ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ શ્રુંખલામાં એવા અનેક ગઝલકારો સમાવિષ્ટ થયા છે જેમણે ફિલ્મોમાં જે પ્રદાન કર્યું એ એમની ઉર્દુ સાહિત્યની વાસ્તવિક ઊંચાઈની સરખામણીએ કોઈ વિસાતમાં નહોતું. ( આગા જાની કાશ્મીરી, અખ્તર ઉલ ઈમાન, અખ્તર શીરાની વગેરે ). આ શ્રેણીના આ સોમાં હપ્તામાં આજે આવા એક શાયર સાગર નિઝામીની વાત કરીએ. ( જેમની ફિલ્મી રચનાઓ એમના સમગ્ર સાહિત્યની સરખામણીએ હિમશિલાની ટોચ સમાન છે એવા સર્વોચ્ચ અને મહાન મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની ફિલ્મી ગઝલોથી આ શ્રૂંખલાનું સમાપન કરીશું, પણ એ માટે હજુ થોડાંક હપ્તાની પ્રતીક્ષા ! )
સાગર નિઝામીનું અસલ નામ હતું સમદ યાર ખાન. એમની ગઝલો અને નઝ્મોના છ દીવાન પ્રસિદ્ધ થયેલા. એમના સમગ્ર સર્જનના લેખાંજોખાં ધરાવતું પુસ્તક ‘ સાગર નિઝામી – ફન ઔર શખ્સિયત ‘ વિવેચક ઝમીર અલી ખાન દ્વારા ૧૯૮૫ માં પ્રકાશિત થયેલું. ઉર્દુ સાહિત્યમાં એમના રુતબાનો અંદાજ એ હકીકતથી મળી રહે કે એમની સાહિત્ય સેવાઓ માટે ૧૯૬૯ માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયેલો.
ગૈર ફિલ્મી ગઝલોના શોખીનોએ માસ્ટર મદનની ગાયેલી બે સુવિખ્યાત ગઝલ ‘ યૂં ન રહ રહ કર હમેં તરસાઈયે ‘ અને ‘ હૈરત સે તક રહા હૈ જહાને વફા મુજે ‘ જરૂર સાંભળી હશે. એના રચયિતા હતા સાગર નિઝામી સાહેબ.
તેઓ ૧૯૮૩ માં અવસાન પામ્યા.
બાનો, મેંહદી, ખેલ, લાજ, સૂરત જેવી ગણીગાંઠી ફિલ્મોમાં એમણે ત્રીસેક ગીત લખ્યા. એમાં ગઝલ માત્ર આ એક જ –
વો હમસે જો રૂઠે હૈં નારાઝ ઝમાના હૈ
દેખો ઉનકો મનાના ક્યા દુનિયા કો મનાના હૈ
દેખો વો કિધર જાએં ઉલ્ફત કે દોરાહે મેં
એક સમ્ત મુહબ્બત હૈ એક સમ્ત ઝમાના હૈ
તૂફાં કા ભરોસા ક્યા કશ્તી કી શિકાયત ક્યા
મૌજોં સે કિનારે તક તુજે ડૂબ કે જાના હૈ
દુનિયા તો મેરી તુમ હો, કિસ્મત તો મેરી તુમ હો
કિસ્મત સે ગિલા તુમ હો, કિસ્મત તો બહાના હૈ..
– ફિલ્મ : લાજ ૧૯૪૬
– એસ ડી બાતિશ
– રામચંદ્ર પાલ
( ગઝલના શબ્દોમાં ચૂક સંભવ છે કારણ કે વિડીયો સંસ્કરણમાં અવાજ સાવ અસ્પષ્ટ છે જે સાંભળીને આ ગઝલ લખી છે. )
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
