સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

નસીબ ખૂલ્યાં? થી આગળ

સગર્ભાવસ્થામાં ભાવિ માતાનાં કેટલાં લાડ-કોડ થતાં હોય છે! મને તેમાંનું કશું જોવા મળ્યું નહિ. હા, એટલું ખરું કે વડોદરા જતાં પહેલાં થોડા દિવસ અમદાવાદ રહી ત્યારે સાસુજીએ અમારા રિવાજ મુજબ મારા માટે ભોજનસમારંભ યોજ્યો હતો.

દશેરા બાદ હું વડોદરા બાઈજીમાસીને ત્યાં આવી અને ૧૯૩૪ના નવેમ્બર મહિનાની ૨૭મી તારીખે મને પુત્ર-રત્ન પ્રાપ્ત થયું!

અહીં એક મજાની વાત કહું! જેમ મારી પ્રસૂતિનાં ચિહ્ન જણાવા લાગ્યાં, અને અત્યંત દર્દ ઊપડવા લાગ્યું કે તરત મારાં મહાન માસીએ કહ્યું, “લીલા, તારી ડિલિવરી માટે નર્સ આવવાની છે, તો તેની ફી અને તેના માટેનું ઘોડાગાડીનું ભાડું કાઢ જોઉં!’ હું તો વેદનાથી પીડાતી હતી, તેમ છતાં તેવી સ્થિતિમાં માસીબાએ મારી પાસેથી પૈસા કઢાવ્યા! આપણે તો આપણી પાડોશમાં રહેનાર સ્ત્રી પર આવો કટોકટીનો સમય આવ્યો હોય તો તે પણ સંભાળી લઈએ. પૈસા થોડા ભાગી જતા હોય છે? મને બાઈજીમાસી પર ઘણો ગુરસો આવ્યો, જવા દો એ વાત. એટલું સાચું કે મને દીકરો આવ્યો તેથી બધા ખુશ હતા અને બધે પેંડા વહેંચ્યા, કારણ કે મારી બાના પરિવારમાં કોઈને દીકરો ન હતો. આથી સહુને આનંદ થાય તે સહજ હતું.

પુત્રજન્મના આઠમા દિવસે મારી તબિયત બગડી અને સખત તાવ આવવા લાગ્યો. મારા બાળક અને મારા પ્રત્યે એટલું દુર્લક્ષ્ય થવા લાગ્યું કે ન પૂછો વાત. મારી દશા તો અત્યંત બૂરી થઈ ગઈ. મને આવશ્યકતા હતી તેવી કોઈ વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બાળકના નામકરણનો સંસ્કાર અમારી પ્રથા પ્રમાણે જન્મના બારમા દિવસે કરવામાં આવવો જોઈએ. તેને બદલે એકવીસમે દિવસે કરવામાં આવ્યો. જોકે આ મારો પ્રથમ પુત્ર હતો તેથી નામકરણવિધિ ઘણી ધામધૂમથી ઊજવાયો. બાળકનું નામ નરેન્દ્ર રાખવામાં આવ્યું. બાળકને ઘણો ચાંદલો અને ભેટની વસ્તુઓ આવી. મારાં સાસરિયાં તરફથી બાળકને ભેટ આવી નહિ! મારા માતૃપક્ષમાંથી કેવળ મારાં સૌથી નાનાં માસીએ થોડુંઘણું આપ્યું, પણ આવેલો ચાંદલો કે ભેટની વસ્તુઓ મને તો જોવા સુધ્ધાં ન મળી. બધી વસ્તુઓ અને રોકડ બાઈજીમાસીની ટૂંકમાં કેદ થઈ ગયાં!

મારાં નાની મને – ર૪ દિવસની સુવાવડી પૌત્રીને મૂકી નાનાં માસી સાથે મુંબઈ ગયાં. બાઈજીમાસી નિશાળે ભણાવવા અને તેમનાં પોતરાં ભણવા માટે સવારે નીકળી જતાં. મને એકલીને આખો દિવસ ઘરમાં પડી રહેવું પડતું હતું, તેથી મેં “એમને’ પત્ર મોકલ્યો કે મને વહેલી તકે આવીને લઈ જાય. “એમનો’ જવાબ આવ્યો કે આટલી જલદી હું તને લઈ જઈ શકીશ નહિ.

મને દીકરો આવ્યો તેની જાણ બાબાને થતાં તેમને એટલો આનંદ થયો કે ન પૂછો વાત. પણ તેમની તબિયત સારી નહોતી તેથી તેઓ મને જોવા આવી શક્યા નહિ. તેમની માંદગી વધી અને નરેન જે દિવસે સવા મહિનાનો થયો તે જ દિવસે મને દુઃખદ સમાચાર મળ્યા. મારા પરમ પૂજ્ય યેસુબાબા અમને બધાંને છોડીને પ્રભુદ્ધારે ગયા. દમુનાં લગ્ન પછી તેમને મૂટીને હું જે દિવસે વડોદરા ગઈ ત્યાર પછી હું તેમને મળી જ શકી નહિ તેનું મને અત્યંત દુઃખ થયું. મારું તો તેઓ સર્વસ્વ હતા. તેમણે મને ઘણી સંભાળી હતી અને મારા માટે બધું જ કર્યુ હતું, અને ભાગ્ય તો જુઓ, તેમના અંતકાળે તેમને હું મળી શકી નહિ.

મારાં કાકીને ચાર દીકરીઓ અને એક દીકરો હતાં. કાકાના અવસાન વખતે મારી બાની જેમ તેઓ પણ ગર્ભવતી હતાં. અમારા બાબા એક સામાન્ય માંદગીમાં ગયા, તેઓ જાણતા હતા કે આ માંદગીમાં જ તેઓ દેહ છોડવાના છે. તેમને જ્યોતિષશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું. તેઓ માંદગીના બિછાના પર હતા ત્યારે કાકીનાં અપરમાતા ત્યાં જ હતાં. તે દિવસે સવારે બાબાએ તેમને કહ્યું હતું કે, ‘આજની સંધ્યાએ. હું તમારી સાથે નહિ હોઉં.’ અને સાચે જ, તે સાંજે બાબાએ સ્વર્ગે જવા પ્રસ્‍થાન કર્યું. મારાં કાકીની ઉમર ફક્ત ત્રીસ જ વર્ષની હતી. વળી તેઓ ગર્ભવતી હતાં. મારી બા પણ ત્રીસમા વર્ષે જ વિધવા થઈ હતી, અને તે પણ તે સમયે ગર્ભવતી હતી. બિચારાં કાકીને નાની વયમાં જ આ દુ:ખ આવી પડયું તેનું મને અસહ્ય દુઃખ થયું. હું તેમને મળવા પણ જઈ શકી નહિ. બાબાના અવસાન બાદ તેઓ વીસનગર મારાં નાનાં ફોઈને ઘેર ગયાં. બાબા રાજ્યમાંથી રિટાયર થયા હતા તેથી રાજ્ય તરફથી તેમને થોડુંઘણું પેન્શન મળવા લાગ્યું. થોડા દિવસ અમારાં ફોઈને ત્યાં રહ્યા બાદ કાકીએ એક સ્વતંત્ર ઓરડી ભાડે રાખી અને ત્યાં રહેવા ગયાં. પૂરા સમયે તેમને પુત્રી અવતરી, પણ થોડા દિવસ બાદ તે અવસાન પામી.

મને ત્રણ મહિના થયા ત્યારે બાઈજીમાસી મારા ખર્ચે મને મૂકવા વઢવાણ કેમ્પ આવ્યાં. તે વખતે. મારાં સાસુજી ત્યાં જ હતાં. તેમણે માસીને સાડી ભેટમાં આપી, પણ મને એક ખંડ (જરીની કોરવાળું પોલકાનું કાપડ) પણ ન આપ્યો. મારું બાળક નાનું હોવાથી સાસુજીએ મહારાજ રાખવાનો વિચાર કર્યો અને તરત બધાંનાં મોઢાં કટાણાં થઈ ગયાં! તેમ છતાં જેમતેમ કરી તેઓ તૈયાર થયા અને મહારાજ રાખ્યો. નરેનની બાળલીલા જોઈ બધાં ખુશ થતાં હતાં. સાસુજી મારી સાથે લગભગ એક વર્ષ રહ્યાં અને મેં તેમની મનોભાવથી સેવા કરી. તેમના આશીર્વાદથી અને મારી બાની કરેલી સેવાચાકરીથી મને ઘણું સારું ફળ મળ્યું હતું, તે હું કેમ કરીને વીસરી શકું?


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com