(૧)
ખેલો હો, રસિયા ફાગ !
રસરંગની છલકે છાબ,
ખેલો હો, રસિયા! ફાગ ! રસરંગની…
કલિ કલિ પર મધુકર ગુંજે કોકિલ બંસી બજાવે;
મલયાનિલની પાંખ પલાણી પરાગ વસંત વધાવે.
ફૂલ્યો ફાગણ, ને ધરતીએ રંગ કેસરી ચોળ્યો;
હૈયેવાટકડે મેંયે તે પ્રીતરંગને ઘોળ્યો!
પ્રણયસિતારી બજી મધુરું, સચરાચર પુલકાવે;
અણદીઠી, અણતોષી ઝંખા અંતરને છલકાવે.
હૈયાનું આસન છે સૂનું, પિયુ ચરણરજ પાડો;
ભવભવની હું ઘેલી ઝંખું મીટ નેહની માંડો.
— પ્રેમશંકર હ. ભટ્ટ
(૨)
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી ‘તી તોય જરી ડોલી ના ડોલી ના…. મારેo
ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…. મારેo
રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના… મારેo
— નંદકુમાર પાઠક
