પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક નાનકડું વન હતું. એમાં ઘણા બધા વૃક્ષો હતાં. કોઈ નાના તો કોઈ મોટા. નાના વૃક્ષો ઉપર પોપટ, કાબર, હોલા, કાગડા જેવા નાના પક્ષીઓ રહે અને મોટા વૃક્ષો ઉપર સમડી અને ઘુવડ જેવા મોટા પક્ષીઓ રહે. જાતજાતની બધી ચકલીઓ વળી ત્યાંથી થોડેક દૂર એક સાવ નાના ઝાડ ઉપર પોતાના માળા બનાવીને રહેતી હતી. ચકલીઓ સતત વાતો બહુ કર્યા કરતી. એટલે બધાએ એમને જુદી રહેવા મોકલી દીધી હતી. બધાં પક્ષીઓ પોતપોતાની રીતે દિવસે કે રાત્રે ખોરાકની શોધમાં નીકળે. નાના પક્ષીઓ સવારમાં ગીતો ગાય અને આનંદ કરે. કોઈ કોઈને હેરાન કરે નહીં. એવું લાગે જાણે કે એ પક્ષીઓનું જ વન હતું.

એ વનમાં એક દિવસ એક નવું, નાનકડું પંખી આવ્યું. એ ઊડતું ઊડતું આવ્યું અને એક નાના વૃક્ષ ઉપર બેઠું. એનો ઉપરનો ભાગ ભૂખરો અને પેટનો ભાગ ઘેરા નારંગી રંગનો હતો. એ ખૂબ થાકેલું હોય એવું લાગતું હતું. બધા પંખીઓ એની સામે જોઈ રહ્યાં. થોડી વાર પછી બધા પંખીઓનો પ્રશ્ન લઈને પોપટ એની પાસે ગયો અને પૂછ્યું, ‘એ નાનાં પંખી, તું કોણ છે? ક્યાંથી આવ્યું છે? અમે તારા જેવું પંખી પહેલા જોયું નથી.’
પેલું પંખી થોડું ગભરાઈ ગયેલું હતું. પણ પોપટ એની સાથે સરસ રીતે બોલ્યો એટલે એનો ગભરાટ થોડો ઓછો થયો. એણે કહ્યું, “મારું નામ રોબીન છે. હું અમેરિકાથી આવ્યું છું.’
“અમેરિકાથી? ઓહોહો. એ તો બહુ દૂર છે. તું ત્યાંથી આટલે દૂર કેવી રીતે આવ્યું? થોડે દૂર બેસીને રોબીનની વાત સાંભળતો કાગડો બોલ્યો.
“અરે એક વાર હું મારા ઘર નજીકના એરપોર્ટ નજીકના ઘાસમાં જીવડાં ખાવા ગયું હતું. ત્યાં મેં એક એરોપ્લેન જોયું. એને નજીકથી જોવા માટે હું એની ઉપર બેઠું અને એ તો ઊડ્યું. હું કંઈ વિચારું એ પહેલાં તો એ બહુ ઉપર પહોંચી ગયું હતું. હું તો આંખ બંધ કરીને બેસી જ રહ્યું. ઉપર ઠંડી બહુ હતી પણ મને ઠંડીની ટેવ છે એટલે વાંધો ન આવ્યો. એરોપ્લેન અહીંથી થોડે દૂર ઊભું રહ્યું. મેં ત્યાંથી અહીં આટલા બધાં ઝાડ જોયા એટલે હું અહીં આવ્યું. રોબીને લાંબો જવાબ આપ્યો.
રોબીન દૂરદૂરથી આવ્યું છે એ જાણીને બધા પંખીઓ એને વીંટળાઈ વળ્યાં. કાબરો એને માટે થોડા જીવડાં લઇ આવી. રોબીન બહુ ભૂખ્યું હતું. એણે કાબરોનો આભાર માનીને જીવડાં ખાઈ લીધા.
થોડી વાર પછી કબૂતરે એને પૂછ્યું, ‘હવે તું તારે ઘેર પાછું કેવી રીતે જઈશ?”
હું એને કાલે સવારે એરપોર્ટ ઉપર મૂકી આવીશ.’ કાગડો બોલ્યો. એણે આજુબાજુના બધા વિસ્તાર જોયેલા હતા.
રોબીનનો અવાજ બહુ મીઠો હતો. એણે આ બધાં પંખીઓ સાથે એના દેશની ઘણી વાતો કરી. સાંજ પડવા આવી એટલે એણે પૂછ્યું, “હવે આજે રાત્રે હું સૂઇશ ક્યાં? તમે બધા તો મારાથી અલગ છો. અહીં મારા જેવા રંગનું કોઈ પક્ષી હોય તો હું એની સાથે સૂઈ જઈશ.’
આ સાંભળીને બધાં પંખી વિચારમાં પડ્યા. (હમમ. એની વાત તો સાચી છે. એને એના જેવા પંખી સાથે જ ફાવે.”
કાગડો કહે “ચલ હું તને તારા જેવા રંગના અહીંના પંખી બતાવું. તારે જેની સાથે રહેવું હોય એની સાથે રહેજે.”
રોબીન ખુશ થયું. કાગડો તો રોબીનને સાથે લઈને ઊડ્યો અને ગયો પેલા વૃક્ષ તરફ જ્યાં મોટા પક્ષીઓ રહેતાં હતાં. એણે એ ઝાડની ડાળોની વચ્ચે એક ઘુવડને સૂતેલું જોયું. એણે રોબીનને એ બતાવતા કહ્યું, “જો, આ પક્ષીનો રંગ તારા રંગથી મળતો આવે છે. એનું નામ ઘુવડ છે. એ દિવસે સૂઈ જાય અને રાત્રે ફરવા નીકળે. રાત્રે એની જગ્યા ખાલી હશે. તારે ત્યાં સૂઈ જવું છે?
રોબીને ઘુવડને જોયું અને બોલ્યું, “ના,ના. રાત્રે મારે એકલા નથી સૂઈ જવું. મને ડર લાગે. અમે તો બધા સાથે જ રહીએ. હું એકલું નહીં સૂઈ જાઉં.”
કાગડો કહે, ‘સારું. કંઈ વાંધો નહીં.’ પછી એણે એ ઝાડની સહુથી ઉપરની ડાળ પર એક સમડીને બેઠેલી જોઈ. એણે રોબીનને કહ્યું, “જો, આ સમડી. એનો રંગ તારાથી મળતો આવે છે. બોલ, તારે એની સાથે રહેવું છે?’
એટલામાં તો સમડી ત્યાંથી ઊડી અને હવામાં તરતી હોય એવી રીતે ચકરાવા મારવા માંડી. સાથે સાથે એ તીણા અવાજે ચીસો પાડતી હોય એવું બોલતી પણ હતી. રોબીન તો એ બધું જોઇને ગભરાઈ જ ગયું.
કાગડાની સોડમાં લપાતા એ ધીમા અવાજે બોલ્યું, “ના, મને આની તો બીક લાગે છે. મને જલ્દી અહીંથી લઇ જાઓ.’
હવે કાગડો વિચારમાં પડ્યો. એણે કહ્યું, ‘અહીંથી થોડેક દૂર રેતીનું મેદાન છે. ત્યાં તારા જેવા રંગનું ગીધ પણ જોવા મળે છે. પણ એની વળેલી ચાંચ અને પગના નખ જોઇને તો હું પણ ડરી જાઉં છું. એટલે તને તો બતાવીશ જ નહીં. દૂર દૂર એક બહુ ઊંચા ઝાડ ઉપર તારા જેવા રંગનું એક ગરુડ ક્યારેક આવે છે. પણ એ તો બહુ મોટું પક્ષી. અને ક્યારેક જ દેખાય. હવે તને ક્યાં લઈ જાઉં?’
કાગડાની વાત સાંભળીને રોબીન તો રડવા જેવું થઇ ગયું. હવે ધીરે ધીરે અંધારું પણ થવા માંડ્યું હતું.
ત્યાં તો પેલા નાના વૃક્ષ ઉપરથી આવતો ચકલીઓનો કલબલાટ કાગડાના કાને પડ્યો. એ તો પોતાની ચાંચ પહોળી કરીને ખડખડ હસી પડ્યો અને કહે, “ધત તેરીકી. આ મને કેમ સૂઝ્યું નહીં! ચલ ચલ.”
કાગડો તો રોબીનને લઈને ગયો ચકલીઓ પાસે અને એમને બધી વાત કરી. ચકલીઓ તો લગભગ પોતાના જેવા જ દેખાતા આ અમેરિકન મહેમાનને જોઈને ઘણી ખુશ થઇ. એમણે એક મોટા માળામાં એને માટે જગ્યા કરી આપી. ચકલીઓએ રોબીનને થોડા કીડા પણ ખાવા માટે આપ્યા. રોબીનને પણ અહીં બહુ ગમ્યું. એ લોકોએ ખાસી વાર સુધી વાતો કરી અને પછી ઊંઘી ગયા.
સવારે કાગડો રોબીનને લેવા આવી ગયો. રોબીને બધાનો ખૂબ આભાર માન્યો. કાગડો એને એરપોર્ટ સુધી મૂકી આવ્યો. એરોપ્લેન ઉપર બેસીને રોબીન પાછું પહોંચી ગયું એને ઘેર.
હજુ એ ભારતમાં મળેલા એના દોસ્તોને બહુ યાદ કરે છે. એ બધાને કહે છે, “ભારતમાં મહેમાન બનીને જવાની બહુ મજા આવે. ત્યાંના પંખીઓ બહુ સારાં છે.’
ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
