મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

 “આ વખતે ત્રેવીસમી તારીખનો તમે શું વિચાર કર્યો છે? “ એક મિત્રે પૂછ્યું?

“ત્રેવીસમી તારીખે વળી શું છે?”

“અરે આટલી પણ ખબર તમને નથી ? આ દેશનું શું થાવા બેઠું છે?”

દેશનાં નસીબમાં જે હશે તે થશે, પણ ત્રેવીસમી તારીખે છે શું?

“રહેવા દો તમને કહેવાનો કોઇ અર્થ નથી.”

છતાં મેં આગ્રહ રાખ્યો તો મિત્રે કહ્યું “મોબાઇલ આવતા બાળકો તો ઠીક મોટેરાઓ પણ પુસ્તક વાંચતા બંધ થઈ ગયા છે. પુસ્તકો વાંચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારે પણ આ દિવસ ઉજવવો જોઈએ.”

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

મેં મિત્રની સલાહ માન્ય રાખીને ખાતરી આપી કે હું પણ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી મારા ઘેર બેઠા પુસ્તક વાંચીને કરીશ.

“ એમ એકલા એકલા ઘેર બેસીને તો કાંઇ ઉજવણા થાતા હશે?” મિત્રે નારાજગી સાથેના ગુસ્સાથી ઉચાર્યું?

“તો શું કરવું જોઇએ? “ એમ પૂછતા મિત્રે જવાબ આપ્યો કે કોઇ હોલ ભાડે રાખીને લોકોને આમંત્રણ આપવું અને કોઇ વક્તાને પુસ્તકનું મહત્વ સમજાવવા માટે બોલાવવા. કાર્યક્રમના અંતે અલ્પાહાર કે ચા કોફીની વ્યવસ્થા કરવી.”

“ આમ ક્રરવામાં તો ઘણો ખર્ચ થાય”

“ તો એક કામ કરો, શહેરમાં આ નિમિત્તે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો યોજાતા હશે. તેમાંના કોઇ એકમાં તમે જોડાઇ જાઓ”

મને મિત્રનું આ સૂચન ગમ્યું. થોડા વર્ષોથી સાહિત્યને લગતા અનેક કાર્યકર્મો યોજાવા લાગ્યા છે. એથી પુસ્તક દિવસ નિમિત્તે તો કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક હોવો જ જોઈએ એવી ખાતરી હતી. વળી આ કાર્યક્રમો એ સી ની સુવિધા ધરાવતા હોલમાં હોય છે. ઉનાળામાં એ. સી.નો લાભ લેવા માટે કશું ન ખરીદ્યાના અપરાધભાવ સાથે કોઇ મોલમાં જઈને બેસી રહેવું એના કરતા સાહિત્યના કોઇ કાર્યક્રમમાં ગોઠવાઈ જવું યોગ્ય લાગ્યું. બેચાર કલાક ઠંડકમાં બેઠા પછી અલ્પાહાર અને ચાનો લાભ મળે અને બોનસમાં સાહિત્યના અને પુસ્તકના પ્રેમીઓમાં આપણું નામ લખાઈ જાય. મારામાં રહેલા અમદાવાદીની ચિત્તવૃતિને આ માફક આવે તેવું લાગ્યું. તપાસ કરતા ઘરની નજીકમાં જ એક હોલમાં પુસ્તક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયાનું જાણ્યું. કાર્યક્રમ ‘જય જોગણી મા’ નામની સંસ્થાના ઉપક્રમે એક મંદિરના સભાગૃહમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી હતા અને સંચાલક તરીકે એક મંદિરના પૂજારી હતા. મુખ્ય મહેમાન અને વક્તા તરીકે માતાજીની ચૂંદડીના એક જથ્થાબંધ વેપારી હતા.

સૌ પ્રથમ માતાજીના એક ભુવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યાર પછી એક બહેને માતાજીની સ્તુતિ ગાઈ. સંચાલકે માઇક હાથમાં લઈને મુખ્ય વક્તા સહિત ચારેક મંચસ્થ મહાનુભવોનો ટૂંકો પરિચય લંબાણથી આપ્યો અને દરેકને બે શબ્દ બોલવા કહ્યું.

પ્રથમ વક્તાએ કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન આપ્યા અને પોતાના બાળકોની પરીક્ષા પૂરી થઇ ગઈ હોવાથી તેમના જૂનાં પાઠ્યપુસ્તકો હવે પસ્તીમાં નહિ આપતા દાનમાં આપવાની જાહેરાત કરી. શ્રોતાઓએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી. ત્યાર પછીના બીજા બે વક્તાઓ પણ પ્રથમ વક્તાને અનુસરવા ઉપરાંત તેઓ પાઠ્યપુસ્તકો ઉપરાંત ગાઈડો પણ દાનમાં આપવા માગે છે તેવી જાહેરાત કરી. કહેવાની જરૂર નથી કે શ્રોતાઓએ આ જાહેરાતોને પણ તાળીઓથી વધાવી લીધી.

હવે મુખ્ય વકતાને બોલવાનો વારો આવ્યો. તેમણે પોતાનું વક્ત્વ્ય આ પ્રમાણે આપ્યું,

“માતાજીની કૃપાથી મને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા બદલ હું સંસ્થાનો આભાર માનું છું. પુસ્તકો સાથેનો મારો નાતો ઘણો પુરાણો છે. મારા હાથમાંથી અનેક પુસ્તકો પસાર થઈ ગાયા છે કેમ કે મેં મારી કાર્કીર્દિની શરૂઆત પુસ્તકો બાઈન્ડ કરવાની દુકાનમાં નોકરી કરવાથી કરી છે. આજે હું જે કાંઇ છું તે પુસ્તકોને કારણે છું. આપ સૌના મનમાં સવાલ થતો હશે કે પુસ્તકો વાંચવાનો શોખ મને ક્યાંથી થયો હશે? તો જણાવું કે મારું બાળપણ તો ખૂબ ગરીબીમાં વીત્યું છે. જ્યાં ખાવાના જ સાંસા હોય ત્યાં પુસ્તકો ખરીદવાના પૈસા તો ક્યાંથી હોય? પણ સદભાગ્યે મારા ઘર પાસે એક પીપળો હતો. સામાન્ય રીતે લોકો વાંચી લીધા પછી પુસ્તકો પસ્તીમાં આપી દેતા હોય છે. પરંતુ કેટલાક લોકો ધાર્મિક પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે મારા ઘર નજીક આવેલા પીપળા નીચે મૂકી જતા. એ પુસ્તકોમાં ખાસ કરીને વ્રતકથાઓ જેવી કે સોળ સોમવારની વાર્તાઓ, સંતોષીમાની વાર્તા, બોળ ચોથની અને શીતળા માતાની વાર્તાનાં પુસ્તકો હતા. હું એ પુસ્તકો ત્યાંથી લઇને ક્યારેક વાંચતો. આ પુસ્તકો વાંચવાથી મારામાં ધાર્મિક સંસ્કારો તો રેડાયા ઉપરાંત મને પુસ્તકો વાંચવાનો શોખ પણ જાગ્યો. પુસ્તકો વાંચ્યા પછી હું મૂળ કિંમત કરતા અર્ધી કિંમતે પુસ્તકની દુકાને જ વેચી દેતો. આ રીતે પુસ્તકોએ મને આર્થિક લાભ પણ કરી આપ્યો. અત્યારે મોબાઇલના યુગમાં નવી પેઢી વાંચતી નથી તેનું મને ખૂબ જ દુખ છે. પરંતુ પોતાના પુસ્તક પરના પ્રેમને લીધે તથા સમાજનું હિત પોતાના દિલમાં વસેલું હોવાથી ‘જય જોગણી મા’ સંસ્થાના પ્રમુખ શ્રી શકરાજીએ આ કાર્યક્રમ યોજ્યો તેથી મને આશા જાગી છે કે સમાજમાં પુસ્તકોનું વાચન વધશે. શકરાજીની જેમ બીજા લોકોને પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.”

અહીં શ્રોતાઓએ પ્રવચન પૂરું થયું માની તાળીઓ વગાડી. પરંતુ તેમની આ ધારણા ઠગારી નિવડી. મુખ્ય વક્તાએ બીજો એટલો જ સમય શકરાજીના ગુણગાન ગાવામાં લઈને વકત્વ્ય પૂરું કર્યું. ત્યાર પછી સંચાલકે કાર્યક્રમના અધ્યક્ષ શકરાજીને પ્રમુખીય પ્રવચન કરવા વિનંતિ કરી.

શકરાજીએ પ્રવચન શરૂં કર્યું, “મુખ્ય મહેમાને પુસ્તક વિશે આટલી બધી વાત કર્યા પછી મારે ખાસ કહેવાની જરૂર નથી. પરંતુ આ કાર્યક્રમ યોજવાનું મેં કેમ નક્કી કર્યું તે કહેવું પડે એમ છે. એક દિવસ મેં મોબાઇલમાં વાંચ્યું કે ત્રેવીસમી તારીખે આ કયો દિવસ કહેવાય છે? “

સંચાલકે તેમના કાનમાં કશુંક કહ્યું.

“હા, આખી દુનિયાનો પુસ્તક દાડો છે, એવું વાંચ્યું, આપણને કાંઇ એમા ગતાગમ પડે નહિ. પણ જેમ આડા દાડે ભગવાનનું નામ ના લેનારા ગોકુળ આઠમે ભગવાનની ધૂન બોલે અને બોલાવે છે તેમ આ દિવસે પબ્લિકે ચોપડી વાંચવી એવું કશુંક હશે. તપાસ કરી તો જાણ્યું કે કેટલાક વધારે ભણેલાઓને એમ લાગે છે કે અત્યારે ચોપડીઓ વંચાતી નથી એ બહું દુ:ખદ બાબત છે. ચોપડી નહિ વાંચવામાં કયા દુ:ખના ડુંગર તૂટી પડતા હશે? એ આપણા રામને સમજાયું નહિ. પણ પછી તો જાણ્યું કે કેટલાક લોકો ચોપડીઓ શા માટે વાંચવી જોઈએ તે સમજાવવા લોકોને ભેગા કરીને પોગરામો કરે છે. આપણે તો રહ્યા વખત પરમાણે હેંડનારા. એટલે થયું કે આપણે પણ કોઇ પોગરામ કરીએ એટલે તમને બધાને ભેળા કર્યા,. પાંચ માણહનાં મોઢાં જોવા મળે અને સારી સારી વાત્યુ પણ થાય. તમે બધા આ રીતે ભેળા થયા એ બદલ સંધાયનો આભાર માનું છું. જય જોગણી મા”

આ રીતે અધ્યક્ષનું પ્રવચન પૂરું થયું. આભાર વિધિ સંચાલકે જ કરી અને સૌને વિનંતી કરી કે હોલની બહાર પ્રસાદ રૂપે જે ચા નાસ્તો રાખવામાં આવ્યો છે તેનો લાભ લીધા વિના કોઇ ઘરે ન જાય. ઉપરાંત ત્યાં રાખેલી દાનપેટીમાં પોતાની ઇચ્છા પ્રમાણે પૈ- પૈસો નાખે.

આ રીતે કાર્યક્રમ પૂરો થયો. બહાર નીકળીને મેં પ્રસાદ લીધો, પરંતુ મને હંમેશા ક્યાંય દેખાતી નથી તેમ અહીં પણ દાનપેટી જોવા ન મળી. કાયમ પુસ્તક વાંચનારા એક દિવસે પુસ્તકથી વિમુખ રહીને કાર્યક્રમમાં હાજરી પુરાવે એ ઉપક્રમ મને ગમ્યો અને દર વર્ષે આવા કાર્યક્રમમાં હાજર રહેવાના સંકલ્પ સાથે ઘેર જવા નીકળ્યો.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.