(૧)
ચિંતા કર્યે ચાલશે ના.
-રવીન્દ્રનાથ ટાગોર
તારાં સ્વજન તને જાય મૂકી તો
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
તારી આશા-લતા પડશે તૂટી;
ફૂલ ફળે એ ફાલશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
માર્ગે તિમિર ઘોર ઘેરાશે
એટલે શું તું અટકી જાશે?
વારંવારે ચેતવે દીવો
ખેર, જો દીવો ચેતશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
સુણી તારા મુખની વાણી
વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે
પાષાણના હૈયાં ગળશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
બારણાં સામે બંધ મળે,
એટલે શું તું પાછો વળે?
વારંવારે ઠેલવાં પડે,
બારણાં તોયે હાલશે ના…
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
(૨)
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
-ભગવતીકુમાર શર્મા
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી – નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ
