહોંચ્યું. સ્પીક્સ અને માર્ટિઅસના ૧૮૨૪માં લખાયેલા ગ્રંથમાં જણાવે છે કે, “બીજા જ ખંડની ભૂમિ પર જ્યારે જહાજનું એન્કર અથડાયું ત્યારે જેનું વર્ણન ના કરી શકાય તેવી ઉત્તેજનાભરી પળો હતી. તેઓને ઉષ્ણકટિબંધીય આબોહવાને અનુકૂળ થવા અને પોર્ટુગલના કિંગ જોઆઓ લાવેલના સુંદર પુસ્તકાલયના કુદરતી ઇતિહાસ વિભાગનું નિરીક્ષણ કરવા માટે શરૂઆતમાં રાજધાની રિયો ડી જાનેરો અને નજીકના સાઓ પાઉલોમાં છ મહિના ગાળવાનો સમય આપવામાં આવ્યો. આ જોડી આખરે ડિસેમ્બરમાં બ્રાઝિલના છૂટાછવાયા સ્થાયી થયેલા આંતરિક ભાગો ખેડવા નીકળી ત્યારે ઘણી મુશ્કેલીઓ તેમની રાહ જોતી હતી. નબળા નકશાઓ અને પૂરથી ભરેલા ખરાબ રસ્તાઓએ તેમની પ્રગતિ ધીમી કરી; વળી અસહ્ય ગરમી, ઝેરી સાપ, તો લટાર મારતી બિલાડીઓ અને જંતુઓના ટોળાએ કેમ્પનું જીવન તણાવપૂર્ણ બનાવ્યું. અધૂરામાં પૂરું, તેમનો માર્ગદર્શક એક રાત્રે તેની સાથે તેમની ઘણી કિંમતી વસ્તુઓ લઈને ગાયબ થઈ ગયો.

બ્રાઝિલ પોર્ટુગીઝની વસાહત તરીકે, મોટે ભાગે વિજ્ઞાન માટે જાણે અજ્ઞાત હતું. જોકે, તેને સામ્રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ બંને પ્રવાસીઓ બ્રાઝિલ પહોંચ્યા તે પહેલાં જ વધુ ખોજ, વધુ નમૂનાઓનો સંગ્રહ અને ઉપયોગી થાય તેવા નકશાઓ અને બારીક ચિત્રણો અને વિગતોભર્યા દસ્તાવેજો તૈયાર કરવાની ઊંચી અપેક્ષાઓ બાંધવામાં આવી હતી, જે સાથે અહીં કેટલીક ઘેરી સમસ્યાઓ પણ ભેટમાં મળવાની હતી. સ્પિક્સે તેના સાથી બવેરિયન કાર્લ ફ્રેડરિક ફિલિપ વોન માર્ટિઅસ સાથે મળીને ઝડપથી શોધખોળ શરૂ કરવાની તક ઝડપી લીધી. તેઓ ખાસ કરીને આ વિસ્તારના સ્વદેશી લોકોમાં રસ ધરાવતા હતા – સ્પિક્સને પણ, તે સમયના ઘણા પ્રકૃતિવાદીઓની જેમ “વૈજ્ઞાનિક રીતે” વર્ગીકૃત કરવા માટે વિવિધ જાતિના લોકોની ખોપરીઓનું પૃથક્કરણ કરવાનું ઝનૂન હતું.

સ્પિક્સ અને માર્ટિઅસ રિયો ડી જાનેરોથી શરૂ કરીને, અંદર તરફ ગયા, દરિયાકાંઠાના પર્વતો ઓળંગ્યા, શુષ્ક કેટીંગાસમાંથી ઉત્તર તરફ આગળ વધ્યા અને છેવટે એમેઝોન નદીની મુસાફરી કરી. મૂળ આદિવાસીઓ સાથે હિંસક બનાવો સહિતનાં જોખમો ખૂબ વાસ્તવિક હતાં. વધુમાં, સ્પિક્સ અચાનક બીમાર રહેવા લાગ્યા. તેમ છતાં, મુખ્યત્વે પ્રાણીઓના પરંતુ સાથેસાથે તેણે જે મૂળ આદિવાસીઓનો સામનો કર્યો હતો તેના પણ તેણે નમૂનાઓ એકત્રિત કરવાનું અને અવલોકનો રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું.

જોકે, સ્પિક્સ અને માર્ટિયસે તેમની સફરના અંતે કબૂલ્યું હતું કે, “અહીંના આદિવાસીઓની આપણને લાગતી કઠિન પરંતુ વાસ્તવમાં સરળ જીવન પદ્ધતિમાં કેટલાંક વિલક્ષણ આભૂષણો હતાં.” તેઓએ લખ્યું, “અમારા પ્રાકૃતિક ઇતિહાસના તમામ પ્રકારના સંગ્રહો માટે જ્યાં સુધી નમૂનાઓ એકત્રિત કરવાનો સંબંધ હતો, અમે મહદ્અંશે સફળ રહ્યા છીએ. અસંખ્ય જોખમો હોવા છતાં, અપવાદ વિના તે તમામ નમૂનાઓ સદ્નસીબે તેના સુરક્ષિત અંતિમ મુકામ પર પહોંચી ગયા છે, આવી સફળતાની ભેટ બહુ ઓછા પ્રવાસીઓને મળે છે.”

૧૬ એપ્રિલ, ૧૮૨૦ના રોજ તેઓ બેલેમ બંદરે પહોંચ્યા ત્યાં સુધીમાં, તેઓ બ્રાઝિલના શુષ્ક ઉત્તર પૂર્વીય ખૂણેથી પસાર થઈને લગભગ ૪,૦૦૦ માઈલની મુસાફરી કરીને એમેઝોનના દુર્ગમ વર્ષાવનોમાં ઊંડે સુધી પહોંચી ગયા હતા. ડિક્શનરી ઑફ સાયન્ટિફિક બાયોગ્રાફી નોંધે છે તેમ “તેમના આ પ્રવાસના પરિણામે તેઓએ પક્ષીઓની ૩૫૦ પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની ૮૫ પ્રજાતિઓ, માછલીઓની ૧૧૬ પ્રજાતિઓ, ૨,૭૦૦ જંતુઓ અને ૬,૫૦૦થી વધુ વનસ્પતિના નમૂનાઓ એકત્રિત કર્યા અને તે સાથે સંગ્રહમાં ૫૭ જીવંત પ્રાણીઓનો સમાવેશ થાય છે. જેનાથી આવનારા સમયમાં અસંખ્ય કાર્યો માટેની સામગ્રીનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.

આમાંના ઘણા, વિજ્ઞાન માટે અજાણ હતા. આ સંગ્રહે લુઈસ અગાસીઝ સહિત અન્ય વિદ્વાનો માટે આવશ્યક સામગ્રી પૂરી પાડી હતી, જેમની પ્રથમ પ્રકાશિત કૃતિ સ્પિક્સ અને માર્ટિઅસ માછલીનો અભ્યાસ હતો, જે યુરોપમાં પાછી લાવવામાં આવી હતી. ૧૮૧૭થી ૧૮૨૦ સુધી, દેશના આંતરિક ભાગમાં સ્પિક્સ અને માર્ટિઅસની શોધખોળ ૧૯મી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભિયાનોમાંની એક બની. બીમારીઓ અને કષ્ટદાયક અવરોધો હોવા છતાં, સ્પિક્સ એમેઝોન નદી અને તેનાં જંગલોમાંથી પેરુની સરહદ સુધી ગયા. ૧૭૩૦-૪૦ના દાયકામાં લા કોન્ડામાઈન પછી આ વિસ્તારોની શોધખોળ કરનારા તેઓ પ્રથમ યુરોપિયન હતા. આ બે જર્મનો એમેઝોનના મુખ પર આવેલા બેલેમથી ૧૮૨૦માં યુરોપ માટે રવાના થયા હતા.

તેઓએ પ્રાણીસૃષ્ટિના નમૂનાઓ એકત્ર કરવામાં ત્રણ વર્ષ ગાળ્યાં. સ્પિક્સે ચાર વોલ્યુમના કાર્યમાં પોતાના આ અભિયાનને સંકલિત કર્યું અને માછલી, વાંદરા, ચામાચીડિયા, કાચબા, દેડકા અને સાપ પર લખાણો પ્રકાશિત કર્યાં. તેમની સફળતાના સન્માનમાં, સ્પિક્સને પરત ફરતા રિટર- “સર’ના બિરુદથી નવાજવામાં આવ્યા અને એક વિશિષ્ટ પદના પ્રતીક તરીકે તેમના નામમાં “વોન” શબ્દનો ઉમેરો થયો. સ્પિક્સે એકત્રિત કરેલાં કરોડ અસ્થિધારી પ્રાણીઓનો તરત જ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને પક્ષીઓ કે, જેના આધારે ૧૮૨૪ અને ૧૮૨૫માં બે – વોલ્યુમમાં પ્રકાશિત થયેલી તેઓની ‘એવિયમ નોવા’ દુનિયાને ભેટ મળી.

તેણે અને માર્ટીયસે પ્રવાસ વર્ણનનો પહેલો ભાગ પણ બહાર પાડ્યો હતો, જેનો હેતુ એ હતો કે તેમનું લખાણ સામાન્ય વાચકો તેમજ વૈજ્ઞાનિકો માટે રસ ઉપજાવે. તે વોલ્યુમ, ૧૮૨૩માં જર્મન અને ૧૮૨૪માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું, જે હજી પણ અત્યંત રસપ્રદ વાંચન છે. દુર્ભાગ્યે, સ્પિક્સની તબિયત ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેમની કઠોર મુસાફરીએથી પાછા ફર્યા પછી પણ ક્યારેય સુધરી ન હતી, અને ૧૮૨૬માં, પિસ્તાળીસ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. માર્ટિઅસ, જેમણે સ્પિક્સ સાથે શરૂ થયેલા પ્રવાસવર્ણનના અંતિમ બે ભાગ પૂરા કર્યા હતા, તે ખૂબ જ પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રી બન્યા જેઓ ૧૮૬૮માં અવસાન પામ્યા.

જોકે, સફર અને તેમના અકાળ મૃત્યુ વચ્ચેના સમયગાળામાં, એકલા અથવા સહયોગીઓ સાથે, તેમણે કરોડરજ્જુધારી પ્રાણીઓના તમામ વર્ગો ઉપરાંત મૃદુકાય (મોલસ્ક) અને અષ્ટપાદ (આર્થ્રોપોડ્સ) પર આઠ પુસ્તકો તૈયાર કર્યા. જેમાંના ત્રણ ગ્રંથો હર્પેટોલોજિકલ વિષયો એટલે કે ઉભયજીવી અને સરીસૃપ વર્ગને સંબંધિત માહિતી આપે છે. ‘સર્પન્ટમ’ – સાપ, ક્રેસિલિયન્સ અને ઍમ્ફિસ્બેનિઅન્સનો જેમાં સમાવેશ છે તે સ્પિક્સના સહાયક, જે.બી.વાગલર દ્વારા, સ્પિક્સની નોંધોમાંથી લખવામાં આવ્યું હતું જે ૧૮૨૪માં પ્રકાશિત થયું હતું. ૧૮૨૪માં જ પ્રકાશિત થયેલું બીજું પુસ્તક ટેસ્ટુડીનમ એટ રાનારુમ (કાચબા અને દેડકા પર) સ્પિક્સ દ્વારા લખવામાં આવ્યું હતું અને ૧૮૨૫માં પ્રકાશિત લેસરટારમ પ્રકાશન (ગરોળી અને મગર પર) સ્પિક્સ દ્વારા લખવામાં આવ્યું હતું. વિડ-ન્યુવિડના હાથ-રંગીન પ્રિન્ટ્સ સાથેનાં વિપુલ પ્રમાણમાં ચિત્રો ધરાવતા આ સમૃદ્ધ વોલ્યુમોએ બ્રાઝિલિયન ‘હર્પેટોફૌના’ના અભ્યાસ માટે મજૂબત પાયો પૂરો પાડ્યો.

એક મહાકાવ્ય સમા પ્રવાસમાં, ૧૮૧૭ અને ૧૮૨૦ની વચ્ચે, વનસ્પતિશાસ્ત્રી માર્ટિયસ અને પ્રાણીશાસ્ત્રી સ્પિક્સે સાઓ પાઉલો, રિયો ડી જાનેરો, મિનાસ ગેરાઈસ, બાહિયા, પરનામ્બુકો, પિયાઉ, મારન્હાઓ, પેરા અને એમેઝોનાસની મુલાકાત લઈને હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

૧૯મી સદીના યુરોપિયનો માટે બ્રાઝિલ કેટલું મનમોહક સ્થળ હતું તેની આજે કલ્પના કરવી કદાચ મુશ્કેલ છે. આ બે જિજ્ઞાસુ પ્રવાસીઓએ પોતાની આંખો સમક્ષ એક સંપૂર્ણ નવું બ્રહ્માંડ જોયું. પોતાના મૂળ દેશોની સૂચનાઓ હેઠળ, તેઓએ પ્રત્યેક ઇંચનું મેપિંગ, વર્ણન અને દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યાં. તેમનું એકમાત્ર ધ્યેય બીજું કંઈ નહીં પણ, આ સમૃદ્ધ અને ભવ્ય ભૂમિની દરેક વિગતને કબજે કરવાનું હતું. આ પ્રવાસીઓનાં કાર્યો, તે સમયના ઐતિહાસિક રોજિંદા જીવનની આપણી હાલની સમજણમાં વધારો કરવા માટેનો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે.

જો આ વિગતવાર અને વિચારશીલ દસ્તાવેજો ન હોત તો માનવ- જાતિ વિષે તથા તે સમયની અખંડ કુદરતની ભવ્યતા વિશેની આધારભૂત માહિતીનો પણ મોટાભાગનો હિસ્સો નાશ પામ્યો હોત. બવેરિયન પ્રકૃતિવાદીઓ જોહાન બાપ્ટિસ્ટ વોન સ્પિક્સ અને કાર્લ ફ્રેડરિક ફિલિપ વોન માર્ટિઅસ દ્વારા તૈયાર કરવામાં આવેલા બધા દસ્તાવેજોમાંથી ‘બ્રાઝિલિયનમાં રિઈઝ’ અથવા ‘ટ્રાવેલ્સ ઇન બ્રાઝિલ’, કદાચ સૌથી વિગતવાર અને સૌથી રસપ્રદ છે.

સ્પિક્સના નામથી પ્રજાતિઓની ઓળખ :

દક્ષિણ અમેરિકાની સરીસૃપ વર્ગની ત્રણ પ્રજાતિઓ જેમાં બે સાપ અને એક કાચબો, પક્ષીઓમાં લોકપ્રિય સ્પિક્સ મકાઉ સહિત અન્ય છ પ્રજાતિઓ, સસ્તન વર્ગમાં ચામાચીડિયા અને વાંદરા સહિતની પાંચ પ્રજાતિઓ તથા કેટ ફિશ માછલી મળી કુલ આશરે પંદરેક પ્રજાતિઓને સ્પિક્સના નામ સાથે જોડવામાં આવ્યા છે.

બે પ્રકૃતિવાદીઓનો વિપુલ વારસો વૈજ્ઞાનિકોથી પણ આગળ વિસ્તરેલો છે. જ્યારે તેઓ સમગ્ર બ્રાઝિલમાં પ્રવાસ કરતા હતા ત્યારે, સ્પિક્સ અને માર્ટિઅસ તેઓને મળેલા લોકો અને રિવાજો, સુમેળભરી સાંસ્કૃતિક વિવિધતા કે જેમાં તેઓ વારંવાર રહેતા હતા, સ્વદેશી, કાળા, મિશ્ર અને સફેદ પૃષ્ઠભૂમિના લોકો તમામ આ સાંસ્કૃતિક માનવવંશીય પરિબળો એક શક્તિશાળી બહુ-સાંસ્કૃતિક મેળાવડામાં એકઠા થવા લાગ્યા હતા. આજે આ અલગ અલગ માનવ સમુદાયોનું બાહુલ્ય અને જીવ વિવિધતા આપણે ગુમાવવા લાગ્યા છીએ ત્યારે કુદરતની કઠિન કેડીઓ કંડારનારાને જાણવા સમજવા અને બિરદાવવા રહ્યા.


 યાત્રી બક્ષી | paryavaran.santri@gmail.com


(ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનોને આધારે)


ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪