દેવિકા રાહુલ ધ્રુવ
ભીંત શબ્દ દેખીતી રીતે ‘જડ’હોવાનો અર્થ ઊભો કરે છે. કારણ કે, ભીંત બને છે ઈંટ કે પથ્થરના એક સીધાસટ ચણતરથી. તેથી સ્વાભાવિક રીતે તેના વિશે આગળ કંઈ બીજો વિચાર આવે જ નહિ. વાત તો સાવ સાચી જ છે. પણ તે છતાં આ ભીંતની આસપાસ કેટકેટલું બનતું રહેતું હોય છે?
સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે, ભીંતોની જરૂરિયાત ક્યારથી ઊભી થઈ હશે અને કેવા સંજોગોમાં થઈ હશે. એ વિશે વિચારતાં એમ લાગે છે કે, ધરતી પર માનવની હસ્તી ઊભી થઈ હશે ત્યારે જાતનાં રક્ષણ માટે, સલામતી માટે એને ભીંતોથી બાંધેલ કોઈ મુકામ અનિવાર્ય થઈ પડ્યો હશે. પછી જેમ necessity is a mother of invention તેમ ભીંતો પછી છત પણ બનાવવાનું સૂઝયું હશે.
મને લાગે છે કે, મનુષ્ય માત્રના જીવનમાં આ બંને એક અનિવાર્ય આવશ્યકતા ગણી શકાય. અલબત્ત, આદિમાનવ જંગલમાં અને પહાડો કે ગુફાઓમાં પણ જીવતો જ હતો. પણ પછી તો ધીરે ધીરે જેમ જેમ સમાજ બનતો ગયો તેમ તેમ સામાજિક,આર્થિક અને અન્ય જરુરિયાતો મુજબ એની રચના અને ઉપયોગિતામાં પણ બદલાવો આવતા ગયા હશે એમ માની શકાય.
આ વિશેના ઈતિહાસમાં ઊંડા ન ઉતરીએ તો પણ એમ લાગે છે કે, એના પાયાની વિગતો પણ રસપ્રદ તો ખરી જ. માટી,લાકડાંથી માંડીને પથ્થર,આરસપહાણ સુધીની વિવિધતા એમાં જોવા મળે છે. એટલું જ નહિ એના ઉપરની કોતરણી કે ડીઝાઈન વગેરે પણ સૌંદર્યલક્ષી બનતી ચાલી છે. તે ઉપરાંત રાજમહેલ કે કિલ્લાઓમાં બનાવેલ ભીંતો અને છત પણ જે તે સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ પાડતી દેખાય છે. બારી અને બારણાંની વાત તો આ બે પાયાની જરુરિયાત પછી આવે. આના અનુસંધાનમાં વિચાર તો એ આવે કે, પ્રકૃતિના કોપથી અથવા કહો કે, ઠંડી,ગરમી,વરસાદ કે વાવાઝોડાથી બચવા માટે જે માનવજાતે ભીંત અને છત દ્વારા રક્ષણ મેળવવા મકાન બનાવ્યું; તે જ માનવજાતે આજના યુગમાં ટેક્નોલોજીના વિકાસ સાથે નવા માપદંડો નક્કી કર્યા.
ભીંતથી ભાગલા વધાર્યા, ગોપનીયતાની જરૂર ઊભી કરી અને વૈભવમાં ઉમેરો કર્યો! હવે છત અને ભીંતોમાં ‘થર્મલ ઇન્સ્યુલેશન’ જોઈએ જ, ‘સાઉન્ડ પ્રૂફ’ વિના તો કેમ ચાલે? અને સુંદરતા માટે મજબૂત કાચની દિવાલોએ સ્થાન લીધું.
હકીકતે મુખ્ય વિસરાઈ જતી વાત તો એ છે કે, ભીંત એ માત્ર ઈમારતના પ્રાણરૂપ નથી પણ મનુષ્યના જીવનનો પણ પ્રાણ છે. તે માત્ર સ્થાપત્યનો જ ભાગ નથી પણ માનવીની સ્થિરતા અને સુરક્ષાનાં પણ પ્રતીક છે. કહેવાય છે કે, “ભીંતોને કાન છે અને છતને આંખો.”
આ લખતાં લખતાં એક જૂનો, લગભગ ૨૦૦૮નો સંવાદ અનાયાસે જ યાદ આવી ગયો. એક દિવસ દસ-પંદર મિનિટ માટે સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત શેઠને મળવાનું બન્યું હતું. તેમણે કહ્યું હતું કે “ચીલાચાલુ વિષય પર તો બહું લખાયું. કોઈ એવો વિષય પકડો કે જેના પર કશો વિચાર જ ન આવે. લખો, થૂંક પર લખો, ભીંત વિશે લખો, પથરા પર લખો.” પછી તો એ વાત સાવ વિસરાઈ ગઈ. આજે લાગે છે કે, એ વાતમાં તથ્ય હતું. કેટલાક વિષયો એવા હોય છે કે જેના પર વધુમાં વધુ વિગતો જ આપી શકાય કે ઈતિહાસમાંથી કંઈક મળી આવે તો તે આલેખી શકાય. પણ આવા જડ ગણાતા શબ્દો કે વિષયો પર કશુંક રસપૂર્ણ શું હોઈ શકે? અને આ પ્રશ્ન સાથે એક વિચાર તણખો સળવળ્યો.
આગળ લખ્યું તેમ “ભીંતને કાન હોય છે અને છતને આંખો.” ધીરે બોલ, કહેતાં દાદીમાના શબ્દો સાંભર્યા. અર્થાત, જડ કે નિર્જીવ વસ્તુઓમાં પણ,સૂક્ષ્મ અર્થમાં પ્રાણ હોય છે! વર્ષો પછી જૂના ઘરની મુલાકાતે જતાં, ભીંત પર હાથ ફેરવવાનું મન થાય છે અને તે સાથે તો એ ભીંતો કેટલું બધું કહેવા માંડે છે જાણે! સાંભળતાં સાંભળતાં કંઈ કેટલાંય પોપડાઓ ખરવા માંડે છે ને તરત નજર જાય છે ઉપર છત તરફ. એનાં નેવાંમાંથી કંઈ કેટલુંયે ટપકવા માંડે છે. કવિ શ્રી જયંત પાઠકની એક કવિતાની બે પંક્તિઓમાં આ ભાવ વ્યક્ત થાય છે. એ લખે છે કે,
“દિવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો પોપડે પોપડે ઉખડે છે.”
કવિ શ્રી શૈલેશ ટેવાણીનો એક શેર ટાંકવાનું મન થાયઃ
દૄશ્યો તમામ હોય છે ઘરની દીવાલ પર,
સ્મરણની લીલ હોય છે ભીની દીવાલ પર.
કોઈ હિંદી શાયરે છત પર પણ લખ્યું છે કે,
छत पर गुज़रे लम्हों की यादें,
मुद्दतों बाद आज छत पर आई..
અને હાં, સાહિર લુધિયાનીની પણ મર્મભરી પંક્તિઓ છેઃ
बहुत गुरुर था छतको छत होने पर
एक मंझिल ऑर बनी, छत फर्श हो गई—
પહેલાંના સમયમાં એના ઉપરથી રુઢિપ્રયોગો પણ રચાયાં છે અને બધાં જ ખૂબ અર્થપૂર્ણ. દા.ત. કોઈના ઘરમાં મુખ્ય વ્યક્તિ મરણ પામે ત્યારે કહેવાતું કે, આ ઘરનું તો છત્ર ગયું કે ઘરની છત તૂટી પડી એમ કહેવાતું. તે સિવાય પણ કેટલીક કહેવતોઃ
- છત ટપકે તો ઘરમાં પાણી ભરાય.
- છત ન હોય તો મકાન અધૂરું લાગે.
- છત છાની ન રહે.
કોઈ વ્યક્તિ અવળે રસ્તે વળી જાય કે મોટી ભૂલો કરે તેને માટે આ માણસ તો ‘ભીંત ભૂલ્યો’ એમ કહેતાં. કોઈ ખોટા કામ માટે વગોવાય તો એમ કહેવાય કે આ માણસ ‘ભીંતે ચડ્યો છે.’ કેટલાક લોકો એવા પણ હોય છે કે, પોતાની પાસે હોય કશું નહિ પણ બણગા ખૂબ ફૂંકે. એવા ખોટો દંભ કે ડોળ કરનાર વ્યક્તિઓ માટે “ભીંતમાં ભડાકા ને તાવડીમાં તડાકા’ એવો શબ્દપ્રયોગ/કહેવત/રુઢિપ્રયોગ વાપરવામાં આવે છે. તેનાથી ઊંધુ એ કે કોઈ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ગજા બહારનું પગલું ભરે અને પરિણામ બરાબર ન આવે તો ‘ભીંતમાં લાત મારીએ તો પગમાં લાગે ‘ એવી પણ કહેવત છે.
સમાપનમાં કંઈક લખું ત્યાં તો ભીંત પર જડાયેલ માની તસ્વીર દેખાઈ. એ સાથે જ નજર અનાયાસે જ છત પર ગઈ. ન જાણે એ પણ ભીંત સાથે કેટકેટલી વાતો કરતી હશે ને ભીંત અને છત સાથે એના કેટલાં સંવાદ રચાતા હશે? ખેર!
આમ, સાવ સામાન્ય લાગતાં અને જડ ગણાતાં આ બંને ઘટકો માનવજીવનમાં પ્રાણ પૂરતાં અને દરેકના જીવનમાં વણાઈ ગયેલાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભીંત ધબકતી છે અને છત છલકતી છે. બંને વચ્ચે અવિનાભાવ છે. એટલે કે, ભીંત છે ત્યાં જ છત પણ છે જ; અને એમાં જ બંનેનું જીવન સાથે જોડાયેલ સત છે.
અસ્તુ
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

saras lekh.
LikeLike