વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

આજકાલ શહેરમાં ફૂલોનાં ભાવ વધ્યા છે. મકાન પાછળની જમીન પણ ખાલી જ પડી છે. બીલીનાં ઝાડ વાવીએ તો ઘણી કમાણી થઈ શકે એમ હતી. આમ તો બીલીપત્રના ભાવ અમીર લોકોને જ પરવડે, પણ જનતાને લૂંટીને જ અમીર બનેલા લોકોને લૂંટવામાં વળી શી શરમ?

પાછળની જમીન ખોદવા માટે મજૂરની જરૂર હતી. એક માણસ મજૂરી માટે મળી ગયો. એને જોઈને લાગતું નહોતું કે, આ માણસ બે-ત્રણ હાથ ઊંડે સુધી જમીનનું ખોદકામ કરી, માટીમાં ભેળવેલું ખાતર પૂરીને બીલી રોપી શકે. જે કામ કરતા જુવાન માણસને પાંચ દિવસ લાગે એ કામ આ બુઢ્ઢો આદમી કેવી રીતે કરશે?

એ ગરીબ માણસની શારીરિક અક્ષમતા કરતાં એની જરૂરિયાત, મજબૂરી ઘણી વધારે પ્રબળ હતી. એને મજૂરીમાં મળવા જોઈએ એ કરતાંય ઓછા દામમાં પણ એ કામ કરવા તૈયાર હતો. ખરેખર તો મારે એને વધુ પૈસા આપવા જોઈએ, પણ મને વધુ નફો મળશે એમ વિચારીને એણે માંગેલી જરા અમસ્તી મજૂરી મંજૂર કરી જ દીધી. લોભને ક્યાં વળી થોભ?

“બાબુજી, મહેનતનું કામ છે, પણ હું તોલમોલ નહીં કરું. બસ બપોરે તમે જે ભાત રાંધ્યા પછી એનું પાણી ફેંકી દો છો એ મને પીવા આપજો.” એ વૃદ્ધના અવાજમાં આજીજી હતી.

મારી પત્ની સમજી ગઈ કે, સસ્તામાં મજૂર મળી ગયો છે એટલે જાણે ઉપકાર કરતી હોય એમ એ ફેંકી દેવાતું ભાતનું પાણી પીવડાવવા રાજી થઈ ગઈ. ખરેખર તો ભાતનું પાણી જ પુષ્ટિવર્ધક  હોય, પણ અમે તો છડેલાં ભાતને ધાન સમજીને આરોગવા ટેવાયેલાં છીએ.

આમ ને આમ અગિયાર દિવસ પસાર થઈ ગયા. જે કામ બતાવ્યું એ કરતો રહ્યો. અંતે એક શબ્દ બોલ્યા વગર જે પૈસા આપ્યા એ લઈ લીધા. કામ પૂરું થયું એના બીજા દિવસે કામની અપેક્ષાએ આવીને ઊભો રહ્યો.

કૂવામાંથી પાણી ખેંચીને છોડને પીવડાવવાનું કહ્યું તો એ પણ સાવ નજીવી રકમમાં કરવા તૈયાર થઈ ગયો. સવારે તડકો ચઢતામાં આવી જતો, સાંજ ઢળે ત્યાં સુધી કામ કર્યા કરતો.

હમણાંથી મારી પત્ની ભાતનાં પાણીની સાથે બાળકોએ થાળીમાં છાંડેલો ભાત, સૌનાં ખાધાં પછી વધેલું શાક કે ચટણી પણ ઉમેરતી.

જે દિવસે એને મહિનાનો પગાર મળ્યો તે દિવસે એના ચહેરા પર આનંદ છવાઈ ગયો. બીજા દિવસે આવીને કહેવા માંડ્યો,

“કાલે જે પગાર મળ્યો એ મારી દીકરીને આપ્યો ત્યારે જઈને એણે મુઠ્ઠીભર ભાત રાંધીને ખવડાવ્યો.”

“રોજ નથી ખવડાવતી?”

“કસમથી બાબુજી, તમારા ઘેર ભાતનાં પાણી અને તમે ફેંકેલું ધાન સિવાય કશું જ પેટમાં ગયું નથી.”

મારા શરીરમાંથી કંપન પસાર થઈ ગયું. એ બુઢ્ઢા આદમીનો દીકરો મરી ગયો પછી વહુએ અલગ ઘર વસાવી લીધું હતું.

“દીકરી ખાવા નથી આપતી?”

“શું થાય બાબુજી, પૈસાનો જ ખેલ છે બધે. રાત્રે પૂરો પગાર આપ્યો ત્યારે મુઠ્ઠીભર ભાત મળ્યો. હવે એ પૈસાથી અમારા દિવસો પસાર થઈ શકશે.”

બસ, ત્યારથી એ બુઢ્ઢો આદમી અમારા ઘરનો જ એક હોય એવો બની ગયો. હવે થોડો ભાત ખવડાવીને એની ખાતિરદારી થવા માંડી. બીલીના છોડ પર કળીઓ આવવાં માંડી હતી. એ બુઢ્ઢો કળીઓ વેચી આવતો. જો કે, જાણકારીના અભાવે ભાવ કરતાં ઓછા ભાવે એ કળીઓ મેં વેચી હતી છતાં બુઢ્ઢાને પગાર આપવા ઉપરાંત એમાંથી ત્રણસો રૂપિયાનો નફો થયો હતો.

ચોમાસામાં બુઢ્ઢો કામ પર ન આવ્યો. એની ભાળ કેવી રીતે કરવી એ સવાલ હતો. આટલા સમયથી અમારા ઘેર કામ કરતો, પણ અમને એનું નામ કે ઠામ સુદ્ધાં ખબર નહોતી.

કામથી કામ રાખવાવાળી આ માણસજાત આટલી સ્વાર્થી?

નવાઈની વાત તો એ બની કે, ઘણા દિવસો પછી એના મહોલ્લામાં રહેતી એક શાકવાળી પાસેથી જાણવા મળ્યું કે એ મરી ગયો છે.

એ કહેતી હતી કે, “લાંબા સમય  સુધી એ બીમાર રહ્યો. એની દીકરી બહુ નિર્દય હતી. બાપ બીમારીમાંથી ઊઠ્યો પછી એણે સરખી રીતે બાપની સંભાળ લીધી જ નહીં. દીકરીએ તો  ડૉક્ટરને કહી દીધું કે, દૂધ કે ફળ ક્યાંથી લાવે, એના માટે પૈસા તો જોઈએ ને? ગરીબી ભલભલાની માણસાઈ ખતમ કરી દે છે.”

એ બુઢ્ઢા માણસની અવદશાની વાત સાંભળીને સાચે જ મને દુઃખ થયું.આમ તો મેં પણ એની સાથે કેટલો અન્યાય કર્યો હતો?

બીલીના છોડ રોપવાવાળો એ હતો, દેખરેખ રાખવાવાળોય એ હતો, બીલીની કળીઓ વેચીને પૈસા લાવનાર પણ એ જ હતો. જે નફો થયો એ તો ખરેખર બુઢ્ઢાની મહેનતનો કહેવાય અને મેં તો ભારે મોજથી એની મહેનતનનાં ફળ મારા ખિસ્સાંમાં પધરાવી દીધાં.

વિચારતો હતો કે, જનતાને લૂંટીને જ અમીર બનેલા લોકોને ફૂલ વેચીને લૂંટવામાં વળી શી શરમ?

એની મહેનત માટે માંડ ચાર સિક્કા આપીને, ભાતનું પાણી પીવડાવીને મેં પણ એની સાથે  અન્યાય જ કર્યો ને? બગીચાની જમીન મારી, મને ફળ મળ્યું પણ મહેનત કરવાવાળાને ભૂખ્યા પેટે તનતોડ મહેનત કર્યા પછી ફળ ના જ મળ્યું.

એના માટે જવાબદાર કોણ?


ચાંગટિ સોમયાજુલુ ‘ચાસો’ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.