રબીન્દ્રસંગીતમાં છલકતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન

અલ્પા શાહ 

“ગીતબિતાન” – એક બંગાળી શબ્દ – જેનો અર્થ થાય છે “Garden of Songs” અર્થાત ગીતોનું ઉપવન. આ એક એવું ઉપવન છે જે શબ્દોની સમૃદ્ધિથી મલકાય છે ,જેમાં સપ્તકના સાત સ્વરોની સુરાવલીઓ રેલાય છે  અને જે અઢળક માનવીય  સંવેદનાઓથી છલકાય છે.  “ગીતબિતાન” એટલે વિશ્વકવિ રબીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી ૨૨૦૦ થી વધુ રચનાઓનો અમૂલ્ય સંગ્રહ. જેમાંની ૭૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતે કરેલ છે. અને આ ગીતો થકી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જે આખી શૈલી અસ્તિત્વમાં આવી તે રબીન્દ્રસંગીત.

કહેવાય છે કે “Poetry contains the reflection of poet’s feelings and emotions” અર્થાત કવિ હૃદયમાં ઉઠેલી સાશ્વત સંવેદનાઓ અને લાગણીઓ શબ્દો દ્વારા વહી નીકળે છે ત્યારે કવિતા રચાઈ જાય છે. “ગીતબિતાન”ના કાવ્યો પણ ગુરુદેવના આંતરમનની સંવેદનાઓનું પ્રતિબીંબ છે. પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એક અદમ્ય અને અનેરો નાતો અનુભવતા ગુરુદેવે કિશોરાવસ્થાથીજ તેમની સંવેદનાઓને શબ્દ દ્વારા કવિતા રૂપે વહેતી કરી અને એ કાવ્યને સૂરના શણગારે સજાવી અને આમ ૧૮૭૫માં પ્રથમ રબીન્દ્રસંગીત શૈલીના ગીતની રચના થઇ. અને બસ પછીતો સતત પાંચ દાયકા ઉપરાંતના વર્ષો દરમિયાન આ ઉપવનમાં એક પછી એક પુષ્પો ખીલતા ગયા અને વિશ્વને રબીન્દ્રસંગીતના ગીતો થકી રત્નોની ભેટ મળતી રહી. “ગીતબિતાન” ગીતસંગ્રહમાં ધરબાયેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરના જીવન પરિચય પર એક ઝલક નાખીએ.

જો કે ગુરુદેવનો ઔપચારિક પરિચય આપવાની નથી મારી કોઈ લાયકાત કે નથી એવી કોઈ જરૂર… ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર – એક બહુમુખી પ્રતિભા. The personification of versatility. સર્જનાત્મકતા (creativity), બુદ્ધિમતા(intellect) અને સંવેદનશીલતા(empathy/compassion) નો અદભુત સમન્વય એટલે કવિવરનું વ્યક્તિત્વ. તેમના વ્યક્તિત્વે સમગ્ર માનવજાતિની ક્ષમતાના એક નવાજ આયામનો પરિચય કરાવ્યો. એક પ્રખર લેખક અને સાહિત્યકાર, એક સંવેદનશીલ કવિ, એક ઉચ્ચકોટિના સંગીતકાર અને ગાયક, એક નિષ્ઠાવાન દેશભક્ત, એક ગહન ફિલસૂફ, એક વિખ્યાત ચિત્રકાર, ૧૯૧૩માં સાહિત્યનું  નોબેલ પારિતોષિક જીતનાર અને  સુપ્રસિદ્ધ શાંતિનિકેતન તથા વિશ્વભારતી યુનિવર્સિટીના સંસ્થાપક  રબીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૧૮૬૧માં  થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમને બંગાળી સાહિત્ય સંગીત અને કળાને સ્વરચિત વાર્તાઓ, નાટકો, કવિતાઓ, અને ગીતો દ્વારા એક નવો જન્મ આપ્યો અને વિશ્વના ફલક પર જાણીતું કર્યું. તેમનું કાર્યક્ષેત્ર  બંગાળીની સાથે સાથે અંગ્રેજી ભાષા સુધી વિસ્તરેલું હતું અને ગુરુદેવે પોતે પોતાની અમુક  કવિતાઓનું  English translation કર્યું.અનેક જીવનકાળમાં કરી શકાય તેવું કાર્ય એક જીવનકાળ દરમિયાન કરીને કવિવરે ૧૯૪૧માં આ જગતમાંથી સ્થૂળ દેહે વિદાય લીધી. ગુરુદેવે ભલે સ્થૂળ દેહે વિદાય લીધી, પણ તેમના ધબકારા તેમણે સર્જેલા સાહિત્ય અને સંગીતના વારસામાં હજે આજે પણ ધબકે છે અને આવતીકાલે પણ ધબકતા રહેશે…

 

કહેવાય છે કે કવિવર રબીન્દ્રનાથ ટાગોર નખશીખ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ માનવીય લાગણીઓને  અને મનોભાવોને સમજી શકતા હતા અને  અનુભવી શકતા હતા અને કદાચ એટલેજ રબીન્દ્રસંગીતના ગીતોમાં માનવ મનના બધાજ મનોભાવો અને લાગણીઓ શબ્દો  દ્વારા પ્રતિબિબિત થયેલ છે. રબીન્દ્રસંગીતના ગીતોમાં પરમાત્મા પ્રત્યેનો આદર અને અહોભાવ ડોકાય છે તો પ્રિયજન માટેનો પ્રેમભાવ પણ પ્રદર્શિત થાય છે. તેમાં પ્રકૃતિ સાથે શબ્દો અને સંગીતથી તાદામ્ય સધાયેલ છે તો તેમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો પણ કંડારાયેલ છે. આમ રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવે માનવમનની સંવેદનાઓના મેઘધનુષને જગત સામે પીરસ્યું છે. જે સઘળું તેમના “ગીતબિતાન” અર્થાત “Garden of songs” પુસ્તકમાં ધરબાયેલ છે …

એ પુસ્તકને કેન્દ્રમાં રાખીને મારે તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોનો ભાવાનુવાદ કરી તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન આ લેખમાળા દ્વારા તમારી સાથે કરવું છે…. આશા રાખું છું કે તમે પણ મારા આ પ્રયત્નમાં મારી સાથે રહેશો અને મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો અને હા, તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો – કે જે આ કલમ વિકસાવવામાં પાયારૂપ છે તે પણ આપતા જ રહેશો.