પ્રીતિ શાહ-સેનગુપ્તા
શિલૉન્ગથી ગોવાહત્તી જતી બસ ભરાઈ ગઈ. ત્રણેક પુરુષોને ઊભાં રહેવું પડ્યું. બધાના હાથમાં, ખીસામાં અને મોઢાંમાં ચૂનો લગાડેલાં અને કાચી સોપારી ભરેલાં પાન હોય જ. રોજનાં એંસી ખાનારા તો ઘણા મળે. બધાના દાંત લાલ. કહોવાતા પણ હશે. બધા ઉધરસ ખાતા રહે, જ્યાં હોય ત્યાં થૂંક્યા કરે. આ ટેવ નહીં, નશો છે આ રાજ્યોના લોકો માટે. વળી, બધી બસોમાં ધૂમ્રપાનની મનાઇનાં વાક્ય લખેલાં હોય છે, પણ કોઈ એના પર ધ્યાન નથી આપતું. કંડક્ટર પોતે જ બીડી પીતો હોય એમ બને. આ વાસ અને વાહનોના ધુમાડાથી ભરાઈ જતી હવામાં શ્વાસ લેવાનું પણ અઘરું બનતું હતું. હું તો શરૂઆતથી જ થાકી ગયેલી, ને હજી તો આસામની તળેટી સુધી પહોંચતાં ચારેક કલાક થવાના હતા.
વચ્ચે બરાપાનીનું સુંદર સ્થાન મનને તાજગી આપી જાય છે. ઘેરા લીલા પહાડોથી વીંટળાયેલું ભૂરું ભૂરું સરોવર. શંકુદ્રુમોનો પાર નહીં. આવી જગ્યાએ રહેવું ગમ્યું હોત. મેઘાલયમાં જતી વખતે આ દૃશ્ય જોવા નહોતું મળ્યું. વિમાનમથક અહીંથી નજીક છે, એટલે રહેવાની સગવડ પણ હશે જ. એક વાર, લીલા ઢોળાવોનો એકરંગ ભાંગતો અસંખ્ય સૂરજમુખીનો ચળકતો બેશરમ પીળો પથરાટ મનને હરખાવી ગયો.
હજી નીચે ઊતરતાં, રસ્તા પર ધસી અને ફસકાઈ પડેલી જમીનમાં દટાઈ ગયેલી વનસ્પતિનાં થોડાં થોડાં પાંદડાં બિચારાં બહાર રહ્યાં હતાં. વળાંકો તો બહુ જ નરમ થયેલા હશે, કારણકે કેટલીક ટ્રકો ખાઇમાં સરકી ગયેલી કે ઊથલી પડેલી. બાંધેલો માલ પહેલાં ખસેડવો પડે ને પછી જ ટ્રકોને સીધી કરી શકાય. ડ્રાયવરો શું કામ ચલાવતા હશે વાહનોને આટલી ઝડપે? આ પર્વતીય રાજ્યોમાં જાહેર બસની દરેક મુસાફરી જોખમી છે. ક્યારે અકસ્માતમાં સપડાઇ જઇએ તે કહેવાય નહીં. હું રોજેરોજ જીવને મુઠ્ઠીમાં લઇને નીકળી પડું છું.
ં ં ં ં
ગોવાહત્તીમાં પ્રવેશતાં વાહનો અને હૉર્ન મારવાનું વધી જાય છે. હું આશરે જ રિક્ષા લઈને ટૂરિસ્ટ લૉજમાં ગઈ. રૂમ મળી ગયો, ને એ હતો ય સારો. ચોખ્ખો. પથારી પર મચ્છરદાની હતી, ને તે ય ચોખ્ખી. ખાવાનું નહોતું મળતું ત્યાં, પણ લાયબ્રેરી, મ્યુઝિયમ, સ્ટેશન વગેરે ત્યાંથી નજીક લાગ્યાં. મ્યુઝિયમમાં તો તરત જ ગઈ. ખૂબ જ સરસ મધ્યયુગીય પાષાણ-શિલ્પ પ્રદર્શિત થયેલાં હતાં. વિષ્ણુ, સૂર્ય, યમુના, શિવ વગેરેનાં શિલ્પ શાંતિથી જોયાં. ઉત્તર-પૂર્વ નાટ્યોત્સવ અને પુસ્તકમેળો પણ શરૂ થવાનાં હતાં. મને એક-બે નાટક જોવા મળશે એમ ધારું છું.
રાત કમાલની ગઈ. જાત-જાતના અવાજો. લોકોના, ટેલિવિઝન, વાહનોનાં હૉર્ન, ટ્રેનોની વ્હિસલ, બાજુનાં રૂમમાંથી નસકોરાં – એટલી પાતળી હશે દીવાલો?, અને હતા કૂતરા, જંગલમાં હોય તેમ ભસ્યા આખી રાત. સવાર વહેલી પડી. ફરીથી સ્ટાફનો ઘોંઘાટ શરૂ થઈ ગયો. મચ્છર ના નડ્યા તો અનવરત અવાજ નડ્યા.
સવારે રસ્તા પર ભીડ કે ઘોંઘાટ નહોતા. પહોળા ચોખ્ખા રસ્તા પર મોટાં, જૂનાં, ઘેઘૂર વૃક્શોનો મોભો, ફૂટપાથો તૂટેલી નહીં, હવામાં જરા ભીનાશ. કૉટન કૉલેજ, હાઇ કૉર્ટ, ન્યાયાધીશોના નિવાસો, સર્કીટ હાઉસ, હોટેલ અશોક વગેરે પાસે થઈ ચાલતાં ચાલતાં હું અચાનક નદી પાસે આવી ગઈ. આ તો મહાનદ બ્રહ્મપુત્ર, પણ એ હતી ક્યાં? ધુમ્મસમાં એ અવગુંઠિત હતી. હું ઊભી હતી તે કિનારે મને પાણી દેખાતું હતું, પણ પછી ભૂખરા રંગનો વ્યાપ પેલે પાર અને ક્શિતિજ સુધી પહોંચતો હતો. પોતાના જળ-સામર્થ્યથી જન-જીવન પર આધિપત્ય રાખતી ગૂઢ ને રહસ્ય-સમ ઉપસ્થિતિ.
જરા આગળ ચાલી તો એક નાની માર્કેટમાં પહોંચી ગઈ. તાજાં શાક અને નારંગીના ઢગલા લઈને પુરૂષો વેચવા બેઠા હતા. સરસ હતી માર્કેટ. નહીં ભીડ, ઘોંઘાટ, ભીનું કે ગંદું. પછી તો મઝા જ પડેને. ભીમની ગદા જેવી મોટી, જાડી ભારે ભારે દૂધી, સાવ પાતળાં ને લાંબાં રીંગણ, ઝીણાં આંબળાં, ઑલિવ જેવડાં ખાટાં જલપાઇ, સ્ટારફ્રૂટ, થોડી શેરડી, ને બીજાં કેટલાંક શાક જે ઓળખાયાં નહીં. મારકેટને છેડે નૌકા માટેનો મંચ હતો. બે મોટી સ્ટીમરો બાંધેલી ઊભી હતી, પણ જાહેર નૌકા મોડી હતી. સવારના નવ વાગેલા હજી તો. એકદમ ધીરે ધીરે ધુમ્મસ વિખેરાતું લાગતું હતું. વચમાંના પથ્થરિયા ટાપુ અને સામેનો કિનારો સાચુકલા બનતા જતા હતા. આખું દૃશ્ય રાખોડી હતું, પણ નજર એના પરથી ખસતી નહોતી.
કિનારે આવેલાં દૂરનાં ગામો સુધી જતી-આવતી આ નૌકાના ટાઇમનું કાંઇ નક્કી નહીં. મોડી આવે, ને ના યે આવે. ગ્રામજનોનું શું થતું હશે? મારો જીવ બળી ઊઠ્યો. કાંપથી છવાયેલી પોચી ભેખડો પર ચાલીને આગળ જવાનો વિચાર આવ્યો, પણ એવું કોઈ કરતું લાગ્યું નહીં. મુખ્ય એવા મહાત્મા ગાંધી રોડ પર થઈને જવું જ સારું હતું. એક મેદાનમાં સ્કૂલના છોકરાંની રમત-ગમત ચાલતી હતી. બીજા મોટા મેદાનમાં એક તરફ ક્રિકેટ રમાતી હતી ને બીજી તરફના ઘાસમાં નદીમાં ધોવાયેલાં ગાંસડીબંધ કપડાં, ચાદરો વગેરે સૂકવવા મૂકાતાં હતાં. માધવદેવ ઉદ્યાન, ભગવાન મહાવીર ઉદ્યાન વગેરેમાં જાજરમાન ઝાડ નીચે ગામડાંનાં કુટુંબો બેઠાં-સૂતાં હોય, ખાવાનું વેચાતું હોય, કોઈ હજામત કરાવતું હોય. છાંયડામાં બહુ સારું લાગે આપણને પણ. જોકે રસ્તા પર અસહ્ય ટ્રાફિક, હૉર્ન, ભીડ કે ધક્કામુક્કી નથી.
થોડે આગળ જતાં એક ઘાટ પર લાકડા ને વાંસની બનાવેલી લાંબી નૌકાઓ હતી. હવે તો એ બધીમાં પાણી, ડીઝલ ને તેલથી ચાલતી મોટરો લગાવેલી હોય છે. મેં એક ભાડે કરી. પાણી ડહોળું લાગે, ને નદી શાંત. મને એમ કે પાષાણી એક ટાપુ પરનું ઉમાનંદ મંદિર આજે જોઈ જ આવું. કાંપવાળા કિનારેથી પગથિયાં ચઢીને ટેકરી પર ગઈ. ચંપાનાં ઝાડ, છાંયડો, ઠંડક. આહા, ટલા બધા પાણીની વચમાં કેવી સરસ, ને ખાલી જગ્યા હતી. મંદિર ૧૯મી સદીનું ગણાય છે, પણ નીચે રહેલું શિવલિંગ કદાચ સ્વયંભૂ હોય, એમ કહે છે. શિવ અને ગણેશનું મંદિર, ને અંદરના ટાઇલો પર રાધે-શ્યામ લખેલું હતું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
હોડીવાળા ત્રણે છોકરા કશું પીવામાં પડ્યા હતા. આસામમાં આ વખતે દારુબંધી હતી, પણ આમ આટલે દૂર કોણ જોવા-પકડવા આવવાનું હતું. મને કહે, નિરાંતે ફરો. ટેકરી પર બાવાઓની વાંસની ઝૂંપડીઓ હતી. દરેકને તાળાં. એક ખુલ્લી હતી એમાં મચ્છરદાની દેખાઈ. જોયું તો બે-ત્રણ બાવા અને ચારેક પૂજારીઓ ઝાડની નીચે પત્તાં રમવા બેઠા હતા. પૂજા કરવા આવનારાં અહીં ઓછા, તેથી આ લોકો બિચારા નવરા વધારે રહે.
ગોવાહત્તીમાં મેં બીજાં ત્રણ મંદિર જોયાં. ત્રણેય જુદાં, આગવાં. ફરી એક વાર હોડી લઈને પેલે પાર ગઈ. પાણીની વધ-ઘટ પ્રમાણે ખસેડી શકાય તે માટે ઘાટનાં પ્લૅટફૉર્મ તરતાં જેવાં હતાં. હાલતાં રહે. પહોળા પટ પછી રાજદુવાર ગામ શરૂ થાય. મોટરનું નામ નથી અહીં. લોકો ચાલે. નદીની પાઉડર જેવી સુંવાળી રેતમાં છોકરા ફૂટબૉલ રમે. છોકરીઓ તાંબાનો ઘડો કેડે લઈ પાણી ભરવા નદી પર આવે. નાનેરાં તો પહેરેલે કપડે જ પાણીમાં પડે. ન્હાય, તરે, ને ભીનાં જ ઘર તરફ ભાગે. આ નદી મા છે. એ પ્રમાળ છે ને કૃદ્ધ પણ છે.
ગલીઓમાં થઈને હું દલ ગોવિંદ મંદિર પર ગઈ. મોટું કમ્પાઉન્ડ, સાવ શાંત. વાંસળીવાળા કૃષ્ણની નાની મૂર્તિ હતી. દર્શન થઈ ગયાં. બાજુના વરંડામાં બેસીને મોટી ઉંમરની સ્ત્રીઓ ભજન ગાતી હતી. કેટલીક વિધવા લાગી. કેટલીક ધીમે ધીમે હજી આવતી હતી. રાજદુવાર ગામનાં કુટુંબોની માતામહ બપોરે અહીં ભેગી થાય છે. દૂરથી પણ મને સોપારી છોલાતી, પાન કપાતાં દેખાયાં. સમાગમની આવી જિંદગી હવે ક્યાં બહુ રહી છે?
ચાર વાગતાંમાં તો સૂરજ જોર ગુમાવી બેઠેલો. પહાડ પછી પહાડના આકારો ભૂખરા થઈ ગયા હતા. કશું સ્વપ્નિલ હતું આ દૃશ્યમાં. ભૂખરો રંગ પણ આટલો આકર્ષક હોઈ શકે? રેશમનો રંગ હવામાં. રેશમનું પોત નદીનું. જળ અને સ્થળ પરસ્પરમાં મગ્ન. સૂર્ય-બિંબ પક્વ રક્તિમ હતું. એના સ્પર્શે જળ સોનેરી-ગુલાબી થયું હતું. વાતાવરણ ગ્રામ્ય-રમ્ય હતું. ત્વરા વગરનું, કર્કશ રવ વગરનું. અપાર મૃદુત્વ, અપાર માધુર્ય. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત જોવાની ઝંખના હતી, તે સંપૂર્ણ થઈ.
ં ં ં ં
કામાખ્યાનું મંદિર તો ખૂબ જાણીતું. નીલાચલ પર્વત પર એ આવેલું છે. બસમાં ભારે ભીડ હોય. ચઢતાં ને ઉતરતાં પણ મુશ્કેલી. પંડાઓ ઊભા જ હોય, જોકે પાછળ ના પડે. મંદિરને રસ્તે બે બાજુ દુકાનો. એમાં પૂજાપો, પતાસાં, માતાને ધરાવવા માટેનાં બંગડી-ચુંદડી, ગલગોટાના હાર વગેરે, તથા ખાવા-પીવાનું મળે. આસપાસ કબૂતર, બકરા-બકરીઓ ને વાછરડાં પણ દેખાય. અંદર જવા માટે લાઇન. બે કલાક તો થઈ જ જાય. પચાસ રૂપિયા આપો તો સીધાં અંદર લઈ જાય.

કામાખ્યાનું મંદિર
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
મંદિર તેરમી સદીથી પણ પહેલાંનું ગણાય છે. ધર્મ-કથા પ્રમાણે પાર્વતીના દેહના એકાવન ટુકડા થયેલા, ને જુદી જુદી જગ્યાઓએ પડેલા. જેમકે, વૈષ્ણોદેવીમાં વાળ, જ્વાલાપુરમાં જીભ, ક્યાંક આંગળી, ક્યાંક આંખ, એમ અહીં યોનિ છે. અંદર ઘણાં શિલ્પ છે. સરસ પણ કંકુથી લાલ થયેલાં. લાલ કપડું પાથરીને બેઠેલા પૂજારીઓની સામે માતાની મૂર્તિઓ અને શિવલિંગો ફૂલોના હારથી દટાયેલાં હોય. કાંઈ જ દેખાય નહીં. બાજુના ફોટામાં જોવાનું. નાનાં ભીનાં પગથિયાં ઊતરીને છેક નીચે જાઓ ત્યાં પાણી સ્વયં પ્રગટ થાય છે, પણ એવું અંધારું કે કશું ના દેખાય, ને લપસવાની ભીતિ. સાવ નાની જગ્યા. ત્યાં ઘુંટણિયે પડીને સ્પર્શ કરવાનો, આચમન કરવાનું. પૂજારી બેઠા હોય. એ ચાંદલો કરે, હાર પહેરાવે, ને ભેટ માગે. મેં મૂકી નહીં, તો ચિડાયો. આ અંધારા કુંડમાં બીજી તરફ લક્શ્મી અને સરસ્વતી છે. આંખો એમનાં સુધી પહોંચે નહીં. ભીડ, ધમાલ ને ધંધાદારી વલણોની વચમાં ચિત્ત એકાગ્ર થાય પણ નહીં. પણ દર્શન, સ્પર્શ, આચમન કર્યાનો સંતોષ.
બહાર નીકળીને બે કલાક મેં આગળ-પાછળ ફર્યા કર્યું. નાનાં સ્થાનક, શિલા પર કોતરેલાં શિલ્પ, અને ગાર-માટી-છાણથી લીંપેલાં ઘણાં ઘર. ગામનું ગામ જ જાણે. પછી કોઈએ મને કહ્યું કે કામાખ્યામાં દસ હજારની વસ્તી છે. હાજર હતી તે બસમાં તો ભીડ થઈ ગઈ. ઘણા પુરુષો બહાર લટક્યા. એક વૃદ્ધા સાથે વાત કરતી બીજી બસની રાહ જોતી હું બેઠી. વીસેક મિનિટ એમ ગઈ. મેં કહ્યું, મા, તમારી ટિકિટ હું લઈશ. તો એ કહે, ના, ના, પૈસા છે. બસ આવતાં એ પહેલાં ચઢી ગયાં. હું તો ધક્કામાં જ અંદર થઈ ગઈ. માએ મારી જગ્યા રાખી હતી. ઊતરતાં એમણે મારા હાથ પર હાથ ફેરવ્યો. જીવ બળ્યો એમને છોડતાં.
એક સવારે ગોવાહત્તીના પલટન બજાર તરફ હું ગઈ. મારે આસામમાં પ્રથાગત એવું નામઘર જોવું હતું. પૂછ્યા પછી, હોટેલ જનતાની ગલીમાં એ દેખાઈ આવે તેવું છે. ખૂબ મોટી જમીન સાથેનું આ નામઘર ૧૯૫૪માં બંધાયું હતું. એક મોટો હૉલ, એની ત્રણ તરફ વરંડો. કીર્તન અને પૂજા ચાલતાં હતાં. પાંચ-છ પાટો મૂકીને બનાવાયેલા સિંહાસન ઉપર હરિ તથા રામ શબ્દ લખેલા. કોઈ મૂર્તિ અહીં હોતી નથી. વૈષ્ણવધર્મના પ્રણેતા શંકરદેવ દ્વારા નામઘરનો અભિગમ સ્થાપિત થયેલો. દેવનાં નામ ને સ્મરણ જ. પ્રતિમા નહીં. આપણી બાજુ વલ્લભાચાર્યે સ્થાપેલી બેઠકોની જેમ.

નામઘર
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
ભજન ને પઠન સાંભળી હું નીકળવા ગઈ, તો એક પૂજારીએ મને રોકી. કહે, શરમાવાનું નહીં. આ મંદિર છે. અહીં બધાં પ્રસાદ ખાઈને જ જાય. બાફેલા મગ, ચણા, ચોખા પર આદુ, કોપરું, મીઠું નાખેલું. સાથે ફળના કટકા. કેળના પાનના ટુકડા પર મૂકીને આપ્યું. અંદર જઈને મીઠાઇ ધરાવાયેલી તે પણ લઈ આવ્યા. સરસ જલેબી અને છાનાની બરફી હતી. આ અનુભવથી, અને આ શહેરથી હું સંપૂર્ણપણે સંતૃપ્ત થઈ હતી.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
