ચેતન પગી
અમદાવાદ, રાજકોટ કે ગુજરાતના કોઈ પણ શહેરમાં રહેતા લોકોને પોતાનું ઘર નાનું લાગતું હોય તો એકવાર મુંબઈ આંટો મારી આવવા જેવો છે. પાછા આવ્યા પછી ઘર નાનુ પડે છે એ ફરિયાદ નહીં રહે એ નક્કી છે.
મુંબઈ નગરીમાં જગ્યા મેળવવી એ સ્પેસમાં પહોંચવા જેટલું જ પડકારજનક કામ છે. તમારે આળસ મરડતા પહેલાં પણ આજુબાજુમાં કોઈ નથીને એનું ધ્યાન રાખવું પડે જેથી કોઈના હાથ અડી ન જાય. મુંબઈવાસીઓને આળસ ખાવા માટે લોનાવાલા-ખંડાલા જવું પડે છે. મુંબઈની ચાલીમાં ઘર કે એપાર્ટમેન્ટમાં નાનકડો ફ્લેટ ધરાવતો કોઈ પણ માણસ ઓછામાં ઓછા એક બંગલાનો માલિક છે. કારણ કે એના મુંબઈના ઘરના ભાવમાં ગુજરાતના કોઈ પણ શહેરમાં બંગલો ખરીદી શકાય છે. મુંબઈમાં ઉત્તમ એક્ટરો મળી આવે છે એનું પણ આ જ કારણ છે. રહેવા માટે જગ્યા મળતી નથી એટલે એક્ટરને કાયમ કેરેક્ટરમાં જ રહેવું પડે છે.
ગુજરાતમાં રહેતો માણસ સવારે પથારીમાંથી બેઠો થઈને આળસ મરડીને, છાપું લઈને, ડ્રોઇંગ રૂમમાં થઈ બાલ્કની સુધી આવે એટલા અંતરમાં મુંબઈમાં ત્રણ ઘર ઓળંગી શકાય છે. મુંબઈના બિલ્ડરો ક્રૂર પ્રજા જણાય છે. કોઈ ટોચે પહોંચી ન જાય એટલે તેઓ બિલ્ડિંગોને ઊંચી ને ઊંચી બનાવી રહ્યાં છે. એક દિવસ મુંબઈની બિલ્ડિંગો એટલી ઊંચી થઈ જશે કે ટૉપ ફ્લૉરના ફ્લેટની બાલ્કનીમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થતું જોઈ શકાશે.

મુંબઈવાસીઓ ઇન્ટરનેટ વિના રહી શકે છે પણ લોકલ ટ્રેન વિના નહીં. લોકલ સરેરાશ મુંબઈવાસીઓનું ઘર, ઑફિસ પછીનું ત્રીજું ઘર છે. ઘરની જેમ જ લોકલ ટ્રેનમાં પણ તમને શાક સમારતી બહેનો, ભજન-કીર્તન કરતાં લોકો જેવાં દૃશ્યો નિહાળવાં મળશે. ટ્રેનમાં બેઠા પછી અને ઊતરતાં પહેલાં જેટલો સમય મળે એટલામાં મુંબઈવાસી જીવી લે છે. તમે મુંબઈમાં રહેતી કોઈ પણ વ્યક્તિને ઇટલીના સોહામણા સમુદ્રકાંઠે આલીશાન વિલા અને ચર્ચગેટની ફાસ્ટ લોકલ ટ્રેનની વિન્ડો સીટ એમ બે વિકલ્પ આપો તો એ આંખનું મટકું માર્યા વિના વિન્ડો સીટ પસંદ કરશે. મુંબઈના એક મિત્રએ સપનામાં વિન્ડો સીટ આવતી હોવાનો સ્વમુખે સ્વીકાર કર્યો હતો. ઘરમાં એક બારી હોય અને બારીમાંથી બહાર આકાશ દેખાતું હોય એવાં સપનાં આવવાના મુંબઈવાસીઓને બંધ થઈ ગયાં છે. જે લોકો એવું માને છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો મોટો પડકાર છે તેઓ સાંજે છ વાગ્યાની ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનમાં અંધેરી સ્ટેશનેથી પ્રવેશી બતાવે. જો તમે ભીડને ચીરીને, શરીરનાં તમામ અંગોને સુરક્ષિત રાખીને સાંજની ટ્રેનમાં બેસી શકતા હોય તો તમારા માટે માઉન્ટ એવરેસ્ટ ‘ઠીક મારા ભૈ’ ટાઇપની જગ્યા છે. પહેલાં લોકલમાં બેસવાની જગ્યા મળી જાય તો હાશ એવું માનવામાં આવતું. હવે અંદર પ્રવેશી શકાય અને ઊભા રહેતી વખતે પકડવા માટે હેન્ડલ મળી જાય તો પણ ‘હાશ’ અનુભવી લેવાય છે. સવારે જાગીને લોકલ ટ્રેન પકડ્યા પછી અને સાંજે નોકરીએથી આવતાં લોકલ છોડ્યા પછી મુંબઈનો કોઈ પણ માણસ મોહ-માયા-મોક્ષ જેવા કોઈ પણ વિષયે કોઈ પણ નામે મેમોરિયલ લેક્ચર આપી શકે છે.
વિશ્વભરમાં મુંબઈ કદાચ એકમાત્ર એવું શહેર હશે જ્યાંના લોકો દિવસમાં સૌથી વધુ ચાલતા હોય. સરેરાશ મુંબઈવાસી પોતાના જીવનકાળમાં પૃથ્વીની ઓછામાં ઓછી એક પ્રદક્ષિણા થઈ જાય એટલું ચાલી નાખતો હશે. ઘરેથી નીકળીને સ્ટેશને પહોંચવામાં, સ્ટેશનેથી ઊતરીને નોકરી-ધંધાની જગ્યાએ પહોંચવામાં એને એટલું બધું ચાલવું પડે છે કે વાત ન પૂછો. ગુજરાતમાં રોજનાં દસેક હજાર સ્ટેપ્સ થઈ જાય એટલે માણસ હવે હેલ્થ સારી રહેશે એમ માનીને નિશ્ચિંત થાય છે. વિચાર કરો જેમના રોજનાં એવરેજ સ્ટેપ્સ પચ્ચીસ-પાંત્રીસ હજાર થઈ જતાં હોય એવાં મુંબઈવાસીઓની હેલ્થ કેવી હશે? મુંબઈમાં ચાલવું ફરજિયાત છે, થાકવાની મનાઈ છે અને જગ્યા મળતી નથી એટલે બેસવાનો સવાલ જ પેદા થતો નથી. સારું છે મુંબઈ દરિયાકાંઠે છે, નહીંતર અહીંની બહાદુર પ્રજા મોર્નિંગ વૉકમાં વાયા આફ્રિકા થઈને અમેરિકા સુધી ચાલી શકે છે. મુંબઈમાં દરિયો એટલે જ છે જેથી લોકો અટકી જાય, પણ તેઓ અટકતાં જ નથી. પાછા વળીને ફરી લોકલ પકડી લે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

ભાઈ, વાત તો સાચી છે. મુંબઈ તો મુંબઈ જ છે. અમેરિકામાં રહેતા પણ મુંબઈના ગુજરાતી લોકો — એટલે કે મારા જેવા જેઓ સાઈઠ વટાવી ગયા છે અને સાચી રીતે રીટાયર થઇ ગયા છે તેવા – જયારે પણ મુંબઈ જાય ત્યારે જુના જુના વિસ્તારો જેવા કે જાકાબ સર્કલ જ્યાં આઠ આઠ રસ્તાઓ ભેગા થાય, કાલબાદેવી, નરીમાન પોઇન્ટ, કોલાબા, વગેરે વગેરે રસ્તાઓ ઉપર ચાલતા જ રહે અને પોતાની સ્મૃતિઓ ને તાજી કરી દે છે. મુંબઈના લોકો ને નથી મોટા મોટા ફ્લેટ જોઈતા. હોય તો ઠીક છે, પણ મોટા ભાગ ની જિંદગી તેમની ઘર ની બહાર જ વીતે છે. માઈલો અને માઈલો ચાલવામાં આકસ્મિક જ બની જાય છે. આ સારો વિષય ઉભો કરી ભાઈએ લખ્યું છે. આભાર..
LikeLike