ધિક્કારનાં ગીતો

ફિલ્મ દેવ ડીનું ‘ઇમોસનલ અત્યાચાર’ ગીત કોણે ગાયેલું?

દીપક સોલિયા

માનવજાતનું ગાડું ગબડતું રહ્યું છે, કારણ કે સ્ત્રી-પુરુષ વચ્ચે સંસર્ગ જળવાઈ રહ્યો છે, બેય જૂથો એકમેકથી દૂર નથી જતાં રહ્યાં. બાકી, સ્ત્રી-પુરુષ વચ્ચે લિંગભેદ છે જ, પરંતુ રંગભેદ, જ્ઞાતિભેદ, ધર્મભેદ, રાષ્ટ્રભેદની જેમ લિંગભેદ ક્યારેય નર અને નારી સમુદાય વચ્ચેનાં રમખાણો કે યુદ્ધનું કારણ નથી બન્યો. એ બદલ ઇશ્વરનો આભાર. ટચ વૂડ.

બાકી, સ્ત્રી-પુરુષનું ખાતું પહેલેથી જ આવું રહ્યું છેઃ બેયને એકમેક વિના પણ ચાલે નહીં અને બન્નેને એકબીજા સાથે વાંધા પણ બહુ પડે. પછી અમુક પુરુષો તો ત્રાસીને ફેંસલો સુણાવી દેઃ સ્ત્રી એટલે નરકની ખાણ. સામે પક્ષે પુરુષોના ખરાબ અનુભવોથી દાઝેલી કોઈ સ્ત્રી પણ ચુકાદો આપેઃ પુરુષ એટલે ભમરાની જાત. ઠીક છે. પોતપોતાની સાચી-ખોટી માન્યતાનો સૌને હક છે, પરંતુ આવી બધી અંગત માન્યતાઓ સમગ્ર નરજાતિ-નારીજાતિ વચ્ચે આગ લગાડી શકતી નથી, હિંસા ફેલાવી નથી શકતી. ફરી ઇશ્વરનો આભાર. ફરી ટચ વૂડ.

તો, આપણે ફક્ત એટલું સ્વીકારીને આગળ વધીએ કે સ્ત્રી-પુરુષ વચ્ચે જેમ પ્યાર હોય એમ ધિક્કાર પણ હોય. અને એટલે જ હિન્દી ફિલ્મોમાં માત્ર પ્યારનાં ગીતો નથી, ધિક્કારનાં ગીતો પણ છે. જોકે પ્યારનાં ગીતોની સંખ્યા ઘણી વધારે છે. એની સરખામણીમાં ધિક્કારનાં ગીતો ઓછાં છે.

એનું કારણ કદાચ એ હશે કે સંસારમાં પણ પ્રેમ ઝાઝો અને ધિક્કાર ઓછો છે. સ્ત્રી-પુરુષના પ્રેમ-ધિક્કારને ત્રાજવે તોળીએ તો પ્રેમનું પલડું નમે. ધિક્કારનું વજન ઓછું પડે. એટલે જ બધું ટક્યું છે. પ્રેમ નિકટતા પ્રેરે. નિકટતા સંતાન રચે. ધિક્કાર હિંસા પ્રેરે. હિંસામાં માણસ ખતમ થાય. પ્રેમ મતલબ સર્જન અને ધિક્કાર મતલબ વિનાશ. સંસારમાં બન્ને છે. બન્ને હંમેશાં રહેવાનાં. અંધારું-અજવાળું, ઠંડી-ગરમી, ઉત્તર-દક્ષિણ, શુભ-અશુભ આવા બધા ધ્રૂવો છે એટલે જ તો એ ધ્રૂવોની વચ્ચે સંસાર છે. સંસાર મતલબ ધ્રૂવોની વચ્ચેનો વ્યાપ.

તો, ધિક્કાર છે. ધિક્કાર રહેવાનો. ધિક્કાર ભલે રહેતો. અને આ ધિક્કારને વ્યક્ત કરતાં ગીતો પણ ભલે રચાતાં.

ધિક્કાર-ગીતો ઉપયોગી પણ ખરાં. ઘવાયેલો પુરુષ કે સ્ત્રી પોતાનું દર્દ નજીકના લોકો સાથે શૅર કરવા ઉપરાંત ‘પેઈન કિલર’ની ટીકડી રૂપે એવાં ગીતો પસંદ કરતાં હોય છે, જેમાં પુરુષ સ્ત્રીની કે સ્ત્રી પુરુષની આકરી ટીકા કરતાં હોય, બદદુઆ દેતાં હોય

કોઈ ભગ્નહૃદયી પુરુષ કે સ્ત્રી આવાં ગીતો સાંભળે-જુએ ત્યારે જાણે તેમને પોતાની લાગણીને વાચા મળી રહી હોય તેવું લાગવાથી તેઓ એ ગીતને ભરપૂર માણી શકે છે, એ સાંભળીને બે ઘડી ખુશ થઈ શકે છે, તેમને એ કડવાં ગીતો ‘મધૂર’ લાગી શકે છે.

માટે પ્રેમી કે પ્રેમિકાની બેવફાઈ વિશેનાં, સામેનાં પાત્રની ખરાબી વિશેનાં, સામેનાં પાત્રનું બૂરું ઇચ્છતાં આવાં કેટલાંક ધિક્કાર-ગીતો સુપરહિટ પણ સાબિત થયાં છે. આ ગીતો બેઝિકલી નેગેટિવ (મૂળભૂત રીતે નકારાત્મક) હોવા છતાં એક સેફ્ટી વાલ્વ તરીકે, હૃદયમાં એકઠી થયેલી કડવાશની વાસ્તવિકતાના સ્વીકાર અને અભિવ્યક્તિ તરીકે આવા ‘તોછડાં’ ગીતોની એક મર્યાદિત જ ભલે, પણ ઉપયોગિતા તો ખરી જ.

આવાં કેટલાંક નોંધપાત્ર ગીતો વિશે વાત કરીએ.

શરૂઆત કરીએ અનુરાગ કશ્યપની ફિલ્મ દેવડીના એક ગીતથી. એ ગીત છેઃ ઇમોસનલ અત્યાચાર. ઇમોશનલ નહીં, ઇમોસનલ. સ સગડીનો સ. ઉત્તર ભારતના હિન્દીભાષી લોકો ‘ઇમોસનલ’ જ બોલે.

૨૦૦૯માં ફિલ્મ દેવ ડી રિલીઝ થઈ ત્યારે આ ગીત આખા દેશ પર જાણે છવાઈ ગયેલું અને સૌને એ જાણવામાં રસ પડેલો કે આ ગાયકો છે કોણ? એનો જવાબ એ હતો કે હિમાચલ પ્રદેશના કોઈ ગામમાં પોતાનું નાનું બેન્ડ ધરાવતા અજાણ્યા બેન્ડબાજાવાળા આ બે ગાયકો છે અને એમનાં નામ છેઃ રંગીલા અને રસિલા.

સાંદર્ભિક તસ્વીરઃ નેટ પરથી

ફિલ્મ-પત્રકારોએ આ રંગીલા-રસિલાનો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશો કરી. કેટલાક ફિલ્મ સંગીતકારોએ પોતાનાં ગીતો ગવડાવવા માટે પણ રંગીલા-રસિલાને શોધ્યા.

પણ પછી એ કોઈને મળ્યા જ નહીં. દેવ ડીના સંગીતકાર અમિત ત્રિવેદીને જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું કે આ રંગીલા-રસિલા છે ક્યાં, ત્યારે તે કહેતાં કે પછી એ બેય સાથે કોન્ટેક્ટ નથી રહ્યો, એ લોકો જડતા નથી.

ફિલ્મ રિલીઝ થયાનાં નવ વર્ષ બાદ ગીતકાર અમિત ત્રિવેદીએ એક મુલાકાતમાં આ ગીતના ગાયકો વિશે ચોંકાવનારી વાત કહી, જેનો સાર આ પ્રમાણે છે.

સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યે મળીને આ ગીત તૈયાર કર્યું. એમણે નક્કી એવું કરેલું કે કોઈ પ્રોફેશનલ કવ્વાલીગાયકો પાસે આ ગીત ગવડાવીશું. પણ એ પહેલાં ગીતકાર-સંગીતકારે એટલે કે અમિતાભ ભટ્ટાચાર્યે અને અમિત ત્રિવેદીએ જાતેપોતે ગાઈને આ ગીતનું એક રફ વર્ઝન તૈયાર કર્યું અને ગીત-સંગીત મૂળભૂત રીતે બરાબર છે એવું ગ્રીન સિગ્નલ મેળવવા માટે દિગ્દર્શક અનુરાગને એ કાચું ગીત સંભળાવવામાં આવ્યું. અમિત ત્રિવેદીએ અનુરાગને કહ્યું, ફાઈનલ વર્ઝનમાં આ ગીત કવ્વાલીગાયકો ગાશે. અનુરાગ ભડક્યા. એ કહે કે ગાયકો બદલવાની શી જરૂર છે? આ જે વર્ઝન તમે મને સંભળાવ્યું તેમાં જે ગાયકો છે એ જ બરાબર છે. અમિત ત્રિવેદીએ ફોડ પાડ્યો કે આ ગાયકો તો અમે જ છીએ, ખુદ ગીતકાર અને સંગીતકાર. અનુરાગે જીદ કરી કે મારે આ જ પ્રકારની બરછટ ગાયકી જોઈએ છે. માટે હવે ગાયકો બદલવાનો સવાલ જ પેદા નથી થતો.

એમાં લોચો એ પડ્યો કે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યની એવી એક ઇચ્છા-મહેચ્છા હતી ખરી કે આગળ જતાં તે ગીતો લખવા ઉપરાંત ગાયક પણ બનશે, પરંતુ આ ગીત તેમણે પોતાનો અવાજ સહેજ બગાડીને, જરા કાર્ટૂનિશ લાગે એવા સ્વરમાં ગાયેલું. તો ભટ્ટાચાર્યબાબુને એવો ડર લાગ્યો કે જો આ ગીત તેમણે ગાયેલા પ્રથમ ગીત તરીકે લોન્ચ થશે તો હો ગયા કામ તમામ… પછી કોઈ એમને ગાયક તરીકે તક નહીં આપે અને ગાયક તરીકેની સંભવિત કારકિર્દી રોળાઈ જશે. એટલે છેવટે અસલી ગાયકો (ગીતકાર-સંગીતકાર)નાં નામ છુપાવીને ગાયકો તરીકે બેન્ડ માસ્ટર્સ રંગીલા-રસિલાનાં નામો તરતાં મુકાયાં. પછી લોકોએ એ ગાયકોને બહુ શોધ્યા. પણ એ જડ્યા નહીં. ક્યાંથી જડે? હોય તો જડે ને!

ખેર, તો એ સુપરહિટ ગીતમાં ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીતકાર અમિત ત્રિવેદી પોતપોતાના અવાજોને તોડીમરોડીને બેન્ડ-બાજાના ગાયકો તરીકે ‘ગાંગરે’ છેઃ

તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
તેરા ઇમોસનલ અત્યાચાર…


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com