ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ પણ કાળે, કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિની ચોક્કસપણે વ્યાખ્યા કરવી મુશ્કેલ કામ છે, કેમ કે, સંસ્કૃતિ એક સામૂહિક, છતાં વ્યક્તિગત બાબત છે, અને વરસોના કે દાયકાઓના નહીં, સદીઓના વહેણ પછી તેની ભાત ઊપસે છે. તે ભૂગોળ તેમજ ઈતિહાસનાં અનેક પરિબળોને આધારે ઘડાય છે. પોતાની સાંસ્કૃતિક ઓળખને જાળવવી લોકોને ગમતી હોય છે, પણ તેમાં મિથ્યાભિમાન અને ગૌરવજ્ઞાન ભળે ત્યારે એ સંયોજન હાસ્યાસ્પદ રીતે ખતરનાક બની રહે છે. લોકોના આવા વલણને ઊજાગર કરતાં અનેક પાત્રો વિવિધ સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણે ત્યાં ભદ્રંભદ્ર કે સ્પેનમાં ડોન કિહોટેનાં પાત્રો કાલ્પનિક હોવા છતાં સાર્વત્રિક અને સર્વકાલીન બની રહ્યાં છે. પ્રવર્તમાન સમયમાં સંસ્કૃતિગૌરવ રાજકારણપ્રેરિત બન્યું છે. આને કારણે ગઈ કાલે રમૂજી અને વાસ્તવથી ઘણી છેટે લાગતી કલ્પનાઓ આજની વાસ્તવિકતા બની રહી છે. નાગરિકો પણ મિથ્યાસંસ્કૃતિગૌરવના સમૂહગાનમાં જોડાય ત્યારે આવી વાસ્તવિકતા અસહ્ય બની રહે છે.
સંસ્કૃતિગૌરવનું એક મહત્ત્વનું અંગ છે ભાષા. હકીકતમાં તે પ્રત્યાયન માટેનું માધ્યમ છે, પણ તેને ગૌરવ અને એથી આગળ ગર્વ સાથે સાંકળવામાં આવે ત્યારે બહુ વરવી અને વિષમ પરિસ્થિતિ સર્જાય છે. ઘણા સંસ્કૃતિપ્રેમીઓ પોતાને ભાષાપ્રેમી ગણાવે છે, અને વારેવારે શુદ્ધ ભાષાનો આગ્રહ રાખતા જોવા મળે છે. એ વાત અલગ છે કે આ આગ્રહ સામાન્ય રીતે અન્યો માટે હોય છે.
એ વાત વિચારવા જેવી છે કે હકીકતે ‘શુદ્ધ ભાષા’ જેવું કશું હોય છે ખરું? ભાષા સમય સાથે, પરિસ્થિતિ સાથે સતત બદલાતી રહે છે. સાંસ્કૃતિક આદાનપ્રદાન દરમિયાન તેનો વિસ્તાર પણ થતો રહે છે. એમાં પણ ‘બોલી’ની વાત સાવ અલગ છે. ‘બાર ગાઉએ બોલી બદલાય’ જેવો પ્રયોગ બોલીનું વૈવિધ્ય સૂચવે છે. ઘણી બોલીમાં વિપુલ શબ્દસમૃદ્ધિ અને અભિવ્યક્તિ હોય છે, તો ઘણી બોલીમાં મર્યાદિત શબ્દભંડોળ હોઈ શકે છે. આ એક સામાન્ય બાબત છે, અને એ સમજવું જરૂરી છે કે આમાં ગૌરવ કે શરમ જેવું કશું નથી.
એક સમયે અંગ્રેજોએ અડધી દુનિયા પર રાજ કર્યું. તેને કારણે તેમની ભાષા અંગ્રેજીનો પણ જબરો પ્રભાવ તેમના દ્વારા શાસિત વિસ્તારો પર પડ્યો. આ પ્રભાવ એટલો ઊંડો છે કે અનેક સ્થળે શાળામાં શીખવાતી માતૃભાષાનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું. આના માટે અંગ્રેજી નહીં, પણ આપણા લોકોનો અંગ્રેજી માટેનો અહોભાવ જવાબદાર છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ એ પાયાની બાબત માવતર અને શાળાસંચાલકો અવગણે છે. વિરોધાભાસ અને વક્રતા એ છે કે એક તરફ માતૃભાષાની સ્થિતિ કથળી રહી છે, અંગ્રેજી માટેનો અહોભાવ સતત વધતો રહ્યો છે, તો બીજી બાજુ માતૃભાષાનું મિથ્યાભિમાન પણ સતત વધતું રહ્યું છે.
સામે પક્ષે અંગ્રેજીની સ્થિતિ શી છે? એ હકીકત છે કે અંગ્રેજી બોલાતી ન હોય એવા દેશો પણ પોતપોતાની રીતે વિકસ્યા છે, જેમાં જાપાનનો દાખલો સૌથી વધુ દેવાય છે. આમ જોઈએ તો, સમગ્ર યુરોપ ખંડમાં સુદ્ધાં બધે અંગ્રેજીનું ચલણ નથી. આમ છતાં, એ સ્વીકૃત હકીકત છે કે અંગ્રેજી વિશ્વભાષા બની રહી છે. બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનું અંગ્રેજી સાવ અલગ છે. પણ અંગ્રેજી ભાષાનાં દ્વાર જગતની તમામ ભાષાઓના શબ્દો માટે ખુલ્લા છે. અંગ્રેજીનો પ્રમાણભૂત ગણાતો શબ્દકોશ ‘ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનેરી’ (ઓ.ઈ.ડી.) પ્રતિ વર્ષ અનેક નવા પરભાષી શબ્દોને સમાવે છે, એટલું જ નહીં, તેની યાદી પણ બહાર પાડે છે.
હમણાં ઓ.ઈ.ડી.એ એક પહેલ કરી. આ પહેલ છે ‘બિનઅનુવાદક્ષમ’ શબ્દોને સમાવવાની. ‘બિનઅનુવાદક્ષમ’ એટલે એવા શબ્દો કે જેના અનુવાદમાં મૂળ શબ્દનો ભાવ આવતો ન હોવાથી તેનો અનુવાદ શક્ય નથી. આથી તેને મૂળ રૂપે જ વાપરવામાં આવે. આ રીતે ‘ઉછીના’ લેવાયેલા શબ્દો ક્રમશ: અંગ્રેજી ભાષાનો જ હિસ્સો બની રહે. આ શબ્દો વિવિધ ભૂખંડનાં છે, જેમાં અગ્નિ એશિયા, દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ વગેરે પ્રદેશોના ૪૨ શબ્દોનો સમાવેશ થાય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
‘બિનઅનુવાદક્ષમ’ શબ્દો કેવા હોઈ શકે? ઉદાહરણથી સમજીએ. સૂર્યોદય પહેલાંના સમયગાળા માટે ગુજરાતીમાં પરોઢ, મળસકું, ઉષા, વહાણું, પ્રાત:કાળ, મોંસૂઝણું જેવા વિવિધ શબ્દો છે, જે મુખ્યત્વે આપણા વિસ્તારની ભૌગોલિક ઘટના પર આધારિત છે. અંગ્રેજીમાં ‘અર્લી મોર્નિંગ’ કે ‘ડોન’ જેવા શબ્દોમાં બધું સમાઈ જાય છે. આને ભાષાની મર્યાદા નહીં, પણ વિશેષતા ગણી શકાય.
પ્રાચીન સંસ્કૃતિઓના સમયગાળા દરમિયાન વ્યાપાર, યુદ્ધ, સ્થળાંતર વગેરે દ્વારા વિવિધ શબ્દોની આપલે થતી. જેમ કે, સંસ્કૃત પર્શીઅન સામ્રાજ્યથી લઈને અગ્નિ એશિયા તરફ વહી, લેટિન તેના વ્યાકરણ અને શબ્દો સહિત આધુનિક યુરોપીય ભાષામાં પ્રસરી. એ જ રીતે અરબી, ઉર્દૂ, અંગ્રેજી શાસકો, આક્રમણખોરોની સાથોસાથ તેમના શબ્દો પણ આપણી ભાષામાં પ્રવેશતા ગયા. આવા માહોલમાં ભાષા કે સંસ્કૃતિની ‘શુદ્ધતા’ની જડતા હાસ્યાસ્પદ બની રહે છે. હજી માંડ પોણો સો-સો વરસ પહેલાંની ગુજરાતીને આજની ગુજરાતી સાથે સરખાવતાં નવાઈ લાગે. ભાષા પોતે જ એટલી બદલાઈ હોય તો એમાં અન્યભાષી શબ્દો સામે વાંધો કે વિરોધ કરનારા હાસ્યાસ્પદ જ બની રહે. ભાષા અંગેનો આવો જડાગ્રહ ભાષાકીય વિનિમયના ઈતિહાસને અવગણીને એક પ્રકારનું બંધિયારપણું પેદા કરે છે. અન્યભાષી શબ્દોના સમાવેશ થકી અન્ય સંસ્કૃતિમાં ડોકિયું કરવાની એક બારી આપણી સમક્ષ ખૂલે છે.
સાર એટલો કે એ ભૂલભરેલી માન્યતાને ત્યાગવી રહી કે કોઈ પણ સંસ્કૃતિ યા ભાષા પરિવર્તનશીલ નથી. પરિવર્તનશીલતા સમગ્ર સૃષ્ટિનો નિરપવાદ નિયમ હોય ત્યાં આવો મિથ્યા ખ્યાલ આપણને બંધિયાર બનાવે છે. નિયમ આપણા બંધિયારપણાની પરવા કર્યા વિના અમલી બનતો રહે છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
