પ્રકૃતિની પાંખો
હીત વોરા
શું તમે ગીધ જોયું છે?
જો હું તમને પૂછું, “શું તમે ગીધ જોયું છે?” અને તમે એકવીસમી સદીમાં જન્મ્યા છો, તો કદાચ તમારો જવાબ ના હશે – જેમ કે મારો હતો!
બાળપણમાં આફ્રિકન સવાના વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં મને ગીધ જોઈ ખૂબ જ કુતુહલ થતું. પહેલી નજરે ભલે તેઓ કદરૂપા દેખાતા હોય, પણ ડોક્યુમેન્ટરીઝ જોઈને મને ખ્યાલ આવ્યો કે તેમનો કદરૂપો દેખાવ કુદરતના કઠોર પરિબળો સામે સતત સંઘર્ષ કરતા જીવન દ્વારા ઘડવામાં આવ્યો હતો. તેઓ શુદ્ધ અસ્તિત્વવાદી છે – કુદરતની સૌથી અક્ષમ્ય કસોટીઓમાંથી પસાર થયેલા જીવો પરંતુ કોણે કલ્પના કરી હતી કે તે કુદરત નહીં, પણ માનવસર્જિત દુર્ઘટના હશે, જે તેમને તે જ આકાશમાંથી લગભગ ભૂંસી નાખશે જ્યાં તેઓ એક સમયે રાજ કરતા હતા!
જ્યારે મેં મારી માતાને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમના જવાબથી મને નવાઈ લાગી. ફક્ત તેમણે જ નહીં, પણ મારી આસપાસના વીસમી સદીમાં જન્મેલા બધા લોકોએ એક જ વાત કહી: ” ગીધ કે? હા ખૂબ જોયા! ફક્ત એક જ નહીં- અઢળક! સેંકડો જોયા, ઊંચા ઉડતા અને રણ અથવા ડમ્પયાર્ડ પર મૃત્યુ પામેલા માલ-ઢોરનું શવ-ભક્ષણ કરવા ભેગા થતા! આખા વડના વૃક્ષો અને ખડકો તેમની ચરકથી ધોળા થઈ જતાં, એટલી સંખ્યામાં ગીધ રહેતા!
આ સાંભળીને હું હંમેશા પૂછતો, “જો તેઓ આટલા સામાન્ય હતા, તો મેં કેમ એક પણ ગીધ નથી જોયું? અને હવે હું તેમને ક્યાં શોધી શકું?”
આ પ્રશ્ન હંમેશા એક વિચિત્ર મૌન દ્વારા અનુસરવામાં આવતો – એક મૌન જે જવાબોની અછત અને તેમની વિચારવાની ક્ષમતાના અંતને દર્શાવે છે. એવું લાગતું હતું કે તેઓએ પહેલાં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું. પછી તેઓ હસીને કહેતા, “ગીધ તો હવે નથી રહ્યા! ગાયબ થઈ ગયા” – બસ એમ જ? ક્યાં? કેવી રીતે? છેલ્લી વાર તેઓએ ક્યારે ગીધ જોયું હતું? આ પ્રશ્નો હંમેશા અનુત્તરિત રહ્યા.
દરેક જીવને જીવન ટકાવવા માટે પ્રકૃતિમાં પોતાની ભૂમિકા શોધવી પડે છે. કુદરતી દુનિયામાં કંઈપણ હેતુ વિના અસ્તિત્વમાં નથી – દરેક પ્રજાતિ એક મોટા ઇકોલોજીકલ કોયડામાં બંધબેસે છે. ગીધ આ ઉત્કરાંતિક વિશેષતાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. શિકાર કરતા અન્ય શિકારીઓથી વિપરીત, ગીધ મૃત પ્રાણીઓના અવશેષો પર આધાર રાખવા માટે વિકસિત થયા.આ કદાચ ગંદુ લાગે, પણ એવું નથી.હજારો વર્ષોથી, ગીધમાં ખાસ લક્ષણો વિકસ્યા છે જે તેમને આ કામ માટે યોગ્ય બનાવે છે. તેમની દ્રષ્ટિ ખૂબ જ તેજ છે જેથી તેઓ આકાશમાં ખૂબ ઊંચાઈથી શબને જોઈ શકે છે. તેમની મોટી પાંખો તેમને વધુ ઊર્જા ખર્ચ કર્યા વિના લાંબા અંતર સુધી ઉડવામાં મદદ કરે છે. તેમના માથા પર પીંછા હોતા નથી જેથી ખોરાક લેતી વખતે લોહી અને માંસ પીંછા સાથે ચોંટી ન જાય.તેમની પાસે એસિડિક પાચન તંત્ર છે જે સડતા માંસમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ કરે છે. આ બધી સુવિધાઓ ગીધને પ્રકૃતિની સફાઈ પ્રણાલીમાં સૌથી મહત્વપૂર્ણ પ્રાણીઓમાંનું એક બનાવે છે.
ગીધ રોગોના ફેલાવાને અટકાવે છે અને ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમની ગેરહાજરીમાં, શબ લાંબા સમય સુધી સડે છે જંગલી કૂતરાઓની વસ્તીમાં વધારો કરે છે અને હડકવા જેવા રોગોનો ફેલાવો તરફ દોરી જાય છે.
ભારત ગીધની નવ પ્રજાતિઓનું ઘર છે. આમાંથી ચાર પ્રજાતિઓ ગુજરાતની નિવાસી છે: શ્વેત પીઠ ગીધ (White-rumped vulture), ભારતીય ગીધ અથવા ગિરનારી ગીધ (Indian Vulture ), રાજગીધ (red headed vulture), ખેરો ગીધ (Egyptian Vulture) અને અન્ય ત્રણ – યુરેશિયન ગ્રિફોન, હિમાલયન ગીધ, ડાકુ ગીધ (Cinereous Vulture) – યાયાવર છે એટલે કે શિયાળામાં ગુજરાતની મુલાકાત લે છે. ડાકુ ગીધ ભારતનું સૌથી મોટું ગીધ છે જેની વિંગસ્પેન ૧૦ ફીટ જેટલું હોય છે
હાલમાં પણ, અમદાવાદ અને ગાંધીનગર નજીકના ડમ્પયાર્ડમાં શ્વેત પીઠ ગીધ રહે છે અને ઇજિપ્તીયન ગીધ, યુરેશિયન ગ્રિફોન અને હિમાલયન ગીધ જેવા સ્થળાંતર કરનારા ગીધ નિયમિત મુલાકાત લે છે. આ ડમ્પયાર્ડ સ્થાનિક ખોરાક ક્ષેત્ર તરીકે કાર્ય કરે છે, ખાસ કરીને શિયાળામાં, મિશ્ર ટોળાને આકર્ષે છે.
ગિરનાર પર્વત, તેના વિશાળકાય ખડકો સાથે, ભારતીય ગીધની (Indian Vulture) ખૂબ સારી વસ્તીનો માળા બનાવા માટે અને પોતાની પેઢી આગળ વધારવા માટે નો આધાર છે, ગિરનારની ટેકરીઓ પરના પોલાણમાં તેઓ માળો બનાવે છે, અને તેથી તેમને સ્થાનિક રીતે ગુજરાતીમાં ગિરનારી ગીધ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વારંવાર ગીર જંગલમાં સિંહ અથવા દીપડાના શિકારના બચેલા ખોરાક પર પોતાનું ભોજન લેતા જોવા મળે છે. તેમની સાથે, તુલનાત્મક રીતે દુર્લભ રાજગીધ કે જે ખડકો નહીં પણ મોટા વૃક્ષો પર માળો બાંધવાનું પસંદ કરે છે, તે પણ ગીર અને ગિરનારના જંગલોમાં જોવા મળે છે.
પહેલાં, કચ્છમાં શ્વેતપીઠ ગીધ અને ભારતીય ગીધ બંનેની મોટી વસ્તી હતી. હકીકતમાં, ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ગુજરાતમાં સૌથી વધુ શ્વેતપીઠ ગીધહતા. પોલાડિયા ગામ નજીકના ડુંગરાળ જંગલને સરકાર દ્વારા ગીધ સંરક્ષણ કેન્દ્ર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યું હતું.


(Source of both photos :- birdsofgujarat.co.in, photo credit:- Ashwin Pomal)
૧૯૯૦ ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ભારતમાં ગીધનો તીવ્ર ઘટાડો અચાનક અને ભારે હતો. ત્રણ ગીધની પ્રજાતિઓ (શ્વેતપીઠ, ભારતીય અને સ્લેન્ડર-બિલ્ડ ગીધ) માંથી ૯૫% થી વધુની વસ્તી એક દાયકામાં અદૃશ્ય થઈ ગઈ. વૈજ્ઞાનિકો મુજબ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ પશુચિકિત્સકો અને ખેડૂતો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પીડાનાશક (painkiller)દવા ડાયક્લોફેનેક હતી . જ્યારે ગીધ ડાયક્લોફેનેકની સારવાર પામેલા ઢોરના મૃતદેહ ખાતા, ત્યારે તેમની કિડની ફેલ થઈ જતી અને તેઓ ઝડપથી મૃત્યુ પામતા!
ભારત સરકારે ૨૦૦૬ માં ડાયક્લોફેનેકના પશુચિકિત્સામાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો, અને એક સુરક્ષિત વિકલ્પ – મેલોક્સિકેમ – ને પ્રોત્સાહન આપ્યું. અનેક જાગૃતિ અભિયાનો અને સંરક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. લુપ્ત થવાની ખૂબ નજીક આવી ગયેલી ગીધની પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરો સ્થાપવામાં આવ્યા. તેમની વસ્તીની પુનઃસ્થાપના માટે સલામત ક્ષેત્રો ઓળખવામાં આવ્યા, અને દેખરેખના પ્રયાસો વધારવામાં આવ્યા.
આજે, ગુજરાત અને સમગ્ર ભારતમાં ગીધ પર રેડિયો અને સેટેલાઇટ ટેલિમેટ્રી જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને તેમનું મોનીટરીંગ કરવામાં આવે છે!
આ બધા પ્રયાસો છતાં, કુદરતી વસ્તી હજી સુધી સંપૂર્ણપણે પાછી આવી નથી પરંતુ આશા છે. લોકો વધુ જાગૃત થઈ રહ્યા છે. સંરક્ષણવાદીઓ, વન વિભાગ અને સ્થાનિક સમુદાયો તેમને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય પૌરાણિક કથાઓમાં, ગીધનું પાત્ર ખરાબ કે ગંદુ નથી – તે બલિદાનનું પ્રતીક છે. સીતાને રાવણથી બચાવવા માટે જટાયુએ પોતાનો જીવ આપ્યો. વાસ્તવમાં, ગીધ હંમેશા એ જ કૃતજ્ઞ, બલિદાનની ભૂમિકા ભજવે છે – આપણે જે ગંદકી કરીએ છીએ તેને સાફ કરવી, અનેક જીવલેણ રોગ નો ફેલાવ અટકાવવો અને પ્રકૃતિનું સંતુલન જાળવવું.
આપણે તેમના માટે એક એવા આકાશના ઋણી છીએ જ્યાં તેઓ પાછા ફરી શકે.
જો હું તમને ફરીથી પૂછું – શું તમે ગીધ જોયું છે?
અને તમારો જવાબ હજુ પણ ના છે… કદાચ બહાર જઈને એક ગીધ શોધવાનો સમય આવી ગયો છે.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
