જ્યોતિન્દ્ર ભટ્ટ
(જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઈન આટર્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને વિશ્વવિખ્યાત ચિત્રકાર અને ફોટોગ્રાફર છે. તેમણે ઈટાલી અને ન્યૂયોર્કમાં પણ તાલીમ લીધી છે. ૨૦૧૯માં તેમને કળાક્ષેત્રે પદ્મશ્રી અને ૨૦૨૨માં લલિતકલા એકેડમી એવોર્ડ પણ મળ્યા છે.)
કળા ક્ષેત્રમાં આજનો મહત્ત્વનો પડકાર છે – સંકલ્પનાની અછત. આજકાલના વિદ્યાર્થીઓ કશુંક બનાવી દે છે, સર્જન કરી દે છે ખરા! પણ તે પાછળ શી વિભાવના કે સંકલ્પના છે તે વિશે સ્પષ્ટ ન હોય તેવું બને. જો AI આ પડકારને પહોંચી વળવામાં ઉપયોગી થાય તો કલાક્ષેત્રને મોટી મદદ થશે.
કેમેરાની શોધ ૧૮૩૯માં થઈ. તે વખતે પ્રથમ વાર ફોટોગ્રાફને જોઈને એક મહાન ફ્રેંચ ચિત્રકારે કહેલું, ‘From today, painting is dead!’ પણ ખરેખર એવું થયું નહીં. કેમેરાની શોધ પછી પણ ચિત્રકળાનો વિકાસ થયો છે. બલ્કે ચિત્રકારો માટે કેમેરો એક મહત્ત્વનું સાધન બન્યો છે. એટલે મારા મતે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી. બજારુ પરિબળો આવી ટેક્નોલોજીને આપમેળે સમતુલામાં લાવી દેશે. તેનાથી નવાં પરિમાણો ખૂલશે.
અલબત, એનાથી કેટલાક કલાકારોના રોજગાર પર અસર અચૂક થશે પણ રોજગારના પ્રકાર બદલાય તેવું બને. અમુક કામો માટે કલાકારોનો સમય બચશે. તેમની આગળ વધુ વિકલ્પો ખૂલે, વધુ સારા પ્રયોગો કરી શકે એવું બને. આમ, કલાનો અને કલાકારોનો વિકાસ થશે એમ મારું માનવું છે. પણ મહત્ત્વનું એ છે કે, માણસના વિકાસમાં સર્જનાત્મકતા મહત્ત્વનો ભાગ ભજવે છે અને તે મશીન આધારિત થાય તો માણસના હૃદય અને મગજને માઠી અસર થઈ શકે.
નવા ઊગતા કલાકારો નવી ટેક્નોલોજી નહીં વાપરે તો જુનવાણી થઈ જઈ શકે. આમે ય કોઈ ટેક્નોલોજી રોકી રોકાતી નથી. તે આવવાની જ હોય તો આપણે તેની સાથે કઈ રીતે સંબંધ બાંધવો તે શીખી લેવું જોઈએ. તેમાં વિવેકનો ઉપયોગ અનિવાર્ય ગણાય.
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર: ૧૨ ઓગસ્ટ ૨૦૨૩

