આશા વીરેન્દ્ર

આજે તમને દૂરના ભૂતકાળમાં લઈ જાઉં. સાલ હતી લગભગ 1978- 79 ની. ત્યારે મારી દીકરી મનસ્વી પંદરેક વર્ષની. મનસ્વી એટલે અમારો શ્વાસ અને પ્રાણ. એના થકી આખુંય ઘર ધબકતું લાગે. એને નિતનવી ટીખળ સૂઝે. કંઈક ને કંઈક મજાક-મસ્તી કરીને સૌને હસાવતી રહેન ધારી હોય એવી સરપ્રાઇઝ આપતી રહેપણ તે દિવસે તો એણે હદ કરી.

હું અને મનસ્વી બંને મેટ્રો થિયેટરમાં કોઈ ફિલ્મ જોવા ગયાં હતાં. પાછાં ફરતાં રસ્તો ક્રોસ કરીને હું તો સામી બાજુ પહોંચી ગઈ. મને એમ કેમનસ્વી મારી પાછળ જ આવે છેપણ ત્યાં એની બૂમ સંભળાઈ,       “મમ્મીમારાથી જરા પણ ચલાતું નથી. મારા પગ એકદમ કડક થઈ ગયા છે.”

સાજી-સારી છોકરીથી અચાનક ચાલી ન શકાય એવું શી રીતે બનેમને બહુ ગુસ્સો આવ્યો કેઆ તે કંઈ મજાક કરવાની રીત છે ભલે એ સમયે મુંબઈમાં આજ કરતાં પા ભાગનો પણ ટ્રાફિક નહોતોતે છતાં આટલાં વાહનોની અવરજવર વચ્ચે એ આ રીતે રસ્તાની અધવચ્ચે આમ ઊભી રહી જાય તરત જ મને થયુંના નાએવી નાદાન તો એ નથી જ. ઊલટી પોતાની ઉંમર કરતાં એ વધુ પરિપક્વ છે. હું  સામી બાજુ ગઈ અને ત્યારે એના ચહેરા પર જે ગભરાટ અને મૂંઝવણ જોયાં એના પરથી મને લાગ્યું કેકંઈક ગરબડ છે. એણે મારો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી,  “મમ્મીકોણ જાણે શું થયું પણ મારાથી એક ડગલું પણ માંડી નથી શકાતું.”

મેં તરત જ ટેક્સી રોકી ને અમે ઘરે આવ્યાં. અમારા ત્રીજે માળે આવેલા ઘરે પહોંચવા દાદર ચઢવામાં જો કેએને થોડી તકલીફ પડી પણ તોયે ધીમેધીમે એ દાદર ચઢી ગઈ. થોડીવાર સોફા પર બેસીને આરામ કર્યા પછી એને સારું લાગતું હતું. એણે કહ્યું“મમ્મીએ વખતે મનેશી ખબર શું થઈ ગયુંપણ હવે મને સાવ સારું છે. Don”t worry.”

એણે ભલે ચિંતા ન કરવાનું કહ્યું પણ શી ખબર કેમમારાં મનમાંથી તે દિવસે જોયેલો એનો ડરથી ફિક્કો પડી ગયેલો ચહેરો ખસતો નહોતો. ત્યારપછીના થોડા દિવસોમાં એને બે-ત્રણવાર તાવ આવી ગયો. આખો વખત બોલ બોલ કર્યા કરતી મારી ચકલી એકાએક શાંત અને ગંભીર થઈ ગઈ હતી. નિલેશ એ વખતે પોતાની બિઝનેસ ટૂર પર હતા અને એ વખતે કંઈ આજના જેવી ફોનની સગવડ હતી નહીં. વળી હું કહું તો શું કહું મારી આવી વાત સાંભળે તો એ તો હસવા જ લાગી જાય, “આટલી નાની વાતમાં એટલી બધી ચિંતા શું કરવાની?”

એના પગ લાલ થઈ ગયા ને પગ પર સોજા આવી ગયા તે દિવસે મેં નક્કી કર્યું કેકાલે જ ડોક્ટર પાસે જવું. બીજે દિવસે એ એકદમ સાજી-સારી હતી, પણ મારાં મનનાં સમાધાન ખાતર હું એને ડોક્ટર પાસે લઈ જ ગઈ. મેં અત્યાર સુધીમાં જે કંઈ થયું એની વાત કરી પણ તે દિવસે તો એ એટલી બધી નોર્મલ હતી કે ડોકટર કહેવા લાગ્યા“આ એક જ સંતાન હોય નેએની તકલીફ છે. આજકાલની મમ્મીઓ ઓવર પ્રોટેક્ટેડ થઈ ગઈ છે. આ ઉંમરે આવું થાય એ સામાન્ય છે. જાવખાઈ-પી ને મજા કરોને દીકરી સિવાય બીજા કામમાં તમારું ચિત્ત પરોવો.”

મને લાગ્યું કેહું ડોક્ટરને બરાબર સમજાવી ન શકી. ખેર ! મનસ્વીના રોગની અને એની પીડાની એટલી લાંબી દાસ્તાન છે કેએનું ટૂંકમાં વર્ણન કરવું શક્ય નથીપણ એની વધતી જતી તકલીફો વખતે હું રાત ને દિવસ એની પડખે રહી. જરાવાર માટેય એને રેઢી ન મૂકી. રાત્રે એ જંપી ગઈ હોય ત્યારે હું દેશ-વિદેશની મેડિકલ જર્નલો વાંચી વાંચીને એના રોગ વિશે માહિતી મેળવવા લાગી. મારા આ પ્રયત્નો થકી હું જાણી શકી કેએને કેન્સર કરતાં પણ ભયંકર એવો અસાધ્ય રોગ થયો છે. જેનો કોઈ ચોક્કસ ઉપાય હજુ સુધી શોધાયો નથી.

મારી સદાની હસતી-રમતી દીકરી મારી નજર સામે કરમાતી જતી હતીહજી ખીલું ખીલું થતી કળી બિડાતી જતી હતી ને હું લાચાર થઈને જોવા સિવાય કંઈ કરી શકતી નહોતી. આમ ને આમ લગભગ ત્રણ વર્ષમાં કેટલાય ડોક્ટરોને બતાવ્યા પછીકેટલાય ટેસ્ટ કરાવ્યા પછી ક્યાંય આશાનું કિરણ ન દેખાય ત્યારે હું હતાશ થઈ જતી. મારાથી બોલાઈ જતું“ મારી બધી મહેનત નકામી ગઈ. આઈ સિમ્પલી વેસ્ટેડ માય એનર્જી.” એવે વખતે  એ મને કહેતી,  “મમ્મીએનર્જી ઈઝ નેવર વેસ્ટેડ. ઈટ ઈઝ ઓલ્વેઝ કન્વર્ટેડ. હું ન હોઉં ત્યારે તું તારી એનર્જીનેતારી આવડતને અને મારા પ્રત્યેના તારા પ્રેમને બીજાને મદદરૂપ થવામાં કન્વર્ટ કરજે. આ રોગ વિશે તું હવે આટલું બધું જાણે છે તો એને લેખો લખીને લોકો સુધી પહોંચાડજે.”

હંમેશા જકડીને મારો હાથ પકડી રાખતી મારી દીકરીએ અંતિમ સમયે કહ્યું“મમ્મીઅઢાર વર્ષનો આપણો સાથ હવે છૂટવાની તૈયારી છે ત્યારે તું મારો હાથ પકડી રાખીશ તો હું જઈ નહીં શકું. મારો હાથ છોડી દે. આપણા ઋણાનુબંધ પૂરા થયા. હવે મને વિદાય આપ.”

આજે હું લેખો દ્વારા આ રોગ માટેની જાગૃતિનું કામ કરું છું કે પછીમનસ્વી જેવડી દીકરીઓને શિક્ષણમાં કે માંદગી વખતે સહાય કરવાનો પ્રયત્ન કરું છું એની પાછળ મારી નાનકડી ગુરુની પ્રેરણા રહેલી છે.


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.