નીલમ  હરીશ દોશી

નથી કોઇની મોનોપોલી…

ભીતરમાં ભગવાન વસે તો, બધા દાખલા સહેલા,
નથી કોઇ મોનોપોલી , જે પહોંચે તે પહેલા.

પ્રિય દોસ્ત,

દોસ્ત, મને કદીક બહું હસવું આવે છે. ઘણાં લોકો હું જાણે તેમનો ઇજારો હૌઉં એમ મારા દલાલ બનીને મને મેળવી આપવાની વાતો કરતા રહે છે. વાત કરે ત્યાં સુધી મને વાંધો નથી પરંતુ જે સલાહ પોતે અન્યને આપે, કે જ એરસ્તો બતાવે એ રસ્તો પોતે કદી અપનાવે નહીં. એ બધી સલાહો ફકત અન્યને આપવા માટે જ હોય છે. સ્વર્ગના રસ્તા બતાવીને સ્વર્ગનું વર્ણન એવી રીતે કરતા હોય જાણે એ હમણાં જ સ્વર્ગની મુલાકાત લઇને ન આવ્યા હોય..! એવે સમયે હું હસું નહીં તો શું કરું ? મેં બનાવેલા આજે મને સતત બનાવતા રહ્યા છે.

મન કે આત્માના અનુભવ માટે દોસ્ત, તું ભીતરની યાત્રાએ કદી નીકળતો જ નથી.પરમ પદ જાણે કયાંક ઉંચે આકાશમાં છે તારી એ માન્યતા ભૂલભરેલી છે. તારા કર્મ થકી જ તને પરમ પદની પ્રાપ્તિ થશે. અને એ પણ સંસારમાં રહીને જ.

દોસ્ત, કાલે હું તારા પર ખૂબ જ પ્રસન્ન થઇ ગયો. કાલે તારી દીકરીના લગ્ન હતા. એવે સમયે તારી હોસ્પીટલમાં કોઇને તારી જરૂર હતી. જો તું સમયસર ન પહોંચે તો કોઇની દીકરીના પ્રાણ સંકટમાં હતા. તું થોડી વાર મૂંઝાયો. પણ આખરે તેં બધાની માફી માગી અને કર્તવ્યને પહેલું સ્થાન આપ્યું. અને તું બધું છોડીને હોસ્પીટલમાં પહોંચ્યો. અને કોઇની માસૂમ દીકરીનો જીવ બચી ગયો. વાહ..દોસ્ત ! આજે હું તને સલામ કરું છું. હવે તું કોઇ પૂજા પાઠ નહીં કરે તો પણ ચાલશે. તારા જેવા માણસોનો મને ગર્વ છે.

બાકી આજે કોઇ જલદીથી  બીજાનું નથી વિચારતા. મને જાણ છે કે લાડકવાયી દીકરીના લગ્ન છોડીને અન્ય માટે  દોડવું  સહેલું નથી. પણ દોસ્ત, સહેલું કામ તો સૌ કોઇ કરે. કઠિન કામ તો તારા જેવા વીરલા જ કરી શકે.  મને તાર જેવા વીરલાઓનો હમેશા ખપ છે. મને ખાત્રી છે કે તેં પણ ખૂબ સંતોષ અને આનંદ અનુભવ્યા હશે. અને આ આનંદ જ સાચો આનંદ છે. કોઇ માટે કશુંક કરીને, કોઇને કશુંક આપીને, કોઇ માટે થોડું ઘણું ઘસાઇને જે આનંદ મળે છે એનો લ્હાવો ચૂકવા જેવો હરગિઝ નથી. અને એકવાર આવા લ્હાવાની, આવા આનંદની આદત પડી જાય તો પછી એ નશા જેવું કામ કરે છે. પછી કોઇ બાહ્ય નશાની જરૂર નથી રહેતી.હું આશા રાખું કે તને, મારા દરેક સર્જનને આવા સાત્વિક નશાની આદત પડી જાય. અને મારો કોઇ બાળ દુનિયામાં દુખી ન રહે. એવું વિશ્વ જોવાની મને હોંશ છે. મારી એ હોંશમાં તું તારો નાનકડો ફાળો જરૂર આપીશ.એવી શ્રધ્ધા સાથે

તારો જ ઇશ્વર.


 પ્રાર્થના એટલે

પરમ પ્રત્યેના દિવ્ય પ્રેમની સૂક્ષ્મ અનુભૂતિ..


જીવનનો હકાર

માનવીની કસોટી સમાજમાં થાય છે, હિમાલયની ટોચ પર નહીં.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે