પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.
અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.
‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના પ્રથમ ભાગમાં આપણે કથા પ્રારંભ, રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?, રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ, તેમજ રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં વિવિધ પાસાંઓની વાત કરી.
આજે હવે બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિનાં આ બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણત્રી, વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, તેમજ કુરુ વંશવૃક્ષ વગેરે બાબતોની વાત કરીશું.
બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણત્રી
અત્યારે જે પુરાણો પ્રાપ્ત થાય છે તેમાં કૃત, ત્રેતા, દ્વાપર અને કળીયુગની કાળગણત્રી ૧૨,૦૦૦ વર્ષ, અથવા તો ૪૩.૨૦ લાખ વર્ષ દર્શાવાય છે. સુતો અને માગધોએ પુરાણ ગ્રંથોનું જે છેલ્લું નવસંસ્કરણ કર્યું ત્યારે કાળગણત્રીને સમજ્યા વિના તેમાં સમાવિષ્ટ કરી. આ બધી કાળગણત્રીઓ અસ્વીકાર્ય છે. મધ્યકાળના મહાન કચ્છી સંત મામૈદેવની કાળગણત્રીને આપણે માન્ય રાખી છે.
આ કાળગણત્રી નીચે મુજબ છે –
| યુગનું નામ | કાળગણત્રી | ઘટના | |
| ૧ | કૃત (સત્ય) યુગ | ૩,૭૦૦ વર્ષ | બલિરાજાનો વામન અવતારે પરાજય કર્યો. |
| ૨ | ત્રેતા યુગ | ૫૦,૦૦૦ વર્ષ | રામે રાવણનો વધ કર્યો. |
| ૩ | દ્વાપર યુગ | ૮,૪૦૦ વર્ષ | મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણે વૈકુંઠગમન કર્યું. |
| ૪ | કળી યુગ | ૫,૦૦૦ વર્ષ | ઇ. સ. ૧૯૭૮ – ૭૯, એટલે કે શક સંવત ૧૯૦૦ – ૧૯૦૧માં આ યુગ સમાપ્ત થયો. |
મામૈદેવના આગમ પ્રમાણે હાલમાં કળીયુગની ૧૦૦ વર્ષની સંધિ ચાલે છે. ઇ. સ. ૨૦૬૭માં શ્રી કલ્કિ ભગવાન કળી દાનવ સાથે ૧૧ વર્ષ યુદ્ધ કરીને કળીયુગનો સંપૂર્ણ અંત કરશે. ઇ. સ. ૨૦૮૨ સુધીમા તેઓ સુવર્ણયુગની સ્થાપના કરશે. ભારત હિંદુ રાષ્ટ્ર બનશે.
વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ
રામાયણ કાળમાં વૈદિક યજ્ઞોનું અને ઋષિઓનું મહત્વ જળવાઈ રહેલું જણાય છે. દશરથના કુળગુરુ ઋષિ વશિષ્ઠ છે. પોતે કરી રહેલા યજ્ઞોમં રાક્ષસો હાનિ પહોંચાડે છે તેનું રામની મદદથી નિવારણ કરવા વિશ્વામિત્ર ઋષિ આવીને રામને વનમાં પઈ જવા વિનંતિ કરે છે. અન્ય ઋષિઓમાં ઋષ્યશૃંગ, અગત્સ્ય, ભારદ્વાજ અને માતંગ ઋષિઓનાં નામ પણ મળે છે. રામાયણમાં ભગવાન શિવની હાજરી સ્પષ્ટ વર્તાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ પશ્ચાદ્ ભૂમિકામાં છે. રામયણમાં માતાજીની પુજાનો પણ ઉલ્લેખ છે. પરંતુ, રામ – લક્ષ્મણને મારવા માટે મેઘનાદ તંત્રવિધિનો દુરુપયોગ કરીને તત્પર બને છે, જેમાં તે સફળ થતો નથી.
મહાભારતમાં વૈદિક યજ્ઞો ઓછા થતા જાય છે. ઋષિઓમાં દુર્વાસા, ગર્ગ, ભારદ્વાજ, ધૌમ્ય અને અન્ય કેટલાક ઋષિઓનાં નામ દર્શાવાયેલાં જોવા મળે છે. મહાભારતમાં ભગવાન શિવ અને વિષ્ણુ એ બન્નેની પુજા દર્શાવાઈ છે. તેથી આ કૃતિમાં બન્ને દેવોનાં ૧૦૦૮ પવિત્ર નામોનો ઉલ્લેખ પણ મળે છે. અહીં માતાજીની પુજા પણ થતી જોવા મળે છે. મેઘનાદની માફક અશ્વત્થામા તંત્રવિદ્યાનો દુરુપયોગ કરે છે, પરંતુ અહીં તે પાંચ પાડવોના પુત્રોનો રાત્રિકાળમાં વધ કરવામાં સફળ રહે છે.
લાખો હિંદુઓ માટે વિષ્ણુના સાતમા અને આઠમા અવતાર પુરુષો, અનુક્રમે શ્રીરામ અને શ્રીકૃષ્ણ, ધર્મના સંરક્ષક અને પુજનીય છે. તે પછીથી, બ્રિટિશકાળમાં કનિંગહામે ભગવાન બુદ્ધના અનેક અવશેષો શોધ્યા ત્યારે વ્યવસ્થિત દુષ્પ્રચાર શરૂ થયો. અંગ્રેજોએ એવું ઠસાવ્યું કે પ્રાચીન ભારતાં ભગવાન બુદ્ધ સિવાય કોઈ વ્યક્તિનું ઐતિહાસિક દૃષ્ટિએ અસ્તિત્વ નથી. શ્રીરામ કે શ્રીકૃષ્ણ જેવી કોઈ વ્યક્તિ પ્રાચીન ભારતમાં હકીકતે અસ્તિત્વમાં હતી જ નહીં. મહામાનવ બુદ્ધની છબીને તોડી પાડવા બ્રાહ્મણોએ દંતકથાઓ સ્વરૂપે આ બધી કાલ્પનિક કથાઓ ઘડી કાઢી છે. આપણા દુર્ભાગ્યે ભારતના કેટલાક અધકચરા લેખકોએ અંગ્રેજોનાં આ વિધાનને સમર્થન આપ્યું. પરિણામે. આપણી શાળાઓ – મહાશાળાઓમાં આ બન્ને મહાકાવ્યોને દંતકથારૂપ દૃષ્ટાંત તરીકે શીખવાય છે. ઘણા યુટ્યુબર્સો પણ આ કચરા જ્ઞાનનાં પ્રસારણો કરે છે. જાગૃત ભારતીયે આવા અપપ્રચારથી સાવધ રહેવું જોઈશે.
મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના
શ્રીરામ અને શ્રીકૃષ્ણ બન્ને અવતાર પુરુષો છે. ધર્મ માટે બન્ને જીવનભર સંઘર્ષ કરતા રહ્યા છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં બન્નેનાં વ્યક્તિત્વોને સાવ અલગ અલગ રીતે રજૂ કરાયાં છે.
શ્રીરામનો ધર્મ માતા – પિતાની આજ્ઞા માનવી, પોતાનાં કુળનાં મૂલ્યો જાળવવાં, એકપત્નીત્વનું પાલન કરવું અને સ્ત્રીઓનું હંમેશાં સન્માન કરવું, ગમે તે પરિસ્થિતિમાં અધર્મનો આશ્રય ન લેવો તથા શાસ્ત્રોમાં અનન્ય શ્ર્દ્ધા રાખવાનો હતો. રાક્ષસ – રાક્ષસીઓ કે રાવણ અને તના પરિવારજનોના વધા કર્યા પછી તેમનો સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવો એ તેમની ધર્મનિષ્ઠાની વ્યાખ્યાનું ઉદાહરણ છે. તેમનો ભાતૃપ્રેમ એવો હતો કે લક્ષ્મણ તેમનો પડછાયો બનીને આજીવન તેમની સાથે રહ્યા. ભરતે પણ અયોધ્યાની ગાદીનો અસ્વીકાર કરીને રામની પાદુકાઓને સિંહાસન બેસાડીને રામ વતી રાજ્ય ચલાવ્યું, પણ પોતે તો નંદીગ્રામમાં સાધુતુલ્ય જીવન વ્યતિત કર્યું. રામે હનુનામજીને પણ પોતાના ભાઇ ભરત સમાન ગણીને ત્મનું સન્માન કર્યું હતું. પોતાના જીવનનો અંત તેમણે સરયુ નદીના જળપ્રવાહમાં સમાઈ જઈને પરમ તત્ત્વોમાં વહી જઈને કર્યો. શ્રીરામ કરૂણાસાગર અને મર્યાદાપુરુષ તરીકે અનન્ય ગુણોથી સંપન્ન હતા. આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ મનથી પ્રયાસ કરે તો શ્રીરામને અનુસરી શકે છે.
શ્રીકૃષ્ણ પણ પૃથ્વી પર ધર્મની પુનઃસ્થાપના માટે ધારણ કરાયેલો અવતાર છે. પરંતુ તેમની ધર્મની વ્યાખ્યા દેશ, કાળ અને વિરોધીઓના નાશ માટેની પરિસ્થિતિના સંદર્ભમાં ઘડાતી રહી છે. મહાભારત અને તેનું ખીલશાસ્ત્ર હરિવંશપુરાણના અનેક પ્રસંગોમાં તેનાં ઉદાહરણો જોઈ શકાય છે.
શ્રીકૃષ્ણ કહેતા કે તેમના માટે જે વ્યવહારૂ છે તે સત્ય છે – what is practical is truth. .
ઓશો રજનીશ શ્રીરામનાં વ્યક્તિત્વને એકઆયામી અને શ્રીકૃષ્ણનાં વ્યક્તિત્વને બહુઆયામી (multi-dimensional) કહે છે. એકઆયામી હોવાથી રામને અનુસરી શકાય પણ સોળ કળાથી પૂર્ણ એવા બહુઆયામી હોવાને કારણે શ્રીકૃષ્ણને અનુસરવા અશક્ય છે. શ્રી રજનીશ આગળ જણાવે છે કે શ્રીકૃષ્ણ વાંસળીના સુર પર અનેક ગોપીઓને રાસલીલા માટે ઘેલી કરી શકે છે; આઠ પટરાણીઓ ઉપરાંત અનેક અન્ય ૧૬,૧૦૮ જેટલી કન્યાઓ સાથે લગ્ન કરી શકે છે. તેમનો અને રાધાનો પ્રેમ અવર્ણનાતીત છે. તેમના મોં પર સદા હાસ્ય રમતું જોવા મળે છે. રજનીશ કહે છે કે બુદ્ધ, મહાવીર, ઈસુ ખ્રિસ્ત અને મહમ્મદ પયંગંબરને આવી રસિક પ્રવૃતિઓ કરતા કે નર્તન કરતા નહીં જોઈ શકો.
તેથી જ એ લોકોક્તિમાં સત્ય છે કે શ્રીરામ કરે એ કૃત્ય કરવું પરંતુ શ્રીકૃષ્ણ કરે તે નહીં પણ કહે તે કૃત્ય કરવું. શ્રીકૃષ્ણના ઉપદેશોમાં રહેલાં જ્ઞાનને પોતાના જીવન વ્યવહારના આચરણમાં મુકવું.
કુરુ વંશવૃક્ષ
શ્રી દેવરોયે પોતાના મહાકાવ્યના અનુવાદના દસ ગ્રંથો પૈકી પહેલા ભાગના ૯,૧૦ અને ૧૧ મા પાને ભરત / પુરુ વંશનું વંશવૃક્ષ આપ્યું છે.
અહીં સરળતા માટે અન્ય સ્રોતમાં રજૂ કરાયેલ વંશવૃક્ષ દર્શાવ્યું છે.

આ વંશવૃક્ષ જોતાં જણાય છે કે શાન્તનુને બે પત્ની હતી. તેમની પહેલી પત્ની ગંગાથી તેમને દેવવ્રત નામે પુત્રની પ્રાપ્તિ થાય છે, જે પછીથી ભીષ્મ તરીકે ઓળખાય છે. શાન્તનુની બીજી પત્નીનું નામ સત્યવતી હતું. લગ્ન પહેલાં સત્યવતીને થયેલો પુત્ર ૨૮મા ક્રમે આવેલ વેદવ્યાસ છે. લગ્ન પછી, સત્યવતીને વિચિત્રવીર્ય નામનો નપુંસક પુત્ર થાય છે. ભીષ્મ તેના લગ્ન અંબા અને અંબાલિકા સાથે યોજે છે. સત્યવતી જાણે છે કે તેના પુત્ર વિચિત્રવીર્યથી કુટુમ્બને કોઈ વારસ નહીં થાય. તેથી પોતાના લગ્ન પહેલાના પુત્ર વેદવ્યાસ દ્વારા અંબા – અંબાલિકા અને એક દાસી સાથે નિયોગ પદ્ધતિથી ત્રણ પુત્રો મેળવે છે. એ પુત્રો, અનુક્રમે, અંધ ધૃતરાશ્ટ્ર, કમળાગ્રસ્ત પાંડુ અને રાજ્યશ્રીથી વંચિત દાસીપુત્ર વિદુર છે.
ધૃતરાષ્ટ્રનાં લગ્ન ગાંધાર દેશની કુંવરી ગાંધારી સાથે થાય છે.ગાંધારી ગર્ભવતી બને છે ત્યારે તેના ગર્ભના ૧૦૦ ટુકડા થાય છે જેને ૧૦૦ કુંભમાં ઉછેરવામાં આવે છે. આમ ૧૦૦ કૌરવોનો જન્મ થાય છે. ધૃતરાષ્ટ્રને એક દાસી પુત્ર, યુયુત્સુ, પણ છે, જે મહાભારત યુદ્ધમાં પાંડવપક્ષે લડે છે અને બચી જાય છે. મહાભારતમાં આ પુત્રોના જન્મની અનૈતિકતા પર ઢાંકપિછોડો કરાતો જણાય છે. કૌરવો અને યુયુત્સુના જન્મ પછી ધૃતરાષ્ટ્ર – ગાંધારીને એક પુત્રી, દુઃશલા, પણ થાય છે જેનું લગ્ન સિંધુ પ્રદેશના રાજા જયદ્રથ સાથે થાય છે.
પાંડુને કુંતી અને માદ્રી નામે બે પત્નીઓ છે. પાંડુ પણ કોઈ વારસ આપી શકે તેમ નથી. એક સમયે દુવાસા ઋષિનું આગમન થાય છે. તેઓ કુંતીને પુત્ર પ્રાપ્તિઓનો મંત્ર આપે છે. વિવેચકો માને છે કે અહીં પણ નિયોગ પદ્ધતિ વડે જ સંતાન પ્રાપ્તિ કરવામાં આવી છે. કુંતીએ ખાનગીમાં આ મંત્રનો પ્રયોગ કર્યો જેથી તેને સૂર્યની મદદથી કુંવારી અવસ્થામાં જ કર્ણ પ્રાપ્ત થાય છે. તે પછીથી પાંડુની અનુમતિથી કુંતીને અનુક્રમે ધર્મદેવ, વાયુદેવ અને ઇન્દ્રદેવ વડે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન સંતાનરૂપે મળે છે. કુંતી માદ્રીને પણ એ મંત્ર શીખવે છે. તેથી માદ્રીને અશ્વીનીકુમારોની મદદથી નકુળ અને સહદેવની પ્રાપ્તિ થાય છે.
આમ કૌરવો અને પાંડવોના જન પાછળ અનૈતિતિક સંબંધોની કથા જોડાયેલી છે.
કુંતીને થયેલી કહેવાતી ગેરસમજને કારણે દ્રૌપદીએ પાંચે પાંડવોનો સ્વીકાર કર્યો હતો.
મહાભારતની કથામાં પાંડવો રાજ્યના હકદાર હોવા છતાં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન તેમને રાજયથી વંચિત રાખે છે. દ્યુતમાં હરાવીને પાંડવોને ૧૨ વર્ષનો વનવાસ અને ૧ વર્ષનો અજ્ઞાતવાસ વેઠવે છે. દ્રૌપદી સાથે કરેલ દુર્વ્યવહાર માટે દ્રૌપદી કૌરવોને કદી પણ ક્ષમા નથી કરી શકતાં. મહાભારતાનાં ૧૮ દિવસના યુદ્ધમાં શ્રીકૃષ્ણ પાંદવોના માર્ગદર્શક તરીકે પાંડવ પક્ષે રહે છે. આ યુદ્ધ એટલું વિનાશક રહે છે કે લાખો લોકોનો સંહાર થાય છે અને અનેક રાજ્યો વિનાશ પામે છે. બાણ શય્યા પર ઈચ્છા મૃત્યુની રાહ જોતા ભીષ્મની સલાહથી યુદ્ધ પછીથી યુધિષ્ઠિર ૩૬ વર્ષ રાજ કરે છે. અંતે પાંડવો, કુંતી અને દ્રૌપદી હિમાલયમાં પોતાનો દેહત્યાગ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ યાદવ વંશના વિનાશને સાક્ષીભાવે નિહાળ્યા બાદ એક પારધીને હાથે પોતાનો વધ કરાવે છે.
એમ કહી શકાય કે અવતારપુરુષ હોવાને કારણે શ્રીકૃષ્ણએ આ બધાનો વિનાશ યોજ્યો છે. આમ કળીયુગનો પ્રારંભ થાય છે.
‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના હવે પછીના ત્રીજા ભાગમાં ‘રામાયણ-મહાભારત કાળનૉ સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓની વાત કરીશું અને અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની નોંધ લઈશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
