વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સૂર્યનો હળવો ઉજાસ રેલાયો, ચા અને અખબારથી અમારી દૈનિક પ્રવૃત્તિની શરૂઆત થઈ.

“સાંજે સંગીતના કાર્યક્રમમાં જવાનું છે.” હાથમાં પકડેલા અખબારમાંથી નજર ખસેડીને એ બોલ્યા.

‘હેં, જરૂર આજે સૂર્યદેવનું આગમન પૂર્વમાંથી થયું હોવું જોઈએ.’

સંગીતના કાર્યક્રમમાં જવાનું નિમંત્રણ પતિદેવ આપી રહ્યા હતા. ભારે નવાઈની વાત.

“આપણાં શહેરની ગાયિકા છે. એમને સહયોગ આપવાની આપણી નૈતિક ફરજ છે.”

હું આશ્ચર્યથી એમની સામે જોઈ રહી.

“વૈભવી પ્રસાદ નામ હતું.  હવે કદાચ એ વૈભવી પંડિત છે. બહુ વર્ષો પહેલાં અહીં નવોદિત કલાકારોને નિમંત્રણ આપવામાં આવતું. એમાંની એક આ વૈભવી પંડિત. ત્યારે એણે સૌને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આગળ જઈને એ ખ્યાતનામ થશે એવું લાગતું જે આજે હકિકત છે. બેચાર વાર એને ટી.વી પર સાંભળી છે, પણ રૂબરૂ સાંભળવાની તો વાત જ જુદી.” વૈભવીનો પરિચય આપતા એમણે કહ્યું.

વૈભવી પંડિત રતલામની છે એની તો મને ખબર જ નહોતી.

આ એક એવો કાર્યક્રમ હતો જે નહોતો શાસ્ત્રીય કે નહોતો પારિવારિક. વિશુદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમને તો આવા કાર્યક્રમોમાં જરાય રસ નહોતો. લગ્ન પછી બેચાર વાર મારી સાથે આવ્યા, પણ સાવ નિરસતાથી બેઠા રહ્યા. ત્યારથી એમને ક્યારેય મારી સાથે આવવા કહ્યું જ નહીં.

સમાન રસ ધરાવતી બહેનપણીનાં ગ્રુપ સાથે હું જવા માંડી. દિવસે તો મુશ્કેલી નહોતી, પણ રાતના કાર્યક્રમમાં અગવડ પડતી. બહેનપણીઓની સાથે એમનાં પતિદેવ હોય. એ લોકો તો ઇચ્છતા કે હું એમની સાથે જઉં, પણ એ સૌની સાથે મને એકલીને જતાં સંકોચ થતો. અંતે છોકરાંઓ મોટાં થયાં પછી એમનેય સાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ ઊભો થાય એમ વિચારીને મારી સાથે લઈ જવાં માંડ્યાં.

નકુલ એના પિતાની જેમ જ નીરસ નીકળ્યો, પણ નિધિને રસ પડ્યો. પછી તો નિધિ રવીન્દ્રભવનમાં કયું પ્રદર્શન છે કે કયું નવું નાટક આવવાનું છે એની માહિતી લઈ આવતી. ક્યારેક તો ટિકિટો પણ લઈ આવતી. નિધિ યુ.એસ. ચાલી ગઈ પછી હું એકલી પડી. નિધિ વગર બહુ એકલતા લાગે છે.

આજે આમ અચાનક એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એની નવાઈ લાગી.

ધાર્યું હતું એમ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. કાર્યક્રમ પૂરો થયો અને વૈભવી પંડિતને અભિનંદન આપવા ધસારો થયો.

મને પણ મન થયું.

‘ના’, એમનો કઠોર એકાક્ષરી જવાબ સાંભળીને વિચાર માંડી વાળ્યો. લોકોની વચ્ચે ચર્ચા કરવાનો અર્થ નહોતો. ઘેર આવીને બંને જમવા બેઠાં.

હંમેશની જેમ કાર્યક્રમ અંગે “વૈભવીને સાચે જ દાદ આપવી જોઈએ. સૌને એણે મંત્રમુગ્ધ કરી દીધાં.’ જેવી મારી વિશેષ ટિપ્પણી ચાલુ થઈ. એ મૌનીબાબા બનીને જમતા રહ્યા.

કોઈ સરસ કાર્યક્રમની મારા મન પર લાંબો સમય અસર રહેતી હોય એવી જ રીતે હું આ કાર્યક્રમના કેફમાં હતી. પહેલાં શ્યામકલ્યાણ પછી મધુકૌંસ અને અંતે ભજન. વાહ, શું માહોલ સર્જ્યો હતો!

ભજન નવું હતું, એનાં શબ્દો યાદ આવતા નહોતા એટલે પતિદેવને પૂછ્યું.

“તને તો ખબર છે કે મને આવા ગીતોમાં ક્યાં રસ છે કે મને યાદ હોય?”

“મને તો એમ કે તમારા શહેરની ગાયિકાને સાંભળવાં ગયાં છીએ તો ધ્યાનથી સાંભળી જ હશે ને?”

“ના.”

“તો પછી આ કાર્યક્રમમાં જવાનું પ્રયોજન શું? મને રસ છે એટલે તો નહીં જ લઈ ગયા હો.”

“બસ, મારે એ વૈભવીને જોવી હતી.”

પતિદેવ આજે આંચકા લાગે એવી વાત કરતા હતા. પછી એમણે જે વાત કરી એ સાવ અકલ્પ્ય હતી.

વાત જાણે એમ હતી કે, લગ્નની ઉંમરે પહોંચ્યા પછી યુવતીઓ જોવાનું શરૂ કર્યું એમાંની એક આ વૈભવી પ્રસાદ. મમ્મી, પાપા કે દીદીથી માંડીને ઘરમાં કોઈનેય એ સંબંધ મંજૂર નહોતો. સામાજિક અસામનતાને લીધે પપ્પાને એ સંબંધ પહેલેથી પસંદ નહોતો. સામાન્ય ઘરની છોકરી જરા દાબમાં રહે એટલાં પૂરતી મમ્મીની ઈચ્છા હતી. જો છોકરીમાં કંઈક વિશેષ હોય તો જ મંજૂરી આપવાની શરતે પાપાએ એને જોવાની રજા આપી.

વૈભવી સાવ સાદી અને સામાન્ય છોકરી લાગી એટલે પહેલી નજરે પસંદ ના પડી. સામાન્ય ઘરની છોકરીઓ પાસે એમનું સૌંદર્ય નિખારે એવાં પ્રસાધનો કે દેખાવને ઓપ આપે એવાં કપડાં ક્યાં હોય?

જોકે આજે તો એ ઠીકઠાક લાગતી હતી. અઠવાડિયે ત્રણ વાર બ્યુટી પાર્લરમાં જવાની એની હેસિયત થઈ ગઈ હતી. સફળતા અને આત્મવિશ્વાસથી એનો ચહેરો ચમકતો હતો.

“આટલી મોટી ગાયિકાનું માંગુ આવ્યું એનો ગર્વ થયો હશે નહીં?”

“ના, એ સમયે ગાયિકા તરીકે એટલી પ્રખ્યાત નહોતી.”

“આજે એને જોઈને એ સંબંધ ન સ્વીકારવાનો પસ્તાવો કે અફસોસ થતો હશે.” મેં સવાલ કર્યો.

“ના, એવાં તો કેટલાય માગાંનો અસ્વીકાર કરતાં જરાય અફસોસ નહોતો થયો, પણ આજની એમ.એલ.એ. દિવ્યાકુમારીનું માગું ન સ્વીકારવાનો જરૂર થાય છે. જોકે, ત્યારે એ એમ.એલ.એ. નહોતી. એના પપ્પા હતા. અમારાં બંનેના પપ્પા દોસ્ત હતા અને દોસ્તીને સંબંધથી મજબૂત કરવા ઉત્સુક હતા કારણ કે એ સંબંધ બહુ કામનો હતો. મમ્મી સિવાય સૌ તૈયાર હતાં. મમ્મીનું માનવું હતું કે, નેતાની દીકરી છે. અહીં આવીને આપણી પર નેતાગીરી કરશે. આપણે તો સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી જ સારી. કહ્યું સાંભળે અને કરે.”

એમની વાત સાંભળીને સમજાયું કે આવા રુઆબદાર પરિવારમાં મારી પસંદગી એટલે જ થઈ કે હું સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી હતી.

છોકરીઓ જોઈ જોઈને એ થાક્યા હતા. મને જોવા તો એ જાણે માથે કફન બાંધીને જ નીકળ્યા હતા કે છોકરી જેવી હશે એ હા પાડીને જ આવશે. એ વખતે મને લિટરેચરમાં મળેલા ગોલ્ડ મેડલની વાતથી અંજાયેલા પપ્પાએ મમ્મીનું સાંભળવાના બદલે વિટો એમના હાથમાં લઈ લીધો હતો. એ સાંભળીને હું આઘાતમાં આવી ગઈ. લગ્ન પછી એ ગોલ્ડ મેડલ સૌને ઘણી વાર બતાવવામાં આવતો અને અંતે ક્યાંક કબાટમાં મુકાઈ ગયો.

એ ગોલ્ડ મેડલનો કોઈ અર્થ ખરો?

ના, કારણ કે ભણતર માત્ર નોકરી કરવા માટે જ હોત તો એમની મમ્મી પણ બી.એ. પાસ કરીને નોકરી કરવાનાં બદલે ઘર અને પરિવાર જ સંભાળીને બેસી રહ્યાં ના હોત. વાત ક્યાંયથી શરૂ થાય અંતે મમ્મીનાં આચારવિચાર અને વ્યવહારકુશળતા સાથે સરખામણી પર આવીને અટકતી. ઘર હોય કે નોકર, કેવી રીતે સંભાળી લેવાય દાખલો આપાતો.

સારું હતું કે એમની નોકરીને લીધે ઘરથી દૂર જ રહેવાનું થયું, નહીંતર હું મારો આત્મવિશ્વાસ ગુમાવી બેઠી હોત.

ઘેર બેઠાં પી.એચ.ડી કરવાનું વિચાર્યું. વિષય અને ગાઇડ પણ નક્કી કરી લીધાં, પણ ચાર વર્ષમાં બે બાળકોને લીધે એ શક્ય ન બન્યું. મારાં શેક્સપિયર, હાર્ડી, ડિકેન્સ, સ્કૉટ,વર્ડ્ઝવર્થ, શેલી બંધ કબાટની જણસ બની ગયાં. મારો બીજો એક સામાન પણ જૂના ઘરનાં સ્ટોરરૂમમાં બંધ પડ્યો છે.

લગ્ન પહેલાં મને પેન્ટિંગનો શોખ હતો. ફાઇન આર્ટ્સનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. એમાનાં ઘણાં ચિત્રો વખણાયાં હતાં. લગ્નના સામાનની સાથે એક સંદૂકમાં એ પેન્ટિંગ પણ આવ્યાં, પણ સીધા જ સ્ટોરરૂમમાં મૂકાઈ ગયાં. કોઈએ ખોલીને જોયાં પણ નહીં.

એમાંનું અતિ પ્રસંશા પામેલું એક ચિત્ર ‘સવાર નિશ્ચિત છે.’ અમારાં રૂમમાં મેં મૂક્યું.

દરેક અંધારી રાત પછી આશાનું એક કિરણ હોય છે જ એવા વિચારને કેન્દ્રમાં રાખીને ચિત્ર દોર્યું હતું. એ ચિત્રમાં એક લાંબી ક્રમશઃ સાંકડી થતી જતી સુરંગ હતી. એનાં અંતિમ બિંદુએ સૂર્યનું કિરણ દેખાતું હતું.

બે દિવસ તો એમની ધીરજ રહી પછી અકળાઈને એ ચિત્ર હટાવી લેવા કહ્યું.

એમને એમાં ફક્ત અંધકાર અને નિરાશા જ દેખાતી. મને એમાં દરેક અંધારી રાત પછીનો અજવાસ દેખાતો. ઉદાસીની પાછળ ઉજાસ દેખાતો. ઘોર નિરાશા પછીની આશા દેખાતી.

પહેલાં પ્રસંગોપાત મારાં ચિત્રોમાંથી કોઈને ભેટ આપતી. પછી તો એ પણ બંધ કરી દીધું. માત્ર છોકરાંઓને ચિત્રકામ શીખવાડવા મારી કળાનો ઉપયોગ થતો. છોકરાંઓ મોટાં થતાં એમની પ્રવૃત્તિઓ જાતે કરતાં થયાં. હું ફરી એકાકી બની ગઈ. કોને કહું કે કોણ સમજવાનું હતું આ વ્યથા? મારી મા પણ એ વ્યથા સમજી શકતી નહોતી.

કહેતી કે, “વર અને ઘર બંને સરસ છે. મઝાનાં છોકરાંઓ છે. બીજું શું જોઈએ? જે છે એ સુખમાંથી આનંદ માણતા શીખ.”

નિષ્ક્રિયતામાં વળી સુખ કેવું?

વૈભવીને સાંભળીને આવ્યાં પછી આજે મનોમન એને કહેવાઈ ગયું, “વૈભવી સારું થયું તું આ અસુરોના મતલબ આ બેસુરોના ઘરમાં ન આવી નહીંતર ગાવાનો તો દૂર ગણગણવાનોય અવકાશ ન મળત. તારી ટ્રોફીઓનું પ્રદર્શન થાત અને પછી કબાટમાં ગોઠવાઈ જાત. તારાં સર્ટિફિકેટો ફ્રેમમાં જડી દેવાત. જેમ મારા રંગો બેરંગ બની ગયા, શબ્દો નિઃશબ્દ બની ગયા એમ તારો સૂર તારા ગળામાં જ અટવાઈને રહી જાત.


માલતી જોશી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.