કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

 “હીરજીભાઈ ! આવતી કાલે તમારે બેય જણાએ અમારી હારે ખરખરે આવવાનું છે.” સવારના પહોરમાં પાડોશી ભાઈ ભગાએ આદેશ કર્યો. પ્રસંગ છે ૧૯૭૧ની સાલનો. જ્યારે અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા હતા ત્યારનો.

“કેમ, કોણ ગુજારી ગયું ? ”

“અમારી દીકરીના જેઠ. મોઢાનું કેન્સર થૈ ગ્યું તુ. ખર્ચો ખૂબ કર્યો તો. બે વાર તો ઉપરેશન કરાવ્યુ તું. તોય બચ્યા નૈ ! કટંબ પાછું પૈસે ટકે બૌ સુખી છે, એટલે ખરખરે આવનારા બધાને જમી કારવીને જ જવા દેવાના-એવી “ગળી કાણ્ય” ની ગોઠવણ કરી છે.” આટલું કહી, ભગાએ વાતમાં ઉમેરણ કર્યું કે “અને અમારી બેને પાછું  કેવરાવ્યું છે કે સાવ બે-ચાર જણા નહીં, કાંકય ઠીક સંખ્યામાં મારા પિર્યાં [પિયરયા] નું – એટલે કે તમારા બધાનું હારું દેખાય એટલા જણા કાણ્ય લઈને આવજો. એટલે તો વીહક જણાએ ખરખરે જવું એવું ગોઠવ્યું છે. તમે બેય તયાર રેજો.” આટલી વાત  કરી ભગો અન્યોને કાણ્યમા આવવાનું કહેવા ઉપાડી ગયો.

  અમારા પાડોશી ભગાએ દીધેલ કાણયના સમાચાર વિષે આગળ વિચારીએ તો પહેલી વાત તો એ કે ભગો વીસ જણાની કાણ્ય લઈ તેની બહેનના જેઠને ઘેર જવાનું ગોઠવી રહ્યો હતો, તેઓમાંથી તેની બહેનના જેઠને કે એના કુટુંબને નજીકથી ઓળખતા હોય એવા જણની સંખ્યા કેટલી ? બહુ બહુ તો ભગો, એના પત્ની, અને એના બા-બાપાની હાજરી હોય તો એ બે-એટલા નજીકના જણ ગણાય. એટલાને એમની બહેનના ઘર માથે આવી પડેલ દૂ;ખનું થોડુકેય દર્દ હોય ! પણ બાકીના સોળ અઢાર જણા કે જેઓમાંથી કોઈને પણ એ કુટુંબ સાથે ઓળખાણ-પિછાણ નથી એવાને દાડિયા કરીને કાણ્ય કરવાનો માભો દેખાડવા જવું કેટલું વ્યાજબી ગણાય ?

અને માનો કે કોઈ કુટુંબમાં દીકરી દૂ;ખાણી હોય કે કોઈ ભાણેજ-ભત્રીજા જેવી નાની ઉમરવાળી વ્યક્તિનું અવસાન થયું હોય ત્યારે તે વધુ દૂ;ખદાયક ઘટના ગણાય. આવે વખતે ખરખરે આવનારા પુરુષો માથે ફાળિયાં ઓઢી, ઊંચા રાગે ઑ…હો….હો…ના અવાજો કરતા કરતા ઘેર આવવાનો રિવાજ છે. આવા અઘટિત પ્રસંગે નજીકના સગા-સંબંધીને દૂ;ખ હોય જ. એ સમજાય તેવી વાત છે. પણ માથે ફાળિયા ઓઢી બજારેથી લાંબા રાગે રો કકળનો દેખાડો કરવા કરતાં ઘેર દૂ’ખી લોકોની સાથે બેસી ખરખરો [ખરખરાનો ખરો અર્થ તો “ખોંખારો” એવો થાય છે. “મૂંઝાશો નહીં. અમે તમારી સાથે છીએ” એવો સધિયારો આપવાના આ વેણ છે.] કરવાથી દૂઃખ હળવું કરી શકાય છે.

વળી બહેનો તો બજારેથી છાતી કૂટતા કૂટતા અને મોટે મોટેથી રડતાં રડતાં આવતાં હોય એવું દ્રશ્ય તો સામાન્ય બની ગયું છે. પણ કોઈ કોઈ પ્રસંગે તો વધારામાં આંગણામાં આવી જાણે રાસ લેતા હોય એ રીતે કૂદતા કૂદતા “મરશિયા” [દૂઃખને વધુ ઘાટું બનાવનારા ગીત, અને એવાં ગીત ગવરાવનાર નિષ્ણાંત સ્ત્રી ને પાછી સાથે લાવેલ હોય ] ની રમઝટ બોલાવે બોલો ! જૂઓ તો ખરા, ખરખરે જનાર સ્ત્રી-પુરુષો ત્યાનું દૂ;ખ હળવું કરાવવા- કુટુંબીજનોને દિલાસો દેવા અને દૂઃખ કાપવામાં અમે તમારી સાથે છીએ તેવો  હુંફ-હોંકારો  આપવા જતાં હોઈએ છીએ કે આવા રોણું લાવનારા કરૂણ ગાણા ગાઈ ગાઈ દૂઃખને વધુ ઘાટું બનાવવા ?

વળી અમારા પાડોશી ભગાએ જે “ગળી કાણ્ય” ની વાત કરી એ બાબતે તમે જ વિચારો ! મૃત્યુની પાછળ મિજબાની ? એ કેટલે અંશે વ્યાજબી ગણાય ? હા, દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ હોય, તો એ આનંદનો પ્રસંગ ગણાય. આવા ટાણે સગા-સંબંધીઓ  આપણાં આમંત્રણને માન આપી  સૌ આવતા હોય, આવા ટાણે માપસરના મિષ્ટાનવાળું જમણવાર ગોઠવ્યું હોય તો ભલે હરખથી સૌ જમે, એ સમજાય તેવી વાત છે. પણ માનો કે સાવ વૃધ્ધ માવતરનું મૃત્યુ થયું હોય તો પણ કાળ એ કાળ છે. મૃત્યુ એ તો કુટુંબ માટે દૂ;ખદાયક ઘટના જ ગણાય ! દિલાસો-ખોંખારો આપવા સગાવહાલાકે મિત્રો-સંબંધીઓ આવે તો ભલે આવે. જો કે હવે પૂરાણા રીતિરિવાજોમાં થોડા બદલાવ આવ્યા છે એ મુજબ મોટાભાગે તો ખરખરે આવનારા બધા પોતપોતાના વાહનો લઈને આવવા લાગ્યા છે, જેથી બપોરા કરવા કોઈ રોકાતું હોતું નથી. અને માનો કે છતા રોટલાટાણું થઈ ગયું હોય તો ઘરનાની સાથે શાક-રોટલા-જેવું જે સાદું ભોજન જમતા હોઈએ તેવું જમાડી દેવાય તો એ વિવેકસભર જ વ્યવસ્થા કરી ગણાય.

આગળ વાત કરીએ તો અવસાન થયા પછી અગિયાર કે બાર દિવસે કે કોઈ કોઈ કુટુંબોમાં ૫-૭ કે ૯ દેવસે “પાણી ઢોળ” ની વિધિ રખાતી હોય છે. જેમાં મૃત્યુ પામનારાના મોક્ષાર્થે ઘેર ખાટલો કળપવાનો અને ગાયને ગળે સાતધાનિયું ટીંગાડી એને પૂંછડે કુટુંબના દરેક સભ્યે પાણી રેડવાનું ! પૂછીએ તો કહે, ખાટલો કળપવામાં ખાટલો અને એના પર મૂકેલ બધી વસ્તુઓ-ગાદલું, ગોદડું, ઓશીકું, ચાદર, છત્રી, ચંપલ, દાદા હોય તો લાકડી, અને દાદી હોય તો નાકે સૂંઘવાની બજરની દાબડી તથા ફળાફળાદિ જેવું બધું કળપવામાં મૂકાયું હોય તે બધું ત્યાં પહોંચે અને મૃતાત્માને વાપરવામાં અનુકૂળતા રહે.

આમતો આપણે બધા જાણતા હોઈએ છીએ કે દેહ પોતે કશું સાથે લઈને જન્મ લેતો નથી અને કશું સાથે લઈને જતો નથી. તો પછી આ “ખાટલો કળપવા” નું ભૂત લોકમાનસમાન ક્યાંથી ભરાઈ ગયું તે સમજાતું નથી. હા, એ બહાને બ્રાહ્મણ અને ગરીબ ગૂરબાને આ વસ્તુઓનું દાન થઈ રહયું છે-એટલી વાત સાચી. પણ આ બધી વસ્તુ મૃતાત્માને મળી રહેશે એવી ભ્રમણામાં રહેવું કેટલા અંશે વ્યાજબી ગણાય ?

અને ગાયને પૂંછડે પાણી શુંકામ રેડવું ? તો  કહે એવું કરવાથી કુટુંબના સભ્યોએ ગાયને પૂંછડે રેડેલ પાણી મૃતાત્માને પોગ્ય થાય છે અને વધારામાં વૈતરણી પાર કરવામાં પણ મદદરૂપ થાય છે. બોલો ! ગાયના પૂંછડે રેડેલ પાણી પોગ્ય થાય ? કે માતપિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એની જરૂરિયાત મુજબ એ માગે ત્યારે પાણી પાયું હોય તો પોગ્ય થાય ? બાકી વૈતરણી કોણે કોણે ભાળી છે બોલો ! મૃત્યુ પામેલ દેહને તો અગ્નિસંસ્કાર-ભૂમિસંસ્કાર કે જળસંસ્કાર જે જેને મનગમતી વાત હોય તે મુજબ આપી દેવાય છે. પણ એ દેહમાંથી આત્મા કયાઁ ગયો એ કોઈ જાણી શક્યું છે ખરું ? એ બધું સંતો-જ્ઞાનીઓ અને પ્રકૃતિ-કુદરત ઉપર છોડીએ. આપણે તો ગાયને પૂંછડે પાણી રેડવાને બદલે એને મોઢે ચોખ્ખું પાણી પાઈએ અને પેટ પૂરણ ખાણ-ચારો મળે એવું કરવાનું નીંમ  લઈએ  તો સાચું તર્પણ થયું ગણાય.

બીજાની પછી, પહેલા અમારા કુટુંબની જ વાત કરૂં તો અમારા બાપા ભીખાભાઇ હદયરોગના હુમલાથી બહુ નાની ઉંમરમાં [૪૫ વરસ] જ્યારે અમે ચોસલા ગામે રહેતા હતા ત્યારે ૧૯૬૭ની સાલે અવસાન પામ્યા.તે દિવસોમાં તો અંધશ્રધ્ધા સોળે કળાએ ખીલેલી હોવાછતાં ખરખરે આવનારને બજારેથી ગૂડો વાળી રોતા રોતા નહી આવવાની સૂચના આપી રાખેલ હતી. અને  કોઈ કોઈને વળી ચોસલા તો હતું અંતરિયાળ ગામડું, જ્યાં તે દિવસોમાં કોઈ બસ વ્યવહારા તો શું, ત્રણ પૈડાં વાળી રિક્ષા યે દુર્લભ હતી, એટલે ખરખરે આવવામાં મોડું થઈ જતું એવે વખતે તેઓને અગવડ ન પડે એટલામાટે અમારી સાથે રોટલા-શાકનું સાદું ભોજન કરાવીને જ વિદાય આપતા.

અને માલપરા રહેણાક કર્યા પછી અમારા બા ૮૫ વરસની ઉમરે [૨૨૦૦૯ ની સાલે ] પોતાની ત્રીજી પેઢીના બાળકોને રમાડીને અવસાન પામ્યા. તો અમે નથી ખાટલો કળપ્યો, નથી ગાયને પૂંછડે પાણી રેડ્યું, કે નથી બારમું –તેરમું કરી સૌને લાડવા જમાડયા. ખરખરે આવનારા સૌ સાથે રોટલાટાણું થયે સાથે બેસી સાદું ભોજન જમ્યા છીએ. હા, યથાશક્તિ બ્રાહ્મણ-ગરીબગૂરબાને દાન-દક્ષિણાનો સાદો વ્યવહાર ઘરની બહેનોએ કરેલો. અને અમારા માતા-પિતાએ પોતાની આગવી દ્રષ્ટિથી અમ સંતાનોને શિક્ષણ સાથે સુસંસ્કાર પણ મળે એ અર્થે પૂ.માટલીયાભાઇએ સ્થાપેલી વાત્સલ્યધામ લોકશાળામાં ભણાવ્યા હતા. એટલે આ શાળામાં માતા-પિતાની “ગુણ સ્મરણ સ્મૃતિ”  રૂપે ત્રણ અભ્યાસખંડ બનાવી દઈને તર્પણ કર્યું છે.

સુરતમાં મારા મુરબ્બી મિત્ર શ્રી રામજીભાઇ ઈંટાળિયા રહે છે. એમનું આખું કુટુંબ આવા ચોઘડિયા-શુકન-અપશુકન-મૂહુર્ત-કાણ્ય-કારજ-ભૂવા-ડાકલા જેવા હંબક રીતરિવાજોમાં બિલકુલ માનનારું નહી. એમના પિતાજી પૂરી ઉમરે અવસાન પામ્યા. એમના કુટુંબને હું બહુ નજીકથી ઓળખું છું. મેં  કાયમખાતે જોયા કર્યું છે કે આખું કુટુંબ એ બાપુજીની ખડે પગે સેવા કરી, બાપુજીને પૂરીરીતે પ્રસન્ન રાખતા હતા. એમના અવસાન પછી તેઓએ  નથી ખાટલો કળપ્યો, નથી ગાયને પૂંછડે પાણી રેડ્યું, અરે, એતો પૈસે ટકે પહોંચતું કુટુંબ હતું, છતાં નથી ગળી કાણ્ય ગોઠવી ! અને  તમે માનશો ? એમણે પિતાજીના અવસાન નીમિત્તે “બેસણું “ જ બંધ રાખેલું બોલો ! હા, સ્નેહી-સબંધીઓ-મિત્રોને જાણ કરી દીધી કે “અમારા પિતાશ્રીનું પૂરી ઉમરે અવસાન થયું છે, તેની જાણ કરીએ છીએ. કોઈએ કાણ્ય નીમિત્તે ધક્કો ખાવાની જરૂર નથી.” સમાજે આવા કુટુંબનો દાખલો લઇ  અને એ પ્રમાણે અમલ ન કરવો  જોઈએ?

હમણાં તાજેતરમાં તા- ૧૮ – ૭ – ૨૦૨૩ ના રોજ અમારા બંધુ સમાન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ બલર [સુરત] ના માતુશ્રીએ પૂરા ૧૦૦ વરસનું આયુષ પૂર્ણ કરી દેહ છોડયો. એ જડીબાના ચાર દીકરા-વહુવારુ અને બાળકોથી હર્યુંભર્યું પૂરીરીતે આર્થિક સંપન્ન કુટુંબ હોવા છતાં બેસણું-ગળીકાણ્ય-ખાટલો કળપવો કે ગાયને પૂંછડે પાણી રેડવાના રીતિરિવાજની તો વાત જ નહીં, અને “લૌકિક ક્રિયા” પણ બંધ રાખેલ છે” એવા સંદેશા સાથે ચારેય ભાઈઓ અને ચારેયભાઇઓના પત્નીઓના મોબાઈલ નંબરો જણાવી તા-૨૦-૭-૨૦૨૩ના ૮ થી ૧૨ વાગ્યા સુધીનો સમય લાગતાં-વળગતા સૌને ટેલિફોનિક ખરખરાનો સમય જણાવી દીધો. બોલો !

આગળ કહું તો અમારા ગામ માલપરામાં પૂ.માટલીયાભાઇ અને તેઓની સાથેના સહકાર્યકરોના ૨૫-૩૦ વર્ષના જીવંત તપ થકી “શિક્ષણ દ્વારા ગ્રામોત્થાન” ના ધ્યેય સાથે ગ્રામસમાજમાં સંસ્કાર-સમૃધ્ધિને લગતી કેટલીક ઉદાહરણીય પ્રણાલીઓ અમલી બની છે, એમાની  એક પ્રણાલી “મૃત્યુ પાછળના કારજ-દાડા બંધ” ની પણ છે. માલપરામા મોટી વસ્તી પટેલોની, અને પટેલ સમાજમાં એવો જ શિરસ્તો કાયમી દ્રઢ થઈ ગયો છે કે “મૃત્યુ” એ મૃત્યુ છે, તેની પાછળ મિજબાની ન હોય ! અને દરેકના મનમાં પાછી પૂરી સમજણ કે “કારજ” બંધ રાખવા પાછળનો અર્થ એવો પણ નથી કે એ નીમિત્તે કરવા પડતાં ખર્ચમાંથી છૂટકારો મળે !

મૃતાત્માની સ્મૃતિ અને સ્મરણ નીમિત્તે એ કુટુંબે પોતે ધારેલ ૫-૨૫ કે ૩૦-૪૦ હજાર ખર્ચની રકમ ગામના કોઈ સુવિધા કે સંસ્કાર કાર્ય, જેવા કે-પાણીનું પરબ , હવાડા ઉપર છાંયો, સ્નાનઘાટ, સ્મશાનઘર, બાલમંદિર, પ્રા.શાળા કે લોકશાળામાં યથાશક્તિ સૌ આપી સામાજિક ફરજ નિભાવ્યાનો પણ  સંતોષ  અનુભવે છે.

જો કે પહેલાની જેમ હવે કેટલાક સમજદાર કુટુંબોમા મૃત્યુ દિનથી શરૂ કરી ૧૧ કે ૧૨ દિવસો સુધી ખરખરો અને કાણ્ય ચાલુ રખાતા એની જગ્યાએ માત્ર એક કે વધીને બે દિવસ પૂરતું જ બેસણું અને હવે તો એથી પણ આગળ આવી માત્ર “ટેલિફોનિક ખરખરો” અને એ પણ એક દિવસ-નિર્ધારિત કરેલ કલાકો દરમ્યાન જ કરવાનો એવો શિરસ્તો શરૂ થઈ ગયો છે.

મિત્રો અને મુરબ્બીઓ ! સમાજમાં સૌની આર્થિક સ્થિતિ સમાન હોતી નથી. કેટલાક પૈસેટકે પહોંચતા કુટુંબો કારજ-દાડાના પ્રોગ્રામો ભવ્યરીતે કરી રહ્યા છે ત્યારે મધ્યમવર્ગનાં કુટુંબોને આટલો બધો ખર્ચ કરવાની હૈસિયત ન હોઇને તે કુટુંબ મનથી મુંઝારો-નાનપ અનુભવે છે. તથા સમાજમાં સૌની હરોળમાં રહેવા-કહોને કુટુંબની સામાજિક આબરૂ બચાવવા [જેમ “ઘણ વાંહે ઢાંઢી ઢસડાય” તેમ] તેને પણ માથાભારે ખર્ચ કરવાની ફરજ પડે છે. અને એ દાડા-કારજ પાછળ કરેલ લખલૂટ ખર્ચની કળ વળતાં એ કુટુંબને વરસો લાગી જાય છે. આવું ન થવું જોઈએ એવું જો લાગતું હોય તો જરા આર્થિક સધ્ધર કુટુંબોએ શ્રીરામજીભાઇ ઈંટાળિયા અને શ્રીમહેન્દ્રભાઇ બલરના કુટુંબની જેમ સાદાઈથી પ્રસંગ પૂર્ણ કરી દાખલો બેસાડવો જોઈએ. તો જ ધીરે ધીરે અન્ય કુટુંબો પણ આવા અંધ રીતિરિવાજોમાંથી મુક્તિ મેળવતા થાય.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com