ચેતન પગી

પર્યાવરણશાસ્ત્રીઓ અતિશય ગરમી, વરસાદ કે ઠંડી માટે ભલે આબોહવા પરિવર્તનને જવાબદાર ગણતા હોય પણ એક થિયરી એવી પણ છે કે ભારે વરસાદ એ ભજિયાં-દાળવડાંવાળાઓનું, અતિશય ઠંડી ચાવાળાઓનું અને સખત ગરમી આઇસક્રીમ-કોલ્ડ્રિંક્સવાળાઓનું કારસ્તાન છે. ગરમીના કેસમાં તો હવે એસી-કુલરવાળાઓ પણ કાવતરામાં સામેલ થઈ ગયા છે. અત્યાર સુધી કામધંધામાં વ્યસ્ત લોકોને ગરમી કેટલી ઓછી કે વધારે છે એની જાણ રહેતી નહોતી પણ હવે મોબાઇલ ફોનના સ્ક્રીન પર તાપમાનનો આંકડો દેખાતો થયા બાદ કોણ જાણે કેમ ગરમી વધારે લાગવા માંડી છે! ઘણીવાર એસી વસાવવા જેટલા પૈસાની વ્યવસ્થા થયા પછી પણ અચાનક ગરમી વધારે લાગવા માંડે છે. આપણે ત્યાં ગરમી વધારે પડે છે એટલા માટે એસી નથી ખરીદવામાં આવતું પણ આજુબાજુના બધા પડોશીઓને ત્યાં એસી આવી ગયું હોવાથી તે ખરીદવામાં આવે છે. ટૂંકમાં, ઉનાળો આવી ગયો છે. ત્યારે વાંચો ઉનાળામાં પ્રગટેલી કેટલીક છૂટક રમૂજો…
ઉનાળાનો એક ફાયદો એ છે કે માર્ચ-એપ્રિલમાં થતા પગારને ખરા અર્થમાં પરસેવાની કમાણી કહી શકાય છે.
ગ્લોબલ વોર્મિંગની સાદી સમજ એ રીતે પણ આપી શકાય કે પહેલાં ઉનાળામાં પંખા વગર ચાલતું નહોતું. હવે એસી વગર નથી ચાલતું. ગ્લોબલ વોર્મિંગમાં એસીની ઠંડકમાં પંખો ટાઢક અનુભવે.
ખરી ગરમી તો ત્યારે લાગે જ્યારે મોબાઇલ સ્ક્રીન પર તાપમાનનો આંકડો ૪૦ ડિગ્રીનો આંકડો પાર કરે અથવા છાપાના મથાળામાં ગરમી ‘કાળઝાળ’ સ્વરૂપ ધારણ કરે.
ઉનાળો એકમાત્ર એવી ઋતુ છે જેમાં તપેલી રસોડા સિવાય પણ હોઈ શકે છે. તફાવત એટલો જ કે રસોડાની તપેલીને સાણસીથી પકડી શકાય છે.
ઉનાળાને આમ તો ગરીબપરસ્ત ઋતુ પણ કહી શકાય. ચાલુ દિવસોમાં ‘સાહેબ આજકાલ ગરમ છે’ એવું સાંભળવા મળે જ્યારે ઉનાળામાં ગરીબ માણસને પણ ‘ગરમ થવાની’ તક મળે છે, અલબત્ત કામ કરીને. ઉનાળામાં લીંબુ શરબત સારો કે કેરીનો રસ? જવાબ લીંબુ શરબત હોઈ શકે. કારણ કે લીંબુને પકવવા કાર્બાઇડની જરૂર પડતી નથી.
દિવસે આકાશમાંથી અગનગોળા અને સાંજ પડે શેરીઓમાં બરફના ગોળા વરસે એનું નામ ઉનાળો. બરફ પીગળાવી દેતા ગ્લોબલ વોર્મિંગના કારણે જ આજે બરફના ગોળા માટે બસો રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.
ભરબપોર પછીની સાંજે બે ઘટના બને છે. આઇસક્રીમ જોઈને માણસ પીગળે છે અને પછી આઇસક્રીમ પીગળે છે.
ઉનાળાની ધોમધખતી ગરમીમાં રિલિઝ થતી ફિલ્મને હિટ બનાવવામાં સિનેમાઘરોના એરકન્ડિશનરનો ફાળો પણ નાનોસૂનો નથી.
એ. ટી. એમ.ની શોધ કરનાર ખરેખર જીવદયા પ્રેમી હશે. આજે એના કારણે જ શેરીનાં કૂતરાં એ. ટી. એમ.ની ઠંડક અનુભવી શકે છે.
જગતમાં બે પ્રકારના લોકો છે. એક શિયાળામાં ગરમાવો અને ઉનાળામાં ઠંડક શોધે છે. બીજા પ્રકારના લોકોની સંખ્યા હવે વધી રહી છે. તેઓ ઉનાળામાં એસીની ઠંડકમાં ધાબળા તળે ગરમાવો અનુભવે છે.
મિડલ ક્લાસ માટે ઉનાળો આશીર્વાદરૂપ ઋતુ છે. આ દિવસોમાં તેમના બાથરૂમના નળમાં વગર ગીઝરે ગરમ પાણી આવે છે.
શિયાળામાં લાકડા બાળીને તાપણું કરી શકાય તો ઉનાળામાં બરફનું તાપણું કેમ ના કરી શકાય?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
