ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

કોઈ લેખકની, ખાસ કરીને નવલકથાકાર કે વાર્તાકારની લોકપ્રિયતા નક્કી કરવાનો કોઈ ચોક્કસ માપદંડ નથી. કોઈ નવલિકાસંગ્રહ કે નવલકથાસંગ્રહની કેટલી આવૃત્તિઓ થઈ કે કોની વધુ કથાઓનું ફિલ્મના પડદે રૂપાંતરણ થયું એ પણ સાર્વત્રિક માપદંડ ન ગણી શકાય. આમ છતાં, અમુક લેખક એવા હોય છે કે તેઓ વાર્તાકાર, નવલકથાકાર તરીકે પણ આદર અને લોકપ્રિયતા પામ્યા હોય, એમ તેમની કથા પરથી બનેલી ફિલ્મોએ પણ સફળતા પ્રાપ્ત કરી હોય.

વિલીયમ શેક્સપિયરનાં નાટકોને કદાચ આ શ્રેણીમાં મૂકી શકાય, કેમ કે, એ વિશ્વની વિવિધ ભાષાઓમાં એક યા બીજા સ્વરૂપ રૂપાંતરિત થતા રહ્યાં છે. ભારતીય લેખકોમાં આવું માન સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે શરદબાબુને આપી શકાય.

લેખક તરીકે તેમણે અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી. તેમની વાર્તાઓના અનુવાદો અનેક ભાષાઓમાં થયા. અનેક વાર્તાઓ પરથી ફિલ્મો બની. કહેવાય છે કે સમગ્ર ભારતીય ઉપખંડમાં વિવિધ ભાષાઓમાં ૯૦ જેટલી ફિલ્મો બની છે. ગુજરાત અને ગુજરાતીઓ પર તેમનો પ્રભાવ જાણીતો છે. તેમનો જીવનકાળ ૧૮૭૬- ૧૯૩૮ સુધીનો હતો, તો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જીવનકાળ ૧૮૫૫ – ૧૯૦૭ સુધીનો હતો. ગોવર્ધનરામે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ અનેક રીતે યુગપ્રવર્તક બની રહી. તેના પ્રથમ ભાગનું પ્રકાશન ૧૮૮૭માં કરવામાં આવ્યું. તેની વૈચારિક અસરની વાત ન કરીએ અને સ્થૂળ અસરની વાત કરીએ તો ગુજરાતી નામ પાડવાની એક આખી પરંપરા ‘સરસ્વતીચંદ્ર’ પછી આરંભાઈ એમ કહી શકાય. અલબત્ત, આનો કોઈ ચોક્કસ અભ્યાસ નથી, પણ ધારણા છે. ગુણલક્ષી, લંબાણવાળાં નામ ગુજરાતીઓમાં આ પછીના અરસામાં જોવા મળે છે.

ગુજરાતી નામની આવી જ પરંપરા શરદબાબુની નવલકથાઓના ગુજરાતીમાં અવતરણ પછી આરંભાઈ. અંતે ‘ઈશ’ કે ‘ઈન્દ્ર’ ધરાવતાં નામો ગુજરાતીમાં આવવા લાગ્યાં. ‘ઈન્દ્ર’વાળાં નામોમાં છેલ્લો જોડાક્ષર (ન+દ્ર) નીકળી જતાં ‘ન’ રહે એવાં નામો પણ ગુજરાતીમાં એ અરસામાં ભરપૂર આવ્યાં. (ઉદાહરણ: બીરેન્‍દ્રનું બીરેન, નરેન્દ્રનું નરેન વગેરે) અલબત્ત, આ પણ કેવળ અવલોકન છે, કોઈ ચોક્કસ અભ્યાસ નથી.

શરદબાબુની એક અતિશય લોકપ્રિય નવલકથા એટલે ‘બિરાજબહુ’, જે ૧૯૧૪માં પ્રકાશિત થયેલી. મહાદેવભાઈ દેસાઈએ કરેલો તેનો અનુવાદ ‘વિરાજવહુ’ના નામે ૧૯૨૪માં પ્રકાશિત થયો. એ પછી રમણલાલ સોનીએ તેમજ શ્રીકાન્ત ત્રિવેદીએ કરેલો અનુવાદ પણ પ્રકાશિત થયેલો. આ કૃતિને પડદા પર ઉતારવાનું શ્રેય બીમલ રાયને ફાળે જાય છે.

હીતેન ચૌધરી નિર્મિત, બીમલ રાય દિગ્દર્શીત ‘બિરાજબહુ’ની રજૂઆત ૧૯૫૪માં થઈ હતી. કામિની કૌશલ, અભિભટ્ટાચાર્ય, પ્રાણ, મનોરમા જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી.

પ્રેમ ધવને લખેલાં કુલ છ ગીતોને સલિલ ચૌધરીએ સ્વરબદ્ધ કર્યા હતા. એકે એક ગીતમાં બંગાળી સંગીતનો પ્રભાવ સાંભળવા મળે છે. હેમંતકુમારે ગાયેલાં બે ગીતો ‘એક પલ દરસ દિખા જા’ અને ‘મેરે મન ભૂલા ભૂલા કાહે ડોલે’માં હેમંતકુમારના સ્વરને લઈને જે અસર ઊભી થાય છે એ સાંભળીને જ ખ્યાલ આવે. અન્ય ગીતોમાં ‘સુનો સીતા કી કહાની’ (મ.રફી અને સાથીઓ), ‘દિલ મેરા તુઝ પે સદકે’ (શમશાદ બેગમ) અને ‘તેરા ઘર આબાદ રહે, જા રી દુલ્હનીયા જા’ (લતા, શ્યામલ મિત્રા અને સાથીઓ) છે. ‘તેરા ઘર આબાદ રહે’નો આરંભ પંજાબી હીર જેવો જણાય, અને પછી એની અસલ ધૂનમાં સલીલ ચૌધરીની કમાલ જણાઈ આવે.

આ પાંચ ઉપરાંત છઠ્ઠું ગીત એટલે ‘માઝી રે, ચલ નૈયા રામ કરેગા પાર’, જે નિર્મલ ચૌધરીએ ગાયું છે, જેનો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે. એ ભટિયાલી પ્રકારનું હોય એમ જણાય છે અને ઘણી વાર સચીન દેવ બર્મનના કોઈ ગીતની યાદ અપાવી દે એવું છે. ‘માઝી’, ‘નૈયા’, ‘કિનારા’, ‘પૂરવૈયા’ જેવા શબ્દો બંગાળી પ્રભાવ હેઠળ અનેક હિન્દી ગીતોમાં આવ્યા છે અને એનાં એ રૂપક છતાં તેનો ભાવ દરેક ગીતમાં અલગ હોવાથી એ ખાસ્સાં જાણીતાં બની રહ્યાં છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

माझी रे, ले चल रे नैया, माझी, राम करेगा पार
माझी रे, ले चल रे नैया, माझी, राम करेगा पार

हां किनारा भवसागर का, कोई जाने ना,
चलते रहना ही जीवन है,
रुकना मौत  का  नाम रे भैया,
नैया राम करेगा पार….

माझी रे,
माझी रे,
राम करेगा पार नैया,
राम करेगा पार

નીચે આપેલી લીન્કમાં ‘બિરાજબહુ’નાં તમામ ગીતો છે, પણ આ લીન્‍ક પર ક્લીક કરવાથી સીધું આ ગીત જ સાંભળી શકાશે.

 

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)