અંકિતા સોની

ફેક્ટરીની બહાર બાંકડા પર બેઠેલો રઘુ ઊંડા વિચારમાં ડૂબેલો હતો. હમણાં હમણાંથી અહીં બેસવું એનો રોજનો નિયમ બની ગયેલો. સાંજના બરાબર છ ના ટકોરે ચોકલેટની ફેકટરી બંધ થતી.બધા કામદારો પોતપોતાના ઘર તરફ પગ માંડે પણ કોણ જાણે રઘુને ઘરે જવું ગમતું જ નહોતું. છેક મોડી રાતે એ ઘરે જવા ઉઠતો ને સવારે નવના ટકોરે પાછો ફેક્ટરીમાં કામે હાજર થઈ જતો.

શહેરમાં આવ્યે હજુ તો માંડ ચાર મહિના જ થયા હતા. એમ તો ગામડામાં ખેતી અને ઘરનું ઘર હતું પણ બહેનના લગન પછી માની માંદગીમાં દેવું ખૂબ વધી ગયું ને ઘર અને ખેતર બંને ગીરવે મુકવાની નોબત આવી. પત્ની રૂખીએ ખરે વખતે પોતાના દાગીના વેચીને ખોરડું બચાવીને ખાનદાની બતાવી. પોતાનો ખાસ મિત્ર હરજી પણ પડખે ઉભો રહ્યો. અહીં શહેરમાં ચોકલેટની ફેકટરીમાં ચોકલેટના રેપર વાળવાનું કામ મિત્ર હરજીની ઓળખાણથી મળેલું.

રૂખીને માની ચાકરી કરવા ગામડે રાખીને શહેરમાં એ એકલો જ રહેતો. શરૂ શરૂમાં રઘુ અઠવાડિયે કામમાં રજા પાડીને માને જોવા ઘેર જતો ત્યારે રૂખી માટે ખોબો ભરીને ચોકલેટ લઈ જતો. મીઠું શરમાતી રૂખી સાડલાના છેડે ચોકલેટ મૂકીને ગાંઠ વાળી દેતી.

એવામાં મિત્ર હરજીની માનું અવસાન થઈ ગયું. હરજીની પત્ની તો દીકરા જીવાને જન્મ આપતાં જ સ્વર્ગે સિધાવી ગયેલી. હરજીની મા બંને બાપ દીકરાનો એકમાત્ર સહારો હતી. એના ગયા પછી જીવાને કોણ રાખશે એ પ્રશ્ન હરજીને કોરી ખાતો.

રઘુ હરજીની માના બારમા તેરમા પર ગામડે ગયો ને ત્યાં રૂખી અને હરજી વચ્ચે કંઈક રંધાતુ હોવાનો અણસાર આવતા એને ઝાટકો લાગ્યો. આઘાતમાં સરી ગયેલો રઘુ કામનું બહાનું કાઢીને શહેરમાં પાછો આવી ગયો.

થોડા દિવસ પછી મા બીમાર હોવાનો રૂખીનો સંદેશો મળતાં એ રજા લઈને ગામડે આવ્યો અને ફરી પાછા શહેર જવાનું કરતો હતો ત્યાં રૂખી જીવલાને તેડીને આવી.

“એ હોભડો સો..? તમોને એક વાત કરવી સે..હમણાં ક્યોય જતા નહીં..”રૂખી રઘુને રોકતા બોલી.

“ચ્યમ..હું સેં..જે કે’વું હોય ઈ જલ્દી બોલ..” રઘુ જરા ગુસ્સાથી બોલ્યો.

“આ તો હરજી ભૈ ખરાને..” રૂખી શરૂઆત કરતાં ધીમેથી બોલી.

“હા.. તે..હું સે એનું..” રઘુ કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો.

“ઇ તો હું એમ ક્યઉ સુ કે ઓમ ન ઓમ ચ્યો લગણ ચાલહે..અમ ઇમની બા તો ગ્યા.. જીવલાન કુણ રાખહે..”

રૂખી ચિંતાતુર થઈને બોલી.

“ઇ બધું ઈને જોવાનું..તારે હું સે..” રઘુ જરા નફટાઈમાં બોલ્યો.

“પણ હું ઈમ કવ સુ ..તમે લખમી ને ઓળખો સોં..?”

“ના..એ કુણ..ઈનું હું સે અતાણમાં..”

“મારી કાકાની છોડી સેં.. ઇ અભાગણીના વરને મર્યે વરહ થયું..એનું આપણે હરજી ભૈ હારે ગોઠવીએ તો..જીવલાને ય મા મલસે..તમ જરા વાત કરી જુઓ ન..મેં કીધું પણ..”

રૂખીની વાત સાંભળીને રઘુની શંકાના વાદળ પળમાં વિખેરાઈ ગયા. આંગણામાં રમતા જીવલાને ચોકલેટ આપી ખભે બેસાડીને નવા સગપણનો સેતુ બાંધવા એણે હરજીના ઘર તરફ ઉમંગથી દોટ ભણી.


અંકિતા સોની (ધોળકા) | ankitacsoni@gmail.com